Friday, March 09, 2018

ડાબેરીઓ, જમણેરીઓ અને આપણે

ઇશાન ભારતનાં ત્રણ રાજ્યોનાં પરિણામ આવી ગયાં. તેમાં ડાબેરીઓની હાર થઈ. રાજકીય મેદાનમાં અને ખાસ તો, સત્તાકારણમાં ભારતના ડાબેરીઓ હવે નામશેષ થવાના આરે છે. અહીં એ સ્પષ્ટતા કરી લઈએ કે સરેરાશ ગુજરાતીઓ અને સરેરાશ ભાજપ-સમર્થકો જેમને 'ડાબેરી' ગણે છે, તેના કરતાં ડાબેરી રાજકીય વિચારધારા ઘણી જુદી ચીજ છે. ગુજરાતમાં અને સંઘ પરિવારના રાજકારણમાં કોમવાદવિરોધી, ગરીબતરફી વાત કરનારા બધાને 'ડાબેરી' તરીકે ખપાવી દેવાય છે. એમ કરવામાં સુખ છેઃ પછી તેમની તાર્કિક દલીલો-તાર્કિક સવાલના જવાબ ગુપચાવી શકાય છે. 'આ તો ડાબેરી છે'--એમ કહી દીધું, એટલે થયું.

ડાબેરી વિચારધારાના આદ્યપુરુષ માર્ક્સે વર્ગ (ક્લાસ) વચ્ચેના વિગ્રહનો ખ્યાલ આપ્યો. તેમાં  ક્રાંતિ માટે હિંસક થવાની છૂટ હતી. શોષણ સામે મુકાબલો કરવાની વાત સામ્યવાદની જેમ સમાજવાદમાં પણ છે. પરંતુ તેમાં હિંસા માન્ય નથી. ડાબેરી રાજકીય વિચારધારામાં ઇશ્વરનો ઇન્કાર અનિવાર્ય છે. એટલે, તેનું સગવડીયું સરળીકરણ કરીને, બધા નિરીશ્વરવાદીઓને પણ 'ડાબેરી' તરીકે ખપાવી દેવાય છે.

ભારતીય ડાબેરીઓની એક મુશ્કેલી એ રહી કે તેમનું 'પ્રેરણાકેન્દ્ર' ભારતની બહાર રહ્યું. બાકી, તેમની છાવણીમાં ઘણા કાર્યકરો-નેતાઓ પ્રખર બૌદ્ધિક અને સાચી સામાજિક નિસબત ધરાવતા હતા. ઇન્ડિયન નેશનલ પીપલ્સ થીએટર- 'ઇપ્ટા' સાથે સંકળાયેલા ઘણા ઉત્કૃષ્ટ કલાકારો, કવિઓ, લેખકો ડાબેરી હતા.

રશિયા અને ચીન—આ બંને સામ્યવાદી દેશોમાં ક્રાંતિની પ્રચારિત સફળતાએ ડાબેરી વિચારધારાને વૈશ્વિક સ્તરે માન્યતા આપી. 'ગરીબ-વંચિત નાગરિકો માટે સરકારે કશું કરવાની જરૂર નથી, વેપારઉદ્યોગોને મોકળું મેદાન આપી દો, એટલે સૌ સારાં વાનાં થશે' એવું માનનારી મૂડીવાદી વિચારધારાના ઘણા પ્રશ્નો થયા હતા. તેનાથી દાઝેલા લોકોને ડાબેરી ક્રાંતિની વાતો આકર્ષક લાગી. ભારત જેવા લોકશાહી દેશમાં વ્યાપક અસમાનતાએ ડાબેરી વિચારધારા પ્રત્યે આકર્ષણ જગવ્યું. ખાસ કરીને ભાવનાશાળી, આવેશમય યુવક-યુવતીઓ તેનાથી ઘણાં આકર્ષાયાં. હિંસાનો બાધ ન હોવો, તે પણ આકર્ષણમાં ઉમેરો કરનારું એક પરિબળ હતું.

ભારતીય ડાબેરી રાજકારણીઓની બીજી મુશ્કેલી એ રહી કે તેમણે સામ્યવાદી વિચારધારાને ભારતીય સંદર્ભે, જરૂરી ફેરફારો સાથે અપનાવવાને બદલે જેમની તેમ સ્વીકારી લીધી. બધા વાદોની ('ઇઝમ'ની) સૌથી મોટી મર્યાદા એ હોય છે કે તેમાં કંઠીના વિરોધનો વાદ હોય, તો તેની પણ એક કંઠી હોય. ભારતીય સામ્યવાદીઓએ નિરીશ્વરવાદી, ગરીબતરફી, વર્ગવિગ્રહમાં અને ક્રાંતિમાં માનતા સામ્યવાદની કંઠી પહેરી, પણ કંઠી પ્રત્યે બધાની વફાદારી જુદી જુદી રહી.

કાર્લ માર્ક્સ ભારતમાં જન્મ્યો હોત તો તેણે વર્ગભેદને બદલે અથવા તેના જેટલા જ વજન સાથે, જ્ઞાતિભેદની અચૂક વાત કરી હોત. માર્ક્સ જે વર્ગની વાત કરે છે, તેનો ભારતમાં જ્ઞાતિ સાથે સીધો સંબંધ રહ્યો છે. ભારતના ડાબેરીઓએ શોષણના-વર્ગભેદના એક મોટા કારણ જેવી જ્ઞાતિભેદની વાસ્તવિકતા મહદ્ અંશે નજરઅંદાજ કરી.

ડાબેરી રાજકીય વિચારધારામાં પણ સમય જતાં અનેક ફાંટા પડ્યા છે. તે સૂચવે છે કે કોઈ પણ વાદનો—તે સ્થાપિત, સંસ્થાકીય ધર્મ કે ઇશ્વરનો વિરોધ કરવાનો વાદ હોય તો પણ—તેનો અંજામ તો ધર્મ-સંપ્રદાયો જેવી 'ફાંટા'બાજીમાં જ આવે છે. દેખીતું ધ્યેય ભલે એક લાગે, પણ તેના રસ્તા એટલી હદે જુદા પડી શકે છે કે સાથે રહેવું અશક્ય બની જાય. એટલે તડાં પડે. ભારતીય ડાબેરીઓમાં અનેક પક્ષ છે. તેમાંથી કેટલાક ફાંટા ચૂંટણીના રાજકારણમાં સામેલ થાય છે, જ્યારે વધુ ઉગ્રપંથી એવા કેટલાક પેટાપ્રકારો (દા.ત. માઓવાદીઓ) ચૂંટણીમાં તો ઠીક, ભારતના બંધારણમાં પણ વિશ્વાસ ધરાવતા નથી.

કોઈને આશ્ચર્યજનક લાગી શકે એવો એક મુદ્દો ડાબેરી અને જમણેરી વિચારધારાઓ વચ્ચેના સામ્યનો છે. લાદેન જીવતો હતો અને અમેરિકાના પ્રમુખપદે બુશ હતા, ત્યારે હંમેશાં એવું લાગતું કે તે એકબીજાના જેટલા દુશ્મન એટલા જ સાથી છે. અમેરિકાના નવા પ્રમુખ ટ્રમ્પને જૂના દુશ્મન એવા રશિયાના પુતિન સાથે સારું ભળતું હતું. (અમેરિકાની ચૂંટણી વખતે રશિયાએ સોશિયલ મિડીયા પર પ્રચાર દ્વારા ટ્રમ્પને ફાયદો થાય એવા પ્રયાસ કર્યા હતા.) કાલે ઉઠીને ટ્રમ્પ અને કોરિયાના કિમ જોંગને ફાવવા માંડે તો નવાઈ ન લાગે.

પહેલી નજરે ડાબેરીઓ અને જમણેરીઓ એટલા સામસામા છેડે લાગે કે તેમની વચ્ચેનું કેટલુંક મૂળભૂત, 'વાયરિંગ'ને લગતું સામ્ય જલ્દી દેખાય નહીં. જેમ કે, બંનેમાં રહેલું ઝનૂન, પોતાની માન્યતા પ્રત્યેનો બદ્ધ વિશ્વાસ, તેના માટે કોઈ પણ હદે જવાની તત્પરતા, કેડર (શિસ્તબદ્ધ પાયદળ)નું જોર અને તેના જોરે થતી જીત...આ સામ્યનું તાત્ત્વિક કારણ છે બંનેના હાડમાં રહેલો અંતિમવાદ. બૌદ્ધિકતાના મુદ્દે બંને સામસામા છેડે. કારણ કે ડાબેરીઓની એક મુખ્ય તાકાત બૌદ્ધિક અભ્યાસ અને દલીલબાજી, જ્યારે ભારતના સરેરાશ જમણેરીઓમાં, સંસ્થાગત રીતે બૌદ્ધિકતાને પ્રોત્સાહિત કરવાનું ચલણ નહીં. બલ્કે, તેને હતોત્સાહ કરવાનો રિવાજ. (એટલે તો તેમણે તમામ પ્રકારની બૌદ્ધિકતા માટે ધીક્કાર ફેલાવવાની રીત અપનાવી)

ગુજરાતમાં પણ કેટલાક સન્માન્ય ડાબેરી નેતાઓ હતા. પરંતુ સમય સાથે ન બદલાવાની જીદ, વાસ્તવિકતા સાથેનો તૂટતો નાતો, બૌદ્ધિકતાનો અહમ્ જેવાં ઘણાં કારણે પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારો તથા કેરળ એ બે જ તેમના ગઢ બની શક્યા. ત્રિપુરામાં તેમની હાર માટે પણ આગળ જણાવેલાં કારણ ઉપરાંત સંઘ પરિવારની કેડરની ડાબેરી કેડર કરતાં ચઢિયાતી તાકાતને ગણાવવામાં આવે છે.

ગુજરાતમાં અને એ સિવાય પણ સામાન્ય નાગરિકોએ યાદ રાખવાની બાબત એ છે કે દેશ ફક્ત ડાબેરી અને જમણેરી એવા બે અંતિમોમાં વહેંચાયેલો નથી. ઘણા બધા લોકો વચ્ચેના વિશાળ પટમાં આવે છે. તેમને મધ્યમમાર્ગી કહી શકાય. તેમને ડાબેરી કે જમણેરી અંતિમવાદ ખપતો નથી. તે હિંદુ રાષ્ટ્રનાં કે સામ્યવાદી ક્રાંતિનાં સપનાં જોતા નથી. ધીક્કાર તેમના જીવનનું મુખ્ય ચાલકબળ નથી. તે ઇચ્છે છે કે દેશમાં તોતિંગ કૌભાંડો ન થાય, કૌભાંડીઓ સામે અસરકારક પગલાં લેવાય, રોજબરોજના વ્યવહારમાં સામાન્ય માણસને પડતી મુશ્કેલીઓ ઘટે, વંચિતો-શોષિતો માણસમાં ગણાતા થાય, મોટા ભાગની તકો ફક્ત અમુક વર્ગ પૂરતી જ તકો વહેંચાઈ જવાને બદલે અને અમુક જ વર્ગનો વિકાસ થવાને બદલે, સૌને ગરીમાપૂર્વક જીવવા જેટલું મળે.

એક જમાનામાં કૉંગ્રેસ કમ સે કમ કહેવાપૂરતું આવું ધ્યેય ધરાવતો હતો. હવે એ બાબતમાં રાજકીય શૂન્યાવકાશ છે. એક તરફ આગળ જણાવેલી તાકાત અને બીજી તરફ આશા--એ બંનેના બળે સંઘ પરિવાર-ભાજપ મહત્તમ ફાયદો મેળવી રહ્યો છે. બીજા પક્ષો પાસે બે વિકલ્પ છેઃ લોકો ભાજપથી પણ થાકી જાય તેની રાહ જોવી અથવા મધ્યમમાર્ગી વર્ગની અપેક્ષાઓ સ્વીકારવાની સમજવાની-સંતોષવાની દિશામાં કોશિશ કરવી, જેથી તેમનું ધ્રુવીકરણ થતું અટકે. અત્યારે તે પહેલા વિકલ્પ પર આશા રાખીને બેઠા હોય એવું લાગે છે. તેમની આ નિષ્ક્રિયતામાં મધ્યમમાર્ગીઓનો મરો છે.

4 comments:

  1. ડાબેરી હોય કે જમણેરી, આ બેય અંતિમવાદીઓની હડફેટે મધ્યમમાર્ગીઓ જ વધારે ચડે છે. તમે લખ્યું એમ સામસામેના છેડે બેઠેલા એ લોકો 'બીજાઓ કેમ અમારી જેમ નથી વિચારતા/વર્તતા' વાળી બાબતે એકદમ સામ્ય ધરાવે છે.

    ReplyDelete
  2. બહુ જ સરસ લેખ

    ReplyDelete
  3. Anonymous6:16:00 PM

    Pretty! This has been a really wonderful article.
    Many thanks for supplying this information.

    ReplyDelete