Monday, March 05, 2018

બૅન્કોનું રાષ્ટ્રીયકરણઃ અર્થકારણના નામે ઇંદિરા ગાંધીનું રાજકારણ

પંજાબ નેશનલ બૅન્કમાં મસમોટો ગોટાળો જાહેર થયા પછી બીજી કેટલીક બૅન્કોએ પણ પોતપોતાની ફરિયાદો સાથે સીબીઆઈના દરવાજા ખખડાવ્યા છે--અને બૅન્કોની એનપીએ (નૉન પરફોર્મિંગ અસેટ્સ—સલવાઈ ગયેલી લોન)ના તોતિંગ આંકડા જોતાં, કેટલીય બૅૅન્કો હજુ ચૂમાઈને બેઠી હશે એમ લાગે છે. આખી પરિસ્થિતિમાં પ્રાથમિક ધોરણે દોષી ગણાતી કેટલીક બાબતોમાં એક છેઃ બૅન્કોનો 'સરકારી’ (એટલે કે બિનઅસરકારક-રેઢિયાળ-ગુનાઈત ગાફેલિયત ધરાવતો) વહીવટ. ખાનગી બૅન્કો કંપનીઓની માલિકીની હોવાથી તે ચુસ્ત ધારાધોરણ ધરાવે છે. એટલે તેને આવા ફટકા પ્રમાણમાં ઘણા ઓછા પડે છે. પરંતુ સરકારી બૅન્કોમાં નોકરીની નિશ્ચિંતતા, જવાબદારી બીજા પર ઢોળી શકવાની મોકળાશ અને છેવટે તો સરકાર માઈબાપ બેઠી જ છે, એવા આશ્વાસનને કારણે   બધું નભી જાય છે.

સારી યાદશક્તિ અને નજીકના ભૂતકાળની થોડી જાણકારી ધરાવનારા કહે છે, 'ઇંદિરા ગાંધીએ બૅન્કોનું નેશનલાઈઝેશન (રાષ્ટ્રીયકરણ) કર્યું, એમાં આ બધી મોંકાણ ઉભી થઈ. બાકી, બૅન્કો હજુ ખાનગી માલિકીની હોત તો આવું ન થાત.’

વર્તમાન સમસ્યા માટે ચાર દાયકા પહેલાં લેવાયેલા કોઈ પગલાને જવાબદાર ઠેરવવું અને વચ્ચેના સમયગાળાનાં પાત્રોને નિર્દોષ જાહેર કરી દેવાં, તે સાદી સમજદારીના અભાવનું લક્ષણ છે. પરંતુ હવે અસરકારક વહીવટ માટે બૅન્કોના રાષ્ટ્રીયકરણની ચર્ચા ફરી હવામાં છે (નાણાંમંત્રીએ જો કે તેનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે) ત્યારે ઇંદિરા ગાંધીએ લીધેલા એ પગલાની જાણકારી તાજી કરી લઈએ. ખાસ તો, એ સમજવા માટે કે અર્થતંત્રને લગતાં મહત્ત્વનાં પગલાં રાજકીય ગણતરીથી અને રાજકીય દાનતથી લેવામાં આવે, ત્યારે તેનાં કેવાં પરિણામ આવે છે--ચાહે તે રાષ્ટ્રીયકરણ હોય કે નોટબંધી.

આઝાદી પછી પહેલી વાર 1967ની ચૂંટણીઓમાં કૉંગ્રેસનું મજબૂત ધોવાણ થયું. ઇંદિરા ગાંધી વડાપ્રધાન હતાં, પણ તેમની સામે મોરારજી દેસાઈ અને કામરાજ જેવા જૂના જોગીઓને અસંતોષ હતો. ચૂંટણીમાં ધારી સફળતા ન મળવાને લીધે એ વિરોધ વધારે મજબૂત બન્યો. વડાપ્રધાન બનવા ઇચ્છતા મોરારજીભાઈને (અગાઉ એકમાત્ર વાર સરદાર પટેલને અપાયેલો) નાયબ વડાપ્રધાનનો હોદ્દો આપીને શાંત પાડવામાં આવ્યા. તેમની પાસે નાણાં મંત્રાલય પણ હતું.

વડાપ્રધાન તરીકે ઇંદિરા ગાંધીએ 1967માં પક્ષ સમક્ષ દસ મુદ્દાનો કાર્યક્રમ રજૂ કર્યો. તેમાં બીજા હેતુઓ ઉપરાંત કેટલીક ખાનગી બૅન્કોના રાષ્ટ્રીયકરણની પણ વાત હતી. તેના જ વિસ્તારરૂપે 11 જુલાઈ, 1969ના રોજ વર્કિંગ કમિટીની મિટિંગમાં ઇંદિરા ગાંધીએ એવી વાત મૂકી કે 'ટોચની પાંચ-છ બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવું અથવા તેમને એવી સૂચના આપવી કે તેમના સંસાધનોનો મોટો હિસ્સો તેમણે જાહેર કાર્યો માટે અલગ રાખવો જોઈએ.’ તેમાં બૅન્કોના રાષ્ટ્રીયકરણ માટેનો આગ્રહ ન હતો.  કૉંગ્રેસમાં ડાબેરી ઝોક ધરાવતા નેતાઓ ઉપરાંત 'તરુણ તુર્ક' (Young Turk) તરીકે ઓળખાતા ચંદ્રશેખર, મોહન ધારિયા જેવા રાષ્ટ્રીયકરણના ટેકેદાર હતા, જ્યારે મોરારજીભાઈ સહિતના જમણેરી ઝોક ધરાવનારા તેના પ્રખર વિરોધી.
Morarji Desai- Indira Gandhi/ મોરારજી દેસાઈ-ઇંદિરા ગાંધી
1967માં રજૂ થયેલી દરખાસ્તના વિરોધમાં, નાણાંમંત્રી તરીકે બોલતાં મોરારજીભાઈએ લોકસભામાં બૅન્કોના રાષ્ટ્રીયકરણનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે 'તેનાથી આર્થિક વિકાસ માટેનાં સંસાધનોની ખેંચ પડશે અને બાબુશાહીમાં વધારો થશે... મૂળભૂત સમસ્યાઓમાં કોઈ ફરક નહીં પડે.’ 1968માં તેમણે બૅન્કિંગ લૉઝ (અમેન્ડમૅન્ટ) અૅક્ટ દ્વારા ખાનગી બૅન્કોના બૉર્ડ ઑફ ડાયરેક્ટર્સમાં બીજા ક્ષેત્રના લોકોને સામેલ કરવાની જોગવાઈ કરી અને દેશમાં કયાં ક્ષેત્રોને લોનની કેવી જરૂરિયાત છે તે તપાસવા માટે નેશનલ ક્રૅડિટ કાઉન્સિલની રચના કરી. પરંતુ ઇંદિરા ગાંધીને અર્થકારણ કરતાં રાજકારણની ચિંતા વધારે હતી.

રામચંદ્ર ગુહાએ તેમના વિખ્યાત સંશોધન ગ્રંથ 'ઇન્ડિયા આફ્ટર ગાંધી’માં નોંધ્યું છે તેમ, ઇંદિરા ગાંધીએ 1967 પહેલાં 'સોશિયલિસ્ટ' (સમાજવાદી) શબ્દનો ભાગ્યે જ પ્રયોગ કર્યો હશે, પરંતુ ચૂંટણી પછી અને ખાસ કરીને કૉંગ્રેસમાં જૂની નેતાગીરી તરફથી ઉભા થયેલા પડકારો પછી, તેમને નવી ઓળખની જરૂર વર્તાઈ. તેમને લાગ્યું કે અંગત સત્તા સામેની હરીફાઈને વિચારધારાકીય સ્વરૂપ આપીને એ લડાઈમાં હરીફોને પછાડી શકાય એમ છે. 1967ની ચૂંટણી પછી તેમણે સતત પોતાની ગરીબતરફી છબી ઉપસાવવાનું શરૂ કર્યું હતું. બૅન્કોનું રાષ્ટ્રીયકરણ અને દેશી રજવાડાંને અપાતાં સાલિયાણાંની નાબૂદી--આ બંને એવાં પગલાં હતાં, જેનાથી ઇંદિરા ગાંધી પોતાની છાપ નાટ્યાત્મક રીતે દૃઢ બનાવી શકે તેમ હતાં.

11 જુલાઈ, 1969ના રોજ વર્કિંગ કમિટીમાં મુકાયેલી દરખાસ્તનો ઝડપી અમલ રાજકીય કારણોથી થયો. દરખાસ્ત સ્વીકારાયાના બીજા દિવસે, 12 જુલાઈએ 'સિન્ડિકેટ'તરીકે ઓળખાતા જૂના કૉંગ્રેસીઓના જૂથે રાષ્ટ્રપતિપદ માટે નીલમ સંજીવ રેડ્ડીનું નામ ફાઈનલ કર્યું. (રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈનનું ચાલુ કાર્યકાળ દરમિયાન અવસાન થતાં, રાષ્ટ્રપતિની ચૂંટણી આવી પડી હતી.)  નામ નક્કી કરનારી સંસદીય સમિતિ પર ઇંદિરા ગાંધીનું નહીં, સિન્ડિકેટનું વર્ચસ્વ હતું. બીજી તરફ, સત્તા સ્થિર રાખવા માટે ઇંદિરા ગાંધીને રાષ્ટ્રપતિપદે પોતાનો ઉમેદવાર જરૂરી લાગ્યો. એટલે, તેમણે 13 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ --અને રાષ્ટ્રપતિના મૃત્યુ પછી કાર્યકારી રાષ્ટ્રપતિ-- વી.વી.ગીરીને અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા કર્યા (જેથી શિસ્તભંગનો આરોપ ન લાગે). પક્ષના સભ્યોને ઇંદિરા ગાંધીએ 'અંતરાત્માના અવાજ પ્રમાણે'મત આપવા કહ્યું. તેમનો ઇશારો સ્પષ્ટ હતોઃ મત પક્ષના ઉમેદવાર રેડ્ડીને નહીં, મારા ઉમેદવાર ગીરીને આપો.

સિન્ડિકેટ સાથે યુદ્ધનું સ્પષ્ટ એલાન કરતાં, 16મી જુલાઈએ ઇંદિરા ગાંધીએ મોરારજીભાઈ પાસેથી નાણાં મંત્રાલય આંચકી લીધું અને 19મી જુલાઈએ, પાંચ-છ નહીં, પણ ટોચની 14 બૅન્કોના રાષ્ટ્રીયકરણની જાહેરાત કરી દીધી. ઑલ ઇન્ડિયા રેડિયો પર તેમણે કહ્યું કે મોટી બૅન્કો જાહેર માલિકીની હોવી જોઈએ. જેથી તે ફક્ત મોટા ઉદ્યોગપતિઓને લોનો આપવાને બદલે લાખો ખેડૂતો, કારીગરો અને સ્વરોજગાર મેળવતા લોકોને લોન આપી શકે. એ નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો. અદાલતે વાંધાને માન્ય રાખ્યો, પણ સરવાળે રાષ્ટ્રપતિના વટહુકમ અને સંસદમાં બહાલી પછી ઇંદિરા ગાંધીનું ધાર્યું થઈને રહ્યું.

જનસામાન્યમાં આ પગલું ભારે લોકપ્રિય બન્યું. જાણીતા લેખક ખ્વાજા અહમદ અબ્બાસે તેમના પુસ્તક 'ધેટ વુમન’માં નોંધ્યું છે તેમ, આ જાહેરાત પછી કામદારો, કર્મચારીઓ, રીક્ષાચાલકો, સ્કૂટચરચાલકો, કારીગરો, વિદ્યાર્થીઓ અને આવા અનેક લોકોએ રાષ્ટ્રીયકરણના તથા ઇંદિરા ગાંધીની કથિત ગરીબતરફી નીતિના સમર્થનમાં સરઘસો કાઢ્યાં. પછીના વર્ષે ઇંદિરા ગાંધીએ વહેલી ચૂંટણીઓ જાહેર કરી દીધી અને 'ગરીબી હટાવો'ના નારા સાથે બૅન્કોના રાષ્ટ્રીયકરણના પગલાને પોતાના નક્કર ગરીબલક્ષી પગલા તરીકે ખપાવી દીધું.

બૅન્કોના રાષ્ટ્રીયકરણથી બેશક વધુ લોકો સુધી બૅન્કની સેવાઓ પહોંચી. 1,100 નવી શાખાઓ ખુલી, લઘુઉદ્યોગો અને ખેતીના મળતા ધીરાણની ટકાવારી સાવ મામુલીમાંથી વધીને 1972માં 26.1 ટકાના અપૂરતા છતાં પહેલા કરતાં ઘણા વધારે દરે પહોંચી. આ હકીકતોને રાષ્ટ્રીયકરણના ફાયદા તરીકે ગણાવી શકાય. પરંતુ ઇંદિરા ગાંધીનો મુખ્ય આશય પોતાના રાજકીય ફાયદાનો હોવાથી તેમણે રાષ્ટ્રીયકરણ પછી બૅન્કોની કાર્યક્ષમતાને ચુસ્ત કરવા પર ધ્યાન આપ્યું નહીં. પરિણામે, રાષ્ટ્રીયકૃત બૅન્કો ખાનગી બૅન્કો જેવી શિસ્ત અને કાર્યક્ષમતા આણી શકી નહીં. 

1 comment:

  1. Hiren Joshi USA11:49:00 PM

    Nice piece of information on Indira Gandhi era of 60s and 70s. Enjoyed reading Morarji-Indira conflict and tug of war related to Finance. If coal and iron-steel industries were included in your story it would have completed the whole picture on Nationalization or Socialism.

    ReplyDelete