Friday, January 26, 2018

પ્રજાસત્તાકમાં જોઈએ છેઃ નાગરિક‘સેના’

એક વાર્તાઃ a નામનું એક નગર હતું. તેમાં b નામનો રાજા રાજ કરતો હતો. તેની c નામની રાણી હતી. તે અત્યંત રૂપાળી હતી. તેના રૂપ વિશે x નામના સુલતાનને ખબર પડી. તેણે a નગર પર ચઢાઈ કરી, b રાજાને પકડી લીધો, પણ તેની રાણીને પામી શક્યો નહીં. રાણી c એ બીજી સ્ત્રીઓ સાથે મૃત્યુને ભેટી. સુલતાન x હાથ ઘસતો રહી ગયો.

કેવી લાગી ઉપરની વાર્તા? જેમને એ નિર્દોષ અને બિનવાંધાજનક લાગી હોય, તેમને જણાવવાનું કે આ વાર્તા વાંચીને
1) ગણિતશાસ્ત્રીઓની લાગણી દુભાઈ શકે છે. કેમ કે તેમાં ગણિતમાં વપરાતાં a,b,c,x,y,zનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

2) તેનાથી અંગ્રેજી ભાષાપ્રેમીઓની લાગણી દુભાઈ શકે છે. કારણ કે તેમાં અકારણ અંગ્રેજી મૂળાક્ષરો (આલ્ફાબેટ)ને ઘસડવામાં આવ્યા છે.

3) ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને પ્રતિષ્ઠાના સંરક્ષકો તેનાથી દુભાઈ શકે છે. કારણ કે આર્યાવર્તનું ગૌરવ કરતી એક વાર્તામાં a,b,c,x,y,z જેવાં નામ અપાયાં છે. એ તો ચોખ્ખો ભારતવર્ષની મહાતાનો ઇન્કાર નથી?

4) અને પદ્મિની ઉર્ફે પદ્માવતી ઉર્ફે પદ્માવત ફિલ્મના વિરોધીઓ તો ખરા જ ખરા. એમ નામ ભૂંસી કાઢવાથી મૂળ કથાનો મહિમા અને તેમનો દુભાવાનો અધિકાર થોડા જતા રહે છે?
***

એક લઘુકથાઃ ચોતરફથી યુદ્ધનાદ ઉઠ્યા, ગૌરવ અને પ્રતિષ્ઠા હોડમાં મુકાયાં હતાં. જાણે છેલ્લું યુદ્ધ લડવાનું હોય તેમ લોકોએ હડી કાઢી, જે આવ્યું તે હાથમાં લઈને મેદાને પડ્યાં, આગના ભડકા અને ધુમાડાથી વાતાવરણ ભરાઈ ગયું, ભીષણ ખખડાટનો અવાજ સર્વત્ર વ્યાપી રહ્યો…
--પછી યુદ્ધનાયકે કહ્યું, ‘ચાલો, આ થિએટરનું કામ પૂરું થયું. હવે તે ફિલ્મ બતાવવાની હિંમત નહીં કરે.’

***
પ્રજાસત્તાક ભારતનો 69મા પ્રજાસત્તાક દિવસે વધુ એક વાર કેટલાક પાયાના અને વ્યાપક મહત્ત્વ ધરાવતા સવાલ ઉભા થયા છે. એને ગાલીચા તળે સંતાડતા રહીને પ્રજાસત્તાકની ઉજવણી કરવી એ બંધારણના હાર્દનો દ્રોહ ગણાય.

દેશ એટલે દેશનું બંધારણ અને તે જેમની સુખાકારી માટે ઘડવામાં આવ્યું છે તે દેશના લોકો. પરંતુ સૌથી અગત્યનો સવાલ છેઃ ‘દેશના લોકો’ એટલે કોણ? ‘પદ્માવત’ ફિલ્મનો ઉગ્ર અને કાયદોવ્યવસ્થા હાથમાં લઈને વિરોધ કરી રહેલા ‘લોકો’ કે સેન્સર બોર્ડે પાસ કરેલી અને સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારોના જેની સામેના મનાઈહુકમો ફગાવી દીધા છે એવી ફિલ્મ ‘પદ્માવત’ શાંતિપૂર્વક રજૂ થાય એમ ઇચ્છતા ‘લોકો’? તોફાન મચાવીને પાટીદારો માટે અનામત માગતા ‘લોકો’ કે તેમની માગણીનો તાર્કિક અને તોફાન કર્યા વિના વિરોધ કરતા ‘લોકો’? આ બે ફક્ત ઉદાહરણ છે. એક તરફ કાયદો-વ્યવસ્થા-ન્યાયતંત્ર-બંધારણ હોય અને બીજી તરફ તેની ઐસીતૈસી કરીને પોતાનું ધાર્યું કરાવવા મથતા લોકો--આવી યાદી બનાવવા બેસીએ તો પાર ન આવે.

લોકશાહીમાં વિરોધી મત તો રહેવાના. તેમની વચ્ચે શાબ્દિક અને ક્યારેક તેનાથી આગળના સ્તરની અથડામણ પણ થઈ શકે. એ વખતે લોકશાહી અને પ્રજાસત્તાકના હાર્દનું રક્ષણ કરવાનું કામ સરકારનું છે. સરકારે નક્કી કરવું પડે કે કયા ‘લોકો’ના પક્ષે જોરજબરાઈ, દાંડાઈ, કાયદા-બંધારણની ધરાર અવગણના છે અને કયા ‘લોકો’ કાયદાની-બંધારણના હાર્દની હદમાં રહીને પોતાની વાત રજૂ કરે છે.

જેમ ફિલ્મથી એક જૂથની લાગણી (ફિલ્મ જોયા વિના જ) દુભાઈ છે, તેમ ફિલ્મ અટકાવવાના પ્રયાસોથી બીજા જૂથની લાગણી દુભાઈ છે. પહેલું જૂથ ધમાલ ને તોડફોડ કરે છે, તો સરકાર તેને અટકાવવાને બદલે તેને આડકતરી રીતે થાબડે છે, તો બીજા જૂથની વાત સરકાર ક્યારે કબૂલ રાખશે? તે પહેલા જૂથ કરતાં વધારે હિંસા ને વધારે તોડફોડ કરે તો? કાયદોવ્યવસ્થાના બહાના હેઠળ કાયદોવ્યવસ્થાના ભંગને ઉત્તેજન આપતી વખતે સરકારને શરમ તો નથી જ આવતી, નાગરિકોને પણ વાંધો નથી પડતો? વાંધો બતાવવા માટે ભાંગફોડ કે ધમાલ કરવાની જરૂર નથી. પણ કાયદાની હદમાં રહીને વાંધો રજૂ ન કરાય, તો નાગરિકો પણ સરકારની તકવાદી કાયરતામાં આડકતરા હિસ્સેદાર નહીં બને?

આને હિંદુ-મુસલમાનનો કે રાજકીય વફાદારીનો મુદ્દો બનાવવા જેવો નથી. ભાજપ હોય કે કૉંગ્રેસ, સ્વાર્થી સરકારો નાગરિકઅધિકારોને આવી જ રીતે દબાવવા માટે ને પોતાના મત સાચવવા માટે પ્રયત્ન કરવાની. સલમાન રશદીની નવલકથા ‘સેતાનિક વર્સીસ’ સામે કૉંગ્રેસી સરકારે આવી જ રીતે મુસ્લિમ રૂઢિચુસ્તોની લાગણી સાચવવા માટે પ્રતિબંધ મૂક્યો હતો. કૉંગ્રેસે કર્યાં હતાં એ બધાં પાપનો ક્વોટા તેના કરતાં ઘણી વધારે ઝડપે, ઘણા ઓછા સમયમાં પૂરો કરી લેવાનો ભાજપનો ઇરાદો છે? અને સામસામા રાજકીય પક્ષો પોતે ખોટું કરીને સામેના પક્ષે કરેલું ખોટું દેખાડ્યા કરે, તેમાં નાગરિક તરીકે આપણું બેવડું નુકસાન નથી? આપણા માટે પછી વિકલ્પ જેવા વિકલ્પ તો રહેતા જ નથી. આ તો x નો ભાઈ y એવી જ વાત ન થઈ? ( x અને yની જગ્યાએ યોગ્ય વિશેષણો તમે ધારી જ શકશો)

વર્ષો પહેલાં બિહારમાં રણવીરસેના દલિતવિરોધી હિંસા માટે કુખ્યાત હતી. મહારાષ્ટ્રમાં સરકારોની ગરજાઉ કાયરતાને કારણે શિવસેનાની દાદાગીરી ચાલી અને ફુલીફાલી. ગુજરાતમાં પાટીદારોએ અનામતના નામે શક્તિપ્રદર્શન કર્યું, રજપૂતોની કરણી સેના તેમની ધોરાજી હંકારે છે...અને ‘ભારતમાતાકી જય’ના પોકાર પાડનારા કોઈની લાગણી દુભાતી નથી? સરકારોની અને રાજકીય પક્ષોની દેશની અખંડિતતાના પાયામાં ઘા કરનારી માનસિકતા સામે વાંધો પાડવાને બદલે, નાગરિકો પણ રાજકીય પક્ષોની જ છાવણીઓમાં વહેંચાઈ જાય છે.

આ રસ્તે તો સરદાર પટેલે પ્રાંતવાર એક કરેલાં રજવાડાંને જ્ઞાતિવાર  કે ધર્મવાર નવેસરથી પેદા કરવા જેવું થશેને? એ વખતે જરૂર લાગે છે એક અહિંસક નાગરિકસેનાની, જે સંગઠન તરીકે નકલી રાષ્ટ્રવાદ કે નકલી સેક્યુલરિઝમને બદલે, જ્ઞાતિવાદ અને મિથ્યાભિમાનને બદલે રાષ્ટ્રહિતની સમજણ વિકસાવે. તેની રાષ્ટ્રની વ્યાખ્યા કોમવાદ, ધાર્મિક સંકુચિતતા, શુદ્ધ આર્યત્વના હિટલરી ખ્યાલો કે પરિવારવાદના પ્રદૂષણથી મુક્ત હોય.

રાજકીય પક્ષો આ નહીં કરે ને શક્ય હશે તો થતું અટકાવશે. પ્રજાસત્તાકને નેતાસત્તાક કે જ્ઞાતિસત્તાક કે ધર્મસત્તાક બનતું અટકાવવા નાગરિકોએ જ વિચારવું અને કરવું પડશે.

2 comments:

  1. Anonymous7:07:00 PM

    તાજેતરમાં કરણી સેના અને તેના સહયોગી પક્ષોએ જે રીતે તોફાનો અને બસોને આગ લગાડી તેના પેસેન્જરો સાથે કાળો કેર વર્તાવ્ય છે અને કાયદો અને વ્યવસ્થા નાં ધજાગરા ઉડાવ્યા છે તે અક્ષમ્ય છે, તેમના નેતાઓની પોલીસે ધરપકડ તો કરી છે પણ તેમના પર કાયદેસર પગલા લેવાશે તે જોવાનું છે.
    હિન્દુસ્તાનમાં જોકે આ કઈ નવી નવાઈનું નથી પણ આજના ટીવી અને સોશિયલ મીડિયાના પ્રભાવે જે મહત્વની કહો કે ભડકાવતી હકીકતો નજરો નજર જનતાને બતાવે છે ત્યારે .બધાજ ચોંકી જાય છે અને બીક પણ એટલીજ લાગે છે કે શું બની રહ્યું છે!
    સમાચારપત્રો,ટીવી અને રાજકીય પક્ષો જાહેર નિવેદનો પર ઉતરી આવે છે અને સરકારને ગાળો ભંડાવાનું કામ કરે છે અને પાણીમાંથી પુરા કાઢી આગળ પાછલા જમાનાની વાતો દોહરાવીને તેઓ બળતામાં ઘી હોમવાનું કામ કરે છે.
    ટીવી પર આવી મુચ્છઓ પર તાવ દેતા અને એકબ્જીને પડકારતા બધા જ પક્ષ ના નેતાઓ એક બીજા પર આરોપ મુકતા રહે છે પણ પ્રશ્નોનો નિકાલ કે ઉકેલ કેમ કરવો તે તદ્દન ભૂલી જાયછે કે કોઈ સુઝાવ આપી નથી શકતા.
    હિન્દુસ્તાન દેશ વસ્તીથી ભરપુર અને લોકતંત્રમાં માનતો દેશ છે અને કેટલાય મફતિયા અને બેકાર લોકો જેમને નાગરિક તરીકે ની ફરજની પણ ભાન નથી તેઓ હવે તો વારંવાર બંધારણની વાતો કરી સાચી વાત સમજવાને તૈયાર નથી
    આજે લગભગ સાત દશક સ્વતંત્રતાને મળ્યા થઇ ગયા, દેશના જવાબદાર નાગરિકો લોકોએ પોતાની રીતે હોંશ, મહેનત અને ઉદ્યમ કરીને દેશના તંત્રને
    ઉદ્યોગ અને વ્યાપારને ઉત્તેજન આપ્યું જ છે. ઘણી ક્ષતિઓ અને ખામીઓ પણ રહી છે પણ લોકોમાં એ રીતે કોઈ નિરાશા નથી અને સજાગ નાગરિકો પોતાની રીતે કામ કરે જાય છે અને સારા નરસા લોકોને પણ પ્રજાસતાક બધારણમાં જે છે તે મુજબ ચુંટણીયોમાં પોતાના મુખિયા તરીકે ચૂંટી પણ કાઢે છે,
    જેમને ચુંટણીયોમાં જીતાડ્યા છે તેમને સત્તા મળતા પોતાના ગજવા ભરવામાં પણ
    કમી નથી રાખી લોકોને થોડી ખેરાતો અને લાલચો આપી દરેક વખતે ગાજર બતાવ્યા છે. લોકો પણ પોતાની નાગરિક ફરજો પોતાના અંગત સ્વાર્થને લીધે
    ભૂલતા પણ રહ્યા છે. આમ આ પ્રજાસત્તાકનું કોકડું ગૂંચવાતું ચાલતું રહ્યું છે.
    વાણી સ્વતંત્રતાની મોટી મોટી વાતો કરવાનું પણ કોઈ ચુકતા નથી, પોતાનામાં
    કેટલા દુર્ગુણો ભર્યા પડ્યા છે તેમને સુધારવા નથી.
    જે ઘણું સારું કામ થાય છે અને થયું છે તેની લોકોએ બહુ ઓછી નોધ લીધી
    હોય તેવું વારંવાર નજરે પડે છે.
    જાતિવાદ,નાતજાતના ભેદને બધાજ રાજકીય પક્ષો હાથો બનાવીને પોતાના રોટલા શેકતા રહ્યા છે. કહેવાતા નવયુવાન નેતાઓ જેમના પર લોકોની આશા બંધાતી હોય છે તે પણ દિવસો વિતતા જાડા ને તગડા શરીરે થતા જતા હોઈને
    તેમની બુદ્ધિ પણ કટાઈ જાય છે અને જર જમીન ભેગી કરવામાં માંડ્યા પડ્યા હોય છે,’દેશ સેવાની તો ઐસી તૈસી’ લાલુ પ્રસાદ યાદવ તેનો જીવતો જાગતો
    દાખલો પૂરો પડે છે. તાજેતરમાં ગુજરાતમાં રાજકીય તખ્તા પર આવેલા જે યુંવાનેતાઓ ઉભર્યા છે અને લડત ચલાવે અને કેટલાય હુંકારા કરે કરે તેમનો ફુગ્ગો ક્યારે હવાઈ જશે તે જોવાનું રહ્યું. તેઓ બધા જે રીતે ‘અભિમાન’ થી મોટી મોટી વાતો કરી લોકોને બહેકાવાની વાતો વાતો કરે છે તે જ બતાવે છે કે તેઓ
    કેટલા પાણી માં છે.
    તમે નાગરિકસેના જેવું નામ આપી ને જે વાત કરી છે તે વિષે આ મારું નમ્ર
    નિવેદન રજુ કર્યું છે.

    ReplyDelete
  2. Anonymous11:15:00 AM

    Too good. Very true.

    ReplyDelete