Sunday, January 07, 2018

કોરેગાંવની લડાઈઃ ઇતિહાસ-માન્યતાની ભેળસેળ

જાન્યુઆરી 1, 1818. સ્થળઃ ભીમા નદીના કાંઠે આવેલું કોરેગાંવ./ Bhima-Koregaon  ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ટુકડીઓ પર પેશ્વા બાજીરાવના લશ્કરે હુમલો કર્યો. કંપનીની ફોજમાં બીજા સિપાહીઓ ઉપરાંત અસ્પૃશ્ય ગણાતા મહારો પણ હતા. એક દિવસની લડાઈમાં ભૂખ-તરસ-થાક વેઠીને કંપનીના સૈનિકોએ મોરચો ટકાવી રાખ્યો અને પેશ્વાની ફોજને જીતવા ન દીધી. આ લડાઈ 'બેટલ ઑફ કોરેગાંવ'તરીકે ઓળખાઈ. આ લડાઈમાં ભાગ લેનાર અને મૃત્યુ પામનાર સૈનિકોના માનમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કોરેગાંવમાં એક સ્મારક ઉભું કર્યું. તેમાં મહાર સૈનિકોનાં પણ નામ છે.
Victory Pillar, Bhima Koregaon / ભીમા કોરેગાંવનો વિજયસ્તંભ

આટલી હકીકત નિર્વિવાદ છે. તેના આધારે ડો.આંબેડકરે 1927માં, સંભવતઃ પહેલી વાર,  કોરેગાંવના સ્મારકની મુલાકાત લીધી અને (તેમના ચરિત્રકાર ધનંજય કીરની નોંધ પ્રમાણે) સ્મારકની સામે સભા યોજી. અહીંથી ઇતિહાસના આટાપાટા શરૂ થાય છે, જે 1 જાન્યુઆરી 2018ના રોજ, કોરેગાંવની લડાઈનાં બસો વર્ષની ઉજવણી અને એ નિમિત્તે ફેલાયેલી અશાંતિ સુધી પહોંચ્યા છે.

સૌથી પહેલાં વાત અસલી લડાઈની. મોટા ભાગનાં લખાણોમાં એવો દાવો જોવા મળે છે કે પેશ્વાના 28,000ના સૈન્યને 500 મહાર સૈનિકોએ એક જ દિવસમાં હરાવી દીધા. આ વિષયવસ્તુ પરથી તૈયાર થઇ રહેલી હિંદી ફિલ્મ '500: અ બૅટલ ઑફ કોરેગાંવ'નું 2012માં મુકાયેલું ટ્રેલર પણ યુટ્યુબ પર જોવા મળે છે.


500ની ટુકડી 28,000ના સૈન્યને હરાવે એ વાત, ગમે તેવી બહાદુરી સ્વીકાર્યા પછી પણ ગળે ઉતરે એવી નથી. છતાં મોટા ભાગનાં લખાણોમાં તેનું જ રટણ જોવા મળે છે. બીજી તરફ, ચોક્સાઈના અભાવ માટે બદનામ વિકીપીડીયા આ બાબતમાં સૌથી તાર્કિક અને આધાર સહિતની માહિતી પૂરી પાડે છે.

જેમ કે, ‘વેલિંગ્ટન્સ કેમ્પેઇન્સ ઇન ઇન્ડિયા’ પુસ્તકને ટાંકીને તેમાં જણાવાયું છે કે પેશ્વાનું સૈન્ય કુલ 28,000 હજારનું હતું. તેમાંથી કોરેગાંવની લડાઈમાં આશરે 2,000 સૈનિકો ઉતર્યા હતા અને યુદ્ધમાં ઉતરેલા સૈનિકોને સતત કુમક પૂરી પાડવામાં આવતી હતી. બૉમ્બે પ્રેસિડેન્સીના ગેઝેટિયરને ટાંકીને તેમાં નોંધાયું છે કે કંપનીની ટુકડી પર આક્રમણ કરનાર સૈન્યમાં પાયદળના 600 સૈનિકોની એક એવી ત્રણ ટુકડીઓ હતી. મતલબ, 1,800 સૈનિકો.  ઉપરાંત, પેશ્વાના સૈન્ય પાસે પણ ઘોડેસવારો અને બે તોપ હતી. આમ, પેશ્વાના પક્ષે 1800-2000 જેટલા સૈનિકો લડાઈમાં સામેલ હતા.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ નજીકના સ્થળ શિરુરથી 834 સૈનિકો મોકલ્યા હતા. તેમાં બોમ્બે નેટિવ ઇન્ફન્ટ્રીની પહેલી રેજિમેન્ટના 500 સૈનિકો ઉપરાંત300 ઘોડેસવાર અને દેશીવિદેશી તોપચીઓ પણ હતા. આ આંકડો ગેઝેટિયર અને જેમ્સ ગ્રાન્ટ ડફના 1826માં લખાયેલા પુસ્તક 'A History of the Mahrattas’ને ટાંકીને આપવામાં આવ્યો છે.

ટૂંકમાં, મામલો 28,000 વિરુદ્ધ 500નો નહીં, (આશરે) 2000 વિરુદ્ધ 834નો હતો. આ સંખ્યા ગળે ઉતરે એવી છે. સાથોસાથ, તેમાં કંપનીના સૈનિકોની બહાદુરીનો પણ પૂરો ખ્યાલ આવે છે.

પરંતુ કંપનીના સૈન્યમાંથી બધેબધા સૈનિકો મહાર હતા? ઘણાં લખાણોમાં એવી છાપ ઉભી કરવામાં આવી છે કે તેમાંથી બધા અથવા મોટા ભાગના સૈનિકો મહાર હતા. તે જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા પેશ્વાના સૈન્ય સામે (સામાજિક અન્યાયનો બદલો લેવાના) ઝનૂનથી લડ્યા. માટે, આ યુદ્ધ અને તેમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય વાસ્તવમાં મહારોની બ્રાહ્મણવાદ-જ્ઞાતિવાદ સામેની જીત ગણાવી જોઈએ.

આ અર્થઘટન માનવું ગમે તેવું હોવા છતાં, એ વાસ્તવથી ઘણું દૂર અને સમય સમયના રાજકીય પ્રવાહોથી રંગાયેલું જણાય છે. સૌથી પહેલાં વાત મહારોની સંખ્યાની. એમાં બેમત નથી કે અંગ્રેજોએ અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિઓને સૈન્યમાં સ્થાન આપ્યું અને મહારોની બહાદુરી-વફાદારીને પ્રમાણી. પરંતુ કોરેગાંવના યુદ્ધમાં કંપનીના સૈન્યમાં મહારો ઉપરાંત રજપુતો, મુસ્લિમો, મરાઠા અને યહુદીઓ પણ હતા. એવી જ રીતે, પેશ્વાના પક્ષમાં મરાઠા ઉપરાંત આરબો અને ગોસાંઈઓની ટુકડીઓ પણ હતી.

યુદ્ધમાં કંપનીનું સૈન્ય પેશ્વાના સૈન્ય કરતાં અડધાથી પણ ઓછું હતું. પરંતુ તે સૈન્યે ભારે બહાદુરી બતાવી અને પાણી સુદ્ધાં મળે નહીં તો પણ આખો દિવસ મોરચો ટકાવી રાખ્યો અને પેશ્વાના સૈન્યને ખાળ્યું. એક દિવસના અંતે કંપનીના સૈન્યમાંથી મૃતક-ગુમ થયેલા-ઘાયલની કુલ સંખ્યા 275 હતી. તેમાંથી મૃત્યુ પામેલા 49ના માનમાં કંપનીએ કોરેગાંવમાં સ્મારક બનાવ્યું. એ નામોમાંથી 22 નામ (તેમની અટક પરથી) મહારોનાં જણાય છે. એટલે જતે દિવસે એ સ્મારક મહારોનું અને પછી દલિતોનું વિજય સ્મારક બન્યું. અલબત્ત, આ લડાઈથી પેશ્વાઈનો અંત આવ્યો તેમ કહેવું ભારોભાર અતિશયોક્તિ છે. કેમ કે, ઇતિહાસની રીતે એક દિવસની આ લડાઈ અંગ્રેજોની મરાઠા સત્તાને ખતમ કરવાની લાંબી ઝુંબેશના અંતિમ તબક્કાનો (ત્રીજા એન્ગ્લો-મરાઠા યુદ્ધનો) એક ભાગ હતી.

ડો.આંબેડકરે કોરેગાંવની મુલાકાત લીધી ત્યારે તેમનો આશય મહારોની બહાદુરીને બિરદાવવાની સાથોસાથ અંગ્રેજ સરકારને ઠપકારવાનો પણ હતો. કારણ કે, અંગ્રેજોએ (અસ્પૃશ્યતા પાળતા કથિત ઉપલી જ્ઞાતિના સૈનિકોને સંતોષવા માટે) 1892થી સૈન્યમાં મહારોની ભરતી બંધ કરી દીધી. ઘણી રજૂઆતો છતાં કશું ન વળ્યું. પણ 1917માં પહેલા વિશ્વયુદ્ધ વખતે ગરજ પડી, એટલે અંગ્રેજોએ ફરી મહારોને સૈન્યમાં લેવાનું શરૂ કર્યું. જેવી ગરજ પૂરી થઈ કે 1921માં ફરી મહારોની ભરતી અટકાવી.  અંગ્રેજોની આવી નીતિ વિશે ડો.આંબેડકરનું યાદગાર વિધાન હતુંઃ અંગ્રેજો માટે કોઈ કાયમી મિત્ર નથી ને કાયમી શત્રુ પણ નહીં. તેમના માટે જો કંઈ કાયમી હોય તો એ છે તેમનો સ્વાર્થ.

કોરેગાંવ સ્મારકની 1927ની મુલાકાત વખતે તેમણે એમ પણ કહ્યું કે મહાર સૈનિકો બ્રિટનના પક્ષે લડે એ કંઈ અભિમાન લેવા જેવી બાબત નથી એ સાચું છે. પણ એ લોકો અંગ્રેજો પાસે શા માટે ગયા? ઉજળિયાત ગણાતા હિંદુઓએ તેમની સાથે પશુતુલ્ય વ્યવહાર કર્યો તે માટે? પેટ ભરવા માટે તેમની પાસે કંઈ પણ સાધન ન હોવાથી નાઇલાજે તેઓ બ્રિટિશ સેનામાં ભરતી થયા, એ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ, એવું પણ આંબેડકરે કહ્યું. ભાષણના અંતે, સેનામાં મહારોની ભરતી ફરી શરૂ ન થાય તો સરકાર વિરુદ્ધ ચળવળની ચેતવણી પણ તેમણે આપી. (ડો.આંબેડકરઃ જીવન અને કાર્ય, ધનંજય કીરનો ગુજરાતી અનુવાદ, પૃ.74-75)

એક વાર કોરેગાંવ સ્મારક સાથે દલિત ઓળખ અને અસ્મિતા જોડાયાં, એટલે તેના ઇતિહાસમાં દંતકથાનો રંગ ભળતો ગયો. વાસ્તવમાં કોરેગાંવની લડાઈ દલિત સૈનિકોની બહાદુરી અને શૌર્ય દર્શાવતો અપવાદરૂપ કિસ્સો નથી. છેક શિવાજીના સમયથી મહારોની બહાદુરી-વફાદારીના ગુણ નોંધાયેલા છે. અંગ્રેજોએ તેમને ત્રણ વાર (છેલ્લે બીજા વિશ્વયુદ્ધ વખતે 1941માં, વાઇસરોયની સંરક્ષણ સલાહકાર સમિતિના સભ્ય ડો.આંબેડકરની ભલામણથી) ફક્ત મહારોની જ નહીં, અસ્પૃશ્ય ગણાતી તમામ જ્ઞાતિઓમાંથી સૈન્યભરતી કરી અને 1941માં મહાર રેજિમેન્ટની સ્થાપના થઈ.  તેના પ્રતિકમાં વચ્ચે કોરેગાંવના સ્મારકને પણ મૂકવામાં આવ્યું હતું. આગળ જતાં એ રેજિમેન્ટને તમામ જ્ઞાતિઓ માટે ખુલ્લી કરી દેવાઈ અને પ્રતિકમાં કોરેગાંવના સ્મારકની જગ્યા એવો જ આકાર ધરાવતા ઉભી કટારીએ લીધી.
Dr Ambedkar with soldiers of Mahar Regiment/ મહાર રેજિમેન્ટના સૈનિકો સાથે ડો.આંબેડકર
એક એવું યુદ્ધ, જેમાં દેશના દુશ્મન અંગ્રેજોના પક્ષે, બ્રાહ્મણવાદી માનસિકતાનો શિકાર બનેલા થોડા મહાર સૈનિકો, પસંદગીપૂર્વક નહીં પણ નોકરીના ભાગરૂપે, બહાદુરીથી લડ્યા, અંગ્રેજોને અનુકૂળ થવા ને લડાઈ ટાળવા મથતા પેશ્વાનું સૈન્ય પણ સામે લડ્યું, લડાઈની એકાદ સદી પછી તેનું નવેસરથી અર્થઘટન થયું અને છેલ્લાં વર્ષોમાં દલિત અસ્મિતા સાથે તે એવું સંકળાયું કે આ વર્ષે મહારાષ્ટ્ર સરકારે કોરેગાંવ યુદ્ધની દ્વિશતાબ્દિને 'વિજય દિવસ'તરીકે ઉજવવાનું જાહેર કર્યું.  એ દિવસે દલિતો પર હુમલાના આરોપના પગલે અશાંતિ પણ ફેલાઈ.

હવે, કોરેગાંવની લડાઈનો ઇતિહાસ ગૌણ છે અને તેનું પ્રતિકાત્મક મહત્ત્વ મુખ્ય.

2 comments:

  1. અદભૂત સંશોધનાત્મક લેખ

    ReplyDelete
  2. ખરેખર, ઘણી મેહનત પછી આ લેખ લખાયો હોય એવું લાગે છે અને એમાં પણ એકદમ યોગ્ય સમયે લખાયેલ છે. ખૂબ સારું કાર્ય.

    ReplyDelete