Saturday, March 17, 2018

વાદની વાડાબંધી અને રાજકારણ


ફિલસૂફીનો પ્રશ્ન છેઃ ઈશ્વરે માણસને પેદા કર્યો કે માણસે ઈશ્વરને? પણ ફિલસૂફો માટે રહેવા દઈએ. આપણને સ્પર્શતો સવાલ છેઃ વાદે માણસને પેદા કર્યો કે માણસે વાદને? વધુ સાચી રીતે પૂછીએ તો, વાદ માણસને ઘડે કે માણસ વાદને

સામાજિક સિદ્ધાંતો અને સુધારામાંથી વિવિધ ધર્મ-સંપ્રદાય ઉભા થયા, આર્થિક અને રાજકીય સિદ્ધાંતોના આધારે ડાબેરી-જમણેરી વિચારધારાઓ અસ્તિત્ત્વમાં આવી. રાજકીય-આર્થિક વિચારધારાઓમાં પણ સામાજિક મેળવણ તો રહેવાનું. કારણ કે રાજકારણ હોય કે અર્થકારણ, તેની પટકથાઓ ભજવાય છે સમાજના મંચ પર.
ધર્મની જેમ વિચારધારાનો એકમ પણ એકલદોકલ માણસ નહીં, સમુહ છે. અકબર ઇતિહાસમાં ભલે ગ્રેટકહેવાતો હોય, પણ (પ્રચલિત વિગત પ્રમાણે) તેનો ધર્મ બિરબલ સિવાય બીજા કોઈએ સ્વીકાર્યો નહીં. માથાં થયાં એટલે વિચાર ગમે તેટલો ઉમદા હોય તો પણ તે ધર્મનું રૂપ લઈ શક્યો. બીજી તરફ, ખુદ ગાંધીએ કહ્યું કે ગાંધીવાદ નથી. છતાં, માથાં થઈ ગયાં હતાં, એટલે ગાંધીવાદ ચાલ્યો.

આમ, વાદ હોય કે ધર્મ, માથાં જોઈએ. માથાં એટલે માણસો. માણસોનો સમુહ એટલે સમાજ. સમાજમાં ધર્મ દ્વારા પડતા ભાગ મોટે ભાગે ચુસ્ત હોય છેઃ એક માણસ એક સાથે હિંદુ ને મુસલમાન, સ્વામિનારાયણી ને સ્વાધ્યાયી, શિયા અને સુન્ની, સ્થાનકવાસી અને દેરાવાસી, રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ હોઈ શકે. પરંતુ વાદનું વિભાજન આટલું ચુસ્ત હોય જરૂરી નથી. ડાબેરી અને જમણેરી અંતિમવાદી વિચારધારાઓની વચ્ચે બહુ મોટો પટ હોય છે. તેમાં મોટી સંખ્યામાં મધ્યમ માર્ગવાળા ઉપરાંત, ગુંચવાયેલા, વાદો પ્ર ત્યે ઉદાસીન, એકથી વધુ વાદોની કેટલીક લાક્ષણિકતાઓનું સંયોજન ધરાવતા-- એવા અનેક પ્રકારના લોકો હોય છે. અહીં એવા લોકોની તો વાત નથી, જે પોતે એક પ્રકારનાવાદીહોવાનો દાવો (કે ડોળ) કરતા હોય અને વાસ્તવમાં-વર્તણૂંકમાં સાવ જુદા હોય.

છેક ડાબા અને છેક જમણાની વચ્ચેના મોટા પટમાં, જમણેરીઓના કેટલાક સિદ્ધાંતો તરફ ઢળતા (‘રાઇટીસ્ટનહીં, પણરાઇટ ઓફ સેન્ટરપ્રકારના) લોકો હોવાના. તેમાં પણ બધાનું ઢળવાનું પ્રમાણ (માત્રા અને તીવ્રતા) જુદું જુદું હોવાનું. એવું ડાબેરીઓ તરફ નહીં, પણ તેમની વિચારધારાનાં કેટલાંક તત્ત્વો તરફ ઢળતા લોકોનું ગણાય. આગળ જણાવ્યું તેમ, વાદ-વિચારધારામાં ધર્મ જેવું સ્પષ્ટ વિભાજન હોવું જરૂરી નથી. ડાબેરી વિચારસરણીમાં આવતા વંચિત-શોષિતના કલ્યાણની- તેમના અધિકારોની વાતને ઘણા લોકો યોગ્ય માનતા હોય, પણ તે માટે હિંસક પરિવર્તનનો રસ્તો તેમને પસંદ હોય એવું બને. ઘણા લોકો (રાજકીય) જમણેરી વિચારસરણીમાં સૈન્ય, રાષ્ટ્રવાદ, દેશપ્રેમનું પ્રદર્શન વગેરે માટે ઉત્સાહી હોય, સાથોસાથ તે બીજા સમુદાયોને શંકાની નજરે જોતા હોય અને તેમને ઉતરતા નાગરિક (સેકન્ડ સીટીઝન) તરીકે ગણવા કે રાખવા ઇચ્છતા હોય. એક ઉદાહરણ થયું. આવા ઘણા પેટાપ્રકાર હોઈ શકે અને તેમાં પણ અનેક પ્રકારનાં, જાડાં લેબલની રીતે વિરોધાભાસી લાગે એવાં સંયોજન હોઈ શકે.

મોટા ભાગના લોકો કોઈ એક વાદ કે વિચારધારાના ચોકઠામાં ચુસ્ત બેસે તેમ નથી હોતા. તેનું સાદું કારણ છે કે વાદો, ડાબેરી-જમણેરી વિચારધારાઓ કૃત્રિમ રીતે ઉભાં કરાયેલાં છિદ્રાળુ પાર્ટિશન જેવા છે. જેમ માણસ વ્યક્તિગત રીતે કોઈ ધર્મ સાથે પેદા નથી થતો, એવી રીતે વાદો કે વિચારધારાઓ સાથે પણ પેદા નથી થતો. માણસની જન્મજાત મૂળભૂત મૂડી (દિમાગ-ડીએનએ) ઉપરાંત તેના જીવનમાં આવેલાં જુદાં જુદાં પરિબળો તેના વિચારોને ઘડે છે. માણસના મૂળભૂત સ્વભાવમાં રહેલી ખૂબીખામીઓને તે પરિબળો સુંવાળી કે ખરબચડી, ગોળ કે અણીદાર બનાવે છે. મોટા ભાગના લોકો એક યા બીજા વાદના પરિચયમાં આવે ત્યારે તેમના વ્યક્તિત્વના ઘડતરમાં ઘણા બધા પાસા પડી ચૂક્યા હોય છે.

પરિણામ આવે છે કે વાદ-વિચારધારા પ્રત્યે કટ્ટર વફાદારી હોય તે પણ પોતાની વ્યક્તિગત સારપ કે મર્યાદામાંથી છટકી નથી શકતા. જેમને વાંચીને લોકો ડાબેરી ક્રાંતિના પાઠ ભણી શકે ને પ્રેરણા લઈ શકે એવા સાહિર લુધિયાનવી સરખા મહાન શાયર અંગત વ્યવહાર-વર્તનમાં ઘણી હદે સામંતવાદી હોઈ શકે છે અને સંઘ પરિવારની વિચારધારામાં શ્રદ્ધા ધરાવનાર લોકો અંગત વર્તનમાં પ્રેમાળ અને ઝનૂનમુક્ત હોઈ શકે છે. એમાં કશો વિરોધાભાસ નથી. તેનું કારણ ફકરાનું પહેલું વાક્ય અવળું કરીને જોવાથી મળી જશેઃ કોઇ પણ વ્યક્તિ એકંદરે તેણે અપનાવેલા વાદ કે વિચારધારા જેટલી નહીં, પણ તેની પોતાની મૂળભૂત પ્રકૃતિ જેટલી સારી કે ખરાબ હોય છે. અપવાદોને બાદ કરતાં વાદ-વિચારધારામાં પોતાનું સમગ્ર વ્યક્તિત્વ ઓગાળી બેસે-પોતાપણું ખોઈ બેસે એવા નમૂના મોટા પ્રમાણમાં હોતા નથી.

અત્યાર સુધી આલેખેલું ચિત્ર ખાસ્સું મિશ્ર અને હકારાત્મક રીતે ગુંચવાડાભર્યું છે. તે શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વને પોસનારું છે. તેમાં બધા માટે સ્થાન છે. કોંગ્રેસનું રાજકારણ શરૂ થયું ત્યારે પણ ચિત્ર ખાસ બદલાયું નહીં. કેમ કે, ભારતની જેમ કોંગ્રેસમાં પણ ડાબેરી-જમણેરી બધા પ્રકારના ઝુકાવ ધરાવનારા લોકો હતા. પરંતુ હિંદુ મહાસભાના-હિંદુત્વના અને મુસ્લિમ લીગના રાજકારણને આવું મિશ્ર ચિત્ર અનુકૂળ આવે.

સમય જતાં કોંગ્રેસનો મધ્યમ માર્ગ અને તેની સર્વસમાવેશકતા પણ વોટબેન્કના રાજકારણથી દૂષિત બન્યાં. મુસ્લિમોને વોટબેન્ક તરીકે જોવાનું, તેમના પ્રગતિશીલોને બદલે રૂઢિચુસ્તોને આગળ કરવાનું વલણ પ્રભાવી બન્યું. બીજી તરફ, ગાંધીજીની હત્યા પહેલાંથી સમાજના મિશ્ર રસાયણના ધ્રુવીકરણનું કામ ધીમી નક્કરતાથી શરૂ થઈ ચૂક્યું હતું. આઝાદી પછીના દાયકાઓમાં તેની સર્વસમાવેશક પ્રતિષ્ઠા પર મોટાં અને કાળાં ધાબાં પડ્યાં. છતાં, તેની મુખ્ય ધરી અને મુખ્ય ધક્કો કોમવાદ, વેરઝેર, ધીક્કાર ફેલાવવાનાં હતાં. ( હકીકત પછીનાં વર્ષોમાં ગમે તેવા કોંગ્રેસદ્વેષી બનેલાએ પણ સ્વીકારવી પડે.) ડાબેરી અને જમણેરી જડતાની-આત્યંતિકતાની સરખામણીએ કોંગ્રેસ તેની બધી મર્યાદાઓ સાથે પણ સ્થિતિસ્થાપક હતી. એટલે સમાજના મધ્યમમાર્ગીઓમાંથી મોટો વર્ગ ફરિયાદો છતાં એકંદરે કોંગ્રેસ અથવા મધ્યમ માર્ગના બીજા વિકલ્પ મળ્યા તેની સાથે સંકળાયેલો રહ્યો.


ધીમે ધીમે કોંગ્રેસ નબળી પડતી ગઈ. સતત ચાલતા ધીક્કાર-ઐતિહાસિક જૂઠાણાં-ગેરમાન્યતાઓ- ચુનંદાં અસત્યોનો મારો મિશ્ર લોકમાનસમાં ધ્રુવીકરણના તરંગ પેદા કરવા લાગ્યો. રામંમંદિરનુંઆંદોલનઅને 2002ની કોમી હિંસા નિમિત્તે તત્કાલીન મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીનું વલણએક દાયકાના ગાળે બનેલા બનાવોએ દાયકાઓથી ચાલતા ઝેરી પ્રચારને જાહેર-વૈચારિક ચર્ચા તરીકે સ્વીકૃત બનાવ્યો. કોંગ્રેસ સક્રિય મધ્યમમાર્ગ વડે તેનો મુકાબલો કરવામાં સદંતર નિષ્ફળ નીવડી. (વધુ ચર્ચા આવતા સપ્તાહે)}uakothari@gmail.com