Wednesday, August 16, 2017

ફેસબુક ફ્રેન્ડશીપઃ સોબત કરતાં 'ફ્રૅન્ડ'ની...

કમ્પ્યુટર-ઇન્ટરનેટ આવતાં પહેલાં 'વિન્ડોઝ'નો અર્થ બારી, 'માઉસ'નો અર્થ ઉંદર અને 'ફ્રૅન્ડ'નો અર્થ મિત્ર થતો હતો. પણ ફેસબુકના જમાનામાં 'ફ્રૅન્ડ' એટલે જેની રીકવેસ્ટ સ્વીકારીને કે જેને રીકવેસ્ટ મોકલીને સંપર્કમાં આવી શકાય તે. એક જૂની પંક્તિમાં 'તાળી-મિત્રો' અને 'શેરી-મિત્રો' જેવા પ્રકાર પાડવામાં આવ્યા છે. 'લંગોટિયા મિત્રો' જાણીતા છે. રજનીકુમાર પંડ્યા જેવા વાર્તાકારે 'ભાઈ'બંધી જેવો શબ્દપ્રયોગ પણ કર્યો હતો. આ બધામાં નવો ઉમેરાયેલો છતાં અત્યારે સૌથી ચલણી પ્રકાર છેઃ ફેસબુક ફ્રૅન્ડ.

સુભાષિત પ્રમાણે, સાચા મિત્ર લાખોમાં એક હોય. પરંતુ ફેસબુક-મિત્ર (વધુમાં વધુ) પાંચ હજાર હોઈ શકે છે. મોટા ભાગના લોકો આખી જિંદગીમાં પાંચ હજાર લોકોને સીધા મળી શકતા ન હોય કે તેમના આડકતરા સંપર્કમાં પણ આવી શકતા ન હોય, ત્યારે પાંચ હજાર મિત્રોની વાત જ અદ્ધરતાલ લાગે. પણ એ હકીકત છે. અલબત્ત, ફેસબુક પર 'ફ્રૅન્ડ' શબ્દની અર્થચ્છાયા વિશાળ હોય છેઃ તેમાં સરખા વિચાર કે સમાન વલણ ધરાવતા, જાણીતા અને વાસ્તવિક (ઑફલાઇન)  દુનિયાના મિત્રો-પરિચિતો ઉપરાંત તમારાં લખાણ, તસવીરો, વિડીયોમાં રસ ધરાવતા, સમરસિયા કે સમદુખિયા, સતત પોતાની હાજરી પુરાવતા કે કદી પોતાની હાજરી છતી ન કરતા, 'લાઇક'ના બદલામાં 'લાઇક'ના અને વખાણના બદલામાં વખાણના વાટકી વ્યવહારની અપેક્ષા રાખનારાથી માંડીને કચકચિયા અને મલિન કે દુષ્ટ હેતુ ધરાવતા લોકો પણ 'ફ્રૅન્ડ’ હોઈ શકે છે. અને એવા પણ ખરા, જેમનાં લખ્ખણથી છૂટકારો મેળવવા માટે આખરે તેમને ફક્ત 'અનફ્રૅન્ડ' જ નહીં, 'બ્લૉક' કરવા પડે. એટલે કે તેમને માત્ર વિદાય કરીને સંતોષ માનવાને બદલે, તેમના મોં પર બારણું બંધ કરવું પડે.

ફેસબુક પરની 'ફ્રૅન્ડ'દુનિયા કેટલી ફાની છે, તેની રમુજો ઘણાં વર્ષોથી ચાલે છેઃ ફેસબુક પર પાંચ હજાર ફ્રૅન્ડ હોવા છતાં, અસલી દુનિયામાં જરૂર પડે ત્યારે કાગડા ઉડતા હોય ને કોઈ ફ્રૅન્ડનો બચ્ચો દેખાય નહીં. આવી રમુજો હાસ્ય માટે ઉત્તમ હોવા છતાં, સહેજ ગંભીરતાથી વિચારતાં લાગે કે તે 'ફ્રૅન્ડ' શબ્દ વિશેની આરંભિક ગેરસમજમાંથી પેદા થયેલી છે. પાંચ હજાર છોડો, પાંચસો કે સો ફ્રૅન્ડને પણ અસલી 'મિત્ર’ ગણી લેનાર કે પછી 'લાઇક'ની સંખ્યાને પોતાની સિદ્ધિ માની લેનારને આવી રમુજો લાગુ પડે છે અને વાસ્તવમાં એવી સ્થિતિનો સામનો પણ કરવાનો આવી શકે છે. ‘એનું ફ્રૅન્ડલિસ્ટ મારા ફ્રૅન્ડલિસ્ટ કરતાં મોટું કેમ?’ એવી ('ઉસકી સાડી મેરી સાડીસે સફેદ કૈસે?’ પ્રકારની)  લાગણીથી બચી શકનારા જાણતા હશે કે ફેસબુક પર ફ્રેન્ડલિસ્ટની લંબાઈ કે સંખ્યા નહીં, તેની ગુણવત્તા મહત્ત્વની છે.  (અલબત્ત,  ફેસબુક પર 'ફ્રેન્ડ' બનાવનારા બધા મિત્રની શોધમાં જ હોય, તે  જરૂરી નથી.)

વાસ્તવિક જીવનના બધા 'ફ્રેન્ડ' એકસરખા ગાઢ નથી હોતા. ‘હર એક ફ્રૅન્ડ જરૂરી હોતા હૈ' જેવી જાહેરખબરોમાં મિત્રાચારીનો ગમે તેટલો મહિમા કરવામાં આવે, પણ તાળી-મિત્રો અને શેરી-મિત્રો ઉપરાંત મિત્ર, ખાસ મિત્ર, અંગત મિત્ર, ખાસમખાસ મિત્ર, ભાઇ (કે બહેન) જેવો મિત્ર જેવા અનેક પ્રકાર લોકો પોતપોતાની સમજ પ્રમાણે પાડતા હોય છે. (પુરુષ મિત્ર કે સ્ત્રી મિત્રનો મામલો વળી અલગ છે.) મિત્રાચારીની પ્રગાઢતા કે નિકટતાનાં પણ વર્તુળ હોય છે. ઘણા મિત્રો ચોક્કસ વર્તુળમાં સ્થાયી રહે છે, તો કેટલાકની દૂર-નજીકના વર્તુળમાં અવરજવર પણ થતી રહે છે. પ્રત્યક્ષ વ્યવહારમાં આટલા પ્રકાર હોય તો ફેસબુક જેવા પરોક્ષ માધ્યમના 'ફ્રૅન્ડ’માં કેમ નહીં?  પરોક્ષતા ફેસબુક ફ્રેન્ડશીપની વિશિષ્ટતા છે. પ્રત્યક્ષ પરિચયમાં મર્યાદિત સંજોગોમાં જ મળવાનું થતું હોવાથી, મોટે ભાગે 'ફ્રેન્ડ'નાં બે-ચાર પાસાં નજરે પડતાં રહે છે, પરંતુ ફેસબુક પર તેમનાં લખાણ પરથી તેમના મનમાં પડેલી અને સામાન્ય સંજોગોમાં લાંબા સમય સુધી જાણવા ન મળે એવી (સારી અને ખરાબ) લાગણી દિવસોમાં પ્રગટ થઈ જાય છે. એટલે 'ફ્રેન્ડ ફ્રેન્ડ ના રહા'  એ ફેસબુક પરનું કરુણ નહીં, સામાન્ય વ્યવહારનું ગીત છે.

ફેસબુકના માધ્યમથી થતા 'ફ્રૅન્ડ'ની મર્યાદાઓ વિશે ઘણું લખાયું-કહેવાયું છે અને તેમાં તથ્ય છે. ફેસબુક અને એકંદરે સોશ્યલ મિડીયા-ઇન્ટરનેટ સામે સામાજિક રીતે સૌથી મોટી ટીકા એ છે કે લોકોને એકબીજા સાથે જોડવાના નામે, તેણે વાસ્તવિક દુનિયામાં લોકોને એકબીજાથી દૂર કર્યા છે. આ ટીકા સાચી હોવા છતાં તે સંપૂર્ણ ચિત્ર રજૂ કરતી નથી. ફેસબુકના કારણે કેટલાય લોકોએ જૂના-ખોવાયેલા મિત્રો મેળવ્યા છે. (એ જુદી વાત છે કે ઘણા કિસ્સામાં ખોવાયેલા મિત્રો જડી આવે અને પહેલી ધારનો ઉમળકો ઠલવાઈ જાય, પછી શું કરવું એ બન્ને પક્ષોને સમજાતું નથી.) ફેસબુકનો ઉપયોગ ફાલતુ ફાંકાફોજદારીથી માંડીને સેલિબ્રિટીગીરી છાંટવા થાય છે, તો એ જ માધ્યમ પર એવા લોકો પણ મળી આવે છે, જેમને ફેસબુક ન હોત તો કદાચ જ મળવાનું થયું હોત. 'તેમના વિના જીવનમાં અધૂરપ લાગત' એવું તેમને (ફેસબુક થકી) મળ્યા પછી ચોક્કસ કહી શકાય. બસો-પાંચસો કે પાંચ હજારમાંથી એવો એક 'ફ્રૅન્ડ' પણ બને, તો એ ફેસબુકની ખરી ઉપલબ્ધિ છે.

‘ફેસબુક’ પર 'ફ્રૅન્ડ’સંખ્યા વિશે આંકડાકીય કે ક્ષુલ્લક બડાઈની વાતો કે 'ફ્રૅન્ડ' સાથે મળીને થતી પરસ્પર પીઠખંજવાળ પ્રવૃત્તિને કારણે તેની ઘણી ટીકા થતી રહે છે. પરંતુ 'ફેસબુક' પર અસભ્યતા, ક્ષુલ્લકતા, હલકાઈ, અવિવેક, બડાઈખોરી, આત્મશ્લાઘા વગેરેના ઉછાળા મારતા સમુદ્રમાં ઉષ્મા અને લાગણીથી છલકાતા, સજ્જ છતાં સજ્જન લોકો મિત્ર તરીકે મળી આવે છે, તેનો મહિમા થવો જોઈએ તેટલો થતો નથી. આ એવા 'ફ્રૅન્ડ’ હોય છે, જેમને મળીને લાગે કે અત્યાર સુધી આને મળ્યા વિના કેવી રીતે રહી શકાયું? અથવા દરિયાકિનારે પથરાયેલી રેતી જેટલા 'ફેસબુક ફ્રૅન્ડ'માંથી આ કેવું મોતી મળી આવ્યું. પહેલાં આવી દોસ્તીઓ ક્યારેક (મુખ્યત્વે) પ્રવાસ-મુસાફરી દરમિયાન કે પછી પત્રમૈત્રી (પૅનફ્રૅન્ડશીપ) થકી થતી હતી. એટલે કે, તે અમુક લોકો માટે જ શક્ય હતી. હવે તેની સંભાવનાઓ બધા માટે ખુલી અને વધી ગઈ છે.

ટૅકનોલોજીની કંપની તરીકે 'ફેસબુક'ની કેટલીક કાર્યપદ્ધતિથી માંડીને લોકોને થઈ જતા તેના વ્યસન  અને તેમાં આડેધડ થતા સમય-શક્તિના બગાડ વિશે વાંધા હોઈ શકે. તેની પર ખરા 'ફ્રેન્ડ’ને બદલે સામાન્ય પરિચિતમાં પણ ન ગણી શકાય એવા 'ફ્રેન્ડ' અનેક ગણા વધારે મળી શકે. તેની પર ઘણી વાર વેઠવા પડતા 'ફ્રેન્ડ'ને કારણે 'ફ્રેન્ડ' શબ્દનો અભાવ થઈ શકે.  છતાં, જેને આ માધ્યમથી એક પણ સાચો 'ફ્રેન્ડ’ મળ્યો હશે તે સંમત થશે કે ફેસબુક પર દરેક દિવસ 'ફ્રેન્ડશીપ ડે' હોઈ શકે છે.

1 comment:

  1. Anonymous12:00:00 AM

    Urvishbhai,
    Nice writing, you have a lots of different ideas, thoughts and words. You are feeding us a different kinds of subject.
    Thanks,
    Manhar Sutaria

    ReplyDelete