Wednesday, June 21, 2017

આર્થિક સમસ્યાઓના રાજકીય ઉકેલનું અનિષ્ટ

અર્થશાસ્ત્ર (આ લેખક સહિતના) મોટા ભાગના લોકોની પહોંચ બહારનો છતાં સૌને સ્પર્શતો વિષય છે. રાજકારણની જેમ અર્થશાસ્ત્રમાં પણ આપણે રસ લઈએ કે ન લઈએ, તે આપણામાં રસ લે છે અને આપણા જીવનને સીધી અસર કરે છે. એટલે, નિષ્ણાતના કે પ્રખર અભ્યાસીની રૂએ નહીં, પણ પીડિતની ભૂમિકાએ તેમાં દાખલ થવાની- તેની સાથે પનારો પાડવાની ફરજ પડે છે.

જેમ કે, નોટબંધીની અસરો, ખેડૂતોની સમસ્યા, બૅન્કોની નૉન-પરફોર્મિંગ અસેટ્સ (સલવાઈ ગયેલાં ધીરાણ)... આ વિષયોમાં નિષ્ણાત ગણાતા લોકોનાં લખાણ વાંચ્યા પછી ગુંચવાડો ઘટવાને બદલે વધી શકે છે. કારણ કે અર્થશાસ્ત્રનાં ઘણાં પગલાંની અસરનો આધાર માપનારની ફુટપટ્ટી પર રહે છે. દા.ત. નોટબંધીના નિર્ણયને અર્થશાસ્ત્રીય વિચારધારા અંતર્ગત વરી ચૂકેલા અભ્યાસીઓ તેની સારી કે સંભવિત સારી અસરોનો મહિમા કરતાં નહીં થાકે. એ સમયગાળામાં સંખ્યાની દૃષ્ટિએ નાના વર્ગના વાંકે લાઈનમાં ઉભા રહી ગયેલા અને મહિનાઓ સુધી અગવડો વેઠનારા મોટા વર્ગની મુશ્કેલી તેમને 'દેશહિત માટે નાનકડું બલિદાન’ લાગશે. દેશના વિકાસના સૂચક ગણાતા કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં નોંધપાત્ર ઘટાડો થાય તો પણ સરકારની માફક કેટલાક અભ્યાસીઓ તેને 'લાંબા ગાળાના ફાયદા માટે ટૂંકા ગાળાની ખોટ' ગણાવશે.

--અને આ ચર્ચામાં કોઈ પણ વિષયને મોદીતરફી અને મોદીવિરોધી એમ બે જ રંગમાં જોનારા (અભ્યાસીઓ સહિતના) લોકોની વાત જ નથી. આ ધ્રુવીકરણમાં ન હોય એવા લોકો પણ પોતાની આર્થિક માન્યતાઓને કટ્ટરતાથી વરેલા હોઈ શકે છે--અને તેમાંથી પેદા થતી મક્કમતા ધાર્મિક ઝનૂન કરતાં થોડીક જ ઓછી હોય છે. આ સંજોગોમાં અર્થશાસ્ત્રને લગતી ચર્ચા પણ ધાર્મિક વિવાદ જેવી આત્યંતિક અને સરવાળે નિરર્થક બની રહે છે. સરકારી જૂઠાણું અને સરકારોના પક્ષે રહેલો વિશ્વસનિયતાનો અભાવ આ સમસ્યાને વકરાવે છે.

‘નરો વા કુંજરો વા’થી માંડીને નરાતળ જૂઠાણાં ઉચ્ચારવાં એ કોઈ એક સરકારની 'ખૂબી' નથી. છતાં, વર્તમાન સરકાર મારા જેવા ઘણાને આ બાબતમાં વિશેષ લાયકાત ધરાવતી લાગે છે અને બીજા ઘણાને તે નકરી પવિત્ર ગાય લાગે છે.  એટલે, એનડી ટીવીના એક ખાનગી બૅન્ક સાથેના સેટલમૅન્ટ અને તેમાં સંકળાયેલી રૂ.45 કરોડની રકમ માટે ઉત્સાહી થઈને રૉય દંપતિ પર દરોડા પાડતી સીબીઆઈ વિજય માલ્યા સામેના રૂ.9 હજાર કરોડના કેસમાં છ-છ મહિના થયે બ્રિટનની અદાલતને મજબૂત પુરાવા કેમ નહીં આપી શકતી હોય? એવો સવાલ મહત્ત્વનો કે સરકારે જેનો જાહેરમાં ખુલાસો કરવો પડે એવો ગણાતો નથી. માલ્યા રૂ. 9 હજાર કરોડ રૂપિયામાં નવડાવી જાય, એટલે બીજાને (પ્રમાણમાં) નાની રકમોનું કરી નાખવાનો પરવાનો મળી જતો નથી. પરંતુ સવાલ સરકારી તપાસ સંસ્થાની પ્રાથમિકતા અને તીવ્રતાનો છે. ત્યાં એનડી ટીવી પ્રત્યેનો અભાવ કે દુર્ભાવ મુખ્ય અને અર્થશાસ્ત્ર ગૌણ બની જાય છે.

અર્થશાસ્ત્રનો બીજો અને કાયમી મોરચો છેઃ ખેતી. ખેડૂતોનાં દુઃખનો કેમ ઉકેલ આવતો નથી? તેનું કારણ પણ એ છે કે તેમની આર્થિક-માળખાકીય સમસ્યાઓનો ઉભડક, થૂંકના સાંધા જેવો રાજકીય ઉકેલ કાઢવામાં આવે છે. ખેડૂતોની વર્તમાન અવદશા માટે નોટબંધી કેટલી હદે જવાબદાર ગણાય, તે નિષ્ણાતો વચ્ચે ચર્ચા અને મતભેદનો વિષય છે. કેટલાક માને છે કે નોટબંધીને પરિણામે સર્જાયેલી રોકડની અછતને લીધે ખરીદશક્તિ ઘટી જવાને કારણે (અને ઉપજ વધારે હોવાને કારણે) પાકોના ભાવ ઘટી ગયા અને ખેડૂતોને પાક ફેંકી દેવાનો કે સડી જવા દેવાનો વારો આવ્યો. તેની સામે એવી પણ દલીલ કરવામાં આવે છે કે અનાજ સિવાયના (ફળો-શાકભાજી વગેરે) પાકમાં ભાવના ચઢાવઉતાર આવતા રહે છે. એક વર્ષે તેમના ભાવ ઊંચા જાય એટલે બીજા વર્ષે તેનું વાવેતર વધે અને પાક પણ વધે. આ રીતે ઉતરેલા અઢળક પાકને જાળવી રાખવાની ક્ષમતા ન હોય, એટલે તેને તત્કાળ સસ્તા ભાવે વેચવો પડે. તેના કારણે બીજા વર્ષે તેનું વાવેતર ઓછું થાય, ફસલ ઓછી થાય અને ભાવ વધે. આ ચક્રગતિમાં અપવાદો હોય જ છે. પરંતુ મૂળ મામલો માગ અને પુરવઠાના ખોરવાયેલા સંતુલનનો છે.

આ ચર્ચાને નોટબંધીની તરફેણ કે વિરોધ પર અટકાવી રાખવાને બદલે, તેના ઉકેલ વિશે વિચારવામાં આવે તો? એક હકીકત નિર્વિવાદ છેઃ દેશમાં અનાજ સિવાયના, બાગાયતી (શાકભાજી-ફળો) પાકને સંઘરવાની ક્ષમતા અત્યંત ઓછી છે--અને ખેડૂતોની મજબૂરીનું તે એક મોટું કારણ છે.  સરકારી આંકડા પ્રમાણે, બાગાયતી ફસલને સંઘરવાની હાલની ક્ષમતા રાષ્ટ્રિય જરૂરિયાતના માંડ 6 ટકા જેટલી છે. (ફાઇનાનશ્યલ ઍક્સપ્રેસ, 17-6-2017)

એકાદ દાયકા પહેલાં રીટેઇલ કહેતાં છૂટક વેપારમાં વિદેશી કંપનીઓના આગમન વિશે ગરમાગરમ ચર્ચા શરૂ થઈ ત્યારે, વૉલમાર્ટ જેવી કંપનીઓ સામે કરાતી મુખ્ય દલીલ એ હતી કે તે આવશે અને બજારમાં છવાઈ જશે. તેમને ખેડૂતોના શોષક તરીકે પણ રજૂ કરવામાં આવી હતી. આ કંપનીઓનું ચરિત્ર જુદી ચર્ચાનો વિષય છે, પણ એ વખતે અર્થશાસ્ત્રની આંટીઘૂંટીમાં પડ્યા વિના સામાન્ય સમજથી દેખાતી વાત એ હતી કે વૉલમાર્ટ જેવી કંપનીઓની એક મુખ્ય તાકાત તેમની સંગ્રહક્ષમતા છે. બજારમાં ફસલ ઠલવાઈ હોય ત્યારે તે સસ્તા ભાવે ફસલ ખરીદીને સમય આવ્યે તેને ખપમાં લઈ શકે છે. એ વખતે પણ આ જ સવાલ થયો હતો કે કોલ્ડ સ્ટોરેજથી માંડીને બીજી સુવિધાઓ ઉભી કરીને સંગ્રહક્ષમતા વધારવી, એમાં કશું રૉકેટ સાયન્સ નથી. ઉલટું, એક ગંભીર સમસ્યાનો તે પ્રમાણમાં સહેલો અને સાધ્ય કહેવાય એવો ઉકેલ છે. તો સરકારો તે શા માટે અપનાવતી નથી? અને વૉલમાર્ટ આવશે, કોલ્ડ સ્ટોરેજોનું માળખું સ્થાપશે અને આપણા બજારમાં ભેલાણ કરી જશે એવી બીક કેમ રાખે છે? અથવા વધારે અગત્યનો સવાલ એ કે આ સુવિધા ઊભી કરવા માટે સરકાર વૉલમાર્ટ જેવી કંપનીઓ આવે તેની રાહ કેમ જુએ છે?

એવો જ સવાલ નર્મદા યોજનામાં બંધની ઊંચાઇના વિવાદ બાબતે હતો અને છેઃ બંધની ઊંચાઈનો મામલો ભલે હમણાં સુધી અદાલતમાં હતો, પણ આ યોજનાની નહેરોનું માળખું બનાવવાનું સંપૂર્ણપણે રાજ્ય સરકારના હાથમાં હતું. છતાં એ કામ સીધો રાજકીય ફાયદો અપાવનારું ન હોવાથી તેની ઉપેક્ષા થતી રહી. સરદાર સરોવર નિગમની વેબસાઈટ પર જણાવ્યા પ્રમાણે 458 કિ.મી. લાંબી મુખ્ય નહેરનું જ કામ સંપૂર્ણપણે પૂરું થઈ શક્યું છે. બાકી,  નાનીમોટી બધી નહેરોના માળખાની કુલ પ્રસ્તાવિત લંબાઈ 71,748 કિ.મી. છે, જેમાંથી આટલાં વર્ષો પછી અને આટલા નેતાઓની ગાજવીજ પછી પણ 45,095 કિ.મી.નું કામ પૂરું થઈ શક્યું છે.
સારઃ અર્થશાસ્ત્રમાં ટપ્પી ન પડે એનો અર્થ એવો નહીં કે સામાન્ય સમજ પણ કોઈ પક્ષ કે નેતાના ચરણોમાં ધરી દેવી. 

No comments:

Post a Comment