Monday, June 19, 2017

ગૌરક્ષા, ધર્મ અને સાવરકર

ધર્મનો મામલો પેચીદો છે. કોનો 'ધર્મ' ક્યારે ભ્રષ્ટ થાય તે નક્કી કરવું અઘરું છે. 1857 પહેલાં અંગ્રેજોની ગુલામી કરતા અને તેમના વતી લડતા હિંદુ-મુસ્લિમ સૈન્યનો ધર્મ ભ્રષ્ટ થતો ન હતો. બલ્કે, અંગ્રેજ ફોજમાં નોકરી કરવી એ મોભાદાર રોજગારી ગણાતી હતી--ભલે તેમાં દેશી રાજાઓ સામે લડવાનું થાય અને 'દેશના’ લોકોની ગુલામી મજબૂત બનાવવાની થાય. એ વખતે રાજકીય એકમ તરીકે 'ભારત મારો દેશ છે'નો ખ્યાલ ન હતો. એટલે 'દેશભાવના' પણ સ્થાનિક-પ્રાદેશિક સ્તરે હોય.

વફાદારી, દેશભક્તિ અને ગદ્દારી જેવા ખ્યાલ ત્યારે દેશને નહીં, દરેક રજવાડાંને લાગુ પડતા હતા. આજે જેને ભારત કહીએ છીએ તેની પર અંગ્રેજોની ગુલામી કોણે દૃઢ કરી? એ સવાલ વિશે વિચારતાં જણાશે કે ત્યારે હિંદુ-મુસલમાનો 'ભાઇ-ભાઈ’ ન હતા, તો એકબીજા સામે પહેલી તકે લડવા આતુર પણ ન હતા. ધર્મોના જુદાપણા છતાં શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વનો પાઠ તે સદીઓ થયે શીખ્યા હતા હતા ને તેમાં ખાસ્સા આગળ પણ વધ્યા હતા. અંગ્રેજોએ હિંદુ-મુસ્લિમ ઉપરાંત 'માર્શલ રેસ' (લડાયક જાતિઓ) ગણાતા રજપૂત-શીખ-ગુરખા-મરાઠા વગેરેના રાજાઓને પણ તાબે કર્યા. ત્યાર પછી,  ગાયને પવિત્ર ગણતા હિંદુ સૈનિકોએ અંગ્રેજોનાં કેન્ટોન્ટમેન્ટમાં છૂટથી રંધાતા ગોમાંસ સામે વાંધો ઉઠાવ્યો હોય, એવું જાણવામાં આવ્યું નથી.

ગુલામીમાં આવા વાંધા પડાય પણ શી રીતે? અને 'ગોમાંસભક્ષક' અંગ્રેજોને ખાનગીમાં અપવિત્ર-ભ્રષ્ટ ગણી નાખીએ એટલે મનના કચવાટનો મોક્ષ થઈ જાય. ગોરક્ષાના પ્રખર હિમાયતી ગાંધીજીએ મુસ્લિમોનેે ગોહત્યા માટે મુખ્ય જવાબદાર ગણીને તેમને પ્રેમથી જીતવાની વાત કરી હતી, પણ અંગ્રેજોએ ગોહત્યા ન કરવી જોઇએ અને તેમને ગોહત્યાના મામલે પ્રેમથી રોકવા જોઇએ, એવું ગાંધીજીએ કે ગૌહત્યાના મુદ્દે તીવ્ર વાંધો અનુભવતા કોઈ નેતાએ કહ્યું હોય, તો જાણવામાં આવ્યું નથી.

આવું કેમ? ગાય માત્રને બચાવવાની હોય તો,  તેમાં અંગ્રેજો અને મુસ્લિમોનો ભેદ શા માટે? તેની વાત કરતાં પહેલાં, હિંદુ્ત્વના રાજકારણના એક જનક, પૂર્વાશ્રમના સ્વાતંત્ર્ય સેનાની વિનાયક સાવરકરના ગોરક્ષા વિશેના વિચાર જાણવા જેવા છે. ગાંધીહત્યાના કાવતરાના એક આરોપી (અને તેમાંથી નિર્દોષ છૂટેલા) સાવરકરે ગોરક્ષા અને ગોહત્યાની બાબતમાં વાસ્તવને નજર સામે રાખીને તેમના વિચાર મૂક્યા હતા. તેમણે ગાયને ઉપયોગી પ્રાણી ગણીને તેને કુટુંબના સભ્ય જેવો દરજ્જો આપવાની વાત કરી.  તેમણે કહ્યું કે ગાયનું રક્ષણ અને તેની જાળવણીને આપણી વ્યક્તિગત તેમ જ કૌટુંબિક ફરજ, તથા હિંદુસ્તાનના મામલે તો રાષ્ટ્રીય ફરજ છે. સાવરકરે આ લાગણીને ફક્ત ગાય માટે જ નહીં, બધાં પ્રાણીઓ માટે લાગુ પાડી અને પ્રાણીમાત્ર પ્રત્યે દયાને તેમણે હિંદુ ધર્મના કરુણાના ભાવ સાથે સુસંગત ગણાવી હતી.

સાથોસાથ તેમણે એવી સ્પષ્ટતા પણ કરી કે 'ગાય-ભેંસ જેવાં પ્રાણીઓ અને વડ-પીપળા જેવા વૃક્ષો માણસને ઉપયોગી હોવાથી આપણે તેમને એ હદે ચાહીએ છીએ કે તેમને પૂજનીય ગણીએ છીએ, તેમના રક્ષણ, સંવર્ધન અને સુખાકારીને આપણી ફરજ ગણીએ છીએ અને ફક્ત એ અર્થમાં જ તે આપણો ધર્મ છે.  તેથી એ સ્પષ્ટ ન હોવું જોઇએ કે ચોક્કસ સંજોગોમાં તે માણસ માટે મુસીબતરૂપ બને ત્યારે તે રક્ષણને પાત્ર મટી જાય છે અને માણસના કે રાષ્ટ્રના હિતમાં તેમનો નાશ કરવો એ પણ માણસનો કે રાષ્ટ્રનો ધર્મ બને છે?’ (સંદર્ભઃ સમગ્ર સાવરકર વાઙમય, ભાગ-2, પૃ.678. savarkar.org)

ગૌરક્ષાના નામે શાંતિ જોખમાવતા અને ઉત્પાત મચાવતા લોકો માટે સાવરકરે હજુ વધારે સ્પષ્ટતાથી કહ્યું હતું,’જ્યારે માણસનું હિત સધાતું ન હોય અને હકીકતમાં તેને નુકસાન થઈ રહ્યું હોય અથવ માનવતા માટે શરમજનક સ્થિતિ પેદા થતી હોય, ત્યારે પોતાના પગ પર કુહાડો મારનારી (સેલ્ફ ડીફીટિંગ) અંતિમવાદી ગોરક્ષા છોડી દેવી જોઇએ.’ (સંદર્ભઃ સમગ્ર સાવરકર વાઙમય, ભાગ-3, પૃ.341. savarkar.org)  તેમણે એટલી હદે કહ્યું હતું કે 'કોઈ પણ ચીજ માણસને ગુણકારી હોય ત્યાં લગી તેને ખાઈ શકાય. તેમાં ધાર્મિક ગુણોનું આરોપણ કરવાથી તેને ભગવાનનો દરજ્જો મળી જાય છે. આવી અંંધશ્રદ્ધાળુ માનસિકતા રાષ્ટ્રની બૌદ્ધિકતાને નષ્ટ કરે છે.’ (સંદર્ભઃ સમગ્ર સાવરકર વાઙમય, ભાગ-2, પૃ.559. savarkar.org)

સાવરકરે બિનહિંદુઓ દ્વારા થતી ગોહત્યાને અનિષ્ટ ગણાવી હતી. પરંતુ તેમણે ઘણી જગ્યાએ ફક્ત ગાયને બદલે ગાય-ભેંસ જેવાં ઉપયોગી પ્રાણીઓની એકસાથે વાત કરી હતી. તેમનું એ વલણ બુદ્ધિગમ્ય હતું. કદાચ એટલે જ અત્યારે સાવરકરના આ પ્રકારના વિચારો અભરાઈ પર ચડાવી દેવાયા છે. રાજકારણીઓ માટે ગાય એ હિંદુ-મુસ્લિમ દ્વેષના રાજકારણનો સદી જૂનો સગવડીયો મુદ્દો છે. તેના નામે લોકોને સો વર્ષ પહેલાં પણ ઉશ્કેરી શકાતા હતા અને હજુ પણ, ગોરક્ષાના નામે લોકોના મનમાં રહેલો પૂર્વગ્રહ છંછેડીને તેમની લાગણી (અને સરવાળે મત) જીતવાના સફળ પ્રયાસ થયા કરે છે.

એક કાર્ટૂનિસ્ટે આબાદ દર્શાવ્યું હતું તેમ, વર્તમાન એનડીએ સરકારે શરૂઆત કરી ત્યારે તેનો લોગો (પ્રતિકચિન્હ) 'મેક ઇન ઇન્ડિયા'નો વાઘ હતો, પણ ત્રણ વર્ષમાં એ વાઘ ક્રમે ક્રમે ગાયમાં ફેરવાઈ ગયો છે. ગોરક્ષાના નામે આકરા કાયદા, ગોહત્યારાઓને ફાંસીએ ચઢાવવાની માગણી,  મહાન ગોરક્ષક તરીકે રજૂ થવાના ધમપછાડા, ગોરક્ષાના નામે માણસોની હત્યા કે બેફામ ગુંડાગીરી પ્રત્યે આંખ આડા કાન.. અને આ બધું 1890માં નહીં, 2017માં ચાલી રહ્યું છે-- અને ટકી રહેવા માટે. બીજાના ટેકા પર નિર્ભર, નબળી મોરચા સરકાર દ્વારા નહીં, પણ બહુમતી ધરાવતી કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા એ ખેલ ખેલાઈ રહ્યા છે.

એનડીએની સૌથી મોટી તાકાત હોય તો એ કોંગ્રેસ જેવો વિરોધ પક્ષ છે. કેરળમાં કોંગ્રેસી કાર્યકર દ્વારા થયેલો ગૌહત્યાનો વિવાદ જાણે ભાજપના લાભાર્થે કરાયો હોય એવો હતો. રાહુલ ગાંધીએ કોંગ્રેસ પક્ષને એ કૃત્ય સાથે કશો સંબંધ નથી, એવો ખુલાસો કરીને નુકસાન ભરપાઈ કરવાની કોશિશ કરી. પરંતુ ગોહત્યા હોય કે આક્રમક હિંદુત્વને લગતા બીજા વિવાદાસ્પદ મુદ્દા, કોંગ્રેસ એ મુદ્દે સ્પષ્ટ વલણને બદલે અંધારામાં રસ્તો શોધવા ફાંફાં મારતી હોય એવી જ લાગે છે. બીજી તરફ,  ગુજરાત ભાજપે ગાયના નામે ચરી ખાવાના પ્રયાસોના ભાગરૂપે ગાય પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં બૅનર લગાડ્યાં. હેતુ એટલો જ કે લોકો શિક્ષણ-આરોગ્ય-રોજગારી જેવા સળગતા અને લોકોને સીધા સ્પર્શતા મુદ્દા ભૂલીને ગાયના પૂંછડે ઝૂલવા લાગે. એક બાજુ શક્ય એટલા કોંગ્રેસીઓને ભાજપમાં ખેંચવા પ્રયત્નશીલ અને બીજા બાજુ કોંગ્રેસને ગાયના હત્યારા પક્ષ તરીકે રજૂ કરવાના કારસા--આવી ઉઘાડી બેશરમી પછી પણ તેમની શ્રદ્ધા એટલી જ છે કે ગાય દ્વારા ઘણા લોકોને કાયમ માટે મૂરખ બનાવી શકાશે. આપણી મૂર્ખામી વિશેની તેમની શ્રદ્ધા સાચી પાડવી કે નહીં, તે આપણે નક્કી કરવાનું છે. 

No comments:

Post a Comment