Thursday, March 02, 2017

મહેતાસાહેબ-જેઠાલાલ સંવાદ

(તારકભાઈની વિદાયના સમાચાર પછી અંજલિ તરીકે લખેલો લઘુસંવાદ)

‘બસ, આવું કરવાનું ને, મહેતાસાહેબ?’

‘શું થયું જેઠાલાલ? વળી પાછું તમને કોઇ ચૂનો લગાડી ગયું? ફરી પાછા બાપુજીએ તમને ધમકાવ્યા? કે ટપુનું કોઈ નવું તોફાન? કે પછી પોલીસનું કંઈ લફરું? ’

‘આ જ તમારી ખૂબી છે, મહેતાસાહેબ. તમે બધાં કારણ ગણાવી દીધાં, પણ તમારી વાત ન કરી?’

‘મારી શું વાત કરવાની, જેઠાલાલ? હું એક ગુજરાતી લેખક... આખી જિંદગી આનંદથી લખ્યું., વાચકોનો અઢળક પ્રેમ મેળવ્યો, કુટુંબીજનો-મિત્રો-સ્નેહીઓએ ભરપૂર ચાહ્યો... ’

‘તમેે યાર જરાય સમજતા નથી. ’ જેઠાલાલ અકળામણથી પોતાની મૂછો ચાવવા લાગ્યા. એટલે ચંપકલાલે ઝુકાવ્યું,

‘અલા મહેતિયા, હું જોઉં છું કે તું ક્યારનો જેઠાને જેઠો બનાવે છે... એની સીધી વાતને તું હમજતો કેમ નથી? તું તો માણસ છું કે મચ્છરદાનની?’

‘એવું નથી મુરબ્બી...’

‘મહેતાઅંકલ, તમે આવું કરશો તો હું તમારા વિરોધમાં ટ્વીટર પર ઝુંબેશ ચલાવીશ... #DownWithMahetaUncle’ ટપુડો તેના વાળનો ગુચ્છો ઉછાળીને બોલ્યો.

‘જોયું મહેતાસાહેબ? હવે તમને મારી ફરિયાદની ગંભીરતા સમજાઈ?’

‘પણ તમારી ફરિયાદ તો કહો.’

‘લો, એ પણ તમને કહેવી પડશે? તમે કેમ મને મૂકીને એકલાએકલા ઉપડી ગયા?’

‘ઓહો, જેઠાલાલ. કાગનો વાઘ કરવાની તમારી ટેવ ગઈ નહીં. ’ જેઠાલાલની નજીક જઈને, જરા ધીમા અવાજે તોફાની સ્મિત સાથે, ‘તમે પણ સમજતા નથી યાર. બધેે તમને સાથે લઈ જવા જરૂરી છે? ક્યાંક મારે એકલા પણ ન જવાનું હોય?’

-અને જેઠાલાલને જ નહીં, લાખો વાચકોને મૂકીને તારક મહેતા ચાલી નીકળ્યા તેમના ગુરુ જ્યોતીન્દ્ર દવેને મળવા.
Jyotindra Dave-Tarak Mehta / જ્યોતીન્દ્ર દવે- તારક મહેતા

(તારકભાઈને વિગતવાર અંજલિ માટે જુઓ)
http://urvishkothari-gujarati.blogspot.in/2017/03/blog-post_2.html

1 comment: