Thursday, February 09, 2017

લિખિતંગ અરદેશર ફ. ખબરદારના જય ગુજરાત


ગુજરાતની ઓળખ કે તેના જયગાનની વાત નીકળે ત્યારે નર્મદના ‘જય જય ગરવી ગુજરાત’ની હારોહાર જેનો ઉલ્લેખ કરવો પડે એવી કવિતા છે, ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’. અતિ વપરાશને કારણે આ પંક્તિઓ અને કવિતા તેનું માહત્મ્ય ગુમાવી બેઠેલી લાગે, પરંતુ તેમાં વાંક કવિતા કે તેના પારસી કવિ અરદેશર ફરામજી ખબરદારનો નથી.
A.F.Khabardar / અરદેશર ફરામજી ખબરદાર
‘પારસી કવિ’ એવો શબ્દ સહેતુક લખ્યો છે. કેમ કે, કવિ ખબરદાર (૧૮૮૧-૧૯૫૩) એ સમયમાં થઇ ગયા, જ્યારે ‘શુદ્ધ ગુજરાતી’ અને ‘પારસી ગુજરાતી’ વચ્ચે મોરચા મંડાયેલા હતા. તેમાં બહેરામજી મલબારીની જેમ અરદેશર ખબરદાર એવા પારસી સર્જક હતા, જે ‘શુદ્ધ’ અને એ સમયના ‘સાક્ષરો’ની માન્યતા ધરાવતી ગુજરાતીમાં સર્જન કરતા હતા. તેમ છતાં, તેમની પર લાગેલો ‘પારસી’ તરીકેનો ઠપ્પો પીછો છોડતો ન હતો--કમ સે કમ, તેમને તો એવું લાગતું હતું.

છેલ્લાં વર્ષોમાં તેમણે પ્રખ્યાત વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પરના એક પત્રમાં લખ્યું હતું,‘...હું પારસી એટલે મને ઝાઝું આવડે તેમ હોઈ જ શકે નહીં અને શાસ્ત્રીયતા અને સાક્ષરતા તો હિંદુ ભાઈઓ જ બતાવી શકે. તેનો ઘણો કડવો કોમવાદનો અનુભવ મને સાહિત્ય જેવા વિષયમાં પણ પૂરતો મળી ગયો છે....’ (૧૩-૧૨-૧૯૪૮, મુંબઇ) તેમની આ ફરિયાદ જૂની હતી, એમ તેમના બીજા પત્રો પરથી જણાય છે. સાહિત્યકાર ‘કુસુમાકર’ને એક પત્રમાં તેમણે લખ્યું હતું,‘હું તો ગુજરાતના બધા નાના-મોટા સાક્ષરોની ‘ભાભી’ જેવો છું, એટલે સૌના શબ્દો ગળી જઈ શાંતિ રાખું છું....હું તો ‘પારસી’ રહ્યો એટલે ગુજરાતી ભાષા, કવિતા, સાહિત્ય વગેરે તો હું શું જાણું? હિંદુ સાક્ષરો જ બઘુ સમજે ને તે સમજવાનો ને તે માટે લખવાનો અધિકાર પણ હિંદુ સાક્ષરોનો જ ગણાય એ તો હું ૩૫ વર્ષથી સાંભળતો આવ્યો છું. પણ દુનિયાના સાહિત્યનાં તળિયાં એટલાં નિકટ નથી અને મારા હિંદુ ભાઇઓ તો કૂપમંડુક જેવા પોતાના કૂવામાં કે તેની પાળ પાસે કૂદ્યા જ કરે છે.’ (૧૪-૧૧-૧૯૩૯, મુંબઇ)

સમકાલીન સાક્ષર, ઇતિહાસના અધ્યાપક, સોનેટ કાવ્યોના સર્જક અને કવિતામાં ‘પોચટ’ને બદલે બરછટ વિષયો આણવા બદલ જાણીતા બળવંતરાય ક.ઠાકોરની શૈલી સામે ખબરદારને ઘણા વાંધા હતા. તેમના મતના સાહિત્યકારો કે નવોદિત લેખકો વિશે તે ‘ઠાકોરિયાવર્ગ’ના કે ‘ઠાકોરીઆ’ જેવા શબ્દપ્રયોગો પત્રમાં છૂટથી વાપરતા હતા. (દા.ત. ‘આપણા નવીન લેખકમિલનમાં તો પાછા બધા  જ ઠાકોરીઆ પેઠા છે’, ૭-૧૧-૪૬)
B.K.Thakore/ બળવંતરાય ક. ઠાકોર (ફોટોઃ જગન મહેતા)
પરંતુ ગુજરાતના અસ્મિતાગાનના કવિ ગણાતા ખબરદારે પોતાની સાથે થતા પરાયાપણાના વ્યવહાર સામે અને ગુજરાતના સાક્ષરોની સંકુચિતતા સામે બે દાયકા પહેલાં બ.ક.ઠાકોરને લખ્યું હતું, ‘...એમણે નાનાલાલ સિવાય બીજા કોઇની કવિતા વાંચી હોય એમ લાગતું નથી. મને તો તેમણે ખુલ્લું કહ્યું કે મારાં કાવ્યો એમણે વાંચ્યાં નહોતાં...આ તમારા ગુજરાતના સાક્ષરો! અને એક જ વાંચીને જગતને કહેવા નીકળે કે એ જ ઉત્તમ!...હું તો જેમ જેમ ગુજરાતના સાક્ષરોના સમાગમમાં આવું છું તેમ તેમ આશ્ચર્ય પામું છું કે સાક્ષરોના જ્ઞાનસાગરનાં તળિયાં ત્રણ ફૂટ જ ઊંડાં હશે? હોય, મને પારસીને બોલવાનો હક શો?’ (૩-૭-૧૯૨૭)

ડૉ.ધર્મેન્દ્ર મ.માસ્તર (મધુરમ્‌) દ્વારા સંશોધિત-સંપાદિત અને કોઇ સાહિત્યસંસ્થા દ્વારા નહીં, પણ મુંબઇની પારસી પંચાયત દ્વારા પ્રકાશિત ‘કવિ ખબરદારના પત્રો’ (૧૯૯૨)માં ૧૫૪ પત્રો મુકાયા છે. તેમાં ગુજરાત અને ગુજરાતીઓ વિશેના ખબરદારના અભિપ્રાયો સામસામા છેડાના જોવા મળે છે. પત્રના છેડે સામાન્ય રીતે ‘અરદેશર ફ. ખબરદારના પ્રણામ’ કે ‘અરદેશર ફ.ખબરદારના વંદે માતરમ્‌’ લખતા કવિએ ઑક્ટોબર ૨૯, ૧૯૩૦ના એક પત્રના છેડે ‘અરદેશર ફ.ખબરદારના જય ગુજરાત’ એવું લખ્યું છે. યાદ રહે કે એ વખતે ભૌગોલિક સ્વરૂપે ગુજરાત રાજ્ય અસ્તિત્ત્વમાં આવ્યું ન હતું. પત્રમાં ગુજરાતની સ્તુતિનો એવો કશો સંદર્ભ નથી, છતાં તેમણે આવું કેમ લખ્યું હશે, એ જાણવા મળતું નથી. ઉલટું ‘પ્રિય ભાઇશ્રી શંભુપ્રસાદ’ પરના એ પત્રમાં તેમણે લખ્યું છે,‘માસિકોની સારીનરસી ટીકાથી કશો હર્ષશોક આણવો નહીં. મારા પર કાંઇ ઓછું લખાયું નથી...આપણે બધા જ કાંઇ રામકૃષ્ણ કે દયાનંદ, ગાંધી કે શેક્સપીઅર કે મીલ્ટન થવાના નથી. સર્વનું કાર્ય સર્વની સ્થિત્યનુરૂપ છે. માટે કશાથી હારી ન ખાતાં તમારી સાહિત્યપ્રવૃત્તિ ચલાવ્યે જશો....’

વર્ષોથી તેમની (એકમાત્ર) ઓળખ સમી બની ગયેલી કવિતા ‘જ્યાં જ્યાં હશે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’માં એક પંક્તિ છે,‘સૂર્યતણાં કિરણો દોડે ત્યાં સૂર્યતણો જ પ્રકાશ’. તેના વિશે કેટલાક સાક્ષરોએ ટીકા કરી હતી. એવા એક ટીકાકારને તેમણે લખ્યું,‘’તમારો અર્થ પણ જુદો છે ને કોઇ રીતે બંધ બેસતો નથી. મેં કહ્યું છે કે ‘ગુર્જરોના વાસ-પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ ગમે ત્યાં હોય, પણ જેમ સૂર્ય લાખો ગાઉ દૂર છે, છતાં તેનાં કિરણો જ્યાં જ્યાં પ્રસરે ત્યાં ત્યાં સૂર્યનો જ પ્રકાશ હોય... (તેમ) ગુજરાતના કિરણરૂપ એક પણ ગુજરાતી જ્યાં હોય ત્યાં તે મૂળ ગુજરાતનો જ પ્રકાશ ફેલાવે છે.’ આ રહસ્ય કેટલું સાદું છતાં ઊંડા ભાવભર્યું છે. ને ઉપમા કેવળ બંધબેસતી છે. હું ઘડી ઘડી જોઉં છું કે ગુજરાતના વિવેચકોએ ઘણે ભાગે મારી કવિતાઓના અર્થ પૂરા સમજ્યા વિના ટીકાઓ કરી દીધી છે.’’ (૩૦-૭-૧૯૨૬, મદ્રાસ)

ગુજરાત વિશે ‘જય ગુજરાત’ લખવા જેટલો ભાવ અને ગુજરાતના સાક્ષરો-સાહિત્યકારો તથા કેટલીક વાર ગુજરાતીઓ વિશે પણ ગંભીર ફરિયાદો--આવો વિરોધ કેમ? તેમાં ખબરદારના અંગત જીવનની કરુણતાઓ ઉપરાંત બીજા પક્ષની પણ જવાબદારી ઓછી હોય તેમ લાગતું નથી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પરના પત્રમાં તેમણે લખ્યું છે,‘મારા ગુજરાતી સાક્ષર ભાઈઓને પારકે ભાણે જ મોટા લાડુ દેખાય છે. તેમ જ શાસ્ત્રીય વિષયોમાં તો માત્ર છીછરાં તલાવડાંનો જ આભાસ આપે છે...ભાઈશ્રી, મેં એટલું બધું અનુભવ્યું છે કે જે ગુજરાતને માટે પચાસ વર્ષ સુધી મેં સાહિત્યસેવા ખરા તનમનધનથી અર્પી છે તે ગુજરાતના છેલ્લાં પંદર વર્ષના સપૂતોએ મારી પાછળ અધમતાનું જ દર્શન કરાવ્યું છે. મને એનો કશો વિષાદ નથી, કેમ કે ઉપરછલ્લી કીર્તિ કે પ્રચારમાં હું માનતો નથી. કાળની સામે જે ટકી રહેશે તે જ સાહિત્ય, બીજાં બધાં મીઠાઈવાળાનાં પડીકાં!’

ખબરદારને આવી ફરિયાદ કરવાનો અધિકાર હતો. કેમ કે,  માંડ છ ધોરણ પાસ થયેલા આ કવિના નામે નાનામોટા કાવ્યસંગ્રહો અને કેટલાંક સંપાદનો મળીને ૨૨ કાવ્યસંગ્રહો બોલે છે. એટલું જ નહીં, અંગ્રેજી વાચકોમાં આવકાર પામ્યો હોય એવો એક અંગ્રેજી કાવ્યસંગ્રહ પણ તેમણે છેક ૧૯૧૮માં આપ્યો હતો.

ફક્ત કવિતાની એક કડીથી યાદ રખાતા ખબરદારના જીવનસંઘર્ષ અને તેમના મોટા પ્રદાન વિશેની કેટલીક વાતો હવે પછી

No comments:

Post a Comment