Wednesday, October 19, 2016

સનાતન સભા-સમસ્યાઓ (૩) : કિતને ઇનામ રખે હૈં હમ પર

કેટલીક સભાઓ ઇનામી માટેની હોય છે : તે સ્કૂલના પ્રાર્થનાખંડમાં ભરાતી પેન્સિલ-રબર વિતરણ સભા હોય કે પછી સાહિત્ય પરિષદ દ્વારા અપાતાં ઇનામોનો કાર્યક્રમ. (ન્યાય ખાતર કહેવું જોઇએ કે સ્કૂલના કાર્યક્રમો શિસ્તબદ્ધ હોવાની સંભાવના વધારે છે.) આવા સમારંભોમાં અનેક ઇનામ હોય છે અને તે મેળવનારા પણ અનેક--મંચ પર બિરાજેલા મહાનુભાવો આપતાં થાકે એટલાં. દરેક ઇનામ વખતે એક ફરજિયાત ફોટો અને એ ફરજિયાત ફોટામાં કેમેરા સામે જોઇને પ્રમાણપત્ર બતાવવું-હસવું ફરજિયાત. એ વખતે લાગે કે ‘હસવું અને લોટ ફાકવો’ એ કહેવત બદલીને ‘પ્રમાણપત્ર સ્વીકારવું ને ફોટો પડાવવો’ એવી કરી નાખવી જોઇએ. કારણ કે બન્નેમાં એક સાથે ઘ્યાન આપવું શક્ય નથી. કોઇ વાર એકને અને ઘણી વાર તો બન્નેને અન્યાય થઇ જાય છે.

ઇનામ વિતરણ કાર્યક્રમોનું હાડ (ડીએનએ) જ એવું હોય છે કે તે સમાસુતરા પાર પડી શકે નહીં. જન્મ લેવો એ જેમ મૃત્યુ પામવાનું મૂળ કારણ છે, તેમ ઔપચારિક ઇનામ વિતરણ યોજવું એ લોચા વાગવાનું ને ગોટાળા થવાનું મૂળભૂત કારણ છે. તેમાંથી કોઇ મર્ત્ય મનુષ્ય બાકાત નથી. એટલે જ પદ્મ પુરસ્કાર મેળવનારાઓને પણ મુખ્ય કાર્યક્રમના આગલા દિવસે રીહર્સલ કરાવવાં પડે છે ને જતી જિંદગીએ અભિનય-કમ-શિસ્તના મૂળભૂત પાઠ શીખવવા પડે છે. એ વખતે પદ્મસન્માનિતોને તેમના સ્કૂલના દિવસ યાદ આવી શકે છે અને એવું પણ લાગી શકે છે કે સ્કુલમાં આટલી શિસ્ત રાખી હોત તો શિક્ષકોનો માર ઓછો ખાવો પડત.

ઇનામ વિતરણ વખતે ગોટાળા સર્જાવા માટે પાયાનું કારણ : ઇનામની જાહેરાત કરનાર, ઇનામ તાસકમાં લઇને આવનાર, ઇનામ આપનાર અને ઇનામ લેનાર સાવ જુદી વ્યક્તિઓ હોય છે. તેમને કાર્યક્રમના ચાર ખૂણા પણ ગણી શકાય. આ ચારે ખુણાને એક લાઇનમાં કરવાનું અઘરું ન પડે તો જ નવાઇ. મોટા ભાગના કિસ્સામાં ઇનામની જાહેરાત કરનાર ઉદ્‌ઘોષક ઇનામ લેનારને ઓળખતા નથી હોતા. કેટલાક કિસ્સામાં તો તે મંચ પર બેઠેલા મહાનુભાવોમાંથી બધાને પણ ઓળખતા નથી હોતા.

એટલે ‘અમુકતમુક મહાનુભાવ  ફલાણાં બહેન કે ભાઇને પારિતોષિક એનાયત કરશે’ એવી જાહેરાત થયા પછી શ્રોતાગૃહમાં કોરી ઉત્તેજના નહીં, સસ્પેન્સસભર આતુરતા પ્રસરે છે. જાહેરાત થયા પછી સમારંભમાં મોડા આવનાર સભાગૃહમાં દાખલ થાય, તો લોકોને એવું લાગે છે કે આ ઇનામ મેળવનાર જણ છે. પણ એ જણની નજર મંચ ભણી નહીં, ખાલી ખુરશીની શોધમાં ફરતી હોય છે. અચાનક બાકીની નજરોને પોતાના ભણી તકાયેલી જોઇને તે મૂંઝવણ અનુભવે છે. શરમવાળા માણસને ધરતી મારગ આપે તો સમાઇ જવાનું મન થાય છે. પણ ધરતીમાં ખુરશી નહીં હોય ને ત્યાં પણ ઊભા જ રહેવું પડશે, એ વિચારે તે સમાઇ જવાનો વિચાર પડતો મૂકે છે અને સભાગૃહમાં યોગ્ય --એટલે કે ખાલી--સ્થાન જોઇને બેસી જાય છે.

ઓડિયન્સ તો ઠીક, મંચ પર બેઠેલા મહાનુભાવોની આતુરતાભરી--અને સમય વીત્યા પછી ઉકળાટભરી--દૃષ્ટિ ઓડિયન્સ તરફ મંડાયેલી હોય. તેમ છતાં, ઇનામ લેનાર જણ દેખાય નહીં, ત્યારે સભામાં જાણે કોઇએ શિવધનુષ્ય ઉંચકવાનો પડકાર ફેંક્યો હોય એવું વાતાવરણ સર્જાય છે. ‘અરે, એક આખા ઇનામની જાહેરાત થઇ ગઇ છે, પણ તેનો લેવણહાર આવડા મોટા સભાગૃહમાં કોઇ નથી. કેવો કળજુગ.’

મોટી સંખ્યામાં ઇનામો હોય ત્યારે શરૂઆતની જાહેરાતો લોકરંજક છટામાં કર્યા પછી ધીમે ધીમે ઉદ્‌ઘોષક જેવો ઉદ્‌ઘોષક પણ છવાઇ જવાના મોહમાંથી મુક્ત થવા લાગે છે. (કેવો કળજુગ) શબ્દાળુ ચબરાકીયાં નેવે મૂકીને તે ટેલીફોનની ડીરેક્ટરી વાંચવાના અંદાજમાં એક પછી એક નામ બોલવા માંડે છે. વચ્ચે વચ્ચે ઇનામ લેનારાને ઝડપ કરવાનું સૂચવીને તે યાદ કરાવતા રહે છે કે તે ડિરેક્ટરી નહીં, ઇનામવિજેતાઓની યાદી વાંચી રહ્યા છે. ઇનામો બહુ હોય ત્યારે શરૂઆતમાં મહત્ત્વના મહેેેમાનોના હાથે ઇનામ વિતરણ કરાવાય છે. ઇનામ આપનારાં માથાં થાકવા અથવા ખૂટવા લાગે, એટલે આયોજક ઉદ્‌ઘોષકને કાનમાં ફૂંક મારી દે છે કે જે નજરે ચડે તેના હાથે ઇનામ અપાવવા માંડો. એટલે ઇનામ લેનારની જેમ આપનારની પણ લાઇન પડી જાય છે અને મંચની બન્ને બાજુ એકસરખો ગુંચવાડો પ્રવર્તે છે. ઇનામ લેનાર મુંઝાઇ જાય છે કે કોની પાસેથી ઇનામ લેવાનું છે અને આપનાર પણ કિંકર્તવ્યમુઢ સ્થિતિમાં આવી જાય છે. એમાં પણ ઇનામ પર નામ લખેલાં હોય ત્યારે કાયદો-વ્યવસ્થાના એવા પ્રશ્નો સર્જાય છે કે ઇનામ આપવાની પ્રક્રિયા કામચલાઉ અટકાવી દેવી પડે. થોડી વારમાં ઉપસ્થિત શ્રોતાઓને એવી શંકા જાય છે કે હોલમાં બેઠેલા બધા એકબીજાને ઇનામ આપવા માંડશે.

આવા સમારંભમાં ઇનામ આપનાર કે લેનાર ન હોય તો ચાલે, પણ ફોટો પાડનાર હોવા જોઇએ. આવું ફક્ત ફોટોગ્રાફરો જ નહીં, ઉત્સાહી આયોજકો પણ માનતા લાગે છે. ચોરીમાં બેઠેલા ગોર જેમ લગ્નવિધિ પૂરતું વર-કન્યા કરતાં વધારે મહત્ત્વ ધારણ કરે છે, એવું જ કંઇક ઇનામ સમારંભોમાં ફોટોગ્રાફરોનું થાય છે. તેમની ફ્‌લેશ ન થાય, ત્યાં સુધી ઇનામ અપાવાનો વિધિ પૂરો થયો ગણાતો નથી. મોટા ભાગના કેમેરામન અત્યંત ચુસ્ત અને મનોમન પોતાની જાતને હોય એના કરતાં પણ વધારે ચુસ્ત સમજતા હોય છે. આટલાં ઇનામોનો શો ભાર? ચપટીમાં ઉકેલી દઇશું.  એવો ભાવ તેમના ચહેરા પર લીંપાયેલો હોય છે. પરંતુ ઇનામ લેનારાની લાઇન પડી જાય, એટલે ફોટોગ્રાફર તેની બધી ચુસ્તી સહિત મુંઝાય છે અને એક જ ટેકમાં ફાઇનલ ફોટો પાડવા માટે સંઘર્ષરત બને છે. આવા છુંછા જેવા કામમાં રીટેક કરાવવા પડે એની અકળામણ તેમના ચહેરા પર જણાઇ આવે છે. પરંતુ એ નામોશી વેઠીને પણ તે ઇનામ આપનાર અને લેનાર પાસે રીટેક કરાવતા રહે છે, ‘એક મિનીટ, જરા આ બાજુ જુઓ, પ્લીઝ. (ઇનામ લેનાર તરફ જોઇને) એમ નહીં, તમે આ બાજુ જુઓ..એમ..હં...બરાબર છે. ઓકે.’

આમ ને આમ ઇનામ વિતરણ પૂરું થાય, ત્યારે હાશકારાની છૂપી લાગણી આખા સભાગૃહમાં ફરી વળે છે. તેને સભાગૃહમાંથી લોકો ઉઠી ઉઠીને જતા રહેવાને કારણે વધેલી એેરકન્ડિશનિંગની ઠંડક ગણી ન લેતા. 

2 comments:

  1. Urvishbhai khubaj saras. You had nicely narrated flows of prize event management. Intent of prize award is to motivate and deliver back to society particularly to those who are not listed for any prize.

    ReplyDelete
  2. Hu koi mahan vyakti nathi ke nathi hu koi khyay nam chhata samaj na samarambh ma mane pan mahanubhav banavi sanman karvanu saubhagya�� Apayu hatu ane lekh ma janavi tevi j line melavanar ane aapnar ni hati tyare anubhavayeli lagani ne shabd ma to tame j kandari ane jordar rite

    ReplyDelete