Monday, July 04, 2016

‘એક અલબેલા’ ભગવાનદાદા સાથે ગપસપ

(ભાગ-1ની લિન્ક ઃ http://urvishkothari-gujarati.blogspot.in/2016/06/blog-post_30.html)

ધીરે સે આજા રે અખિયનમેં’ (‘અલબેલા’) લતા મંગેશકરનું જ નહીં, ફિલ્મસંગીતના ઇતિહાસનું યાદગાર ગીત છે. તેના બીજા ભાગમાં લતાની સાથે સંગીતકાર સી.રામચંદ્રનો અવાજ છે. ધૂન એ જ, છતાં એ બીજા ભાગમાં કરૂણરસ વહે છે. કંઇક એવો જ કરૂણરસ ભગવાનદાદા રહેતા હતા તે ચાલીમાં- તેમના રૂમમાં દાખલ થતી વખતે અનુભવાય. ભગવાનદાદાની કપરી સ્થિતિ વિશે સાંભળેલું હોવાથી આઘાત ન લાગે. છતાં, જોઇને જીવ તો કકળે.

પરંતુ એક વાર વાતચીત શરૂ થતાં-અલબેલાભગવાન પ્રત્યક્ષ થતાં કરૂણતાનાં વાયોલિનને બદલે જાણે શોલા જો ભડકે, દિલ મેરા ધડકેજેવી રૉક એન્ડ રોલ મસ્તી છવાઇ જાય. બેઠી દડીના, ભીને વાન, કોઇ પણ ધોરણે હીરો જેવો ચહેરો ન ધરાવતા ભગવાનદાદા મહેમદાવાદના બે સાવ અજાણ્યા છોકરા સાથે પ્રેમથી વાતો કરે, ત્યારે તે એકદમ આત્મીય લાગવા માંડે.
Urvish Kothari, Master Bhagwan, Biren Kothari, 1991
Urvish Kothari, Master Bhagwan, Biren Kothari, 1991

મોટા ભાઇ બીરેન કોઠારીએ મિત્ર પાસેથી માગીને આણેલો કૅમેરા કાઢ્‌યો, એટલે ગંજી-લુંગી પહેરીને બેઠેલા ભગવાનદાદા ઊભા થયા અને અંદર જઇને સિલ્કનો ચળકતો ઝભ્ભો ચઢાવી લાવ્યા. પણ એ તો ડીલ પર. જીભ તો તેમણે છૂટી જ રાખી હતી. કદાચ એટલે જ ઇન્ટરવ્યુનું ઑડિયો રૅકોર્ડિંગ કરવાની એમણે ના પાડી.

ઔપચારિક ઇન્ટરવ્યુ લેવાનો કોઇ ખ્યાલ કે સજ્જતા ન હતાં. પણ ગમતા માણસ વિશે જાણવું જોઇએ, એ ધોરણે ભગવાનદાદાની કારકિર્દી વિશે થોડું લેસન કર્યું હતું. એના આધારે વાતો શરૂ થઇ. એમણે સંગીતકાર સી.રામચંદ્ર સાથેની દોસ્તીની વાત માંડી. બન્ને સ્ટન્ટ ફિલ્મો સાથે સંકળાયેલા (જેને સમય જતાં ઍક્શન ફિલ્મનો દરજ્જો મળ્યો). સી.રામચંદ્રે બે તમિલ ફિલ્મોમાં સંગીત આપેલું ને ભગવાને તેમાં અભિનય કર્યો હતો. પરંતુ અભિનેતા તરીકે ભગવાનદાદા સીગ્રેડની ગણાતી મારધાડની ફિલ્મોના કલાકાર કહેવાય.

ફિલ્મોમાં પોતાના સ્ટન્ટ જાતે કરતા અખાડિયન માસ્ટર ભગવાનનો હાથ એવો ભારે કે એ સમયનાં ગ્લૅમરસ અભિનેત્રી લલિતા પવારને લાફો મારવાના એક દૃશ્યમાં માસ્ટર ભગવાનનો હાથ સહેજ જોરથી ઉપડી ગયો. પરિણામ? લલિતા પવારના ચહેરો એક તરફથી સહેજ ખેંચાઇને પૅરાલિસીસની હળવી અસર હોય એવો થઇ ગયો. હીરોઇન તરીકેની તેમની કારકિર્દી (ભગવાનની ભૂલથી) ખતમ થઇ ગઇ. જોકે, ચહેરાના બદલાવને કુટિલ પાત્રના અભિનયમાં ખપમાં લઇને લલિતા પવારે એ મર્યાદાને પોતાની વિશેષતા બનાવી દીધી.

લલિતા પવારના પતિ જે.એસ.પવાર અને દાદા ગુંજાલ જેવા ડાયરેક્ટરોની ફિલ્મોમાં માસ્ટર ભગવાને કામ કર્યું હતું. એ વિશે વાત કરતાં તેમણે કહ્યું, ‘દાદા ગુંજાલની એક ફિલ્મમાં મેં અંગ્રેજી ફિલ્મ હન્ચબૅક ઑફ નૉત્રદામના મુખ્ય પાત્રની નકલ કરી હતી. એ માણસ ખભા અંદર લઇને, પગ ત્રાંસા અને પહોળા કરીને ચાલતો હતો.’ ‘હન્ચબૅક ઑફ નૉત્રદામની ચાલમાં પોતાની રીતે થોડો ફેરફાર કરીને માસ્ટર ભગવાને તેને અપનાવી લીધી. તેમના જીવન પરથી તૈયાર થયેલી મરાઠી ફિલ્મ એક અલબેલાના ટ્રેલરમાં પહેલું જ દૃશ્ય એ જોવા મળે છે.
Master Bhagwan- Urvish Kothari
જે.એસ.પવાર સાથે પહેલી મુલાકાતમાં થયેલો સંવાદ પાંચ દાયકા પછી પણ ભગવાનદાદાએ ખડખડાટ હાસ્ય અને હાવભાવ સાથે યાદ કરી બતાવ્યો :
નામ?’
ભગવાન.
લેકિન તેરે પૈર તો નીચે હૈ.
માસ્ટર ભગવાને કહેવું પડ્યું કે એ તો ફક્ત નામના જ ભગવાન હતા અને કામ શોધતા હતા. બીજી બાજુ, ચંદ્રરાવ કદમ હન્ચબૅકનું પાત્ર ભજવનાર અભિનેતાને શોધતા હતા. માસ્ટર ભગવાને કહ્યું,‘મને જોઇને તેમણે મારી ફેંટ પકડી અને કહે, તુઝે તો મૈં કબ સે ઢુંઢ રહા થા.તે મને પકડીને પવાર પાસે લઇ ગયા અને કહ્યું,‘યહી તો વો આદમી હૈ.
***
અમારી મુલાકાત થઇ એ અરસામાં (૧૯૯૦-૯૨ વચ્ચે) કશી ઓળખ કે પત્રકાર-લેખક-તસવીરકારના કોઇ લટકણિયા વિના, કેવળ સંગીતપ્રેમી-ફિલ્મપ્રેમી તરીકે જૂના ઘણા કલાકારોને મળવાનું થયું હતું. તેમાં સૌથી વધારે હળવાશ અને જીવંતતા ભગવાનદાદા સાથેની આશરે પોણો કલાકની વાતચીતમાં લાગી. કશા ભાર વિના, વચ્ચે સ્વસ્તિવચનોઆવી જાય એની પણ સભાનતા વિના, એ વાતો કરતા હતા. વાતચીત ચાલુ હતી એ દરમિયાન તેમનો પુત્ર આવ્યો, અમારી સામે જોયું અને અંદરના રૂમમાં જતો રહ્યો. એટલે ભગવાનદાદાએ એને પાછો બોલાવ્યો અને અમારી ઓળખાણ કરાવી. પછી કહ્યું,‘ઘરમાં આવેલા માણસની સરખી ઓળખાણ તો કરાવવી પડે ને.’ 
Master Bhagwan - Urvish Kothari

ભગવાનદાદાની મુખ્ય ઓળખ એટલે ડાન્સ. અમે મળ્યા એ સમયના ડાન્સ વિશે તેમનો શો અભિપ્રાય હતો? પૂછ્‌યું એટલે એમણે કહ્યું,‘અત્યારના ડાન્સ કોકશાસ્ત્રના ડૅમોન્સ્ટ્રેશન જેવા લાગે છે.પછી ભગવાન-સ્ટાઇલની ખાસિયત વિશે સમજાવ્યું કે દરેક માણસમાં સ્વાભાવિક આનંદની અનુભૂતિ અને એ વ્યક્ત કરવાની લાગણી થતી હોય છે. મારી ડાન્સની સ્ટાઇલમાં એ લાગણી પ્રગટ થાય છે. મારો ડાન્સ- મારાં સ્ટેપ્સ જેને અંદરથી મઝા આવી રહી હોય, એવા માણસનાં લાગશે.

અલબેલાની સ્ટંટ ફિલ્મોના અભિનેતા માસ્ટર ભગવાનની સામાજિકએટલે કે મોટીફિલ્મ હતી. હીરોઇન તરીકે ગ્રેડમાં ગણાય એવાં ગીતા બાલી. બન્ને સાથે ઊભાં હોય તો કેમેય કરીને જોડી લાગે નહીં. માસ્ટર ભગવાનની ડાયલોગ બોલવાની રીત પણ ઉતાવળી. વાક્યોમાં શબ્દો ક્યારેક એકબીજા પર ચડી જાય. પણ એ ડાન્સ શરૂ કરે એટલે જાણે જુદા માણસ થઇ જાય. અંદરના આનંદની અભિવ્યક્તિ જેવાં તેમનાં અડધાં અડધાં સ્ટૅપમાં અત્યારે થાય છે એવી ચીલઝડપ કે દાવપેચ ન હોય. છતાં, જોનાર તેની સાથે ઝૂમવા માંડે અને ગીતા બાલી જેવી હીરોઇન સાથે ભગવાન જેવા હીરોની જોડી કેવી રીતે જામે?’ એવો સવાલ બાજુ પર રહી જાય.

અલબેલાનાં કેટલાંક મસ્તીભર્યાં ગીત પર થિએટરમાં સિક્કા ઉછળે અને પ્રેક્ષકોમાંથી કેટલાક સીટ પરથી ઉભા થઇને નાચવા લાગે, એવાં દૃશ્યો ત્રીસેક વર્ષ પહેલાં સુધી સુધી જોવા મળતાં હતાં. વર્ષ ૨૦૧૬માં પણ બૅન્ડવાજાં સાથે નીકળેલો ભાગ્યે જ એવો કોઇ વરઘોડો હશે, જેણે ભોલી સુરત દિલકે ખોટેની ધૂન પર ને ભગવાનદાદાનાં સ્ટેપ્સ પર જાનૈયાઓને નચાવ્યા ન હોય.

અલબેલાની સાથોસાથ અલકમલકની વાતો પણ થઇ. તેમાંથી જાણવા મળ્યું કે ભગવાનદાદાની અટક પાલવ હતી અને જે શંકરરાવ આબાજી પાલવ માર્ગ પર તેમની ચાલી હતી, એ તેમના ભાઇ થાય. દાદાનાં પત્ની વડોદરાનાં હતાં, એવું પણ તેમણે વાતવાતમાં કહ્યું.  ભગવાનદાદાની ઉજ્જવળ ફિલ્મી કારકિર્દીની યાદ અપાવતી ફક્ત પાંચ તસવીરો પાછળ લટકતી હતી. દીવાલ પરથી ક્યાંક રંગ ઉખડેલો હતો. આ માહોલમાં ડાયરીમાં ઑટોગ્રાફ આપતી વખતે તેમણે કાળી ફ્રેમવાળા ચશ્મા ચઢાવ્યા ત્યારે અને અમારી વિનંતીને માન આપીને ધીરે સે આજાની બે પંક્તિ ગાઇ ત્યારે વાતાવરણ ભારે બને એમ હતું. પણ તેમની પ્રકૃતિસહજ હળવાશથી એવું ન થયું. તેમને મળીને બહાર નીકળ્યા પછી કે પચીસ વર્ષ પછી એ મુલાકાતને યાદ કરતી વખતે સૌથી પહેલી તો ભગવાનદાદાની પ્રસન્નતા જ યાદ આવે છે.



1 comment:

  1. Yogesh P. Bhatt11:46:00 AM

    સાચું કહુ, મને અેમ લાગ્યું જાણે તમારી વાત ચીત દરમિયાન હુ પણ અેકાદ ખુણામાં ઊભો ઉભો બધુ સામ્ભળતો હતો. અલબેલા મે જોયું છે અને સુંદર હાલરઽુ અને ઽાનસ સોંગ પણ જોયા છે

    ReplyDelete