Monday, June 20, 2016

હેપી ફાધર્સ ડે, રાષ્ટ્રપિતાઓને...

ગાંધીજી માટે વપરાતા માનસૂચક બિરૂદ રાષ્ટ્રપિતા વિશે ફક્ત સામાન્ય ગાંધીદ્વેષીઓ જ નહીં, કેટલા વિદ્વાનો પણ એવું માને છે કે આ બધી વેવલાઇ કહેવાય—અને એ ભારતમાં જ હોય. બીજા કોઇ દેશોમાં રાષ્ટ્રપિતા હોતા નથી. ભારતમાં પણ રાષ્ટ્રપિતા જેવું કોઇ સત્તાવાર બિરૂદ નથી. એવી માન્યતા છે કે સુભાષચંદ્ર બોઝે પહેલી વાર જર્મનીની ધરતી પરથી કરેલા રેડિયો સંબોધનમાં ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા હતા. 

એ ખરું કે રાષ્ટ્રપિતા જેવું બિરૂદ સત્તાવાર નથી—અને હોઇ પણ ન શકે. આવાં બિરૂદો ચોક્કસ સમયકાળમાં જનસમુદાયની સ્વયંભુ કે દોરાયેલી લાગણીનું પ્રતિબિંબ દર્શાવતાં હોય છે અથવા પરાણે લોકોના બાપ બની બેસવાની સરમુખત્યારી માનસિકતા પણ દર્શાવતાં હોય છે. ગાંધીજીના કિસ્સામાં સ્વાભાવિક રીતે જ એવું ન હતું. ગાંધીજીનાં પગલાંની કે તેમના વિચારોની ટીકા થઇ શકે, પરંતુ તેમનો પ્રયાસ અને એની રીત અસાધારણ હતાં. ઇતિહાસની વક્રતા એ છે કે ગાંધીજી આ દેશના રાષ્ટ્રપિતા કહેવાયા તેની સમાંતરે જ એક એવી વિચારધારા પાંગરી રહી હતી, જે રાષ્ટ્રપિતાની હત્યાને વધ (પવિત્ર હેતુસર કરાયેલી હત્યા) ગણાવતી હોય.  આ વિચારધારાના મોહમાં પડેલા અને ગાંધીજીને રાષ્ટ્રપિતા તો ઠીક, સન્માનનીય રાષ્ટ્રનેતા પણ ન માનતા લોકોનું પ્રમાણ ઘણું વધ્યું છે. એ ખેદજનક કહેવાય, પણ આશ્ચર્યજનક નથી. રાષ્ટ્રપિતાઓની આ જ નીયતી હોય છે. એ માટે પછીની પેઢીઓની વૈચારિક દરિદ્રતા જવાબદાર ગણાય કે રાષ્ટ્રપિતાની એક્સપાયરી ડેટવાળી, પ્રક્ષેપિત કે પ્રચારાયેલી મહાનતા, એ કિસ્સે કિસ્સે તપાસવું પડે.

ક્યારેક રાજકીય તખ્તાપલટ પણ રાષ્ટ્રપિતાના બિરૂદને બદલો લેવાનું માધ્યમ બનાવી દે. 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ પછી નવા બાંગલાભાષી રાષ્ટ્ર બાંગલાદેશનો જન્મ થયો, બંગબંધુ તરીકે ઓળખાતા શેખ મુજિબુર રહેમાનને 1972માં નવા બંધારણની રૂએ બાંગલાદેશના રાષ્ટ્રપિતા ઘોષિત કરવામાં આવ્યા. પરંતુ 2004માં બાંગલાદેશ નેશનલ પાર્ટીની સરકારે શેખ મુજિબનું બિરૂદ સત્તાવાર રીતે રદ કર્યું. કારણ? વિપક્ષી અવામી લીગનાં નેતા અને શેખ મુજિબનાં પુત્રી શેખ હસીના સાથે સત્તાધીશોનો રાજકીય સંઘર્ષ. બાંગલાદેશ જેમાંથી છૂટું પડ્યું, એ પાકિસ્તાનના કોઇ રાષ્ટ્રપિતા ન હતા. મહંમદઅલી ઝીણા એ બિરૂદ મેળવી શક્યા હોત, પણ તે કાઇદે આઝમ જ રહ્યા.
 
Remembering Sheikh Mujib, (Ex-) father of Bangladesh
ગાંધીજીએ જ્યાં સત્યાગ્રહની શરૂઆત કરી, એ દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મેન્ડેલાએ રંગભેદવિરોધી ચળવળનું નેતૃત્વ કર્યું અને લાંબા જેલવાસને અંતે ચળવળને સફળતા સુધી પહોંચાડી. તે વાજબી રીતે જ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા કહેવાયા. મેન્ડેલા એવા નેતા હતા, જે પહેલાં રાષ્ટ્રપિતા અને પછી રાષ્ટ્રપ્રમુખ પણ બન્યા. પરંતુ રાષ્ટ્રપિતાના બિરૂદમાં ભૂતકાળની સેવાને કારણે મળેલો માનમોભો હોય છે, જ્યારે રાષ્ટ્રપ્રમુખની સત્તામાં ભવિષ્ય માટેની અપેક્ષાનો બોજ. મેન્ડેલા એ ભાર પૂરી સફળતાથી ન ઉપાડી શક્યા અને એક રાષ્ટ્રપિતા રાષ્ટ્રપતિ (રાષ્ટ્રપ્રમુખ) તરીકે નિષ્ફળ જઇ શકે, એ દુનિયાદારીની વાસ્તવિકતા તેમના થકી ઉજાગર થઇ.

સમયે સમયે દેશના એક કે વધુ રાષ્ટ્રપિતા હોય, એ ખ્યાલ આધુનિક યુગનો નથી. ઇસવી સન પૂર્વેના જમાનામાં રોમન સામ્રાજ્યમાં પહેલાં મહત્ત્વના નેતાઓને (સેનેટરોને) pater patriae (પાટર પાટ્રીએ)નો દરજ્જો અપાતો હતો. તેનો અર્થ થાયઃ પિતૃભૂમિના પિતા. રોમનો સહિત ઘણા લોકો માટે દેશ માતૃભૂમિ નહીં, પિતૃભૂમિ હતો અને મહત્ત્વના નેતા તેના પિતા. પછી રોમન સમ્રાટો સત્તાની રૂએ પિતૃભૂમિના પિતા તરીકેનાં બિરૂદ ધારણ કરવા લાગ્યા. આધુનિક સમયમાં રાષ્ટ્રના ઇતિહાસમાં મહત્ત્વની ભૂમિકા અદા કરનારા એકથી વધુ નેતાઓ માટે ફાઉન્ડિંગ ફાધર્સ (સંસ્થાપક પિતૃઓ) જેવો પ્રયોગ પણ થાય છે. અમેરિકામાં આવા ફાઉન્ડિંગ ફાધર્સ ઘણા છે. છતાં, તેમાંથી એક, ક્રાંતિકારી સૈન્યના સેનાપતિ અને અમેરિકાના પહેલા પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન ફાધર ઓફ ધ કન્ટ્રી કહેવાય છે. એવી જ રીતે, રશિયામાં રાજાશાહી (ઝારશાહી) ઉથલાવીને સામ્યવાદી ક્રાંતિ કરનાર નેતા લેનિન રાષ્ટ્રપિતાનો દરજ્જો પામ્યા. તેમનો મૃતદેહ વૈજ્ઞાનિક પદ્ધતિથી જાળવણી કરીને હજુ પણ જાળવી રાખવામાં આવ્યો છે અને પ્રસંગોપાત તેને જાહેર દર્શન માટે મૂકવામાં આવે છે. મૃત્યુનાં 92 વર્ષ પછી પણ સદેહે હાજર હોય એવા એ પહેલા રાષ્ટ્રપિતા હશે.
 
Lenin's dead body preserved 
સામ્યવાદની બીજી ધરી જેવા ચીનમાં રાષ્ટ્રપિતા તરીકે માઓ ઝેદોંગનું નામ મનમાં આવે. પરંતુ આધુનિક ચીનના રાષ્ટ્રપિતા તરીકેનું માન ડો.સુન યાત-સેનને મળેલું છે. તેમણે 1911માં રાજાશાહી સામેના સફળ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. એ ક્રાંતિ પછી ચીનમાં લોકોનું રાજ્ય સ્થપાયું, ત્યારે સુન યાત-સેન પહેલા પ્રમુખ બન્યા, પણ ટૂંક સમયમાં તેમણે આંતરરાષ્ટ્રિય સ્તરે વધારે સ્વીકૃતિ ધરાવતા લશ્કરી નેતાની તરફેણમાં પોતાનો હોદ્દો છોડવો પડ્યો હતો. પરંતુ એ સત્તાપરિવર્તન માનભેર થયું, એટલે સુન યાત-સેનનો મોભો જળવાઇ રહ્યો. તેમની સરખામણીમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપિતા સુકર્ણોનો કેસ ઘણો ચઢાવઉતારવાળો છે. ડચ, જાપાની અને બ્રિટિશ લોકો સામે લડીને દેશને આઝાદી અપાવવામાં તેમનો નોંધપાત્ર ફાળો હતો. પણ દેશની અરાજકતાને કાબૂમાં રાખવાના બહાના તળે, તેમનામાં સરમુખત્યારી લક્ષણો પ્રગટ થવા લાગ્યાં. તે પોતે અમર્યાદ સત્તા ધરાવતા પ્રમુખ બની બેઠા. એ રીતે દોઢેક દાયકો રાજ કર્યું, પણ તેમના શાસનનો અંત આંતરિક વિદ્રોહથી આવ્યો અને તેમનું મૃત્યુ કેદી અવસ્થામાં થયું.
 
Sukarno
ભારતના ઇતિહાસમાં અહમદશાહ અબ્દાલીનો ઉલ્લેખ (વાજબી રીતે જ) આક્રમણખોર તરીકે આવે છે. પાણીપતના ત્રીજા યુદ્ધમાં અહમદશાહે મરાઠા રાજવીઓને નિર્ણાયક હાર આપી. પરંતુ એ જ અહમદશાહ (દુર્રાની) અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપિતા ગણાય છે. કારણ કે તેમના દુર્રાની વંશથી આધુનિક અફઘાનિસ્તાનની શરૂઆત ગણાય છે. અહમદશાહ બાબા (પિતા) તરીકે ઉલ્લેખાય છે. 

રાષ્ટ્રપિતાનાં બિરૂદોનો મામલો હવે મહદ્ અંશે ઇતિહાસ બની ચૂક્યો હોવા છતાં, છૂટાછવાયા કિસ્સા હજુ ચર્ચામાં આવતા રહે છે. વર્ષ 2015માં યુગાન્ડાના નેતા મુસોવેનીને રાષ્ટ્રપિતા કહેવાય કે નહીં, તેનો વિવાદ થયો. મુસેવીની છેક 1986થી યુગાન્ડા પર રાજ કરી રહ્યા છે. ભૂતકાળમાં બે વિદ્રોહમાં સક્રિય રીતે સંકળાયેલા મુસેવીનીની સત્તાથી દેશમાં અમુક હદે સ્થિરતા આવી, પરંતુ તેમણે પણ દલા તરવાડી શૈલીમાં પ્રમુખ તરીકેની પોતાની સત્તા અમર્યાદ ને છેડા વગરની બનાવી દીધી છે. એટલે જ ગયા વર્ષે એક જૂથે મુસેવીનીને રાષ્ટ્રપિતા તરીકેનું બિરૂદ આપવાની હિલચાલ કરી, ત્યારે તેનો ઘણો વિરોધ થયો હતો.

રાષ્ટ્રપિતાની જેમ રાષ્ટ્રમાતા હોય? ભારતમાં કસ્તુરબા ભલે મધર ઓફ ધ નેશન ન કહેવાયાં, પણ દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મેન્ડેલાનાં પત્ની વીની માટે એ પ્રયોગ થતો હતો. જોકે, નેલ્સન મેન્ડેલા સાથે છૂટાછેડા પછી તે ભૂતપૂર્વ રાષ્ટ્રમાતા બની ગયાં હતાં.

દેશના ઇતિહાસમાં પિતૃસ્થાને પહોંચવું સહેલું નથી હોતું, પણ ત્યાં ટકી રહેવું ઘણું વધારે અઘરું નીવડે છે.


No comments:

Post a Comment