Tuesday, March 29, 2016

વિદ્યાર્થીવિરોધનું વિલનીકરણ

અંગ્રેજીમાં આ લેખનું મથાળું હોત, ‘હુ ઇઝ અફ્રેઇડ ઑફ કનૈયાકુમાર્સ’. જેએનયુ વિવાદ લગભગ થાળે પડી ગયા પછી પણ, જે રીતે સરકારી છાવણીમાંથી કનૈયાકુમારને પોકળ નેતા સાબીત કરવાની અનુપમ કોશિશો ચાલુ છે, જેટલી જેવા સરકારના સિનિયર નેતાઓ વિદ્યાર્થીઓના વિરોધને તળિયાઝાટક રીતે ડાબેરી અંતિમવાદ ગણાવી રહ્યા છે, ‘ખરો દેશભક્ત કોને કહેવાય?’ ‘અસલી હીરો કોને કહેવાય?’, ‘જામીન પર છૂટેલાને હીરો ન બનાવાય’ (ફક્ત પક્ષપ્રમુખ જ બનાવાય) એની સમજૂતીઓ કનૈયાકુમારને નકલીસાબીત કરવા માટે અપાઈ રહી છે, એ જોતાં એક વાત નક્કી છે : આપણને લાગે કે ન લાગે, સરકારી છાવણીને અથવા ભક્તોને લાગે છે કે આવનારી વિધાનસભા ચૂંટણીઓના માહોલમાં કનૈયાકુમાર-ઇફૅક્ટ એટલે કે વિદ્યાર્થીવિરોધ મજબૂત પરિબળ તરીકે ઉભરી શકે એમ છે—અથવા આ પરિબળને તે પોતાની તરફેણમાં ધ્રુવીકરણ માટે ઉપસાવવા માગે છે.

કનૈયાકુમારને અને તેની ઓથે વ્યાપક વિદ્યાર્થીવિરોધને અનિષ્ટ ઠેરવવાની ઉચાટગ્રસ્ત તાલાવેલીમાં એ હકીકત ચૂકાઇ જાય છે કે ભાજપી રાજકારણના બધા વિરોધીઓ કનૈયાકુમારને હીરોગણતા નથી. અત્યાર સુધી કૉંગ્રેસના કે બીજા વિરોધપક્ષોના નેતાઓ જે વાત જે રીતે કહી ન શક્યા, એ વિદ્યાર્થી રાજકારણનો એક છોકરો કહી ગયો--એટલા પૂરતા જમણેરી રાજકારણના વિરોધીઓ રાજી છે. આ વાત આ જ રીતે કહેવાવી જોઇતી હતી, તેનો આનંદ પણ છે. એટલા પૂરતો કનૈયાકુમાર અભિનંદનનો અધિકારી ખરો. પણ હીરો’? એ મોટું અને હજુ દૂરનું વિશેષણ છે.

કનૈયાકુમારમાં પોતાની વાત નાટ્યાત્મક ઢબે મૂકવાની, જકડી રાખે એવું ભાષણ અસ્ખલિતપણે કરવાની, પોતાની ગરીબીનો યથાસ્થાને ઉલ્લેખ-ઉપયોગ કરવાની, કિસાનો-જવાનો-વિદ્યાર્થીઓ-મજદૂરોના હિતની વાત કરવાની -- ટૂંકમાં, વર્તમાન સમયના રાજનેતા બનવાની ઘણી આવડતો મોજૂદ છે. તેની સામેની ઝુંબેશ હજુ ચાલી રાખીને સરકારના કે વડાપ્રધાનના પ્રેમીઓ પોતાની અસલામતીનો પરિચય આપી રહ્યા છે. બાકી, હજુ સુધી એકેય મોટા પક્ષ સાથે ન સંકળાયેલા કનૈયાકુમારની સક્રિય રાજકારણમાં શી વિસાત?

પરંતુ એવું વિચારવાને બદલે લોકશિક્ષણના અંદાજમાં લોકોને સતત યાદ કરાવવામાં આવે છે કે જોજો, કનૈયાકુમારને હીરો ન માની લેતા.કારણ? તેમને લાગે છે કે કનૈયાકુમારની ભાષણબાજીમાં (ભાજપી નેતાઓ જેવી) લોકરંજક અપીલ અને જમણેરી રાજકારણનો આકરો વિરોધ તો છે જ. સાથે એવું પણ કશું છે, જે ભાજપી નેતાઓને બહુ ફાવતું નથી : વંચિત ભારતીયોની અને ઇન્કિલાબવાળા રાષ્ટ્રપ્રેમની વાત.

રાષ્ટ્રવાદની સંઘી પરિભાષાને બદલે ઇન્કિલાબ ઝિંદાબાદનો સંબંધ ભાજપ-સંઘે પચાવેલી નહીં, પચાવી પાડેલી શહીદસ્મૃતિ સાથે છે. રાષ્ટ્રવાદને પોતાનો ઇજારો ગણતા સંઘ પરિવારે ભગતસિંઘ-સુખદેવ-રાજગુરુ જેવા શહીદોની યાદ પર એવો કબજો જમાવી લીધો, જાણે એ ત્રણે સંઘ પરિવાર પ્રકારના જમણેરી (કોમવાદી, વિભાજક) રાષ્ટ્રવાદખાતર શહીદ થયા હોય. ભગતસિંઘ જેવા ક્રાંતિકારીઓ સમાજવાદી વિચારસરણી ધરાવતા અને કોમવાદ-ધાર્મિક આત્યંતિકતાના વિરોધી હોવા છતાં, ‘શહીદો એટલે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદ એટલે સંઘ પરિવાર, માટે શહીદો એટલે સંઘ પરિવાર’--એવું સમીકરણ ઊભું કરી દેવામાં આવ્યું.

તેનો અસરકારક વિરોધ કરવા જેટલાં કૌવત, ખાંખત કે દાનત કૉંગ્રેસમાં નથી. એક દાયકાથી દૂધપાક ખેલાડી તરીકે ઉતરેલા રાહુલ ગાંધીને એકમેવ ઉદ્ધારક માનતી કૉંગ્રેસની હાલત ઘણા અંશે શીંકા સામે ટાંપીને બેસી રહેલી બિલાડી જેવી છે, જે પોતે શીંકું ભાંગવા માટે ખાસ કંઇ કરનાર નથી, પણ ક્યારેક તો શીંકું ભાંગશે, એવો આશાવાદસેવે છે.

બીજા સ્થાનિક પક્ષો ભાજપને નાનામોટા પાયે માથાનો દુઃખાવો આપે છે. પરંતુ રાષ્ટ્રવાદના ફડાકા મારતી ભાજપી નેતાગીરીને તેમની જ પીચ પર જવાબ આપે એવા ખેલાડી અત્યાર સુધી ગેરહાજર હતા. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે ચબરાકીપૂર્વક, પદ્ધતિસરના છબીપ્રક્ષેપણ-ઇમેજ બિલ્ડિંગ દ્વારા રાષ્ટ્રવાદને બદલે ભ્રષ્ટાચારનો સૂર પકડ્યો અને ચાવાળાની સામે સીધાસાદા, મઘ્યમ વર્ગીય મફલરવાળાનું કથાનક ઊભું કર્યું. તેમણે પહેલી વાર દર્શાવી આપ્યું કે નરેન્દ્ર મોદીની કહેવાતી અજેયતા ભ્રમ છે. બલ્કે, વધારે તો એ કૉંગ્રેસની નબળાઇનું કે દાનતના અભાવનું કે બન્નેના સરવાળાનું પરિણામ છે. કેજરીવાલે પુરવાર કર્યું કે ચોક્કસ પ્રકારની ચબરાકી - સ્ટ્રીટસ્માર્ટનેસ, મીડિયા મેનેજમૅન્ટ, લોકોને દેખાડવા માટેનાં સપનાં અને ચોટડુક આયોજન હોય તો (જે બધાને સુશાસન સાથે કશો સંબંધ હોવો જરુરી નથી), તો લોકસભામાં ઝંડા ફરકાવી દેનાર મોદીની ભાજપને વિધાનસભામાં ૬૭-૩ની હદે  પછાડી શકાય છે. એના માટે કૉંગ્રેસની જેમ, શીંકું એની મેળે પડે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી.

બિહાર વિધાનસભામાં નીતિશકુમાર-લાલુપ્રસાદની યુતિને કારણે ભાજપની સરકાર ન બની. ત્યાં કેજરીવાલ પ્રકારની ચબરાકી કે મોદીને તેમની જ (પ્રચારશૌર્યની) પીચ પર પછાડવાની વાત ન હતી. પણ બિહારનાં જ્ઞાતિ સહિતનાં અનેક સમીકરણો-સરવાળાબાદબાકી સાથે પનારો પાડીને નીતિશ-લાલુ જીતી શક્યા. અલબત્ત, તેનાથી પણ નરેન્દ્ર મોદીને ચૂંટણીજંગમાં પરાસ્ત કરી શકાય છે અને અમિત શાહ પાસે કોઇ જાદુઇ છડી નથી, એ વાસ્તવિકતા ઘુંટાઇ. વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભારતને કોઇ દૈવી ઉદ્ધારક મળી ગયો હોય, એવો પ્રચારફુગ્ગો લોકસભાચૂંટણીનાં પરિણામ વખતે  બહુ ફૂલ્યો. પણ પછી તેમાંથી હવા નીકળવાની શરૂઆત થઇ. ઍવોર્ડવાપસી-દાદરી-રોહિત વેમુલા-જેએનયુ-હૈદરાબાદનો જાણે સળંગ સિલસિલો ચાલ્યો અને એ જ દેશની ચર્ચાનો કેન્દ્રવર્તી સૂર બની ગયો. તેમના પટ્ટીબંધા ન હોય એવા સમર્થકોમાં પણ ગણગણાટ શરૂ થયો.


એક સંભાવના એવી પણ છે કે નક્કર કામગીરીની અપેક્ષા સંતોષવામાં ઊણી ઉતરેલી સરકાર રાષ્ટ્રવાદના મુદ્દે ધ્રુવીકરણ દ્વારા ખેલ પાડવા ઇચ્છે છે. પરંતુ રોહિત વેમુલા-જેએનયુ અને ફરી વેમુલાની હૈદરાબાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર દમન...આ ઘટનાઓથી એવું લાગે છે, જાણે કેન્દ્ર સરકાર તેનાથી વિરોધી રાજકીય વિચાર ધરાવતા વિદ્યાર્થીઓને દુશ્મન ગણે છે. સરકાર તરફથી કશી રોકટોકના અભાવે  અથવા સરકારી આશીર્વાદની છાપ આપતાં વહીવટી તંત્રો વિદ્યાર્થીઓ પ્રત્યે કિન્નાખોરીભર્યું વર્તન કરે છે. તેમની સાથે પોતાના વિદ્યાર્થીઓ જેવો વર્તાવ કરવાને બદલે રાજકીય પ્રતિસ્પર્ધીઓની જેમ તેમની સામે પેંતરાબાજી કરે છે. આમ કરીને અંતે તો તે વિદ્યાર્થી અસંતોષમાં પાણીને બદલે ઘી હોમી રહ્યાં છે. યુનિવર્સિટી સ્તરે ઉકેલવાના વિવાદને રાષ્ટ્રિય બનાવવામાં  સરકારપક્ષને રાષ્ટ્રવાદી ધ્રુવીકરણનો લાડુ દેખાતો હશે, પણ આ રીતે પ્રકાશમાં આવેલા કનૈયાકુમાર જેવા વિદ્યાર્થીનેતાઓ રાજકીય નુકસાન કરી શકે એટલા મોટા થાય, તો તેની મોટા ભાગની જવાબદારી અસલામતીગ્રસ્ત અને ભાષણકલાથી સંમોહિત રહેતા અનુયાયીવર્ગની જ ગણાશે.  

No comments:

Post a Comment