Wednesday, December 09, 2015

કુદરતી આફતો : હમ નહીં સુધરેંગે


નવેમ્બર, ૨૦૧૫ના ત્રીજા અઠવાડિયાથી ચેન્નઇ અને તામિલનાડુના બીજા કેટલાક જિલ્લાનો જળપ્રલયનો ભોગ બન્યા છે. ચેન્નઇમાં ભારે વરસાદનો એક સદી જૂનો રેકોર્ડ તૂટ્યો. વરસાદ તૂટી પડ્યો ને વહીવટી તંત્ર ભાંગી પડ્યું. શહેર આખામાં પાણી ફરી વળ્યું હોય ને અસ્તિત્ત્વનો સવાલ હોય, ત્યારે આઇ.ટી.હબ તરીકેની ઓળખ કે મહાનગર તરીકેની આબરૂ અભરાઇ પર ચડી જાય છે. પરિસ્થિતિ કેટલી વણસી હશે તેનો એક દાખલો : પ્રતિષ્ઠિત અખબાર ધ હિંદુના લગભગ ૧૩૭ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર, તા.૨ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ તેની પ્રિન્ટ આવૃત્તિ પ્રગટ થઇ શકી નહીં.

કુદરતી આફતો પર કોઇનો અંકુશ નથી. દરેક આફત પછી સ્થાનિક પ્રજાના બેઠા થવાનાજુસ્સાને બિરદાવવાનું પણ મનોવૈજ્ઞાનિક રીતે આવકાર્ય છે. પરંતુ મુસીબતના સમયમાં જોવા મળેલી સારપને બિરદાવવી જેટલી જરૂરી છે, એટલું જ અનિવાર્ય ફટકો ખાધા પછી બોધપાઠ શીખવાનું પણ છે. એ ન થાય તો આફતના કારણે ભોગવેલું નુકસાન અને વેઠેલી ખુવારી એળે જાય છે. ન શીખવાની જડતા ભવિષ્યની આફતોને આવકાર આપનારી કે તેમની અસરોને અનેક ગણી વધારનારી બની રહે છે. ચેન્નઇ-તામિલનાડુની કારુણીએ ભૂતકાળની આવી ઘણી આડોડાઇઓ યાદ કરાવી આપી. રાજકીય પક્ષ અને વહીવટી તંત્રનો મોટો હિસ્સો જાણે હમ નહીં સુધરેંગેની પ્રતિજ્ઞા લઇને બેઠેલો લાગે એવી કેટલીક બાબતોઃ

જયલલિતાની આગેવાની હેઠળની રાજ્ય સરકારે આફતને કુદરતી ગણાવી દીધી. પરંતુ અભ્યાસ અહેવાલો જુદી હકીકતો ભણી ધ્યાન દોરે છે. ચેન્નઇ મહાનગરની વાત કરીએ તો, એક અંદાજ પ્રમાણે શહેરનાં આશરે ૩૦૦ જેટલાં નાનાં-મોટાં તળાવ કે જળસંગ્રહ કરતી જગ્યાઓ પર આડેધડ બાંધકામ કરી નાખવામાં આવ્યું છે. પરિણામે, પાણી રહેણાંક વિસ્તારોમાં તળાવો બનાવે છે.

ચેન્નઇની આ સ્થિતિ અમદાવાદ-વડોદરા જેવાં શહેરોને પણ લાગુ નથી પડતી? વડોદરામાં ગાયકવાડી રાજમાં એવી વ્યવસ્થા ગોઠવાયેલી હતી કે શહેરનું એક તળાવ ભરાઇ રહે એટલે પાણી બીજા તળાવમાં જાય. પાણીના નિકાલ માટે આવાં શ્રેણીબદ્ધ તળાવો હતાં, જેની જમીનને રીઅલ એસ્ટેટબનાવીને, ત્યાં બાંધકામ કરી નાખવામાં આવ્યાં.

ચેન્નઇના કેટલાક રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે નવો રોડ બને ત્યારે તેની નીચેનો રોડ ખોદવાની તસ્દી લેવાતી નથી. તેની ઉપર જ નવો થર પાથરી દેવામાં આવે છે. પરિણામે રોડની સપાટી થોડાં વર્ષોમાં ઘરના ભોંયતળિયા કે ચોગાન કરતાં ઊંચી થઇ જાય છે. આવી સ્થિતિમાં એક વાર પાણી ઘરમાં ઘૂસ્યા પછી તે આપમેળે ઓસરી શકતું નથી. આ ફરિયાદ અમદાવાદ જેવાં શહેરોમાં પણ દરેક વરસાદ વખતે ઊભરી આવે છે. છતાં રસ્તા બનાવવાની પદ્ધતિમાં કશો ફેર પડતો નથી અને રસ્તાના નામે દર વર્ષે લાખો રૂપિયા ધોવાઇ કે ખવાઇ જાય છે. આ પ્રકારનાં કામથી વહીવટી તંત્રના ભ્રષ્ટ લોકો, ભ્રષ્ટ નેતાઓ અને તેમની સાથે સાંઠગાંઠમાં કામ કરતા કોન્ટ્રાક્ટરોનું કલ્યાણ થાય છે ને નાગરિકોનું....કલ્યાણથઇ જાય છે.

પાણીના ઝડપી નિકાલ માટેની સ્ટોર્મ વૉટર પાઇપો અને ગટરલાઇનો વ્યવસ્થિત -એટલે કે તે અંદરથી અડધીપડધી ભરાઇ ગયેલી ન હોય, એકબીજા સાથે જોડાયેલી હોય અને પૂરતા મોટા કદની હોય એ જરૂરી છે. પરંતુ બીજાં ઘણાં શહેરોની જેમ ચેન્નઇમાં એ શક્ય બન્યું નથી. અખબારી અહેવાલો પ્રમાણે, કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ (કેગ)ના ૨૦૧૨ અને ૨૦૧૩ના અહેવાલોમાં ચેન્નઇ કૉર્પોરેશનના વહીવટી તંત્રની આ બાબતે ટીકા કરવામાં આવી હતી. આ કામ માટે કૉર્પોરેશને ફક્ત અડધો ખર્ચ જ કરવાનો હોય છે. બાકીની અડધી રકમમાંથી ૩૫ ટકા (જવાહરલાલ નેહરુ નેશનલ અર્બન રીન્યુઅલ મિશનઅંતર્ગત) કેન્દ્ર સરકાર અને ૧૫ ટકા રાજ્ય સરકાર આપે, એવી જોગવાઇ હતી. છતાં, આ ખર્ચ વહીવટી તંત્રની પ્રાથમિકતામાં આવતો નથી.

ચેન્નઇના પૂર પછી સૌથી વધુ ગાજેલો શબ્દ છે : અર્બન પ્લાનિંગ ઊર્ફે નગર આયોજન. આડેધડ વિસ્તરતાં મોટાં શહેરોમાં આયોજન માટે સક્ષમ સંસ્થાઓ કે માણસો તો હોય છે, પણ આ રીતનો વિકાસપ્રેરનારાં સ્થાપિત હિતો એટલાં પાવરધાં હોય છે કે તે અર્બન પ્લાનિંગનાં અભ્યાસપૂર્ણ સૂચનોને તડકે મૂકી દે છે અથવા પ્લાનિંગની સંસ્થામાં રહેલા ધંધાદારી વૃત્તિવાળા લોકોને સાધીને, તેમની પાસેથી પોતાના ધાર્યા નિર્ણયો પર મત્તાં મરાવી લે છે.

આફતના ટાણે માનવતાની સમાંતરે તકસાધુપણું પણ ખીલી ઉઠે છે. ચેન્નઇમાં શાસક પક્ષ ઓલઇન્ડિયા અન્નાડીએમકેના ઉત્સાહી કાર્યકરોએ રાહતસામગ્રી પર જયલલિતાનાં સ્ટીકર લગાડવાની ઝુંબેશ આદરી. બહારથી મદદ લાવનારાં વાહનોને થોભાવીને તેની પર ધરાર સ્ટીકરો લગાડાતાં હોવાના સમાચાર પણ આવ્યા. પક્ષે સત્તાવાર નિવેદનમાં આ પ્રવૃત્તિની ટીકા કરી, પણ ભક્તો એટલે ભક્તો.

ગુજરાતમાં રાહત સામગ્રીનાં પેકેટ પર કમળનાં સ્ટીકર મારવાના મુદ્દે વિવાદ થયો હતો. બે વર્ષ પહેલાં ઉત્તરાખંડમાં થયેલી હોનારત વખતે ગુજરાત સરકારે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનનાં સ્ટીકર ધરાવતાં સીધુંસામાનનાં પેકેટ મોકલ્યાં, ત્યારે સ્થાનિક ભાજપી નેતાઓ તેને મોદીકિટતરીકે ઓળખાવતા હતા. તેની સામે વાંધો પાડનાર કૉંગ્રેસ એ ભૂલી ગઇ કે યુથ કૉંગ્રેસ તરફથી વહેંચવામાં આવેલી રાહતસામગ્રીનાં ખોખાં પર રાહુલ ગાંધીની તસવીર ધરાવતાં સ્ટીકર લગાડાયાં હતાં. ટૂંકમાં, ગમે તે પક્ષ હોય, હોનારતો પછીનું રાહતકામ તેમના માટે શો ટાઇમઅને ધંધેકા ટાઇમબની જાય છે. 

ક્યાંક એવાં હોર્ડિંગ પણ લાગ્યાં કે જયલલિતા પાણીમાં ઝંપલાવીને લોકોને ઉગારી રહ્યાં છે. કેન્દ્ર સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ જારી કરેલી હવાઇ સર્વેક્ષણ કરતા વડાપ્રધાનની કેટલીક તસવીરોમાંથી એકમાં ચેડાં કરવામાં આવ્યાં :  હેલિકોપ્ટરની બારીમાંથી વડાપ્રધાન પૂરગ્રસ્ત વિસ્તાર જોતા હોય એવું દર્શાવવા માટે, બારીના ગોળાકારમાં પૂરગ્રસ્ત વિસ્તારનો બીજો ફોટો લગાડી દેવાયો. એ વિશે ટીકા થયા પછી ફોટો પાછો ખેંચીને દિલગીરી વ્યક્ત કરવામાં આવી.  તેની પરથી યાદ આવ્યું : થોડાં વર્ષ પહેલાં ગુજરાતના પૂર વખતે તત્કાલીન મુખ્ય મંત્રી મોદીએ મદદની અપીલ માટે કાર્ડ છપાવ્યાં હતાં. તેમાં ઉપર (કદાચ હેલિકોપ્ટરની બારીમાંથી) જોતા નરેન્દ્ર મોદીનું કટ આઉટ હતું અને તેની નીચેના આખા કાર્ડ પર પાણીમાં ગરકાવ વિસ્તારનો ફોટો હતો. કાર્ડ સામે પડ્યું હોય તો એવું જ લાગે, જાણે મોદી પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છે. પરંતુ એ વખતે સોશ્યલ મિડીયા ન હતું.


આફતને પોતાના પ્રચારનો અવસર ગણી લેતા નેતાઓ-બાબુઓને કારણે, હોનારતની અસરો હળવી થાય એટલે રાત ગઇ, બાત ગઇની જેમ બધું વિસારે પડી જાય છે--નવી આફત ન આવે ત્યાં સુધી. બાકી, ખામીયુક્ત આયોજનની દૃષ્ટિએ વિચારીએ તો ભારતનું દરેક શહેર હાલનું ચેન્નઇબનવાની ક્ષમતાધરાવે છે.

No comments:

Post a Comment