Tuesday, December 01, 2015

બ્લેક એન્ડ વ્હાઇટ યુગના રંગીન ફોટોગ્રાફર જી.એચ.માસ્ટરને અંજલિ

જી.એચ.માસ્ટર / G.H.Master (1947-2015)
ગઇ કાલે પત્રકાર અતુલ ડાયાણીના આકસ્મિક અવસાનના આંચકાજનક સમાચાર પછી, આજે ગુજરાતી ફોટોજર્નાલિસ્ટોની ટૂંકી નાતમાં મોટું નામ ધરાવતા જી.એચ.માસ્ટરની વિદાયના સમાચાર મળ્યા. માસ્ટર સાથે પરિચય બહુ ઓછો. મળવાનું થયું હશે, પણ વધારે તો 2006-07માં દિવ્ય ભાસ્કરમાં હતો ત્યારે. એ વખતે માસ્ટર પણ તેમનો પ્રાઇમ ટાઇમ વટાવી ચૂકેલા. છતાં, યાદ છે કે  કોઇક સંદર્ભે એક વાર તે ઉસ્તાદ બિસ્મિલ્લાખાનની તેમણે પાડેલી દુર્લભ તસવીરો લઇ આવ્યા હતા. ગુજરાતમાં --અને ગુજરાત સમાચારમાં-- ઝવેરીલાલ મહેતાની સમાંતરે ન્યૂઝ ફોટોગ્રાફીમાં પોતાનું નામ માસ્ટર ઊભું કરી શક્યા.  'તસવીરઃ જી.એચ.માસ્ટર' એ બાયલાઇન મારી કે તે પહેલાંની પેઢીના વાચકોને એટલી જાણીતી લાગતી, જાણે તેમનું આખું નામ જ 'તસવીરઃ જી.એચ.માસ્ટર' હોય.

માસ્ટરની તસવીરોનો સંગ્રહ મારી પાસે નથી, પણ અમદાવાદમાં ફોન નંબર છ આંકડામાં હતા અને જયેન્દ્ર પંડિત અમદાવાદના મેયર હતા, એ જમાનામાં માસ્ટરનો વન મેન શો યોજાયેલો. એ વખતે બહાર પડેલા અને સરકારી છપાઇ ધરાવતા એક સુવેનિયરમાંથી કેટલીક તસવીરો અને કેટલાક અભિપ્રાયો અહીં સાભાર મૂકું છું.

અલવિદા, ગુલામગૌસ હાજીભાઇ માસ્ટર (1947-2015).

***

પ્રમાણમાં નિરાશાજનક અને સર્જનક્ષેત્રે લગભગ નપુંસક કહી શકાય તેવા ભારતીય છબીકલાના ક્ષેત્રે સદભાગ્યે ગણ્યાગાંઠ્યા જે અપવાદો આજે જોવા મળી શકે છે તેમાં જી.એચ.માસ્ટર પણ છે.
-- જ્યોતિ ભટ્ટ

માસ્ટર અટક આમ તો તેને વારસામાં મળી છે, પણ ફોટોગ્રાફી ક્ષેત્રે તેણે મેળવેલી માસ્ટરને કારણે તેની અટક મટી વિશેષણની જેમ વપરાય છે...'ફોટોગ્રાફી હાથની કળા છે કે આંખની?' એમ તેને પૂછો તો આંખ મીંચકારીને હસી પડતાં તે કહેશે, 'વૈસે તો યે હાથકી સફાઇ હૈ. તુમ ઉસે કલા બોલો તો ભી મુઝે કોઇ વાંધા નહીં હૈ. લેકીન યાર યે સબ એપ્રીશીએટ કરનેકે લિયે આંખ ભી ચાહિયે. ક્યા સમઝે? ફિર ભી ઇસમેં દિમાગકી જરૂરત નહીં પડતી, યે મૈં સાફ બોલ દેતા હું. ક્યા સમઝે?'
-- વિનોદ ભટ્ટ

શેખાદમ (આબુવાલા)ની ગઝલો, સુંદર મજાનાં ગુજરાતી તથા ઉર્દુ કાવ્યો કે જે કાવ્યોને માસ્ટરે પોતાની તસવીરોથી જીવંત કર્યાં. માસ્ટરની એક એક તસવીરો જોયા પછી જાણે એમ જ લાગે કે શેખાદમનું કાવ્ય કે શેખાદમની ગઝલ હમણાં બોલી ઉઠશે... એક તસવીરકાર, એક શાયર અને એક કલાકાર આ ત્રણેનો સંગમ મને માસ્ટરમાં જોવા મળ્યો.
-- પંકજ ઉધાસ

તા.ક. વિવેક દેસાઇ જેવા મિત્ર તસવીરકારે માસ્ટર વિશે ફેસબુક પર થોડું લખ્યું છે. તેમનો વધુ પરિચય ધરાવતા મિત્રો તેમનાં સંભારણા લખીને અંજલિમાં ઉમેરો કરે એવી અપેક્ષા.

G.H.Master with Amitabh Bachchan

(L to R) Pandit Hariprasad Chaurasia, G.H.Master, Ustad Zakir Husain

Assembly of Gujarati photographers (L to R) : G.H.Master, A.L.Saiyed,
Jagan Mehta, Surendra Patel, Suleman Patel

G.H.Master family

No comments:

Post a Comment