Thursday, July 09, 2015

કટોકટી : સત્તાવાર અત્યાચારોની સીઝન (૨)

જૂન, ૧૯૭૫થી માર્ચ ૧૯૭૭ સુધી ચાલેલી કટોકટીમાં ઇંદિરા ગાંધી સત્તાવાર રીતે સરમુખત્યાર નહીં, ફક્ત વડાપ્રધાન હતાં. આ ગાળા દરમિયાન તેમણે લોકશાહીનું ગાણું સતત ચાલુ રાખ્યું. આંતરિક કટોકટી કેવળ લોકશાહી સામેના પડકારોને ખાળવા આણવી પડી, એવો એેમનો દાવો હતો. રાષ્ટ્રનિર્માણ અને નાગરિકઘડતરનું જે કામ ગાંધીજી સહિતના નેતાઓ દાયકાઓમાં ન કરી શક્યા, તે ઇંદિરા ગાંધી-સંજય ગાંધી આપખુદશાહી દ્વારા કરવા ઇચ્છતાં હતાં, પણ રાષ્ટ્રઘડતરની વાતો તળે ફુંફાડા મારતી તેમની સત્તાલાલસા કોઇને પણ દેખાઇ જાય એવી સ્પષ્ટ હતી.
Indira Gandhi- Sanjay Gandhi/ ઇંદિરા ગાંધી-સંજય ગાંધી
કટોકટીની પ્રશંસામાં ઘણી વાર એવું કહેવામાં આવે છે કે ત્યારે ટ્રેનો નિયમિત ચાલતી, લોકો બસ સ્ટેશને લાઇનમાં ઊભા રહેતા, દુકાનદારો કાળાં બજાર અને સંઘરાખોરી કરતાં ગભરાતા. એવું પણ કહેવામાં આવે છે કે ‘સામાન્ય માણસને’ (એટલે કે નાગરિક અધિકારો માટે સજાગ ન હોય- રાજકારણ કે જાહેર બાબતોથી દૂર રહેતા હોય એવા લોકોને) કટોકટીની કોઇ અસર થઇ ન હતી. સહેજ વઘુ વિચારતાં સમજાશે કે એ બધી ‘સિદ્ધિઓ’ રાષ્ટ્રઘડતરનું કે લોકોમાં જાગેલી ટકાઉ સારપનું નહીં, પણ કટોકટીની આપખુદશાહીએ લોકોમાં પ્રેરેલા ભયનું પરિણામ હતી--અને મોટા ભાગના ‘સામાન્ય માણસ’ તેમાંથી બાકાત ન હતા. કટોકટી વખતે સૌ કોઇને એટલી ખબર પડી ચૂકી હતી કે સરકાર પાસે અમર્યાદ સત્તાઓ છે, જે કોઇ પણ નિર્દોષની સામે વાપરતાં સરકાર જરાય ખચકાશે નહીં. આવી ધાકનાં થોડાંઘણાં-ટૂંકા ગાળાનાં-મર્યાદિત અને ઉપરછલ્લાં સુપરિણામોને ‘કટોકટીના ફાયદા’ તરીકે ગણાવવામાં પ્રમાણભાન જળવાતું નથી. એ તો માથું કાપ્યા પછી પહેરાવાયેલી પાઘડીની બાંધણીની ડીઝાઇનનાં વખાણ કર્યા જેવું ગણાય.

ગયા સપ્તાહે કટોકટીનાં બે મોટાં અનિષ્ટ (‘મિસા’ અને સેન્સરશીપ) વિશે વાત કર્યા પછી, આ વખતે ફરજિયાત નસબંધી અને  વિવિધ પ્રકારની તોડફોડની વાત.

વસ્તીની સમસ્યાનો સંજય ગાંધીવાદી ‘ઉકેલ’
ઇંદિરા ગાંધીએ દેશના ઉદ્ધાર માટે કટોકટી દરમિયાન વીસ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો. સ્વદેશી ‘પીપલ્સ કાર’ એવી ‘મારુતિ’ના પ્રૉજેક્ટમાં ગોથાં ખાતા તેમના પુત્ર સંજય ગાંધી કટોકટી દરમિયાન ખરા સત્તાધીશ હતા. કહેવા પૂરતા તો તે યુવા કૉંગ્રેસની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય હતા. (પ્રમુખ પણ નહીં. અંબિકા સોની યુવાકૉંગ્રેસનાં પ્રમુખ હતાં) પરંતુ તેમનો પાવર વડાપ્રધાન-સમકક્ષ. વી.સી.શુક્લ, બંસીલાલ જેવા કેન્દ્રિય મંત્રીઓ મોંએ ચડાવેેલા અને સરવાળે માથે ચડી ગયેલા બાબાશેઠ સંજય ગાંધીની તહેનાતમાં હતા, તો દિલ્હીમાં જગમોહન, રુખસાના સુલતાના, નવીન ચાવલા જેવાં ઘણાં પાત્રો સંજય ગાંધીના દરબારી-હજુરિયા બન્યાં. સંજય ગાંધીના આશીર્વાદ હેઠળ યુવાકૉંગ્રેસને પહેલી વાર લોકો પાસેથી સીધા (કૉંગ્રેસને બાજુ પર રાખીને) રૂપિયા ઉઘરાવવાની સત્તા મળી.
Sanjay Gandhi- Ambika Soni
Rukhsana Sultana

માતાના વીસ મુદ્દાના કાર્યક્રમની સમાંતરે સંજય ગાંધીએ પોતાનો પાંચ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો : ૧) કુટુંબનિયોજન ૨) વૃક્ષારોપણ ૩) જ્ઞાતિપ્રથાનાબૂદી ૪) પ્રૌઢશિક્ષણ અને ૫) દહેજનાબૂદી. (કેટલાક અહેવાલ પ્રમાણે પાંચમો મુદ્દો ‘દહેજનાબૂદી’નો નહીં, પણ ‘ઝૂંપડપટ્ટીનાબૂદી’નો હતો).  આ પાંચે મુદ્દામાંથી પહેલા મુદ્દા વિશે સંજય ગાંધી અતિઉત્સાહી હતા. કુટુંબનિયોજન વાસ્તવમાં ‘ફરજિયાત નસબંધી’નો મુસ્લિમવિરોધી કાર્યક્રમ હતો. પરિણામે, આઝાદી પછી એકંદરે કૉંગ્રેસભણી ઢળેલો મુસ્લિમ સમુદાય પહેલી વાર કૉંગ્રેસથી ભડક્યો. ફરજિયાત નસબંધીના અત્યાચાર ભલે દિલ્હી-ઉત્તર પ્રદેશ-હરિયાણામાં થયા, પણ તેની ભયાનક કથાઓ દેશભરમાં ફેલાઇ.

ઘણા સમીક્ષકો માને છે કે ફરજિયાત નસબંધીના નામે મુસ્લિમો પર કરાયેલી જબરદસ્તી કટોકટીનું સૌથી મોટું પાતક હતી. તેના મુખ્ય સૂત્રધાર સંજય ગાંધી અને હરિયાણાના મુખ્ય મંત્રી બંસીલાલ હતા. એ પણ નોંધપાત્ર છે કે મુસ્લિમદ્વેષને ‘સંસ્કૃતિ’નું અભિન્ન અંગ લેખાવતા સંઘ પરિવારના બહુમતી લોકો માટે સંજય ગાંધી ‘હીરો’ હતા. કારણ કે તેમની ‘મનકી બાત’ને સંજય ગાંધીએ અમલમાં મૂકી દીધી હતી. મલ્ટિનેશનલ કંપનીના માર્કેટિંગ વિભાગના અંદાજમાં સંજય ગાંધી રાજ્યોના મુખ્ય મંત્રીઓને નસબંધી માટેનાં લક્ષ્યાંકો આપતા. એ લક્ષ્યાંકો યેનકેનપ્રકારે હાંસલ કરવા માટે મુખ્ય મંત્રીઓ અને તેમના ઉત્સાહી અફસરો માણસાઇ નેવે મૂકીને ભરપૂર પ્રયાસ કરતા. એટલું જ નહીં, સંજય ગાંધીને વહાલા થવા માટે તેમની વચ્ચે ઊંચાં- વધુ ઊંચાં લક્ષ્યાંકોની હરીફાઇ ચાલતી અને એ પાર પાડવા માટે પોલીસ તથા વહીવટી તંત્રને છૂટો દોર આપી દેવાયો.
Sanjay Gandhi / સંજય ગાંધી
ભારતની વસ્તીસમસ્યા એ વખતે ઘણા લોકો માટે ચિંતાનો વિષય હતી, પરંતુ સંજય ગાંધીએ શોધેલો તેનો ઉકેલ એકદમ સરમુખત્યારી ઢબનો હતો, જેનાથી મૂળ સમસ્યા ઉકલે નહીં અને બીજી અનેક સમસ્યાઓ પેદા થાય. સંજય ગાંધી એક રાજ્યની મુલાકાતે ગયા હોય અને ત્યાંના મુખ્ય મંત્રીને કહે કે ફલાણા રાજ્યના મુખ્ય મંત્રીએ ‘એક મહિનામાં અમુક હજાર ઑપરેશનનું લક્ષ્યાંક રાખ્યું છે’, એટલે યજમાન મુખ્ય મંત્રી સંજય ગાંધીને વહાલા થવા માટેે પોતાના તરફથી તેનાથી પણ ઊંચું લક્ષ્યાંક આપે. એ લક્ષ્યાંકનું દબાણ મુખ્ય મંત્રી પોતાની નીચેના અધિકારીઓ પર અને એ લોકો પોતાની નીચે, એમ છેક ગામડાના સ્તર સુધી પહોંચાડે. છેક ગામડાના સ્તરે એવા પણ નિયમ કાઢવામાં આવ્યા કે જમીનના દસ્તાવેજો કે કોઇ પણ સરકારી યોજનાના લાભ જોઇતા હોય તો નસબંધી કરાવેલી હોવી જોઇએ. નસબંધીના ઑપરેશનના પ્રમાણપત્ર વિના સાત-બારનો ઉતારો ન મળે, ટ્રક ડ્રાયવરોનાં લાયસન્સ રીન્યુ ન થાય કે ઝૂંપડાવાસીઓને કોઇ ફાયદા ન મળે એવી કરુણ રીતે હાસ્યાસ્પદ સ્થિતિ ઉત્તર પ્રદેશનાં ઘણાં ગામોમાં ઊભી sથઇ.
(A crude parody of 'de di hamein azadi', from IS Johar's fim 'Nasbandi')

નસબંધીનાં ઑપરેશન માટે ‘લાયક’ મુરતિયાઓને શોધી લાવવા માટે સરકારી કર્મચારીઓની મદદ લેવાતી અને ઑપરેશન કરાવનારને વળતર આપવામાં આવતું. સમજાવટથી કામ ન ચાલે ત્યારે પોલીસબળ હંમેશાં હાથવગું હોય. ‘મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી ઍક્ટ’ (મિસા) --જે ગમ્મતમાં ‘મેઇન્ટનન્સ ઑફ ઇન્દિરા એન્ડ સંજય ઍક્ટ’ કહેવાતો હતો- તેની અંતર્ગત કોઇની પણ ધરપકડ કરવાની, તેને પોલીસ સ્ટેશને લઇ જવાનો અને ત્યાંથી એક ટોળું ભેગું કરીને ‘દાક્તરી તપાસ’ના બહાને આરોગ્યકેન્દ્રમાં લઇ જઇને તેમની નસબંધી કરી નાખવાની. ફરજિયાત નસબંધી અને કટોકટીના અત્યાચાર એ હદે સમાનાર્થી બન્યા કે મોરારજી દેસાઇ જેવા નેતાએ કટોકટીને ‘લોકશાહીની નસબંધી’ તરીકે ઓળખાવી હતી.
Amul Ad covering the issue of compulsory sterilisation

ઝૂંપડપટ્ટીનાબૂદી અને ‘વિકાસ’ 
Jagmohan 
કટોકટી દરમિયાન થયેલા અત્યાચારનો બીજો સિલસિલો એટલે શહેરને ‘સ્વચ્છ’ કરવાના નામે દિલ્હીની મુસ્લિમ વસ્તીઓમાં આચરાયેલી તોડફોડ. દિલ્હીની પ્રખ્યાત જામા મસ્જિદની આસપાસના વિસ્તાર હોય કે પછી તુર્કમાન ગેટ જેવા વિસ્તાર, શહેરને રળિયામણું બનાવવાના ઇરાદે ત્યાંનાં ઝૂંપડાં પર બુલડોઝર ફેરવી દેવાયાં. આશય  ફક્ત એટલો ન હતો કે ઝૂંપડાંવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ વસાવવા. મૂળ વાંધો, દિલ્હી ડેવલપમેન્ટ ઑથોરિટીના ઉપપ્રમુખ  (અને આગળ જતાં કાશ્મીરના રાજ્યપાલ બનેલા) જગમોહને આ શબ્દોમાં મૂક્યો હતો, ‘હું અહીં બીજું પાકિસ્તાન ઇચ્છતો નથી.’ મુસ્લિમો રહેતા હોય એ જગ્યાને ‘બીજું પાકિસ્તાન’ કે ‘મિની પાકિસ્તાન’ ગણવા-ગણાવવાની પદ્ધતિ સંજય ગાંધી અને તેમની ગેંગને તો ઠીક, સંઘ પરિવારને પણ બહુ માફક આવે એવી હતી.

દિલ્હીમાં ઝૂંપડપટ્ટીની સફાઇના નામે મુસ્લિમોનાં પાકાં ઘર ઉપર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યાં. તેમાં સૌથી કુખ્યાત બનાવ તુર્કમાન ગેટનો હતો. ત્યાં પાકાં ઘરો તોડી પાડવાની કાર્યવાહીનો લોકોએ વિરોધ કરતાં પોલીસની મદદ લેવામાં આવી. પોલીસે પહેલાં ટીઅરગેસ અને પછી ગોળીબારથી કામ લીઘું અને મોટી સંખ્યામાં જાનહાનિ થઇ. અલબત્ત, તેનો ચોક્કસ આંકડો જાણવા મળતો નથી. કેમ કે, સરકારી સેન્સરશીપના કારમા સકંજાને કારણે અખબારો તુર્કમાન ગેટના બનાવની વિગતો પ્રગટ કરી શક્યાં નહીં.
Turkman Gate Demolition
એ સમયે સરકારથી બચીને ખાનગી રાહે નીકળતાં ચોપાનિયાંમાં તુર્કમાન ગેટ અત્યાચારોની વિગત છપાઇ અને થોડા લોકો સુધી પહોંચી. તેમાંના એક કાશ્મીરના મુખ્ય મંત્રી શેખ અબ્દુલ્લા હતા. ઇંદિરા ગાંધી સાથે સારાસારી ધરાવતા - તેમના કૃપાપાત્ર શેખ અબ્દુલ્લા દિલ્હી આવ્યા અને તુર્કમાન ગેટની મુલાકાત લઇને આંસુ સારી ગયા. પણ તેનાથી સ્થાનિક રહીશોને કશો ફાયદો થયો નહીં. ઉલટું, શેખની મુલાકાત પછી પોલીસ તેમને એ મતલબના ટોણા મારવા લાગી કે ‘મકાન જોઇતાં હોય તો જાવ તમારા શેખ અબ્દુલ્લા પાસે.’

બાહ્ય તોડફોડની સાથે કટોકટી વખતે ભારતના બંધારણમાં કરાયેલી તોડફોડ અક્ષમ્ય હતી. એ અરસામાં રાજ્યસભાના નિયુક્ત સભ્ય ઉમાશંકર જોશીએ ગૃહમાં માર્મિક રીતે કહ્યું હતું તેમ, સરકાર બંધારણનું ગળું ‘બંધારણીય’ રીતે દબાવી રહી હતી. રામચંદ્ર ગુહાએ તેમના દળદાર પુસ્તક ‘ઇન્ડિયા આફ્‌ટર ગાંધી’માં નોંઘ્યું છે કે આચાર્ય કૃપાલાણી બિમાર હતા અને તેમનું શરીર નળીઓથી વીંટળાયેલું હતું. એક મિત્ર તેમની ખબર જોવા માટે પહોંચ્યા, ત્યારે આચાર્યે તેમની વિખ્યાત, ધારદાર રમૂજવૃત્તિનો પરચો આપતાં કહ્યું હતું,‘આ શરીરમાં હવે મૂળ બંધારણ જેવું કશું બચ્યું જ નથી. ફક્ત ફેરફારો જ રહ્યા છે.’ (I have no constitution left- All that is left are amendments)

કટોકટીના ચાર દાયકા પછી બંધારણના હાર્દનું ગળું બહુમતીના જોરે, બંધારણીય રીતે દબાવવામાં ન આવે અને ‘ઇંદિરા ઇઝ ઇન્ડિયા’નું સૂત્ર નવાં પાત્રો સાથે, નવા સ્વરૂપે વહેતું ન થાય, એ ઘ્યાન નાગરિકોએ રાખવાનું છે.       (સમાપ્ત)

--------
નોંધ - ’ગુજરાત સમાચાર’માં છપાયેલા મૂળ લેખમાં સરતચૂકથી શેખ અબ્દુલ્લાને બદલે ફારુક અબ્દુલ્લા લખાયું હતું. બિનીત મોદીએ ચૂક તરફ ધ્યાન દોર્યું, એટલે અહીં એ સુધારી લીધી છે. બિનીત સાથે આભાર માનવાનો સંબંધ નથી, પણ સરતચૂક બદલ દિલગીરી. 

1 comment:

  1. ધ્રુજારી છુટી જાય....

    ReplyDelete