Thursday, May 07, 2015

સ્માર્ટ સિટી બતાવું ચાલો...

શાણા --એટલે કે રીઢા--શાસકો જાણે છે કે થોડાં થોડાં વર્ષે લોકોને રમવાનાં નવાં રમકડાં આપવાં પડે. નહીંતર પ્રજા કંટાળી જાય.  (અગાઉની સ્પષ્ટતા પ્રમાણેના) શાણા શાસકો એ પણ સમજે છે કે રમકડાં સ્માર્ટ હોવાં જોઇએ, જેથી પ્રજા સ્માર્ટ ન થઇ જાય. શાસકોને બઘું પરવડે, પણ નાગરિકો સ્માર્ટ થઇ જાય એ કોઇ કાળે ન પોસાય.

આંબાઆંબલી  બધા રાજકારણીઓ બતાવે, પણ હાલની સરકાર બાવળના છાડ પર કલમી આંબા-આંબલી બતાવી શકે એટલી સક્ષમ છે. તેના આંબા-આંબલીપ્રધાને--સૉરી, વડાપ્રધાને-- ગુજરાતમાં તેમના શાસનકાળ દરમિયાન મોટા પાયે (આંબાઆંબલી)‘વૃક્ષારોપણ’ કાર્યક્રમ હાથ ધર્યો હતો. તેમાં ભવ્ય સફળતા મળ્યા પછી વડાપ્રધાન તરીકે તેમણે ‘૧૦૦ સ્માર્ટ સિટી’ની વાત વહેતી મૂકી છે. ગુજરાતમાં બીજાં કેટલાંક શહેરો ઉપરાંત ગાંધીનગરને ‘સ્માર્ટ સિટી’ બનાવાશે, એ સમાચાર વાંચીને ઘણાને થયું હશે,‘હા, એને સ્માર્ટ બનાવવાની ક્યારની બહુ જરૂર છે.’

‘વિકાસ’ની જેમ ‘સ્માર્ટ સિટી’ એટલે શું, એના વિશે એકમતી નથી. ‘એક’ કે ‘બહુ’ની વાત છોડો, ઘણાને લાગે છે કે સરકારી સ્માર્ટ સિટીની વાતમાં ‘મતિ’ જ નથી. પણ સરકાર સ્માર્ટ સિટી બનાવવા માટે ઉત્સુક છે. સરકારનું ઉત્સુક હોવું આવકાર્ય ગણાય, પણ સરકારની ઉત્સુકતાની દિશા મોટે ભાગે ચિંતાજનક હોય છે. એ સત્ય બિન-સ્માર્ટ સિટીમાં રહેનારા થોડાઘણા સ્માર્ટ નાગરિકો સમજતા હોય છે.

અબજો રૂપિયાનો સવાલ એ છે કે સ્માર્ટ સિટી કેવું હશે? એની ટેકનિકલ વિગતોની ખબર નથી. સરકારને એની ખબર છે કે નહીં, એ પણ ખબર નથી. એટલે કલ્પનાવિહાર માટે પૂરતી તક રહે છે.
***
સ્માર્ટ સિટી ઇન્ટરએક્ટિવ હોવું જોઇએ. નાગરિકસુવિધાઓની વાત તો પછી, પણ ધારો કે  સ્માર્ટ સિટીના સ્માર્ટ હૉલમાં ભાષણ કરવા ઊભા થાય અને સ્ટેજ પરથી એ જૂઠું બોલે, તો તરત હૉલમાં ચેતવણીસૂચક સાયરન વાગવી શરૂ થઇ જાય. જૂઠાણું જેટલું મોટું, એટલો સાયરનનો અવાજ મોટો હોવો જોઇએ. ઉપરાછાપરી ત્રણ જૂઠાણાં બોલાય એ સાથે જ હૉલની સ્માર્ટ સાઉન્ડ સીસ્ટમ ખોરવાઇ જવી જોઇએ. તેમ છતાં, હિંમત હાર્યા વિના, માઇક ફગાવીને નેતા સીઘું ઉદ્‌બોધન ચાલુ કરે અને જૂઠાણાં ચાલુ રાખે તો પાંચ જૂઠાણાં પછી હૉલની લાઇટો આપોઆપ બંધ થઇ જાય.

ઘણા નેતાઓને વાતે વાતે એવું કહેવાની ટેવ હોય છે કે ‘જો હું ગુનેગાર હોઉં તો મને ફાંસીએ ચડાવી દો.’ ફાંસીની સજાને ટેકો આપી શકાય નહીં, પણ કોઇ નેતા આવું બોલે એ સાથે જ ‘થ્રી-ડી ક્લાઉડ કમ્પ્યુટિંગ’ના ભાગરૂપે હવામાંથી ફાંસીનો ગાળિયો નીચે આવે અને નેતાના ચહેરાની સામે ઝૂલવા લાગે. આમ થવાથી નેતાઓને ખબર પડશે કે ખરેખર ફાંસીનો ગાળિયો સામે આવી પડે ત્યારે શું થાય.

સિટીને સ્માર્ટ બનાવવાના નામે જે બિનજરૂરી ખર્ચાળ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે, એ બધામાં ‘સ્માર્ટ પેનલ’ હોવી જોઇએ. જેમ કે, કેવળ નવા રમકડા તરીકે મેટ્રો રેલનો મોંઘોદાટ અને બિનજરૂરી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે, તો મેટ્રો રેલના દરેક સ્ટેશને અને તેના દરેક ડબ્બામાં સ્માર્ટ પેનલ હોય. તેની પર ક્લિક કરવાથી કે ફક્ત હાથનો ઇશારો કરવાથી, મેટ્રોનું એ સ્ટેશન કેટલા લાખ રૂપિયામાં પડી શકત અને ખરેખર કેટલા લાખ રૂપિયામાં પડ્યું, એક કોચ શા ભાવે પડ્યો, આખો રુટ કેટલા અબજનો થયો, આટલી મોટી રકમમાંથી શહેરની કેટલી મ્યુનિસિપલ સ્કૂલોને અને સરકારી દવાખાનાંને સુવિધાસજ્જ બનાવી શકાયાં હોત,  કેટલા ઘરવિહોણાઓને ઘર આપી શકાયાં હોત... એ બધી વિગતો ઑડિયો અથવા વિડીયો સ્વરૂપે રજૂ થવા માંડે.

સ્માર્ટ સિટીમાં નદી વહેતી હોય તો તેના રીવરફ્રન્ટ પર હોલોગ્રામ સ્વરૂપે એ પણ લખાઇને આવે કે ફક્ત શહેરીજનોને પ્રભાવિત કરવા માટે થઇને આ પાણી કેટલે દૂરથી અહીં સુધી ખેંચી લવાયું છે અને એ માટે કેટલા રૂપિયા શબ્દાર્થમાં પાણીમાં નાખવામાં આવ્યા છે. સાથોસાથ, એટલા રૂપિયાથી કેટલા લોકોની પાણીની સમસ્યા હલ થઇ શકી હોત અથવા નર્મદા યોજનાની પેટાનહેરોનું કામ કેટલું આગળ વધારી શકાયં હોત, તેના આંકડા પણ નાગરિકોને નદી પર બાંધેલા પુલ પરથી પસાર થતી વખતે, ચાલુ વાહને વાંચવા મળી શકે.

નેતાઓની સ્માર્ટ સિટીની વ્યાખ્યામાં પાણી-વીજળી-શિક્ષણ-આરોગ્ય જેવી ‘પછાત’ સુવિધાઓ કરતાં ઇન્ટરનેટ, રસ્તા અને ફ્‌લાયઓવર જેવી સુવિધાઓ પ્રાધાન્ય ભોગવે છે. હકીકત એ છે કે ખર્ચાતા રૂપિયાના પ્રમાણમાં એ સુવિધામાં પણ શક્કરવાર હોતો નથી.  સમજુ નાગરિકો અવાસ્તવિક અપેક્ષાઓ રાખવાને બદલે ઇચ્છી શકે કે સ્માર્ટ સિટીના દરેક રોડ પર ઠેકઠેકાણે પડેલા ખાડા પરથી વાહન પસાર થાય, એ સાથે જ છેલ્લાં પાંચ વર્ષમાં એ રોડના રીસરફેસિંગનું કામ કેટલી વખત થયું, એ કામમાં ખરેખર કેટલો ખર્ચ થવો જોઇએ અને તેના બદલે દરેક વખતે કેટલી તોતિંગ રકમના કોન્ટ્રાક્ટ અપાયા, એ કોને મળ્યા અને કોની કૃપાથી મળ્યા--એ બધી વિગતો વાહનચાલકને મળવા લાગે. રાજકીય તટસ્થતા અને ‘સમાન તક’ની પોતાની દાનત  વિશે નાગરિકોને આશ્વાસન આપવા માટે, તમામ કોન્ટ્રાક્ટમાં વિરોધ પક્ષોના નેતાઓ, તેમના ભાઇ-ભત્રીજાઓ અને તેમના કૃપાપાત્રોનું કેટલું  ‘ઘ્યાન’ રાખવામાં આવ્યું છે, તેની વિગતો પણ સ્માર્ટ સિટીના બગીચાઓમાં સ્માર્ટ પેનલો થકી મૂકી શકાય.

સ્માર્ટ સિટીનાં સ્થાનિક તંત્રો પુસ્તકમેળા જેવા કાર્યક્રમનાં આયોજન કરવા બેસે ત્યારે તેમનાં કમ્પ્યુટરમાં ઉનાળાના મહિના  આપોઆપ બ્લૉક થઇ જવા જોઇએ. ધારો કે અમદાવાદ સ્માર્ટ સિટી બની જાય અને તેનું મ્યુનિસિપલ કૉર્પોરેશન ધોમધખતા મે મહિનામાં પુસ્તકમેળાનું આયોજન કરવા માટે કમ્પ્યુટરમાં એન્ટ્રી કરે, તો કમ્પ્યુટર મે મહિનાની તારીખ લે જ નહીં અને સીધા નવેમ્બર-ડિસેમ્બરના મહિના બતાવે. ત્યાર પછી પણ, આવું કેમ થાય છે તેની અધિકારીઓને ખબર ન પડે, તો સામેની બાજુ આંગળી ચીંધીને, ઉછળી ઉછળીને હસતા એક જૉકરનું ચિત્ર આવી જાય, જેની નીચે લખાણ હોય, ‘હે સરકારીમાનસધારીઓ, ધોમધખતા મે મહિનામાં પુસ્તકમેળો રાખવાની તમારા ઉપરીઓની બુદ્ધિ પર મને હસવું આવે છે. એવું ન કહેતા કે ‘પુસ્તકમેળો એસી હૉલમાં છે.’ કારણ કે લોકો પોતાના ઘરમાં બેસીને આંખ મીંચે એટલે સીધા એસી હૉલમાં પહોંચી જતા નથી. એ માટે તેમને ચાળીસ-પિસ્તાળીસ ડિગ્રીમાં તપતા જવું પડે છે અને એવી જ રીતે પાછા આવવું પડે છે...આટલી સાદી વાત તમને નથી સમજાતી એટલે મને હસવું આવે છે..હા..હા..હા..’

સ્માર્ટ સિટીના રસ્તા પર રાહદારીઓ માટે ચાલવાની જગ્યા અને મનોમન ઇશ્વરસ્મરણ કર્યા વિના રસ્તા ઓળંગી શકાય એવી સુવિધા હોવી જોઇએ...પણ એક મિનીટ, આ સુવિધા તો સ્માર્ટ ન હોય એવાં બધાં શહેરો ને નગરોમાં ન હોવી જોઇએ? 

1 comment: