Thursday, May 28, 2015

અગાસીમાં સુવું : એક ઝેન અનુભવ

દુનિયા ગમે તેટલી નાની થઇ હોય, પણ કેટલીક બાબતોમાં રડ્યાર્ડ કિપ્લિંગને યાદ કરીને કહેવું પડે કે ઇસ્ટ ઇઝ ઇસ્ટ, વેસ્ટ ઇઝ વેસ્ટ. આઘ્યાત્મિક પૂર્વ આગળ ભોગવાદી પશ્ચિમ પાણી (કે આસવ) ભરે. પૂર્વના આઘ્યાત્મિક વારસાની શોધમાં ઘણા પશ્ચિમીઓ હિમાલય ખુંદી વળ્યા, સ્વામી-બ્રહ્મચારી-મહર્ષિઓના શિષ્યો બન્યા, ભગવાં સુદ્ધાં પહેર્યાં, પરંતુ કોઇએ તેમને કહ્યું નહીં કે ‘આટલો દાખડો કર્યા વિના, એક વાર ઉનાળામાં અગાસીમાં સુઇ જુઓ. પછી જીવતે જીવ મોક્ષનો અનુભવ ન થાય તો કહેજો.’ પશ્ચિમની ઠંડી ૠતુથી ટેવાયેલા અને પ્રાયવસીની પૂંછડી જેવા લોકોને અગાસી જેવી, આમ ખાનગી પણ આમ જાહેર જગ્યાએ, સુવાની કલ્પના પણ ક્યાંથી આવે?

આ વાંચીને પૂર્વના લોકોને પણ નવાઇ લાગે કે હસવું આવે, તો આશ્ચર્ય નથી. કારણ કે અગાસીનું ‘મોક્ષદાયિની’ સ્વરૂપ પૂર્વના લોકો  સુદ્ધાં ભૂલતા ચાલ્યા છે. ફ્‌લેટ-સંસ્કૃતિમાં અગાસી સહિયારી હોવાથી તેના પ્રત્યે મમત્વ જાગતું નથી અને પોતીકી અગાસીવાળા ઘણા સારેવડાં-વડી-કાતરી સૂકવવામાં અગાસીનો ઉપયોગ કરીને સંતોષ માને છે. આ તો શાલિગ્રામથી (મૂર્તિથી) ચટણી વાટવા જેવી કે તલવારથી દૂધી સમારવાની વાત થઇ. એક દિવસ પશ્ચિમમાંથી કોઇ ખંતીલો જાગશે, તે અગાસીમાં સુવાના ફાયદા વિશે પુસ્તક લખશે. તેમાં એ કહેશે ‘અમેરિકાના તેર પ્રમુખો, બાવીસ અભિનેતા-અભિનેત્રીઓ, સત્યાવીસ વિજ્ઞાનીઓ અને જાહેર જીવનના બીજા ઘણા લોકો જીવનના કોઇ ને કોઇ તબક્કે અગાસીમાં સુતા હોવા જોઇએ. એ સિવાય તે આટલા મહાન થાય નહીં.’ એ પુસ્તક બેસ્ટ સેલર થશે અને ભારતની ફુટપાથો પર તેની પાયરેટેડ નકલો વેચાવા લાગશે, ત્યારે આપણા લોકો માથું ખંજવાળતા વિચારશે, ‘સાલું, આપણી જ વસ્તુ ને એની કિંમત પારકાએ સમજાવી...પણ આપણા માટે એની ક્યાં નવાઇ છે?’

ફેસબુક પર મળતી લાઇક-સંખ્યાને ગંભીરતાથી લેતા ઘણા લોકો અગાસી પર સુવાની વાતને બહુ હળવાશથી લે છે. હકીકતમાં, હિમાલયમાં રહેવા માત્રથી યોગી થઇ જવાતું નથી, તેમ અગાસી પર સુવા માત્રથી ‘ઝેન અનુભવ’ પ્રાપ્ત થતો નથી. તેના માટેની સૌથી પહેલી શરત છે પંખા-એસીનો મોહ તજવો અને તેના પવનની બહાર પણ ઠંડક હોઇ શકે છે, એવી ભૂમિકા મનમાં તૈયાર કરવી. અગાસીમાં સૂવું જેમને ‘ડાઉનમાર્કેટ’ ક્રિયા લાગતી હોય, તેમણે એવું આશ્વાસન લેવું કે એક વાર એ લોકો અગાસી-શયનના બ્રાન્ડ ઍમ્બેસેડર બનશે-અગાસીમાં સુતા થશે, ત્યાર પછી અગાસીમાં સુવાની ફેશન આવશે અને એ રીત અપમાર્કેટ ગણાવા લાગશે. આરોગ્યપરસ્ત --અને ખાસ તો આરોગ્યના મામલે ફેશનપરસ્ત--દેખાવા ઇચ્છતા લોકો એવું જાહેર કરી શકે, ‘અમને હવા પણ ઑર્ગેનિક જ ફાવે છે. એટલે રાત્રે મશીન એર લેવાને બદલે અમે અગાસીમાં સુઇ જઇએ છીએ. એ થોડું ચીપ છે, પણ હેલ્થ માટે કંઇક બલિદાન તો આપવું પડે.’

શહેરોમાં--અને વાહનો વધ્યા પછી ગામડાંમાં પણ--અગાસીની હવા ઑર્ગેનિક હોય એની કોઇ ખાતરી નથી. પણ એવી ખાતરી ઑર્ગેનિકના નામે વેચાતી કેટલી ચીજો માટે આપી શકાય? લોકોને બીજી ખબર પડે કે ન પડે, એટલું તરત સમજાઇ જાય છે કે અગાસીની હવા ઑર્ગેનિક હોય કે ન હોય, ઠંડી જરૂર હોય છે. રાત્રે ઘરના ઉકળાટમાંથી કંટાળ્યા પછી અગાસીનું બારણું ખોલતાં ઠંડકનો મીઠો અહેસાસ થાય છે. ‘મેટ્રિક્સ’ ફિલ્મના બીજા ભાગમાં એક દૃશ્યમાં, શહેરની વચ્ચે આવેલા મકાનનો દરવાજો તિલસ્મી રીતે બારોબાર કોઇ પહાડી પર ખુલે છે. અગાસીનું બારણું ખોલતાંવેંત ઠંડક વરતાય એટલે ઘડી- બે ઘડી માટે ‘મેટ્રિક્સ’ જેવું તો નથી થયું ને?--એવો વિચાર આવી જાય છે. પણ અગાસીની ઠંડક ભ્રમ નહીં, સત્ય છે તેની ખાતરી થતાં માણસને ‘આ તો મારે જોઇતું હતું...આની તો મને તલાશ હતી...મારી શોધ પૂરી થઇ’ એવી અઘ્યાત્મરંગી લાગણીઓ થઇ શકે છે.

મનની ઇચ્છાથી નહીં, પણ પોતાના ‘ધંધા’ના પ્રતાપે બાવા બનતા લોકો, બાવા બન્યા પછી પણ બાવાહિંદી બોલવા સિવાય ખાસ કશું ઉકાળી શકતા નથી. એવી જ રીતે, કોઇના આગ્રહને વશ થઇને, છેલ્લી ઘડીએ અગાસીમાં સુવા આવનારા મોટે ભાગે દિવ્ય અનુભૂતિ પામી શકતા નથી. અગાસીની ઠંડક પૂરેપૂરી માણવા માટે વેળાસર પથારી કરવાનું ભારે માહત્મ્ય છે. પહેલાંના વખતમાં આખો દિવસ ધીકેલી અગાસીને રોજ સાંજે પાણીની ડોલ રેડીને સ્નાન કરાવવામાં આવતું. ત્યાર પછી સુકાયેલી અગાસીમાં પથારી કરીને તેને ઠંડી થવા મુકાતી. હવે વિવિધ કારણોથી એ શક્ય બનતું નથી, પણ વેળાસર પથારી કરવાનો મહિમા અખંડ રહ્યો છે.

આવી ઠંડી થયેલી પથારીમાં લંબાવવાનો આનંદ બળબળતી તરસ પછી નવા માટલાનું ઠંડું પાણી પીવા જેવો હોય છે. પથારીમાં પડનારને બત્રીસે કોઠે દીવા નહીં, બત્રીસે કોઠે ‘એર કૂલર’ થાય છે એવું સહેજ અતિશયોક્તિ સાથે કહી શકાય. પ્રકાશનું પ્રદૂષણ ઓછું હોય એવા વિસ્તારોમાં અગાસી જમીનથી હોય એના કરતાં ઘણી વધારે દૂર અને આકાશથી હોય એના કરતાં ઘણી વધારે નજીક લાગે છે. ‘ચલો દિલદાર ચલો, ચાંદકે પાર ચલો’માં આવતી પંક્તિ ‘આજ ખો જાયે સિતારોંમેં કહીં’ સાકાર થતી જણાય છે. સંસ્કૃત સાહિત્યમાં નિર્વસ્ત્ર અવસ્થા માટે ‘દિશાઓનાં વસ્ત્ર ઓઢીને’ એવો પ્રયોગ આવે છે. એવી રીતે અગાસીમાં સુનારને રજાઇ-ચોરસાને બદલે તારાજડિત આકાશી ચાદર ઓઢ્‌યાનો ભાસ થઇ શકે છે. અંધારિયાં હોય ત્યારે તારાનો ટમટમાટ અને અજવાળિયાં હોય ત્યારે ચંદ્રની સંગતમાં ખંજરી-મંજીરા-ટ્રાયેન્ગલ વગાડતા તારાઓનું પૂરક સંગીત અગાસીનશીનને સાંભળવા મળી શકે છે--જો કાનમાં અને મનમાં તેના પ્રવેશની ગુંજાશ હોય તો.

આયુર્વેદમાં ‘અગાસી-ચિકિત્સા’નો ઉલ્લેખ હોત, તો કેટલાક આયુર્વેદાચાર્યો  (દર્દીની) છાતી ઠોકીને કહેતા હોત કે અગાસીમાં સુવાથી  એઇડ્‌સ, સ્વાઇન ફ્‌લુ સહિતના અનેક રોગો મટાડી શકાય છે. આયુર્વેદાચાર્યો જેટલી હિંમત કેળવાઇ ન હોય, તો પણ એટલું કહી શકાય કે ઘરમાં ‘હું-મારું-પોતાનું’માં કેદ માણસ અગાસીમાં સુએ એટલે ખરા અર્થમાં વિશ્વનાગરિકત્વ પ્રાપ્ત કરે છે. ના, એને શાંઘાઇ કે સીઓલમાં વડાપ્રધાન કરતા ભાષણનો અવાજ સંભળાતો નથી, પણ ઘરથી પાંચ-દસ ફળિયાં કે પાંચ-પંદર સોસાયટી દૂર, માઇકમાં મોં ખોસીને ભજનો ગાતા હોંશીલા ભજનિકો અને આસુરી ઘોંઘાટ મચાવતાં ડીજેનાં સ્પીકર સાથે તેનું સીઘું સંધાન થાય છે. પરોઢિયે આસપાસની મસ્જિદ કે મસ્જિદોમાંથી નમાઝના નામે ચચ્ચાર માઇક  પરથી થતો ઘોંઘાટ અગાસીમાં સુતેલા જણની મીઠી ઉંઘ પર ઓચિંતો હુમલો કરે, ત્યારે ‘હાય, કમબખ્તકો કિસ વક્ત ખુદા યાદ આયા’ એવી શાયરાના લાગણી અગાસીમાં સુનારને જરા જુદા સંદર્ભે થાય છે.

આ બધાં વિઘ્નો એ હકીકત તરફ આંગળી ચીંધતાં રહે છે કે મોક્ષનો માર્ગ કદી આસાન નથી હોતો અને સમસ્યાઓથી ભાગીને કદી મોક્ષ મેળવી શકાતો નથી. તેમને પચાવ્યા પછી જે પ્રાપ્ત થાય, એ જ અસલી શાંતિ, ખરો ઝેન અનુભવ. 

No comments:

Post a Comment