Wednesday, May 20, 2015

માન ન માન, મૈં તૈરા, સલમાન

(નોંધ : સલમાનખાનના બચાવમાં લખાયેલા ઘણા હાસ્યાસ્પદ લેખ પછી, ફૉર અ ચેન્જ, આ સલમાનખાન/Salman Khanના બચાવમાં લખાયેલો  હાસ્યલેખ છે.)

દારૂ પીને ગાડી ચલાવવી અને ફૂટપાથ પર સૂઇ જવું--આ બન્ને વચ્ચે શો સંબંધ છે? આમ તો કશો નહીં, પણ સલ્લુઓથી અને લલ્લુઓથી, આઇ મીન, અમારા જેવી સેલિબ્રિટીઓથી જલતા લોકોએ મોકો ઝડપી લીધો. એ બધા લઇ પડ્યા કે સલમાને દારૂ પીને ગાડી ચલાવી ને ફૂટપાથ પર સૂતેલા લોકોને કચડી નાખ્યા. કેમ જાણે, સલમાને પેલાં ચિંકારાની જેમ ફૂટપાથના લોકોનો પણ જાણી જોઇને શિકાર કર્યો હોય.

ઉપ્સ...જરા ખોટી ઉપમા અપાઇ ગઇ, પણ અમે તો ‘ડગલું ભર્યું કે ન હઠવું’વાળા નર્મદની ભૂમિનાં સંતાન છીએ... તમે ઐશ્વર્યા રાયને બદલે ચિંકારા બનીને સલમાનખાનની આજુબાજુમાં ફરતા હો તો ભોગ તમારા. એમાં સલમાનખાન શું કરે?

ડબલ ઉપ્સ...સલમાનવાળી વાતમાં ઐશ્વર્યાને યાદ કરવા જેવી નહોતી. અક્કલમઠ્ઠાઓ ફરી નકામું લઇ પડશે કે સલમાને એને ઘેર જઇને બારણાં ભટકાડેલાં ને ઝપાઝપી કરેલી ને એવું બઘું...આ  બૌદ્ધિકતાનો વહેમ ધરાવતા બુદ્ધિના લઠ્ઠ ડફોળશંખો અને બુદ્ધુઓ  (શાબ્દિક ‘ભાઇગીરી’માં આપણે બી સલમાન) એ ભૂલી જાય છે કે સલમાન તો ‘બીઇંગ હ્યુમન’નો કેસ છે. એણે કરોડો રૂપિયાની સખાવતો કરી છે, લાખો ગરીબોને હૈયાસરસાં ચાંપ્યાં છે, મધર ટેરેસા તો મિશનરી હેતુથી સેવા કરતાં હતાં, જ્યારે સલમાને નીતાંત પરગજુપણાથી અને કોઇ અપેક્ષા વિના આવાં કામ કર્યાં છે. તમે ટીકાખોરોએ આમાંનું કશું કર્યું છે? બસ, તો પછી મોં બંધ રાખો અથવા પેલું વિખ્યાત ભજન ગાવ, ‘ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી.’ અહીં કરુણાનો કરનાર એટલે ઇશ્વર નહીં, સલમાનખાન.

દોઢડાહ્યાઓ પૂછશે કે આ બધી વાતોનો સલમાનના ‘હિટ એન્ડ રન’ સાથે શો સંબંધ છે? હું કહું છું, ભલે એને (ગાડીના) ભટકાવ સાથે સંબંધ ન હોય, (સલમાનના) બચાવ સાથે તો છેે...અને બચાવપક્ષના વકીલની પવિત્ર ફરજ યેનકેનપ્રકારે પોતાના અસીલના ગુનાને શક્ય એટલો નાનો દર્શાવીને, ‘કિંતુ-પરંતુ’ અંદાજમાં બીજી વિગતોનો ખડકલો કરવાની અને લોકોને તેમાં તાણી જવાની હોય છે--આવું હું નહીં, ભારતનું બંધારણ કહે છે.

તમે જ વિચારો. આ તે કંઇ વાત થઇ? સલમાનખાન  સેલિબ્રિટી છે, એટલે દંભીઓ એને શૂળીએ ચડાવવા બેસી ગયા. આપણા દેશની આ જ તકલીફ છે. (તા.ક. આ વિધાન પૂરતી મારી ગણતરી ‘આપણા દેશ’માં --કે ‘દંભી’માં પણ --ન કરવી.) બિચારો સલમાન દિવસભર કેટલું કામ કરે છે, કેટકેટલી નવોદિતાઓને તેણે ફિલ્મઇન્ડસ્ટ્રીમાં લૉન્ચ, સ્ટીમલૉન્ચ અને સબમરીન કરી. આ પ્રદાન બદલ સલમાનને અબઘડી દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવાને બદલે તેને જેલમાં ચક્કીપિસિંગ કરાવવાનો વિચાર જ કેટલો હીન છે. કાલિદાસે...ના, ભવભૂતિએ...ના, કદાચ મેં જ લખ્યું હતું કે આવા સત્પુરૂષોને હેરાન કરવામાં આવે ત્યારે કુદરત પણ રોષે ભરાય છે. (તા.ક.- ગયા અઠવાડિયે વાવાઝોડા સાથે માવઠું થયું હતું.)

એક કામઢો, કામગરો, કુંવારો માણસ, દિવસભરનો થાક્યોપાક્યો, રાત પડ્યે દારૂબંધી ન હોય એવા શહેરમાં નવ ટાંક દારૂ પીએ ને એ પછી પણ પોતાની સજ્જનતા ન છોડે, બીજા પાસે મહેનત કરાવવાને બદલે ગાંધી-તૉલ્સ્તોયચીંઘ્યા માર્ગે જાતે શરીરશ્રમ કરે એટલે કે પોતાની ગાડી જાતે ચલાવે, ગીતાના સિદ્ધાંત પ્રમાણે પોતાના કર્મફળની અપેક્ષા ન રાખે, એટલું જ નહીં, કર્મફળ સામેથી-પરાણે મળતું હોય તો પણ તેનો ધરાર અસ્વીકાર કરે અને સ્વાશ્રય, સ્વાવલંબન, અંગમહેનત જેવા પોતાના મહાન ગુણોની છાપરે ચઢીને (એટલે કે ફાઇવ સ્ટાર હૉટલના ટૉપ ફ્‌લોર પર પ્રેસ કૉન્ફરન્સ ભરીને) જાહેરાત કરવાને  બદલે,  ‘મૈં નહીં માખન ખાયો’ જેવા કૃષ્ણસહજ ચાર્મથી ભરી અદાલતમાં કહે, ‘મૈં નહીં ગાડી ચલાયો’ -- આવા માણસને જેલમાં ધકેલવાના કારસા કરવાના હોય કે એને સવાયો ગાંધીવાદી ગણીને ગુજરાત વિદ્યાપીઠના ભાવિ કુલપતિ તરીકે તેનો વિચાર કરવાનો હોય? પણ જડ ગાંધીવાદીઓને મારા જેવા મૌલિક વિચારો આવતા નથી ને પછી બધા ભેગા થઇને કકળાટ મચાવે છે કે ગાંધીની વિચારધારા મરી પરવારી. તે બીજું થાય પણ શું?

એવું ન માનતા કે હું સમજ્યા વિના, અદ્ધરતાલ ઝીંક્યે રાખું છું. મેં અભ્યાસ કર્યો છે. (છતાં ઝીંક્યે રાખું છું.) હું એમ નથી કહેતો કે સલમાનખાનની કાર નીચે લોકો કચડાઇ નથી ગયા. (મારી તટસ્થતા અને સત્યપ્રિયતાનો આનાથી મોટો પુરાવો બીજો કયો હોઇ શકે?) હું એમ પણ નથી કહેતો કે સલમાનખાને દારૂ નહોતો પીધો. (હવે તો સત્યનિષ્ઠાની બાબતમાં તમારે મને ગાંધીસમકક્ષ ગણવો જોઇએ.) અરે, હું તો એટલે સુધી કહેવા તૈયાર છું કે ફુટપાથ પર સુતેલા લોકો મરી જાય એ સારું ન કહેવાય. (આ બાબતમાં મધર ટેરેસા સાથે મારી સરખામણી ઠીક રહેશે. શું કહો છો?)

મને આક્રોશ એ વાતનો છે કે બીજા સેંકડો અકસ્માતો થાય છે ને કંઇક આરોપીઓ છૂટા ફરે છે ત્યારે કોઇ કશું બોલતું નથી ને બિચ્ચારા સલમાન પર સૌ તૂટી પડ્યા છો? ફટ્‌ છે તમને અને તમારાં બેવડાં ધોરણોને. બેવડાં ધોરણો રાખનારા દંભીઓએ આ દેશને જેટલું નુકસાન કર્યું છે, એટલું બીજા કોઇએ નથી કર્યું. એ તો ઠીક છે કે ત્રેવડાં, ચોવડાં ને અનેક-વડાં ધોરણ રાખનાર અમારા જેવી ‘બહુમુખી’ પ્રતિભાઓથી આ દેશનું સત્‌ ટકી રહ્યું છે. બાકી, મારો પોઇન્ટ બ્લેન્ક સવાલ છે : સલમાન જેવા બીજા ‘હિટ એન્ડ રન’ થાય ત્યારે તમે ક્યાં જાવ છો? (‘સલમાન વખતે તમે જતા રહ્યા છો ત્યાં’--આવો જવાબ આપવાની મનાઇ છે.)

ચોખલિયાઓ કહે છે કે અમે સલમાનના ‘હિટ’ની જ વાત કરીએ છીએ, ‘રન’ની વાત નથી કરતા. બોલો, જે ડફોળોને એટલી પણ ખબર નથી કે રન તો ક્રિકેટમાં હોય, કોર્ટ કેસમાં નહીં-- એવા લોકો આવી ગંભીર ચર્ચામાં ઝંપલાવે છે ને અમને શીખામણ આપવા આવી પડે છે. હેંહેંહેં...આ તો અમારામાં પણ સેન્સ ઑફ હ્યુમર છે એ દર્શાવવાનો પ્રયાસ હતો. સિરીયસલી, સલમાનના અક્કલબુટ્ઠા ટીકાકારોને એટલી પણ ખબર નથી પડતી કે સલમાને અકસ્માત પછી ઘટનાસ્થળે ન રહીને કેટલું મહાન કાર્ય કર્યું. ફૂટપાથ પર ગાડી ચડાવી દીધા પછી સલમાનખાન  ગાડીમાંથી નીચે ઉતર્યો હોત તો, એક તરફ ફૂટપાથ પર લાશ પડી હોત અને એના કાલુડા-ઘેલુડાઓએ એના ઑટોગ્રાફ લેવા ને સેલ્ફી પડાવવા હડી કાઢી હોત. સલમાન એટલો માનવતાવાદી છે કે મૃતકનું આવું અપમાન થાય એ જરાય સહન ન કરી શકે. આ પરિસ્થિતિ ટાળવા માટે, તે કશી હો હા કર્યા વિના ત્યાંથી નીકળી ગયો. આ મારી ધારણા છે. સલમાન સાથે મારે એક થમ્સ અપમાં બે સ્ટ્રો નાખીને પીવાના સંબંધ છે એ ઘ્યાનમાં રાખતાં, મને મારી ધારણા અફર સત્ય હોવાનો પાકો વિશ્વાસ છે. મને તો એમ પણ લાગે છે કે આઝાદીનાં આટલાં વર્ષ પછી લોકોને ફૂટપાથ પર સૂઇ રહેવું પડે છે, એ દૃશ્ય જોઇને દ્રવી ઉઠેલા સલમાને ગમ ગલત કરવા માટે ડ્રિન્ક કર્યું હશે ને એમાં ગાડી સહેજ ફંટાઇ ગઇ. આવા માનવતાવાદી માણસ પર લોકો અસંવેદનશીલ હોવાનો આરોપ મૂકે ત્યારે મારું સત્યવાદી લોહી ઉકળી ઉઠે છે. આખરે, સેલિબ્રિટીનું દર્દ સેલિબ્રિટી જ સમજી શકે ને ન્યૂસન્સની સ્થિતિ ન્યૂસન્સ. (તાકીદ : અમારો સમાવેશ સેલિબ્રિટીમાં કરવો.)

હું પૂછું છું, શું આ દેશમાં સેલિબ્રિટી હોવું ગુનો છે? મેં બંધારણને ચેતન ભગતની નૉવેલની જેમ અને ચેતન ભગતની નૉવેલોને બંધારણની જેમ વાંચ્યાં છે. એમાં ક્યાંય એવું નથી લખ્યું. માટે, જો તમે આ દેશના બંધારણને માન આપવાનો દાવો કરતા હો તો તમારી પાસે સલમાનની તરફેણ કર્યા વિના બીજો વિકલ્પ નથી.  

2 comments:

  1. Anonymous7:23:00 PM

    Tme jene hasylekh gno chho aevi vato gambhirta thi gna lekhko lakhe chhe!!

    ReplyDelete
  2. સેલિબ્રિટિ હોવું એ ગુનો નથી, પરંતુ સેલિબ્રિટિ માટે સમાજ પ્રત્યે ઘણું ઘણું ઉત્ત્તરદાયિત્વ વધી જાય છે.
    यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ।
    स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥
    २१)अध्याय ३-कर्म योग गीता

    भावार्थ : महापुरुष जो-जो आचरण करता है, सामान्य मनुष्य भी उसी का ही अनुसरण करते हैं, वह श्रेष्ठ-पुरुष जो कुछ आदर्श प्रस्तुत कर देता है, समस्त संसार भी उसी का अनुसरण करने लगता है। (२१)

    ReplyDelete