Thursday, February 12, 2015

અકર્મણ્યેવાધિકારસ્તે : અકર્મનો મહિમા

કહેવત છે કે અક્કરમી (અકર્મી)નો પડિયો કાણો. આવી કહેવતો સાંભળીને, પૂરતું વિચાર્યા વિના તેમાં હા ભણી દેવી, એ પણ એક પ્રકારનું અકર્મ જ છે. બીજી અને વધારે અગત્યની વાત : હવેના જમાનામાં પડિયા રહ્યા નથી. માટે, અકર્મીઓએ કશી ચિંતા કરવાની જરૂર નથી.

ભારત કર્મના સિદ્ધાંત અને અકર્મના આચરણ માટે જાણીતો દેશ છે. કર્મનો સિદ્ધાંત છે : કર્મ કરો અને ફળની આશા ન રાખો. અકર્મનો સિદ્ધાંત છે : પહેલાં ફળ ખાવ અને પછી નિરાંતે ઊંઘી જાવ. કારણ કે સૂવું એ પણ એક કર્મ છે. (શવાસન, યુ સી?) નસકોરાં બોલાવવાથી જેટલી ઊર્જા પેદા થાય છે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો, દેશમાં નવાં અણુવીજળીમથકો ન બાંધવાં પડે અને અમેરિકાની દાઢીમાં હાથ નાખવાના કર્મમાંથી બચી શકાય.

કર્મનો સિદ્ધાંત ભગવદ્‌ગીતાએ આપ્યો છે, પણ બધા ગીતા સમજતા- તેનું પાલન કરતા થઇ જાય તો, બાપડા ઉપદેશકો ને ચિંતકોનું શું થશે? એટલે, તેમને કર્મપાલનથી વંચિત રાખવાનું પાપ કરવાને બદલે, લોકો પોતે અકર્મીની ગાળ ખાઇ લે છે. સમાજના ભલા ખાતર ‘અક્કરમી’નો ઉપાલંભ વેઠનારાને કોઇ નીલકંઠ કે સોક્રેટિસ કહેતું નથી.

મોટા ભાગના કર્મ કરનારા મનમાં અર્થ, કામ કે મોક્ષની અપેક્ષા લઇને ચાલે છે. ખરેખર તો, આવી કોઇ લાલસા જ ઘણા કિસ્સામાં કર્મનું પ્રેરક બળ બને છે. તેની પરથી ફલિત થાય છે કે કર્મના રસ્તે ચાલવા જતાં માણસ લાલસાગ્રસ્ત અને તેથી પતનાભિમુખ બને છે. કર્મની લ્હાયમાં તેની આઘ્યાત્મિક અવનતિ થાય છે. જે કર્માભિમુખ નથી- જે કામ કરવાને ઉત્સુક નથી, તેને પતનની કશી ચિંતા જ નથી. એ તો ભવસાગરમાં પોતાનું નાવ ઑટો મોડમાં મૂકીને સુઇ જાય છે. એ નાવને કિનારે પહોંચવું હોય તો પહોંચે ને કોઇક નિર્દોષના નાવ જોડે અથડાવું હોય તો અથડાય, સઘળી જવાબદારી ભગવાનની રહે છે.

આપણી સંતપરંપરામાં અકર્મનો મહિમા યોગ્ય માત્રામાં ગવાયો હોવા છતાં, સક્કરમીઓ (સકર્મીઓ)નો આક્રમક પ્રચારમાં એ ઝટ પકડાતો નથી. નરસિંહ મહેતા જેવા જ્ઞાની કવિ કહી ગયા, ‘હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા.’ સક્કરમી કાવતરાખોરોએ આ પંક્તિને અહમ્‌ સાથે સાંકળી દીધી છે, પરંતુ હકીકતમાં કવિ કહેવા માગે છે કે ‘હું કરું, હું કરું’ એવો હીન ભાવ સેવીને પાપમાં પડવાને બદલે, કર્મ કરીએ જ નહીં તો? ન રહે કર્મ, ન રહે શકટ ને ન પેદા થાય ‘હું કરું, હું કરું’નો શ્વાનભાવ. સઘળું હરિને હાથ સોંપવાની વાત આપણાં અનેક ભજનોમાં કરવામાં આવી છે, પરંતુ મતલબી સક્કરમીઓ તેનો અનર્થ કરે છે :  આપણે બિનધાસ્ત જે કરતા હોઇએ તે કરવું, ને પરિણામનો બોજ ભગવાનના માથે નાખી દેવો. સહેજ વિચારતાં જણાશે કે આને કર્મનો સિદ્ધાંત નહીં, ‘જમવામાં જગલો ને કૂટવામાં ભગલો’ કહેવાય.

અક્કરમીઓ પ્રત્યે તુચ્છકાર સેવતા સક્કરમીઓ કદી સમજી શકતા નથી કે કર્મ તેમને પાડવા માટે ચડાવે છે ને ચડાવીને પાડે છે. કર્મના રસ્તે ચાલનારના મનમાં સાત્ત્વિક અહમ્‌ ક્યારે પેસે છે અને ક્યારે તામસી સ્વરૂપ ધારણ કરે છે તેની સરત રહેતી નથી. પોતાના કર્મની મગરૂરીમાં ને અક્કર્મીને ઉતારી પાડવાની હોંશમાં તે પોતાની જાતને ઊંચી અને અક્કરમીઓને નીચા માનવા લાગે છે. ધર્મધુરંધરો ને ધર્મગ્રંથો કહી કહીને થાકી ગયા કે ‘હે મનુષ્યો, તમે સૌ સરખા છો’, પણ કર્મના કેફમાં ઝૂમતા સક્કરમીઓને સમજે ત્યારે ને?

ભારત પોતાનું ખોવાયેલું વિશ્વગુરૂપદું પુનઃ પ્રાપ્ત કરવાના પંથે છે, ત્યારે તેના રસ્તામાં સૌથી મોટી અડચણ ગરીબી, બેકારી, કોમવાદ કે ગંદકીની નહીં, સક્કરમીઓની છે. પશ્ચિમની ભોગવાદી-કર્મવાદી સંસ્કૃતિ ભારત પાસેથી શું કર્મના પાઠ શીખવા મીંટ માંડીને બેઠી છે? શું બરાક ઓબામા ભારતમાં કામ કેવી રીતે થાય છે, તે જોવા-શીખવા આવ્યા હતા?

કોઇ પણ વિચારશીલ ભારતીય કહી શકશે કે પશ્ચિમ ભારત પાસેથી આઘ્યાત્મિક શાંતિ ઝંખે છે. એવી શાંતિ સક્કરમીને જીવનભર નસીબ થતી નથી, જ્યારે અક્કરમીઓ પાસે એવી શાંતિના અખૂટ ભંડાર છે. સક્કરમીઓ ‘મલ્ટીટાસ્કિંગ’-એક સાથે અનેક કામ કરવાની તાલાવેલી-માં લપેટાય છે, ત્યારે આઘ્યાત્મિક ઊંચાઇએ પહોંચી ચૂકેલા અક્કરમીઓ વિમાસે છે, ‘આ લોકો શા માટે કર્મનાં બંધન અને તેની જંજાળ પેદા કરતા હશે? શું તેમને મોક્ષ વહાલો નથી?’  

બરાક ઓબામાએ સાંભળ્યું હશે કે ભારતની સરકારી જ નહીં, ખાનગી કચેરીઓમાં પણ ઘણા લોકો તદ્દન ‘અક્કરમી’ રહે છે. છતાં, દેશ ચાલે છે. તેમના જેવા પરદેશીઓને આમાં ચમત્કાર લાગે છે, એ તેમની સમજની મર્યાદા છે. બાકી, ભારતના જાહેર જીવનમાં જે પ્રકારના લોકો સક્રિય-સક્કરમી છે, તેમને જોઇને એવી મૂંઝવણ થવી જોઇએ કે આ (આવા) લોકો કામ કરે છે, છતાં દેશ શી રીતે ચાલે છે?

ભારતને તેના આધ્યાત્મિક શીખર સુધી કોઇ દોરી શકે એમ હોય તો તે દેશના રાજનેતાઓ છે. તે બરાબર સમજે છે કે આ દેશ અક્કરમીઓનો છે અને અક્કરમીપણું એ જ આપણું ગૌરવ, આપણી અસ્મિતા, આપણું સ્વ-માન અને સ્વ-ભાન છે. બધા આ હકીકત  સ્વીકારી શકતા નથી. એવા લોકો રાજકારણીઓને ગાળો દે છે. આપણાં નસીબ એટલાં સારાં છે કે ગાળો ખાઇને પણ આપણા ઘણા નેતાઓ પોતાનું અને દેશનું અક્કરમી ચરિત્ર ટકાવી રાખે છે.

ભારતની ચૂંટણીઓ ઘણી વાર અક્કરમીપણાના ઓચ્છવ જેવી બની રહે છે. તેમાં દેખાવ એવો થાય છે, જાણે સૌથી વધારે કામ કોણ કરશે એની હરીફાઇ હોય. હકીકતમાં એ સ્પર્ધા ચૂંટાયા પછી કોણ ઓછામાં ઓછું કામ કરશે એની હોય છે. કામ કરવાથી લોકોમાં અપેક્ષા જાગે છે. ગમે તેટલું કામ કર્યા પછી પણ એક તબક્કો એવો આવે છે, જ્યારે લોકોની અપેક્ષા સંતોષી શકાતી નથી. ત્યારે અપેક્ષાભંગનો તબક્કો આવે છે, જે સમાજમાં ગ્લાનિ, વિષાદ અને રોષ જેવી નકારાત્મક લાગણીઓ પ્રગટાવે છે. રાજનેતાઓ આ સમજે છે. એટલે તેમાંથી મોટા ભાગના અક્કરમીપણું અપનાવીને કશું કરતા જ નથી, જેથી અપેક્ષા અને અપેક્ષાભંગનો પ્રશ્ન ઊભો થાય.

સક્કરમીઓ ગૌરવથી કહે છે, ‘કામ કરીએ તો ભૂલ પણ થાય.’ અક્કરમી કદી એવો અહમ્‌ પાળતા નથી. દુનિયા પૂરતી બગડી ચૂકી છે. પોતે સક્કરમી દેખાવા ખાતર ભૂલો કરીને દુનિયાને વઘુ બગાડવા જેવી નથી, એવું અક્કરમીઓ દૃઢતાપૂર્વક માને છે.

કર્મનો સિદ્ધાંત ગહન છે, પરંતુ તેના વિશે ઘણાં ભાષ્યો ને ગ્રંથો લખાયા છે. અકર્મનો સિદ્ધાંત તેનાથી વઘુ ગહન છે, પણ અકર્મવાદીઓને ભાષ્યોની ખટપટમાં પડવાની પરવા હોતી નથી. એ તો પોતાની અકર્મની મસ્તીમાં મસ્ત રહીને પોતાનું કામ- એટલે કે, કર્મ નહીં કરવાનું કર્મ- કર્યે જાય છે અને ફળની ચિંતા કરતા નથી. આમ, કર્મ અને અકર્મ, એ બન્નેમાં ફળની ચિંતા (કે પરવા) ન કરવાનો ભાગ સરખો છે. એટલે આ સિદ્ધાંતો વચ્ચે ઓછામાં ઓછું પચાસ ટકા સામ્ય છે, એમ કહેવામાં ગાણીતિક રીતે કશી અતિશયોક્તિ નથી. 

2 comments:

  1. વરસોથી કામ તો થાય છે. કોનો ક લાઈટ બીલ કોને માથે ઠોકી દેવું. મારા ફોનનું બીલ તમારા ઘરે મોકલી આપવું. એટલે કે કોઈક કંઈક તો કામ કર્યું જ છે. ૨૦-૩ દીવસ અગાઉ કીરણ બેદી ભાજપમાં દાખલ થઈ અને સીધો સીએમના પદ માટે. વરસો સુધી કામ કરનારાઓએ કામ કરી નાખ્યું.

    ReplyDelete
  2. Utkantha5:51:00 PM

    ભારત કર્મના સિદ્ધાંત અને અકર્મના આચરણ માટે જાણીતો દેશ છે. :) :)

    ReplyDelete