Monday, January 05, 2015

અહિંસક ‘ખુદાઇ ખિદમતગાર’ના મુલકમાં હિંસાખોર ‘પાકિસ્તાની તાલિબાન’નાં મૂળીયાં કેવી રીતે નખાયાં?

પેશાવરની સ્કૂલમાં ૧૩૨ બાળકોની ઠંડા કલેજે હત્યા કરનારા પાકિસ્તાની તાલિબાનોએ ફરી એક વાર ‘સરહદના ગાંધી’, નખશીખ અહિંસક પઠાણ બાદશાહખાનની યાદ કરુણ રીતે તાજી કરી આપી છે. આઝાદી પહેલાં ‘ખુદાઇ ખિદમતગારો’નું વર્ચસ્વ ધરાવતી ભૂમિ હિંસાખોર તાલિબાની પ્રભાવક્ષેત્ર શી રીતે બની, તેના જાણીતા ઇતિહાસથી થોડે આગળ જવાનો પ્રયાસ    


ઇતિહાસમાં ‘જો’ અને ‘તો’ની કલ્પનાઓનું મહત્ત્વ દિલ બહલાવવાના ખ્યાલથી વિશેષ નથી. છતાં, કેટલીક ઘટનાઓ એવી બને છે, જ્યારે ‘જો’ અને ‘તો’ની પાંખે ઉડ્યા વિના રહી શકાતું નથી. પહેલા વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે લડનાર અને ઘાયલ થનાર હિટલરને  વીંધી નાખવાની શત્રુદળના સૈનિક પાસે પૂરી તક હતી, પણ એણે દયા ખાઇને હિટલરને જીવતો જવા દીધો. હિટલર એ વખતે વીંધાઇ ગયો હોત તો જગતનો ઇતિહાસ કેવો હોત? મહંમદઅલી ઝીણા (ત્યારે અસાઘ્ય ગણાતા) ટી.બી.ના દર્દી હતા. આઝાદી પછી માંડ એક વર્ષમાં તે અવસાન પામ્યા. તેમનું મૃત્યુ બે-પાંચ વર્ષ વહેલું થયું હોત તો ભારતીય ઉપખંડની ભૂગોળ કેવી હોત? ગાંધીજી ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ હિંદુત્વના ઝનૂનમાં પાગલ ગોડસેની ગોળીથી વીંધાઇ જવાને બદલે જીવીત રહ્યા હોત અને તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે પાકિસ્તાન જઇ શક્યા હોત તો ભારત-પાકિસ્તાન વચ્ચેની શત્રુવટમાં કેવો ફરક પડ્યો હોત?

આવો એક સવાલ છે : ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં ‘સરહદના ગાંધી’ની અધૂરી ઓળખથી જાણીતા બાદશાહખાન અલગ પખ્તુનિસ્તાન મેળવવામાં સફળ રહ્યા હોત અથવા પાકિસ્તાનના સંવેદનશીલ સરહદ પ્રાંતમાં તેમની નેતાગીરીને મોકળું મેદાન મળ્યું હોત તો? સરહદ પ્રાંત અને કેન્દ્રશાસિત કબીલાઇ વિસ્તાર ખૂંખાર તાલિબાનોથી ખદબદતા અડ્ડા બની શક્યા હોત?

તાલિબાની ચળવળનો જન્મ ભલે અફઘાનિસ્તાનમાં થયો, પરંતુ પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે સેંકડો છીંડાં ધરાવતી સરહદને કારણે પાકિસ્તાનનો સરહદી પ્રાંત અને કબીલાઇ વિસ્તાર તાલિબાનો માટે અભયારણ્ય પુરવાર થયા. અફઘાન તાલિબાની નેતા મુલ્લા ઓમર અને અલ કાઇદાના સૂત્રધાર ઓસામા લાદેનનાં સંગઠન અલગ હોવા છતાં, આતંકવાદ અને રૂઢિચુસ્તતાના મુદ્દે બન્ને એક માળાના મણકા હતા. અલ કાઇદા કેવળ ત્રાસવાદી સંગઠન હતું, જ્યારે તાલિબાનો પાસે અફઘાનિસ્તાનની રાજ્યસત્તા હતી.

વર્ષ ૨૦૦૧માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ત્રાસવાદી હુમલા પછી, અમેરિકાએ તાલિબાનો અને અલ કાઇદા બન્ને સામ યુદ્ધ છેડ્યું. અમેરિકન દળો અફઘાનિસ્તાનમાં  ધૂસ્યાં. સાથોસાથ, તેના સાખપાડોશી પાકિસ્તાની ભૂમિ પર પણ સક્રિય બન્યાં અને પાકિસ્તાનને ‘ત્રાસવાદવિરોધી લડાઇ’માં ઢસડ્યું. ભારતમાં ઘોંચપરોણા કરવા માટે પાકિસ્તાનને ત્રાસવાદીઓની ગરજ હતી ને અમેરિકાને નારાજ ન કરવા માટે ત્રાસવાદીઓ સામે લડવાની ફરજ. આ બન્નેમાંથી પાકિસ્તાન માટે ગરજનું પલ્લું ભારે રહ્યું. ત્રાસવાદવિરોધી લડાઇમાં અમેરિકાના સાથી એવા પાકિસ્તાને લાદેનને સલામતીપૂર્વક સંતાડી રાખ્યો અને ત્રાસવાદીઓને છાવરવાનું તેણે ચાલુ રાખ્યું.

પેશાવરની સ્કૂલ પર થયેલા તાલિબાની હુમલા વખતે હિલેરી ક્લિન્ટને એ મતલબનું કહ્યું હતું કે ‘ઘરના વાડામાં ઉછેરેલો સાપ ફક્ત પાડોશીને જ કરડે એવું ન હોય.’ આ સત્યનું ભાન અમેરિકાને ૨૦૦૧માં ‘મુજાહિદો’ થકી થઇ ગયું હતું. વર્ષ ૧૯૭૯માં અફઘાનિસ્તાનના સામ્યવાદી ઝોક ધરાવતા શાસક સામે ધાર્મિક-કટ્ટરપંથીઓએ વિદ્રોહ કર્યો. તેને ડામવા રશિયાનું લશ્કર અફઘાનિસ્તાનમાં આવ્યું. ત્યારે ઇસ્લામના નામે હિંસા આચરીને પોતાની જાતને ‘મુજાહિદ’ (ધર્મયોદ્ધા) તરીકે ઓળખાવતા લોકોને અમેરિકાએ છૂટથી હથિયાર આપ્યાં હતાં.  અમેરિકાને રસ રશિયાને હંફાવવામાં હતો. તેનાં શસ્ત્રો મેળવનારા ‘મુજાહિદો’માં અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાનના સરહદ પ્રાંતના (બાદશાહખાનના સમુદાયના) પુશ્તુનો ઉર્ફે પખ્તુનો ઉર્ફે પઠાણો ઉર્ફે અફઘાનો મુખ્ય હતા. એ જ ‘મુજાહિદો’ વર્ષ ૨૦૦૧માં અફઘાનિસ્તાનના તાલિબાનો સાથે અને અમેરિકાની સામે થયા. અમેરિકાનાં જ આપેલાં હથિયારો તેની સામે વપરાવા લાગ્યાં.

વર્ષ ૨૦૦૭માં જુદાં જુદાં અંતિમવાદી-કટ્ટરવાદી હિંસક સંગઠનોએ ભેગા મળીને ‘તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ નામનું સર્વસમાવેશક ત્રાસવાદી જૂથ બનાવ્યું. તેના મોટા ભાગના સભ્યો પખ્તુન હતા. તેમનાં મુખ્ય બે ઠેકાણાં હતાં : બાદશાહખાનથી જાણીતો સરહદ પ્રાંત (નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ, જેને વર્ષ ૨૦૧૦માં નવું નામ મળ્યું : ખૈબર પખ્તુનવા) અને કેન્દ્રશાસિત કબાઇલી વિસ્તાર (ફેડરલી એડમિનિસ્ટર્ડ ટ્રાઇબલ એરીઆ, જેમાં ‘ટ્રાઇબલ’નો અર્થ ‘આદિવાસી’ નહીં, પણ કબીલાને લગતો થાય છે.)

અંગ્રેજી રાજ સમયનો પખ્તુન/Pakhtun યોદ્ધો
પખ્તુનો સદીઓથી તેમની લડાયકતા માટે જાણીતા હતા. ખૈબરઘાટ ઓળંગીને ભારત પર ચડી આવતાં હુમલાખોર સૈન્યો સામે તેમણે ઝીંક ઝીલી. પોતાની સૈન્યશક્તિ અને શિસ્તબદ્ધતાથી અજેય બનેલા અંગ્રેજો પણ પખ્તુનો સામે હાંફી ગયા હતા.  એ વખતે સરહદ પ્રાંત પંજાબનો જ હિસ્સો ગણાતો હતો. ઇ.સ.૧૮૪૨માં કાબુલ પરનો કબજો ગુમાવ્યા પછી પીછેહઠ કરતા આશરે ૧૬ હજારથી પણ વઘુ અંગ્રેજ અને ભારતીય સૈનિકોને પખ્તુનોએ પહાડી ઇલાકામાં બેહરમીથી રહેંસી નાખ્યા હતા. આખા સૈન્યમાંથી ફક્ત એક જ અંગ્રેજને ચીંથરેહાલ અવસ્થામાં જીવતો જવા દેવામાં આવ્યો. અંગ્રેજી રાજનો સૂર્ય મઘ્યાહ્ને તપતો હતો ત્યારે થયેલી તેની આ અવદશા અભૂતપૂર્વ હતી અને તે પખ્તુનોના લડાયક મિજાજની સૂચક હતી.

અખંડ ભારતમાં સરહદ પ્રાંત- નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ/NWFPનું સ્થાન

૧૯૦૯ના જાતિવાર નકશામાં પઠાણોનું વર્ચસ્વ ધરાવતા સરહદ પ્રાંત-
કબીલાઇ વિસ્તારો 

ત્યાર પહેલાં (ઇ.સ.૧૬૭૨માં) ઔરંગઝેબના સૈન્યનો પણ ખૈબરઘાટમાં સફાયો થઇ ગયો હતો. છેક ૧૯૨૦માં વઝીરીસ્તાનના કબીલાઇ પ્રદેશમાં ૪૩ અંગ્રેજ અફસરો સહિત ૩૬૬ સૈનિકો ભયાનક ઝનૂની એવા સરહદી લોકોના હાથે માર્યા ગયા હતા અને ૧,૬૮૩ ઘાયલ થયા હતા. (અકબર એસ.અહમદ, ‘એન આસ્પેક્ટ ઑફ ધ કૉલોનિયલ એન્કાઉન્ટર ઇન ધ ફ્રન્ટિયર’, ૨૯-૦૮-૨૦૦૯)

વર્ષ ૧૯૦૧માં ખાન અબ્દુલ ગફ્‌ફારખાન ઉર્ફે બાદશાહખાનનો જન્મ થયો. એ જ વર્ષે અંગ્રેજી સરકારે પખ્તુનોની આણ ધરાવતા વિસ્તારને પંજાબ પ્રાંતથી અલગ કર્યો અને તેને નામ આપ્યું : નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ (વાયવ્ય પ્રાંત). સરળતા ખાતર તે ‘સરહદ પ્રાંત’ તરીકે પણ ઓળખાયો.

સરહદ પ્રાંત અને કબીલાઇ વિસ્તારના પખ્તુનોને કાબૂમાં રાખવા માટે અંગ્રેજ સરકારે ‘ફ્રન્ટિયર ક્રાઇમ્સ રેગ્યુલેશન એક્ટ’ દાખલ કર્યો. પખ્તુનોએ તેને કાળો કાયદો ગણાવ્યો. કેમ કે, તેમાં કશા આરોપ વગર કોઇની પણ ધરપકડ કરીને તેને જેલની સજા કરવાની જોગવાઇ હતી. આક્રમક રીતે સામે થનાર પખ્તુનોને આ કાયદા અંતર્ગત ફાંસીએ લટકાવી દેવાતા હતા. પખ્તુનોમાં લડાયક વૃત્તિ બહુ, પણ શિક્ષણનો સદંતર અભાવ હતો. નેતાગીરીના પણ પ્રશ્નો હતા. અંદરોઅંદર પેઢીઓ સુધી અદાવતો ચાલતી ને વાતવાતમાં તલવારો ખેંચાતી.

બાદશાહખાને તેમની આત્મકથામાં નોંઘ્યું છે કે આખા ભારતમાં અંગ્રેજોએ નિશાળો શરૂ કરી, પણ ‘અમારી જ એક એવી ભાગ્યહીન કોમ હતી, જેના માટે શિક્ષણની વ્યવસ્થા ન હતી. જ્યાં આછીપાતળી વ્યવસ્થા હતી ત્યાં પણ પરાઇ ભાષામાં શિક્ષણ અપાતું હતું...(અંગ્રેજોએ) એવા નામમાત્રના મુલ્લા-મૌલવી નીમ્યા હતા, જે એવા ફતવા કાઢતા કે શાળાઓમાં ભણવું એ કાફરપણું છે...જે મદરેસામાં ભણવા જાય છે તેમને જન્નતમાં જગ્યા નહીં મળે. તે દોજખમાં ધક્કા ખાશે.’ (‘ખુદાઇ ખિદમતગાર’, યજ્ઞ પ્રકાશન, વડોદરા, બીજી આવૃત્તિ, ૨૦૧૪)

શિક્ષણનો અભાવ અને આક્રમકતા- એવું કાતીલ મિશ્રણ ધરાવતા પખ્તુનો આગળ જતાં તાલિબાન બને એમાં કશી નવાઇ ન હતી. પરંતુ વચ્ચેના ગાળામાં ત્રણેક દાયકા માટે બાદશાહખાને આ પખ્તુનોને શિક્ષણ અને અહિંસાના માર્ગે વાળીને ચમત્કાર સર્જ્યો. એવી નક્કર આશા ઊભી થઇ કે પખ્તુનો હિંસક ભૂતકાળ છોડીને, શાંતિના રસ્તે આગળ વધી શકશે.
(બાદશાહખાનના ‘ચમત્કાર’ની વાત આવતા સપ્તાહે) 

1 comment:

  1. એ તો ચોક્કસ છે કે આ તાલીબાનો નીશાળમાં જઈ અભ્યાસ કરી લેશે એ પછી સૌથી પહેલા અમેરીકા સામે બદલો લેશે. એના પછી આ તાલીબાનો ભારતના હીન્દુઓ સામે બદલો લઈ બાબરી મસ્જીદના ઢાંચા તોડવાનો હીસાબ સરભર કરશે. આ તાલીબાનો કહે છે અમારી પીડાની ખબર પડે એટલે આર્મીની શાળા ઉપર હુમલો કરેલ છે.

    ReplyDelete