Monday, December 01, 2014

ક્રિકેટ : જેન્ટલમેનની રમત નહીં, વહીવટદારોની રાજરમત

‘ભારતમાં ક્રિકેટને ધર્મની સમકક્ષ ગણવામાં આવે છે’- એ જાણીતી વાત દેશની સર્વોચ્ચ અદાલતે પણ ગયા સપ્તાહે નોંધી. અદાલતનો ઘ્વનિ ક્રિકેટનું માહત્મ્ય પ્રસ્થાપિત કરવાનો હતો. પરંતુ આ સરખામણી બીજી ઘણી રીતે સાચી છે : (ક્રિકેટ ચાલુ હોય ત્યારે) દેશમાં ધર્મનું અફીણઘેન વધારે છે કે ક્રિકેટનું, એ નક્કી કરવું અઘરું થઇ પડે છે.  મૂળ વસ્તુને બાજુ પર રાખીને, વહીવટદારોએ મચાવેલો ઉત્પાત અને ફેલાવેલો સડો પણ બન્નેમાં સામાન્ય છે. ધર્મ અને ક્રિકેટમાં મોટો ફરક  એ છે કે ક્રિકેટવાળાને ગોરખધંધા કર્યા પછી ધર્મના પગે પડવા જવું પડે છે (જેમ બીસીસીઆઇ-કુખ્યાત શ્રીનિવાસન ઉપરણાં-અબોટિયાં પહેરીને મંદિરે પહોંચી જાય છે), જ્યારે ક્રિકેટવાળા હજુ સુધી એટલા (નેતાઓ જેટલા) બળુકા થયા નથી કે ધર્મના ધંધાદારીઓને છાવરી શકે.

ધર્મના કે ક્રિકેટના વહીવટદારો સામે વાંધા પાડ્યા પછી એક સત્ય સ્વીકારવું રહ્યું : બહુમતી જનસમુહ એ લોકોના ગોરખધંધા તરફ ઉપેક્ષા સેવે છે અને ઘેનમાંથી જાગવા તૈયાર નથી. પરિણામે રામપાલો ને શ્રીનિવાસનો ‘યુગે યુગે’ નહીં, દાયકે દાયકે આવતા જ રહે છે. સિત્તેર-એંસીના દાયકામાં ભારતીય ક્રિકેટજગતમાં વહીવટદાર તરીકે રાજસિંઘ ડુંગરપુરનો સિતારો બુલંદ હતો. એ વખતે ક્રિકેટની રમતમાંથી રૂપિયાની ટંકશાળ પડતી ન હતી. પણ તક માટે હુંસાતુંસી થતી હતી. ભારતીય ક્રિકેટમાં સુનિલ ગાવસ્કરના વર્ચસ્વ માટે તેમની નિર્વિવાદ પ્રતિભા ઉપરાંત ક્રિકેટકારણમાં સક્રિય તેમના મામા માધવ મંત્રીનું નામ પણ લેવાતું હતું. વન ડે ક્રિકેટ અને આંતરરાષ્ટ્રિય સ્પર્ધાઓમાં ભારતની- એટલે કે બીસીસીઆઇની- ક્રિકેટટીમનો સિતારો બુલંદ થયો, એટલે આ રમતનો વહીવટ સત્તાકારણનો અખાડો બન્યો. સ્ટેડિયમ પર રમાતી રમત કરતાં બોર્ડરૂમના ખેલ વધારે અટપટા અને પેચીદા બન્યા. રીવર્સ સ્વિંગ અને ગુગલી, બાઉન્સર અને હુક, રન આઉટ અને સ્ટમ્પિંગ - આ બઘું ક્રિકેટ કરતાં પણ વધારે ટાઢા ઝનૂનથી બોર્ડરૂમમાં બનવા લાગ્યું.

એક સમય હતો જ્યારે કોલકાતાના ઉદ્યોગપતિ જગમોહન દાલમિયા ક્રિકેટજગતના કિંગ ગણાતા હતા. છેક ૧૯૭૯થી બીસીસીઆઇ (બૉર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા)માં સક્રિય દાલમિયા અને તેમના સાથીદાર બિન્દ્રાએ ૧૯૯૦ના દાયકામાં ભારતીય ક્રિકેટની તાસીર બદલી નાખી અને બીસીસીઆઇને સૌથી સમૃદ્ધ ક્રિકેટ બોર્ડ બનાવી દીઘું. ક્રિકેટ રમતા દેશોમાં સૌથી મોટું બજાર અને સૌથી સમૃદ્ધ ક્રિકેટબોર્ડ - આ બન્ને દાલમિયાના ખિસ્સામાં હતા. તેના જોરે ૧૯૯૭માં તે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના અઘ્યક્ષ બની ગયા. પરંતુ ત્યાં સુધીમાં ક્રિકેટમાં રહેલાં નાણાં નેતાઓને દેખાઇ ગયાં હતાં. આ નવા ઉદ્‌ભવેલા સત્તા-સંપત્તિકેન્દ્ર પર કબજો મેળવવા માટે ખતરનાક ખેલ શરૂ થઇ ચૂક્યા હતા. અનેક વિવાદોની વચ્ચે દાલમિયાએ ૨૦૦૫ સુધી બીસીસીઆઇ પર પોતાનું પ્રભુત્વ જમાવેલું રાખ્યું, પણ છેવટે શરદ પવારે તેમને રાજરમતમાં ચિત કર્યા.

દાલમિયા સામે નાણાંકીય ગોટાળાના આરોપ થયા, ત્યારે ‘અમૂલ’ બટરની જાહેરાતમાં મુકાયેલી પંચલાઇન હતી : ‘દાલમિયામેં કુછ કાલા હૈ?’ તેની સાથે લખ્યું હતું, ‘મસ્કા ખાઓ, પૈસા નહીં.’ રોષે ભરાયેલા દાલમિયાએ ‘અમૂલ’ સામે રૂ.૫૦૦ કરોડનો બદનક્ષીનો દાવો માંડવાની ધમકી આપી હતી. જોકે, એવું કંઇ થયું નહીં. પરંતુ એ ક્ષણો દાલમિયાની કારકિર્દીના સૂર્યાસ્તની હતી. ત્યારે બીસીસીઆઇના વઘુ એક વિવાદાસ્પદ બૉસ થનારા નારાયણસ્વામી શ્રીનિવાસન્‌ની કારકિર્દીનો ઉદય થઇ ચૂક્યો હતો.


બીસીસીઆઇના પ્રમુખ મુથૈયાની આંગળી ઝાલીને શ્રીનિવાસન્‌  તમિલાનાડુ ક્રિકેટ એસોસિએશનમાં દાખલ થયા. ત્યારે ખુદ મુથૈયાને અંદાજ ન હતો કે તેમણે કુહાડા પર પગ માર્યો છે. શ્રીનિવાસન્‌ ત્યારે બાપીકી સિમેન્ટ કંપની ‘ઇન્ડિયન સિમેન્ટ્‌સ’નું સામ્રાજ્ય સંભાળતાા હતા અને ચેન્નઇ (ત્યારના મદ્રાસ)ના શેરીફપદે રહી ચૂક્યા પછી, તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના સભ્યપદની ચૂંટણી હારી ચૂક્યા હતા. આઠ-આઠ મુદત સુધી પ્રમુખપદે રહ્યા પછી, કાયદા પ્રમાણે મુથૈયાને નિવૃત્ત થવાનું આવ્યું, ત્યારે તેમણે ‘પોતાના માણસ’ તરીકે શ્રીનિવાસનને તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખપદે ગોઠવી દીધા. આ હોદ્દેથી શ્રીનિવાસન્‌ને બીસીસીઆઇમાં પ્રવેશ મળ્યો.

સત્તા અને સંપત્તિનાં સમીકરણ બરાબર સમજતા શ્રીનિવાસની પદ્ધતિસરની આગેકૂચ વિશે એકાદ વર્ષ પહેલાં ‘ઓપન’ સાપ્તાહિકમાં પ્રગટ થયેલા એક લેખમાંથી ઘણી વિગત મળે છે. તેમાં જણાવ્યા પ્રમાણે, શ્રીનિવાસને પહેલાં તમિલનાડુમાંથી મુથૈયાના વફાદારોને પોતાના કરી લીધા. એ માટે જરૂરી નાણાંનો તેમની પાસે તોટો ન હતો. બીસીસીઆઇમાં દાલમિયાના દબદબાના છેલ્લા દિવસો હતા ત્યારે શ્રીનિવાસન્‌ દાલમિયાની પડખે હતા. એટલું જ નહીં, નિવૃત્ત થતા દાલમિયા માટે ‘પેટ્રન-ઇન-ચીફ’ જેવો નવો હોદ્દો ઊભો કરવાનું સૂચન પણ શ્રીનિવાસન્‌નું હતું અને વર્ષ ૨૦૦૬માં દાલમિયા સામે નાણાંકીય ગેરરીતિના આરોપો જે સમિતિએ કર્યા, તેના અઘ્યક્ષ પણ શ્રીનિવાસન્‌ હતા. ત્યાં સુધીમાં એ બીસીસીઆઇના ખજાનચી બની ચૂક્યા હતા અને પ્રમુખપદું તેમના માટે હાથવેેંતમાં હતું. દાલમિયા આરોપોમાંથી નિર્દોષ પુરવાર થઇને બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખપદે પાછા ફર્યા ત્યારે શ્રીનિવાસને ફરી તેમની સાથે સંધિ કરી લીધી. કારણ કે બીસીસીઆઇના પ્રમુખ બનવા માટે તેમને એ બધાના મતની જરૂર હતી.

કોઇ રાજકીય ઉથલપાથલના ઘટનાક્રમ જેવા લાગતા આ બનાવો રમતના રાજકારણની અસલિયત છતી કરે છે, જેના મૂળમાં રમતને કારણે પેદા થતાં અઢળક નાણાં અને તેના પણ મૂળમાં રમત માટેની લોકોની અવિચારી ઘેલછા કારણભૂત છે. એટલે જ, લલિત મોદી જેવા વહીવટદાર આઇપીએલનું મનોરંજન શરૂ કર્યા પછી સફળતાને જીરવી ન શક્યા અને તેમને પરદેશ જતા રહેવું પડ્યું, ત્યારે શ્રીનિવાસન્‌ આઇપીએલ અને ટ્‌વેન્ટી ટ્‌વેન્ટી સહિતની તમામ તકો ઝડપી લેવા માટે ઉત્સુક હતા. સાદું પ્રમાણભાન બાજુ પર મૂકીને બીસીસીઆઇના વડા હોવા છતાં, તેમણે ચેન્નઇની ટીમ ખરીદી. પછી બચાવ એવો કર્યો કે ટીમ તો એમની કંપની ‘ઇન્ડિયન સીમેન્ટ’ની માલિકીની હતી. (ભારતની ટીમનો કેેપ્ટન ધોની શ્રીનિવાસન્‌ની ટીમનો પણ કેપ્ટન હતો અને આ ટીમ લાગલગાટ બે વર્ષ ચેમ્પિયન પણ બની). વધારે કકળાટ થાય તે પહેલાં શ્રીનિવાસને કાયદો બદલી નાખ્યો અને વહીવટદારો કે ખેલાડીઓ ટીમના માલિક ન બની શકે, એવી જોગવાઇ રદ કરી નાખી.
courtesy : sandeep adhyaru

મેચફિક્સિંગ જેવી બાબતને લઇને પાઘડીનો વળ છેડે આવ્યો અને શ્રીનિવાસન્‌ના જમાઇ ગુરુનાથ મેયપ્પનની ફસામણી થઇ, ત્યારે પણ શ્રીનિવાસની બેશરમી અને રીઢાપણું તેમને વડાપ્રધાનપદ માટે લાયક બનાવે એ હદનાં હતાં. સર્વોચ્ચ અદાલતે તપાસસમિતિ નીમી ત્યારે શ્રીનિવાસન્‌ એવું રટણ કરતા રહ્યા કે ‘મારી પૂછપરછ થઇ નથી. પછી હું શા માટે રાજીનામું આપું?’ પછી જાહેર થયું કે તેમની પૂછપરછ થઇ હતી, ત્યારે વળી તેમણે પોતાનું ગાણું બદલી નાખ્યું.

તપાસ ચાલે ત્યાં સુધી અદાલતે તેમને બાજુ પર મૂકીને સુનિલ ગાવસ્કરને બોર્ડના પ્રમુખ નીમ્યા. પરંતુ શ્રીનિવાસન્‌ પાસે સંપત્તિ અને સંપર્કોનું એવું જોર હતું કે બીસીસીઆઇના પ્રમુખ તરીકે શંકાના દાયરામાં રહેલો અને બાજુ પર હટાવાયેલો આ માણસ એ જ ગાળામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનો ચેરમેન બની ગયો. પ્રધાન તરીકે નાલાયક ઠરેલા માણસને વડાપ્રધાન બનાવવામાં આવે એવી આ વાત હતી. પણ ભ્રષ્ટાચાર સામે બૂમબરાડા પાડતા નેતાઓને તેમના નાક તળે ખદબદતી આ ગંદકી વિશે કશું કહેવાનું હતું. શ્રીનિવાસન્‌ના મુદ્દે ભાજપી જેટલી ને કોંગ્રેસી રાજીવ શુક્લનું મૌન એકસરખું અકળાવનારું હતું.

અદાલતે નીમેલી મુદગલ સમિતિના અહેવાલમાં સ્પષ્ટ થયું કે મેચફિક્સિંગમાં શ્રીનિવાસનની સંડોવણી ભલે ન હોય, પણ તેમની જાણકારી તો હતી અને તેમણે આંખ આડા કાન કર્યાં હતાં. આ અહેવાલનું મનગમતું અર્થઘટન તારવીને શ્રીનિવાસને એવો પ્રચાર શરૂ કર્યો કે ‘અદાલતમાંથી મને ક્લીનચીટ મળી ગઇ છે. માટે હવે મને બીસીસીઆઇનો પ્રમુખ બનાવી દેવો જોઇએ.’ ક્લીનચીટનો  દાવ બધાને એકસરખો ફળતો નથી. આ કિસ્સામાં સર્વોચ્ચ અદાલતે ખોંખારીને કહેવું પડ્યું કે શ્રીનિવાસન્‌ને કોઇ ક્લીનચીટ મળી નથી અને તે આઇપીએલની ટીમના માલિક કેવી રીતે બની શકે?
courtesy : sandeep adhyaru

અદાલતના કડક વલણ પછી ક્રિકેટના રાજકારણમાં શ્રીનિવાસન્‌ની કારકિર્દીનો તત્કાળ અંત આવે એમ તો નથી. કારણ કે આઇસીસીમાં હજુ તે પ્રમુખ છે અને બીસીસીઆઇને રીમોટ કન્ટ્રોલથી ચલાવી શકે એમ છે. ધારો કે કોઇ કારણસર શ્રીનિવાસન્‌ની ક્રિકેટ કારકિર્દીનો અંત આવે તો પણ નવા આવનાર દાલમિયા-લલિત મોદી-શ્રીનિવાસન્‌ની ‘ઉજ્જવળ’ પરંપરાના નહીં હોય, એની કોઇ ખાતરી નથી. કેપ્ટન ધોની જેવા ખેલાડી તપાસપંચ આગળ જૂઠું બોલે ને સચિન તેંડુલકર નિવૃત્ત થયા પછી પણ આત્મકથામાં મેચ ફિક્સિંગનો ‘મ’ ન પાડે, ત્યારે શ્રીનિવાસન્‌ જેવાઓ ફાવ્યા જ કરે, એમાં શી નવાઇ? 

1 comment:

  1. Anonymous8:40:00 PM

    kadach, shri vishwanathan, shri salim durrani ane shri abid ali, farukh engineer jeva kheladi ne potana jamani cricket, bhartiya rangmanch ni black and white film jevo anubhav dhato hoi shake ane afsos pan karta hoi.

    biju, urvishbhai, srinivasan jeva nana mota jack-pot(s) apna political race-course ma ketla hase teno sarvado to CAG, CBI, ane ava fancy forum pase hoi to shu farak pade.

    aabhar

    j

    ReplyDelete