Saturday, October 11, 2014

ગાંધીજી સાથે સફાઇદાર વાતચીત

ગાંધીજીની જન્મજયંતિએ દેશવ્યાપી સફાઇ અભિયાન શરૂ થયું. એ જાણીને ગાંધીજી કેટલા રાજી થઇ ગયા હશે? કોઇ પત્રકારને એવો વિચાર આવ્યો. એટલે એણે આંખ બંધ કરી, ત્યાં જ ફોનની ઘંટડી વાગી.

સવાલ : કોણ?

ગાંધીજી : તેં હમણાં જ તેનું ઘ્યાન ધર્યું તે...

સ : શું વાત છે, બાપુ...તમે તો અંતર્યામી છો... કે પછી તમે પણ જાસુસીવાળું ચાલુ કરાવ્યું?

ગાંધીજી : ના ભાઇ ના, મારે ક્યાં દેશનો ઉદ્ધાર કરવો છે કે લોકોની જાસુસી કરાવવી પડે.  

સ : હું તો ગમ્મત કરતો હતો. બોલો.

ગાંધીજી : એટલે, તારો વખત બગાડ્યા વગર મુદ્દાની વાત પર આવું, એમ જ ને?

સ : ના...એટલે..હા..એટલે કે ના, પણ...

ગાંધીજી : અરે, એમાં આટલો મૂંઝાય છે શું? મૂંઝાયા વગર કંઇ પણ બોલવાની પ્રેરણા તારે નવા વડાપ્રધાનમાંથી લેવા જેવી છે. એે કેવા આત્મવિશ્વાસથી, જરાય મૂંઝવણ અનુભવ્યા વિના, મારું નામ લે છે- જાણે બુલેટપ્રૂફ જાકિટ પણ ખાદીનું પહેરતા હોય.

સ : તમે આ ટીકા કરી કે વખાણ કર્યાં? ચોખવટ કરજો. નહીંતર લોકો તમારા પર તૂટી પડશે.

ગાંધીજી : એટલે લોકોને જાતે ખબર નહીં પડે?

સ : એ બધી ચર્ચાનો અર્થ નથી. કારણ કે લોકો ગીતાના સિદ્ધાંતમાં માને છે. કારણની પરવા કર્યા વિના, કેવળ કર્મ કરવાનું.

ગાંધીજી : પણ ગીતામાં તો ફળની અપેક્ષા વિના...

સ : ખબર છે..‘મહાભારત’ બધાએ જોયું હતું. એની શરૂઆતમાં જ આ શ્લોક આવતો હતો. પણ લોકોેને ખબર છે કે ફળની હવે ચિંતા કરવાની નથી. આપણી જ સરકાર છે. કર્મનું ફળ તો પછી મેનેજ કરી લેવાય. કારણ કે તમારું નામ મોહન ગાંધી છે, મોહન ભાગવત નહીં...આ તો તમારા પ્રત્યે લાગણી છે એટલે ચેતવું છું. હવે આવાં બેવડાં ધોરણ નહીં ચાલે.

ગાંધીજી : એટલે?

સ : એટલે એમ કે, અત્યાર સુધી સાહેબ તમારું નામ લેતા ન હતા ત્યારે લોકો કહેતા કે એ ગાંધીજીને યાદ કરતા નથી. હવે તમારું નામ લે છે, તો કહે છે કે ગાંધીજીનું નામ વટાવે છે. આ તો હળાહળ અસત્યાગ્રહ કહેવાય.

ગાંધીજી : (હસે છે)

સ : કેમ હસો છો? જવાબ આપો. જવાબ આપી ન શકતા હો તો કબૂલો કે મારી વાત સાચી છે.

ગાંધીજી : (હસતાં હસતાં) સરદાર હોત તો એકાદ ચરોતરી કહેવત સંભળાવીને જવાબ આપત. હું તો એ જોઇને હસું છું કે માણસ પોતાની જાતને કેટલી હદે, કેટલા આત્મવિશ્વાસથી છેતરી શકે અને એવી ખાતરી રાખે કે પોતાના આત્મવિશ્વાસથી બીજા પણ છેતરાઇ જશે.

સ : આ મારી વાતનો જવાબ નથી...તમે રાષ્ટ્રપિતા ને પાંચસોની નોટવાળા ને વિદેશમાં તમારો જયજયકાર થાય ને બઘું ખરું- વિદેશોમાં કેવી રીતે જયજયકાર થાય એ તો હવે અમને પણ ખબર છે- છતાં એ ન ભૂલતા કે છેવટે તો તમેય એક સ્યુડો-સેક્યુલરિસ્ટ જ હતા. આ તો અમે હજુ તમારી શરમ ભરીએ છીએ. બાકી, પેલા રાજદીપ સરદેસાઇને પૂછી જોજો...

ગાંધીજી : હું તો મહાદેવ દેસાઇને ઓળખું છું. એને પૂછી શકું...બાકી, તમે શરમ તો ઘણી ભરી. ખોટું કેમ કહેવાય? ભાઇ નાથુરામે પણ મને સહેજ પગે લાગવા જેવું તો કરેલું.

સ : તમે આખી વાતમાં ગોડસેને શા માટે વચ્ચે લઇ આવો છો? દુનિયા બહુ આગળ વધી ગઇ.

ગાંધીજી : હા, એ તો ગોડસેમાર્ગના પ્રવાસીઓનો દબદબો જોઇને લાગે જ છે.

સ : આ બરાબર નથી. ગોડસેએ તમને ગોળી મારી એનો તમે ખાર રાખો છો. ભૂલી જાવ એ બઘું. મૂવ ઑન. ક્યાં સુધી જૂનું યાદ રાખીને ચાલશો? પછી પેલા રાજદીપ જેવું થાય...આપણે દેશને આગળ વધારવાનો છે.

ગાંધીજી : કઇ દિશામાં?

સ : હવે આપણી સામે એક જ દિશા છે - ગાંધીચીંઘ્યો માર્ગ. તમે સાંભળ્યું નહીં? અમારે મહાત્મા ગાંધીજીના સ્વપ્ન પ્રમાણેનું ભારત બનાવવાનું છે.

ગાંધીજી : તું ભૂલી ગયો લાગે છે કે તું ગાંધીજી સાથે જ વાત કરી રહ્યો છે...વાંધો નહીં, પોપટપાઠમાં આવુંબઘું થાય. વારેઘડીએ રાજદીપ યાદ આવે છે એ પણ તમારા ગાંધીમાર્ગનો જ ભાગ હશે ને?

સ : (સહેજ ચીડાઇને) બાપુ, ગમે તે કહો પણ, અસલમાં તો તમે ખાંગ્રેસવાળા ને. એટલે જ વાંકું બોલો.

ગાંધીજી : (ખડખડાટ હસે છે) સારું નામ છે. ખાંગ્રેસ...મને ગમ્યું . ખાંગ્રેસ... ખાજપ...ગમે તે પક્ષમાં જા, પણ ખા. (ફરી હસે છે)

સ : (ધુંધવાઇને) ખાંગ્રેસની વાતમાં ખાજપ ક્યાંથી આવ્યું? કોંગ્રેસે સાઠ વર્ષમાં દેશને ડૂબાડી દીધો ને તમે ખાજપની- આઇ મીન, ભાજપની- માંડો છો...

ગાંધીજી : ધીરજનાં ફળ મીઠાં. સૌને તક મળે છે... પણ એટલું કહે, ખાંગ્રેસના નેતાઓને બે હાથ પહોળા કરીને ભાજપમાં આવકાર મળે, તો ભાજપને ખાજપ કહેવામાં ખોટું શું છે? અને કયા નેતાઓ મહેનત-મજૂરી કરીને પક્ષમાં રૂપિયા જમા કરાવે છે? આટલા રૂપિયા નેતાઓ પાસે ક્યાંથી આવે છે? પરિવારોને પોષવાના કરોડો રૂપિયા શી રીતે પેદા થાય છે? ને પોતાના જયજયકાર કરતી એજન્સીઓ મફતમાં આવે છે?

સ : (અવઢવ સાથે સાંભળી રહ્યા પછી, વિચારીને) પણ ખાંગ્રેસ બોલવામાં જે કીક આવે છે, એ ખાજપ બોલવામાં નથી આવતી.

ગાંધીજી : કીકની વાત તું જાણે. એ મારો વિષય નહીં, પણ કીક આપે એવાં પીણાં જ નહીં, વિચારધારાઓ પણ સમાજ અને દેશ માટે હાનિકારક નીવડી શકે છે. એનાં અનિષ્ટો વિશે જાણવું હોય તો ગુરુદેવ ટાગોરને પૂછી જોજે.

સઃ ના, અમારે તો આ બઘું કોેને પૂછવાનું એ નક્કી જ હોય છે... પણ તમે ફોન કેમ કર્યો હતો, એ તો કહો.

ગાંધીજી : મારે સ્વચ્છતા અભિયાન વિશે વધારે જાણવું હતું. હાથમાં ઝાડુ પકડીને બધાએ પડાવેલા ફોટા મેં જોયા. સરસ હતા.

સ : એમ ને? આખો આઇડિયા જ કેવો જોરદાર છે. ગાંધીજીની દોઢસોમી જયંતિએ ગાંધીજીને સ્વચ્છ ભારતની ભેટ...ઢેન ટેણેન.

ગાંધીજી : બસ, એ મ્યુઝિક મૂકવાનું જ બાકી છે. પણ સરદારને જરા ચિંતા હતી. એ કહેતા હતા કે તમારા નામે ચાલતી સફાઇઝુંબેશમાં તમારા આદર્શોનો સફાયો ન થઇ જાય. મેં સરદારને આશ્વાસન આપ્યું કે હવે બાકી શું રહ્યું છે? પણ સરદાર વ્યવહારુ માણસ. એ કહે, નવી સરકારે અંત્યોદયની વાત તો દીનદયાળ ઉપાઘ્યાયના નામે ચડાવી દીધી છે. કાલે ઉઠીને એવું ન કહે કે દાંડીકૂચ પણ દીનદયાળ ઉપાઘ્યાયે કરી હતી.

સ : બાપુ, તમે તો પરવારી ગયા, પણ મારે હજુ આગળ વધવાનું છે. તમારા વખતમાં ફોનટેપિંગનો કકળાટ ન હતો, પણ હવે...જવા દો.  અને તમારા નામે અમે સફાઇ ઝુંબેશ કરીએ છીએ તો તમે પણ કશું યોગદાન આપજો. તમે કશું નહીં બોલો તો પણ અમે એને તમારું યોગદાન ગણીશું, બસ? આવજો.

(ફોન ઉતાવળે મુકાઇ જાય છે.)

No comments:

Post a Comment