Wednesday, September 03, 2014

આઇસ બકેટ ચેલેન્જ : પ્રચાર, પ્રસિદ્ધિ અને ‘પુણ્ય’ની રમત

તાવગ્રસ્ત દર્દીને તપાસ્યા પછી ડોક્ટર કહે કે ‘વાઇરલ છે’, એટલે તેનું ગુજરાતી ઘણા દર્દીઓ એવું કરે છે કે ‘સાહેબને ખબર પડી લાગતી નથી.’ આ રમૂજ યાદ આવવાનું સાવ ભળતું કારણ એ છે કે ઇન્ટરનેટ ઉપર પણ કોઇ ચીજ ‘વાઇરલ’ થાય ત્યારે એનું કારણ લોકોને સમજાતું નથી. ‘વાઇરલ’ એટલે કે વિષાણુના ચેપની ઝડપે કોઇ વિડીયો કે તસવીર કે પોસ્ટ ફેસબુક-ટિ્‌વટર પર ફેલાઇ જાય - ‘નેટીઝન’ તરીકે ઓળખાતા ઇન્ટરનેટપ્રેમીઓની આલમમાં તે એવી પ્રસરી જાય કે તેના વિશે ન જાણનારા ગુફાવાસી ઠરે.

થોડાં વર્ષ પહેલાં ‘કોલાવરી’ ગીતે ઇન્ટરનેટ પર એવો તહલકો મચાવ્યો હતો. જ્યાં જુઓ ત્યાં કોલાવરી ને તેનાં અનેક વર્ઝન. છેલ્લા એકાદ મહિનાથી ‘એએલએસ આઇસ બકેટ ચેલેન્જ’/ ALS IceBucketChallenge તરીકે ઓળખાતી મસ્તી ‘વાઇરલ’ બની છે. અમેરિકાની નામી હસ્તીઓ બાથરૂમમાં નહીં પણ જાહેરમાં, (મોટે ભાગે) પૂરાં વસ્ત્રો પહેરીને, ઠંડું પાણી ભરેલી ડોલ આખેઆખી ઊંધી પાડીને જાતે માથાબોળ સ્નાન કરે છે અથવા કોઇને પાસે આખી ડોલ રેડાવે છે. જાહેર સ્નાનની વિડીયોે ફેસબુક-ટિ્‌વટર પર મૂકીને, બીજા મિત્રો-સ્નેહીઓને આવી મસ્તી કરવા પ્રેરે છે.

આ થયો ‘આઇસ બકેટ’નો ભાગ. તેની પહેલાં આવતા ટૂંકાક્ષરો એ.એલ.એસ. એક ગંભીર બિમારી સૂચવે છે, જેનું આખું મેડિકલ નામ છે : એમાયોટ્રોફિક લેટરલ સ્કલરોસિસ /Amyotrophic Lateral Sclerosis કારકિર્દીના મઘ્યાહ્ને આ રોગનો શિકાર બનેલા અમેરિકાના વિખ્યાત બેઝબોલ ખેલાડી લુ ગેરીગ/ Lou Gehrig પરથી આ રોગ ‘લુ ગેરીગ્ઝ ડિસીઝ’/ Lou Gehrig's disease તરીકે પણ ઓળખાય છે.

ક્યાં મગજ-કરોડરજ્જુના કોષોને ક્રમશઃ ખતમ કરીને વ્યક્તિને સદંતર પંગુ અવસ્થામાં ધકેલતો-મોટે ભાગે જીવલેણ પુરવાર થતો આ ખતરનાક રોગ? અને ક્યાં પાણીદાર ઘુળેટીની યાદ અપાવે એવી, પોતાનાી ઉપર ટાઢુંબોળ પાણી રેડવાની મસ્તી? આ બન્ને વચ્ચે શો સંબંધ? પરંતુ કોઇને તુક્કો સૂઝ્‌યો કે મસ્તીભર્યા બકેટ-સ્નાનને મહાગંભીર એવા એએલએસ સાથે સાંકળી દેવામાં આવે અને એ બહાને લોકોને વિશે જણાવીને, તેમની પાસે દાન માગી શકાય તો?

Ice Bucket Challenge version of famous painting 'The
Scream' (courtesy : mustansir, salil tripathi)

એક આઇડીયા એવો હતો કે પોતાની બકેટ-સ્નાન વિડીયો ફેસબુક કે ટિ્‌વટર પર મૂકીને, તેમાં બીજા મિત્રોને નામજોગ ‘ચેલેન્જ’ કરવામાં આવે : ‘મારી માફક જાહેરમાં ટાઢા પાણીની ડોલ શરીર ઊંધી પાડો અને એ ન થાય તો એએલએસ માટે દાન કરો.’ પરંતુ જોતજોતાંમાં એ ‘ચેલેન્જ’ને બદલે ‘રમત’ બની ગઇ. પોતાના માથે ટાઢું પાણી રેડવાનું ને  દાન પણ આપવાનું. એમાં ઓપ્રા વિન્ફ્રે, માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્‌સ, ડેવિડ બેકહમ સહિત વિવિધ ક્ષેત્રોનાં મોટાં માથાં પણ સામેલ થયાં.

‘સારા કામ માટે આટલું કરવામાં વાંધો શો છે?’ એવી સદ્‌વૃત્તિથી માંડીને ‘આવા મોટા લોકો કરે છે, તો આપણે પણ કરીએ.’ અને ‘બાકાત રહીને આપણે ક્યાંક આઉટ ઑફ ફેશન ગણાઇ ન જઇએ’ એવી દેખાદેખીને કારણે અત્યાર લગી હજારો લોકોએ તેમાં ભાગ લીધો છે. બિલ ગેટ્‌સે તો વળી હેન્ડલ ખેંચવાથી માથા પર રહેલું ઠંડા પાણીનું બકેટ ઊંઘું થાય એવું ખાસ પ્રકારનું એક માળખું બનાવ્યું અને કાગળ પર તેની ડીઝાઇન તૈયાર કરવાનો તબક્કો પણ વિડીયોમાં મૂક્યો છે. ટૂંકમાં, ગેટ્‌સ જેવા લોકો માટે એ ‘મઝાની મઝા ને સેવાની સેવા’નો મામલો છે.

હૉકિંગ્ઝ ડિસીઝ

એએલએસનો દર્દી લુ ગેરિગ દાયકાઓ પહેલાં અમેરિકામાં જાણીતો બેઝબોલ ખેલાડી હતો, પણ છેલ્લા થોડા દાયકામાં આ રોગના સૌથી સેલિબ્રિટી દર્દી ખગોળશાસ્ત્રી સ્ટીવન હૉકિંગ છે. (ભવિષ્યમાં આ રોગ ‘હૉકિંગ્ઝ ડિસીઝ’ તરીકે ઓળખાતો થઇ જાય તો નવાઇ નહીં.) ૨૧ વર્ષની વયે તેમને આ રોગ લાગુ પડ્યો હતો. ત્યારથી હૉકિંગનું શરીર ધીમે ધીમે એવું લકવાગ્રસ્ત થતું ગયું કે તેમનું હલનચલન તો ઠીક, તેમની વાચા પણ જતી રહી.

હૉકિંગે રોગ સામે હાર માન્યા વિના ઝઝૂમવાનું અને કામ કરવાનું ચાલુ રાખ્યું. તેમને મળેલી વિશેષ સુવિધાઓ અને ટેકનોલોજીની મદદથી હૉકિંગ શારીરિક રીતે નિષ્ક્રીય થઇ ગયા હોવા છતાં, બેસ્ટસેલર પુસ્તકો લખે છે અને વખતોવખત સમાચારમાં પણ રહી જાણે છે. આઇસ બકેટ ચેલેન્જ જેવા ચેપી ટ્રેન્ડથી તે કેવી રીતે અળગા રહી શકે? હૉકિંગના નામે ‘આઇસ બકેટ ચેલેન્જ’ની વિડીયો જોવા મળે છે. હૉકિંગને પોતાને જોકે ઠંડા પાણીથી નહાવાનું (આરોગ્યની રીતે) જોખમી લાગતાં, તેમની હાજરીમાં પરિવારજનોએ બકેટવિધી સંપન્ન કર્યો છે.

હૉકિંગ જેવા સેલિબ્રિટી વૈજ્ઞાનિક એએલએસના દર્દી અને તેની સામેની લડાઇના વિશ્વવિખ્યાત બ્રાન્ડ એમ્બ્સેડર હોવા છતાં, આ રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે- દાન ઉઘરાવવા માટે આઇસ બકેટ ચેલેન્જ જેવી પ્રવૃત્તિ હાથ ધરવી પડે એ અસલી વક્રતા છે- અને થોડા સમય પૂરતી એ હૉકિંગ કરતાં પણ વધારે પ્રસિદ્ધ થઇ જાય, એ ઇન્ટરનેટની ‘વાઇરલ’ પ્રકૃતિની લાક્ષણિકતા છે.

એક અંદાજ પ્રમાણે, ઓગસ્ટના ત્રીજા અઠવાડિયા સુધીમાં એટલે કે એકાદ મહિનામાં આઇસ બકેટ ચેલેન્જના પ્રતાપે ચાર કરોડ ડોલરથી પણ વઘુ રકમ દાનમાં મળી ચૂકી છે. ઘેલછાગ્રસ્ત જાગૃતિનું આ મોજું શમીને વાઇરલ પ્રસારની તવારીખમાં ક્યારે સમાઇ જાય એ જોવાનું છે, પણ કોલાવરી હોય કે આઇસ બકેટ ચેલેન્જ, એક વાર તે ‘પકડાઇ’ જાય એટલે તેની સફળતાનાં કારણ શોધી કાઢવાનું સહેલું પડે છે. મૂળ ચીજમાં ન હોય એવી ખૂબીઓ  વિશ્લેષકો તેમાંથી શોધી કાઢે છે અને  લગે હાથ પોતાની વિદ્વત્તાનો છાકો પણ પાડતા જાય છે.

અંબા માતાના પરચાનું પહેલું પોસ્ટ કાર્ડ કોણે લખ્યું એ શોધવું જેટલું મુશ્કેલ હોય છે, એટલું જ અઘરું ‘એએલએસ આઇસ બકેટ ચેલેન્જ’નાં મૂળ શોધવાનું છે. પરંતુ એકાદ મહિનાના ટૂંકા ગાળામાં તેને મળેલી સફળતા પછી તેની સફળતા હવે થિયરીબાજીનો અને વાદવિવાદનો વિષય પણ બની છે.

ટીકાના છાંટા

આઇસ બકેટ ચેલન્જની સૌથી પ્રાથમિક ટીકા એ છે કે એએલએસ એકદમ ઓછો પ્રસાર ધરાવતો રોગ છે. અમેરિકામાં એએલએસના દર્દીઓની સંખ્યા લાખોમાં નહીં, માંડ થોડા હજારમાં છે. જાણીતા કાર્ટૂનિસ્ટ અને વ્યવસાયે રેડિયોલોજિસ્ટ ડૉ.હેમંત મોરપરિયાએ  લખ્યું હતું કે એએલએસના દર્દીઓ કરતાં અનેક ગણા વધારે લોકો ટીબી, મેલેરિયા જેવા રોગોનો ભોગ બને છે. અમેરિકામાં અલ્ઝાઇમર્સ અને ડાયાબિટી સહિતના રોગોનો ઘણો ઉપાડો છે. એ રોગો સામે લડવા માટે પણ નાણાંની એટલી જ જરૂર હોય છે અને તેનો ફાયદો વધારે લોકો સુધી પહોંચી શકે છે.

‘એએલએસ જ કેમ? કારણ કે આ વાઇરલ ગતકડું છે.’ એવો ઘ્વનિ ધરાવતી આ ટીકામાં વજૂદ છે. ‘ટાઇમ’ સાપ્તાહિકમાં એક લેખકે  એએલએસમાં પોતાના પિતા ગુમાવ્યા હોવા છતાં- અને બકેટ ચેલેન્જના તે આકરા ટીકાકાર ન હોવા છતાં- તેમણે એટલું તો કહ્યું જ છે કે ઘણા લોકો દેખાદેખીમાં બકેટ ઠાલવવા મચી પડ્યા છે અને તેમને એએલએસ કે તેને લગતી જાગૃતિ સાથે કશી લેવાદેવા નથી.

બકેટ ચેલેન્જ સામે તેમણે ઊભો કરેલો વાંધો એકદમ વાજબી લાગે એવો છે. તેમનું કહેવું છે કે માથે ટાઢા પાણીની ડોલ રેડતાં કે રેડાવતાં પહેલાં માણસ એએલએસ વિશે કંઇક કહે, દાન આપવાની વાત કરે અને પછી ડોલ ઊંધી પાડે તો સરખો પ્રચાર પણ થાય. એએલએસ ફાઉન્ડેશને શરૂઆતમાં એવી શરત રાખી હતી કે જે લોકો દાન ન આપવાના હોય એ જ બકેટ-સ્નાન કરે. પછીથી બકેટ ચેલેન્જના ઉત્સાહમાં આ શરત ગૌણ બની ગઇ. એટલું જ નહીં, ઘણા લોકો પૂરું સમજ્યા-વિચાર્યા વિના, કેવળ એક સોશ્યલ ટ્રેન્ડ તરીકે બકેટ ચેલેન્જની ચાલુ ગાડીમાં ચડી ગયા. તેના લીધે બકેટ ચેલેન્જ સફળ તો થઇ, પણ સોશ્યલ મિડીયા બકેટની જેટલી રેડારેડ થઇ, એના પ્રમાણમાં જાગૃતિ ન આવી.

આઇસ બકેટ ચેલેન્જની વઘુ કડક શબ્દોમાં પણ ટીકા થઇ છે. એક લેખકે તેને સોશ્યલ મિડીયાની ખાસિયત જેવી આત્મરતિ અને સેલિબ્રિટી-ભક્તિનાં કનિષ્ટતમ તત્ત્વોનું સંયોજન ગણાવ્યો છે. સાથોસાથ તેની પર ‘આર્મચેર ફીલગુડ ક્લિક્ટિવિઝમ’નો - એટલે કે ઢેકા નમાવ્યા વિના કે નાણાંકોથળી ઢીલી કર્યા વિના, કમ્પ્યુટર પર ક્લિક કરીને કંઇક કર્યાનો ઠાલો સંતોષ લેવાનો- આરોપ પણ મૂકવામાં આવ્યો છે. બકેટ ચેલેન્જને‘સ્લેક્ટિવિઝિમ’ એટલે કે આળસુ અને છીછરા એક્ટિવિઝમ તરીકે ખતવી નાખવામાં આવી છે. આ જાતની ટીકાઓમાંથી કટુતાની બાદબાકી કરીએ તો પણ તેમાં તથ્યના ઘણા અંશ છે. કેટલાક પત્રકારોએ અમેરિકા સહિતના ઘણા દેશમાં પાણીની અછતનો મુદ્દો આગળ ધરીને, આ રીતે પાણીનો બગાડ થાય એ સામે વાંધો વ્યક્ત કર્યો છે.

શક્ય છે કે બકેટ-ચેલેન્જના સમર્થકોને આ બધો દૂધમાંથી પોરા કાઢવાનો ઉદ્યમ લાગે. પરંતુ એ ટીકા મુખ્યત્વે ઘેટાશાઇ માનસિકતા અને કશું નક્કર કર્યા વિના, શોર્ટકટથી સ્વામી ફીલગુડાનંદ બની જવા સામેની છે, એ તેમણે યાદ રાખવા જેવું છે. એએલએસ માટે નાણાં આપવાં એ સારી વાત છે. સારા કામ માટે લોકોમાં દેખાદેખી જેવું નકારાત્મક છાંટ ધરાવતું લક્ષણ જગાડવાની પણ નવાઇ નથી. પરંતુ બકેટ ચેલેન્જમાં જોડાઇને જાગ્રત કે નિસબત ધરાવનારા તરીકે ગણાવા આતુર સૌએ વિચારવું જોઇએ કે અસલી જાગૃતિનું કામ કયું છે : અમેરિકામાં શરૂ થયેલી અને સોશ્યલ મિડીયાના પ્રતાપે ફેશનેબલ બનેલી બકેટ ચેલેન્જમાં ભાગ લેવાનું- તેમાં દાન આપવાનું કે પછી આપણા ગામ, પ્રદેશ કે દેશમાં આ જાતની કોઇ પ્રવૃત્તિમાં મદદરૂપ થવાનું?

જવાબ સીધી રીતે ન સૂઝે તો માથે ઠંડું પાણી ભરેલી ડોલ રેડ્યા પછી વિચારવાની છૂટ છે. 

No comments:

Post a Comment