Saturday, September 13, 2014

ગુજરાતીપણાનો જાદુ

( ગુજરાત સમાચાર, તંત્રીલેખ-શુક્રવાર-૧૨-૯-૧૪)

ગુજરાતી ફિલ્મો ફરી એક વાર ચર્ચામાં છે. દોઢ-બે દાયકા પહેલાં ‘દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા’થી ગુજરાતી ફિલ્મોના નવા યુગની વાતો સંભળાય છે. પરંતુ છેલ્લાં થોડાં વર્ષથી એ પ્રવાહની પાતળી પણ મજબૂત ઉપસ્થિતિનો પાકો અહેસાસ થઇ રહ્યો છે. ‘અર્બન’ કહેતાં શહેરી અને શહેરી બનવા ઉત્સુક- એમ બન્ને પ્રકારના પ્રેક્ષક સમુદાયને પોતીકી લાગે એવી ગુજરાતી ફિલ્મ હવે કલ્પનાનો નહીં, વાસ્તવિકતાનો વિષય છે. આ કલ્પનાને સાકાર કરવામાં આશિષ કક્કડ અને અભિષેક જૈન જેવા ફિલ્મકારોનો ફાળો વિશેષ અને વિશિષ્ટ છે. આશિષ કક્કડની ‘બેટરહાફ’ આઘુનિક-સંવેદનશીલ કથાવસ્તુની સચોટ રજૂઆત માટે તથા અભિષેક જૈનની ‘કેવી રીતે જઇશ?’ અને ‘બે યાર’ ઉત્તમ નિર્માણ ઉપરાંત ગુજરાતી લાક્ષણિકતાઓના હળવાશભર્યા છતાં વાસ્તવિક-સન્નિષ્ઠ ચિત્રણથી ગુજરાતી ફિલ્મપ્રેમીઓને આકર્ષી શકી છે.

ગુજરાતી ફિલ્મનાં વખાણ કરવા માટે લોકો ‘આ તો એકદમ હિંદી ફિલ્મ જેવી જ લાગે છે’ એવું કહે, એ વક્રતા છે. અલબત્ત, વાંક આવું કહેનારાનો નથી. વર્ષો સુધી ઝાકઝમાળભર્યું નિર્માણ ધરાવતી હિંદી ફિલ્મોને આવી જ રીતે હોલિવુડની ફિલ્મોની બરાબરીમાં મૂકવામાં આવતી હતી. હવે હિંદી ફિલ્મોનાં ટેક્‌નિકલ પાસાં ઉત્કૃષ્ટ બનતાં આ બાબતમાં હિંદી-અંગ્રેજી વચ્ચે આભ-જમીનનો નહીં, ખાડા-ટેકરા જેટલો જ તફાવત રહ્યો છે. તેથી હિંદી ફિલ્મોને ‘અંગ્રેજી જેવી’ હોવાનાં કોમ્પ્લીમેન્ટ મળવાં લગભગ બંધ થયાં છે.

‘બે યાર’ જેવી ફિલ્મની મઝા જ એ હોય છે કે એને સરસ હોવા માટે ‘હિંદી જેવી’ બનવાની જરૂર પડી નથી. એ નીતાંત ગુજરાતી હોવા છતાં સરસ છે. બલ્કે, એ નખશીખ ગુજરાતી હોવાથી જ એ બિલકુલ પોતીકી લાગે છે. અમદાવાદનાં વિવિધ લોકેશન, ગુજરાતીપણું, ‘શ’ને બદલે ‘સ’ બોલતાં અને વાસ્તવિક લાગતાં ગુજરાતી પાત્રો, એકદમ આત્મીય લાગતી ગુજરાતી ભાષા - આ બઘું ‘બે યાર’ને દર્શકોને આકર્ષે છે. ફિલ્મમાં વપરાયેલી ગુજરાતી ભાષા એટલી વાસ્તવિક છે કે આ જ ફિલ્મને જો હિંદીમાં ડબ કરવામાં આવે તો ફિલ્મના ‘ચાર્મ’માં રહેલો ભાષાની મઝાનો મોટો હિસ્સો ઉડી જાય.

‘યુવા પેઢીની પસંદ’ના નામે પોતાનું છીછરાપણું પીરસવાનો ઉદ્યોગ દાયકાઓથી ચાલે છે. પરંતુ ‘બે યાર’ ફિલ્મ જેવી અનેક ઘટનાઓ વખતોવખત સાબીત કરી આપે છે કે યુવા પેઢીને ફક્ત ગલગલિયાં જ ગમે એવું નથી. ‘બે યાર’ જેવી સરસ ફિલ્મ અને તેની (પરાણે ધુસાડાયેલા અંગ્રેજી શબ્દો-વાક્યો વગરની) ભાષા સાથે પણ યુવા પેઢીને તરત પોતીકાપણું અનુભવાય છે. મતલબ, યુવા પેઢીમાં લોકપ્રિય બનવા માટે સહજ, સ્વાભાવિક ભાષા પૂરતી છે. તેને મારીમચેડીને વર્ણસંકર બનાવવાનું જરૂરી નથી.

‘યુવા પેઢીમાં લોકપ્રિય બનવું હોય તો વર્ણસંકર, છીછરી ભાષા લખવી જ પડે’ અને ‘ગુજરાતી ફિલ્મ ચલાવવી હોય તો ચમત્કારો અને ગરબા મૂકવા જ પડે’ આ બન્ને માન્યતાઓ એકસરખી છે. લોકોની રૂચિનો પટ બહુ વિશાળ હોય છે. તેમને સારું પણ ગમે ને હલકું પણ ગમે. શું આપવું એનો આધાર આપનારની ત્રેવડ પર હોય છે. જે પ્રકારની ગુજરાતી ફિલ્મો ચાલે છે એની ટીકા તો શી કરવાની? એનું પણ ઑડિયન્સ છે અને એ ફિલ્મો પણ સલમાનખાનની હિંદી ફિલ્મોની જેમ, ગુણવત્તાની પંચાતમાં પડ્યા વિના, ટિકીટબારી પર સફળ જાય છે. નબળું સફળ થાય તેનો અર્થ એ નથી હોતો કે સફળ થવા માટે નબળું આપવું અનિવાર્ય છે. ‘બે યાર’ જેવી સબળી ફિલ્મોને મળી રહેલી સફળતા એ હકીકત વઘુ એક વાર સિદ્ધ કરી આપે છે.

ઊંચી અભિનયક્ષમતા ધરાવતા કલાકારોની ગુજરાતી તખ્તા પર ખોટ નથી, પરંતુ શહેરી દર્શકોને આકર્ષે એવી ગુજરાતી ફિલ્મોનું બજાર ઘણા વખત સુધી ન ખુલતાં, એ અભિનેતાઓને હિંદી ફિલ્મોમાં નાના-મોટા રોલથી કે ટીવી સિરીયલથી સંતોષ માનવો પડતો હતો. ‘બે યાર’ જેવી ફિલ્મો વઘુ પ્રમાણમાં બને તો તેને સશક્ત ગુજરાતી અભિનેતાઓનો પણ લાભ મળે અને ગુજરાતી દર્શકોને પોતાની જ ભાષામાં આ કલાકારોની ઉત્તમ ભૂમિકાઓ સિનેમાના પડદે જોવા મળે. આવી ઘણી ઉજળી શક્યતાઓ ‘બે યાર’ જેવી ફિલ્મોની સફળતાની પછવાડે રહેલી છે. 

3 comments:

  1. ઉત્કંઠા10:43:00 AM

    નબળું સફળ થાય તેનો અર્થ એ નથી હોતો કે સફળ થવા માટે નબળું આપવું અનિવાર્ય છે.--- એકદમ સાચી વાત. નવા દિગ્દર્શકો આ વાતને સાબિત કરી રહ્યા છે, એ માટે અભિનંદન.. તેમણે કોઈ ધમાલ કે ટીકા ટિપ્પણ વિના પોતાની લીટી મોટી સાબિત કરી બતાવી છે.
    આમ પણ હું જે ભાષામાં વિચારું છું, એમાં વાંચવું, લખવું, સાંભળવું હંમેશાં ગમે જ... કેમ કે આ બધું કરવા માટે મને મનમાં ભાષાંતર કરવાનો બોજો નથી રહેતો.....:) વધુને વધુ સફળતા મળતી રહે તેવી શુભ ઈચ્છા.....

    ReplyDelete
  2. Anonymous11:17:00 AM

    વાહ ઉર્વીશભાઈ, ખૂબ સુંદર તંત્રીલેખ... કુલદીપ કારિય

    ReplyDelete
  3. thank you urvishbhai :)

    ReplyDelete