Thursday, July 17, 2014

૧૯૬૨ના યુદ્ધમાં ચીન સામે ભારતના ધબડકાનો હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ : બાવન વર્ષે બાવો બોલ્યો...

વાત નવી નથી. ફક્ત તેમાં આવેલો વળાંક વિચિત્ર છે.

ચીન સાથેના યુદ્ધમાં ભારતને ભૂંડી રીતે ખુવારી અને હાર વેઠવાં પડ્યાં, એ ૧૯૬૨નો બનાવ. તેના પરિણામે વડાપ્રધાન નેહરુની છબીને લાગેલો ધબ્બો હજુ દૂર થઇ શક્યો નથી. ઉલટું, નક્કર હકીકતો સાથે બીજા પ્રચારની ભેળસેળથી એ વધારે ઘેરો બન્યો છે.

ભારત તરફથી યુદ્ધમાં ક્યાં કાચું કપાયું, તેની લશ્કરી રાહે તપાસ માટે ૧૪ ડિસેમ્બર, ૧૯૬૨ના રોજ લેફ્‌ટનન્ટ જનરલ હેન્ડરસન બ્રુક્સ/ Henderson Brooks (અને તેમની મદદ માટે બ્રિગેડીઅર પી.એસ.ભગત)ની તપાસ સમિતિ નીમવામાં આવી હતી. તેનાં પાંચ તપાસક્ષેત્રો નક્કી કરવામાં આવ્યાં : તાલીમ, શસ્ત્રસરંજામ, કમાન્ડ સીસ્ટમ, સૈનિકોની શારીરિક સજ્જતા અને દરેક સ્તરે પોતાના સૈનિકો પર પ્રભાવ પાડવાની કમાન્ડરોની ક્ષમતા. તપાસ મુખ્યત્વે નેફા/NEFA (નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એડમિનિસ્ટ્રેશન- હાલના અરુણાચલ પ્રદેશ)માં ભારતને વેઠવા પડેલા પરાજય પર કેન્દ્રિત રહેવાની હતી. આ તપાસ રાજકીય નહીં, પણ લશ્કરી હતી. તેના તપાસક્ષેત્રમાં રાજકીય દખલીગીરીનો સમાવેશ થતો ન હતો. તપાસ બિનરાજકીય હોવાને કારણે સમિતિએ ચાર મહિનામાં વિગતવાર અહેવાલ તૈયાર કરી દીધો. એ સંરક્ષણ મંત્રી યશવંતરાવ ચવાણને પણ આપવામાં આવ્યો. તેમણે વડાપ્રધાન નેહરુ સુધી તે પહોંચાડ્યો અને ભારતીય લશ્કરમાં અસંતોષ ન જાગે એ રીતે, સંસદમાં સલુકાઇથી (અને ખોટેખોટો) વડાપ્રધાનનો બચાવ પણ કર્યો.

‘હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ’/ Henderson Brooks Report તરીકે ઓળખાતો આ ‘ટૉપ સીક્રેટ’ અહેવાલ ત્યારથી કુતૂહલ, વિવાદ અને આક્ષેપોનું કેન્દ્ર રહ્યો છે. વર્ષો સુધી કોંગ્રેસી સરકારોએ, રાષ્ટ્રિય સુરક્ષા અને સંવેદનશીલ માહિતીનું કારણ આગળ ધરીને અહેવાલને ગુપ્ત રાખ્યો. એ વખતે થતી વાજબી શંકા એવી હતી કે અહેવાલમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુની ગાફેલિયત કે તેમણે લીધેલા ખોટા નિર્ણયોની વિગત હશે. એટલે કોંગ્રેસ અહેવાલ છુપાવી રહી છે.

અહેવાલને લગતો પહેલો ધડાકો ૧૯૭૦માં થયો, જ્યારે ઓસ્ટ્રેલિયન પત્રકાર નેવિલ મેક્સવેલ/ Neville Mexwell નું પુસ્તક ‘ઇન્ડિયાઝ ચાયના વૉર’/ India's China War પ્રકાશિત થયું. મેક્સવેલનો દાવો હતો કે તેમણે ‘ટૉપ સીક્રેટ’ ગણાતા હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટની નકલ હસ્તગત કરી હતી. પોતાના દાવાના ટેકામાં તેમણે રીપોર્ટમાંથી ઘણાં ટાંચણ આપ્યાં હતાં.

પરંતુ આ વર્ષે, ૭ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ ૮૭ વર્ષના નેવિલ મેક્સવેલે વઘુ મોટો ધડાકો કર્યો. ‘માય હેન્ડરસન બ્રુક્સ આલ્બાટ્રૉસ’ (હેન્ડરસન બૂ્રક્સ અહેવાલનો અભિશાપ) એ મથાળા હેઠળ મેક્સવેલે અહેવાલ સંબંધિત પોતાના અનુભવોનું ટૂંકું વિવરણ આપ્યું, પોતના પ્રસ્તાવ છતાં છેક વર્ષ ૨૦૧૨માં કેટલાંક અગ્રણી ભારતીય પ્રકાશનો આ અહેવાલ છાપવા તૈયાર ન થયા તેનું આશ્ચર્ય જાહેર કર્યું, ભારત સરકારે હજુ સુધી તેને ડીક્લાસિફાય કર્યો નથી- ખુલ્લો મૂક્યો નથી, એ બાબતનો ખેદ વ્યક્ત કર્યો અને લખ્યું, ‘ક્યાં સુધી હું આ અહેવાલનો બોજ વેંઢાર્યા કરીશ? મારી ભાવિ પેઢીના માથે એ બોજ મૂકીને જવાને બદલે, હું પોતે જ ઇન્ટરનેટના માઘ્યમથી એ (ખાનગી) અહેવાલ જાહેરમાં મૂકું છું.’

મેક્સવેલે એવી ચોખવટ પણ કરી કે ‘મેં અહીં (બ્લોગ પર) ખુલ્લા મૂકેલા ‘ટૉપ સીક્રેટ’ રીપોર્ટમાં બે ઠેકાણે ગાબડાં છે, જે ઇરાદાપૂર્વકનાં નહીં, પણ કોપી કાઢવામાં થયેલી ભૂલને કારણે છે.’ એ વાત સાચી હોય કે ન પણ હોય, છતાં દરેક પાનાના લખાણની ઉપર નીચે ‘ટૉપ સિક્રેટ’ લખેલા હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટનાં ૧૨૬ પાનાં મૂળ સ્વરૂપે પહેલી વાર વાંચવા મળ્યાં.

‘ધર્મ’ : વિપક્ષી અને સરકારી

રીપોર્ટ જાહેર થયો ત્યારે યુપીએ સરકારનું રાજ હતું. એટલે રાજ્યસભામાં વિપક્ષી નેતા અરુણ જેટલીએ વિવાદમાં ઝંપલાવ્યું. તેમણે એ વિશે લખેલો એક બ્લોગ વાંચીને એવું લાગે કે જેટલીએ રીપોર્ટ જોયા વિના, ફક્ત છાપાંના ઉપરછલ્લા અહેવાલ વાંચીને જ પથરા ફેંક્યા છે. તેમણે લખ્યું, ‘શું અહેવાલનો પહેલો ભાગ (જ) જાહેર કરાયો છે? પ્રસાર માઘ્યમોના અહેવાલ પ્રમાણે રીપોર્ટનાં ૧૧૨થી ૧૬૭ સુધીનાં પાનાં જાહેર કરવામાં આવ્યાં નથી. એ શું એટલા માટે ખાનગી રખાયાં છે કે તેમાં ત્યારના સત્તાધીશોને ક્ષોભજનક સ્થિતિમાં મૂકનારી વિગતો છે? પહેલાં ૧૧૧ પાનાં જાહેર કરી દેવાયાં છે ત્યારે એ જરૂરી છે કે બાકીનાં પાનાં પણ જાહેર કરવામાં આવે, જેથી તેના વિશે અનધિકૃત સ્રોતોમાંથી આવતી વિગતોથી લોકમત દોરવાય નહીં.’

સર્વોચ્ચ અદાલતના નામી વકીલ તરીકે ખ્યાતિ ધરાવતા જેટલીની દલીલનું હાર્દ સાચું હોવા છતાં, પ્રાથમિક વિગતો ખોટી હતી. ઇન્ટરનેટ પર મૂકાયેલો અહેવાલ કુલ ૧૧૧ નહીં, પણ ૧૨૬ (ટાઇપ કરેલાં) પાનાંનો છે. તેમાંથી મથાળાનું પહેલું પાનું બાદ કરીને બીજા પાનાથી નંબર શરૂ થાય છે. મથાળાના પાને સ્પષ્ટ રીતે ‘પાર્ટ ૧’ એવું લખવામાં આવ્યું છે. એટલે એ શંકા કે સવાલનો વિષય નથી.

જેટલીના લખાણ પરથી એવી છાપ પડે કે ૧૬૭ પાનાંના રીપોર્ટમાં ૧ થી ૧૧૧ પાનાં જાહેર કરાયાં છે અને ત્યાર પછીનાં દાબી રખાયાં છે. હકીકતમાં અહેવાલ પર સામાન્ય નજર ફેરવવાથી દેખાય એમ છે કે તેનાં કુલ પાનાં ૧૯૦ છે. તેમાં ૧૧૧મા પાના પર  લગાડેલી ચબરખીમાં નોંધ છે કે ‘પાના નં.૧૧૨-૧૫૭ મિસિંગ છે.’ તેના આધારે કેટલાક અહેવાલોએ અને તેની પરથી જેટલીએ એવું તારણ કાઢી લીઘું લાગે છે કે અહેવાલનાં ૧થી ૧૧૧ પાનાં જાહેર કરાયાં. બાકી, સહેજ ઝીણવટથી જોતાં જણાય છે કે ૧૯૦ પાનાંના અહેવાલમાં વચ્ચે આટલાં પાનાં ગાયબ છે : ૨૦ થી ૨૯, ૩૫, ૧૦૪ થી ૧૧૦ અને ૧૮૭. (ગાબડાંની સંખ્યા ખુદ મેક્સવેલે જણાવ્યા કરતાં વધારે છે.)

જેટલીની વિગતોમાં રહેલી કચાશની વાત કર્યા પછી, બીજો અને મુખ્ય મુદ્દો તેમની કેન્દ્રીય દલીલનો લઇએ. તેમણે લખ્યું હતું,‘છેલ્લાં બાવન વર્ષથી તમામ સરકારોને આ રીપોર્ટ જાહેર કરવાપણું લાગ્યું નથી. એ નિમિત્તે જુના દસ્તાવેજોને ડીક્લાસિફાય કરવા અંગે કેટલાક વાજબી સવાલ ઊભા થાય છે. શું આ પ્રકારના દસ્તાવેજો કાયમ માટે લોકોની નજરથી ઓઝલ રાખવા? આંતરિક સુરક્ષાને લગતા દસ્તાવેજ હોય તો થોડા સમય માટે તેમને ગુપ્ત રાખવાથી જાહેર હિત સાધી શકાય. પણ તેમને કાયમ માટે ‘ટૉપ સીક્રેટ’ રાખવાનું વ્યાપક જાહેર હિતમાં ન પણ હોય. સુરક્ષાને લગતા દસ્તાવેજો લાંબા ગાળે પ્રાસંગિકતા ગુમાવી બેસે છે...ભૂતકાળની ભૂલો વિશે જાણવાનો અને તેને સુધારવાના પગલાં લેવાનો કોઇ પણ સમાજને અધિકાર છે...આ અહેવાલ ઘણા દાયકા પહેલાં જાહેર કરાવો જોઇતો હતો... શું ૧૯૬૨ની ‘હિમાલય જેવડી ભૂલ’ (હિમાલયન બ્લન્ડર) ખરેખર ‘નેહરુની ભૂલ’(નેહરુવિઅન બ્લન્ડર) હતી?’ (૧૯ માર્ચ, ૨૦૧૪)

પછીના ચાર મહિનામાં ભારતની સરકાર બદલાઇ. અરુણ જેટલી સંરક્ષણ અને નાણાં જેવાં બબ્બે જવાબદાર ખાતાંના મંત્રી બન્યા.  ત્યાર પછી રાજ્યસભામાં હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ વિશેના સવાલનો લેખિત જવાબ આપતાં ગયા સપ્તાહે જેટલીએ કહ્યું, ‘હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ ટૉપ સીક્રેટ દસ્તાવેજ છે અને હજુ સુધી તેને ડીક્લાસિફાય કરવામાં આવ્યો નથી. આ રીપોર્ટને આખેઆખો કે અંશતઃ જાહેર કરવાનું કે તેને લગતી કોઇ વિગતો આપવાનું રાષ્ટ્રહિતમાં નથી.’ (૮ જુલાઇ, ૨૦૧૪)

બીજી સરકારોના રાજમાં ડીઝલના ભાવ વધે તે મોંઘવારી અને અમે ભાવ વધારીએ તે રાષ્ટ્રહિતમાં કડવી દવા, બીજી સરકારો રીપોર્ટ સંતાડી રાખે તે દિલચોરી ને અમે એ જાહેર ન કરીએ તો રાષ્ટ્રહિત- આવો બિનધાસ્ત, આક્રમક દંભ ભાજપને બરાબર ફાવે છે.

ભાજપનાં મોટા ભાગનાં પહેલાં કરી ચૂકેલી કોંગ્રેસ માનતી હશે કે આ રીપોર્ટ જાહેર કરવાથી પોતાની સામે રાજકીય ખતરો ઉભો થાય તો? કોંગ્રેસને સમજાવું જોઇએ કે એ તો વગર રીપોર્ટે પણ થઇ શકે છે. બીજી તરફ, જવાહરલાલ નેહરુ અને વર્તમાન કોંગ્રેસને એક ગણીને, તેમને ગાળો દેવાથી જેમને રાષ્ટ્રપ્રેમનો ઓડકાર આવી જાય છે, એવું ભક્તમંડળ આંખો ન ખોલવા માટે કૃતનિશ્ચયી છે. ‘રાજકારણમાં તો આવું જ હોય’ એવી દલીલ કરનારાએ સમજવું જોઇએ કે એ બચાવ નેતાઓનો છે. નેતાઓ કે પક્ષની ભક્તિમાં આપણો કશો સ્વાર્થ ન હોય તો નાગરિક તરીકે આપણે એવી નાકકટ્ટી દલીલ શા માટે કરવી જોઇએ?

હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ અંગે ચાર જ મહિનામાં જેટલીએ સઢ ફેરવી નાખ્યા, તેની આકરી ટીકા થતાં સરકારે પુનઃવિચારની મુદ્રા ધારણ કરવી પડી અને અહેવાલ જાહેર કરવો કે નહીં, એ નક્કી કરવાનું કામ ‘કેબિનેટ કમિટી ઓફ ડીફેન્સ’ને સોંપવાની હિલચાલ દર્શાવી છે. ‘ધ હિંદુ’માં અનામી સરકારી સૂત્રોને ટાંકીને જણાવાયું હતું કે,‘આમાં જેટલી શું માને છે એ અગત્યનું નથી. આ અહેવાલ જાહેર થાય તેની સામે લશ્કરનો અને મંત્રાલયનો વિરોધ છે. કેબિનેટે એકથી વધારે વાર આ અહેવાલને ડીક્લાસિફાય ન કરવાના નિર્ણય લીધા છે. એ સંજોગોમાં સંરક્ષણમંત્રી કેવળ પોતાની મરજીથી અહેવાલ જાહેર કરી શકે નહીં.’

આ પ્રકારના અનુભવોમાંથી રાજકીય પક્ષો બોધપાઠ મેળવે અને વિપક્ષની ભૂમિકા નિભાવતી વખતે યાદ રાખે એ જરૂરી હોવા છતાં બનતું નથી. અગાઉ ભાજપના અને અત્યારે કોંગ્રેસના કિસ્સામાં સ્પષ્ટ છે તેમ, એમની ભૂમિકા માત્ર ને માત્ર ખંડનાત્મક - નકારાત્મક બની જાય છે- અને એ પણ મોટે ભાગે વ્યાપક લોકહિતની નહીં, સંકુચિત પક્ષીય હિતની બાબતોમાં. તેમની આવી ખુલ્લી બેશરમીમાંથી કશો બોધપાઠ ન લેનારા લોકો ‘ટૉપ સીક્રેટ’ અહેવાલમાંથી બોધપાઠો મેળવી લેશે એવી આશા રાખવી વઘુ પડતી લાગે. છતાં, આશા અમર છે. 

1 comment:

  1. Anonymous1:44:00 PM

    લશ્કર કે મંત્રાલય જે કોઈનો પણ વિરોધ હોય તેમના વિરોધને અવગણીને પણ રીપોર્ટ જાહેર કરવો જોઈએ. લશ્કર દેશ માટે મફતમાં કામ કરતું નથી.

    ReplyDelete