Thursday, July 10, 2014

એક સદી પછી પણ સળગતી પહેલા વિશ્વયુદ્ધની પેદાશ : ઇરાક-સમસ્યા

વિજ્ઞાનની મદદથી ‘આઘુનિક’ બનેલા માણસની અવળી મતિ અને ગતિ સૂચવતી પહેલી વૈશ્વિક ઘટના એટલે પ્રથમ વિશ્વયુદ્ધ. તેમાં મુખ્ય પક્ષકાર તરીકે બન્ને બાજુ ત્રણ-ત્રણ સામ્રાજ્ય હતાં : એક તરફ સેન્ટ્રલ પાવર્સ- એટલે કે જર્મન અને ઓસ્ટ્રો-હંગેરિયન તથા (તુર્કીનું) ઓટ્ટોમન સામ્રાજ્ય. સામે પક્ષે હતી ‘ટ્રીપલ આન્તાંત’ / Triple Entente તરીકે ઓળખાતી બ્રિટન, ફ્રાન્સ અને રશિયાનાં સામ્રાજ્યોની યુતિ. ઉપરાંત, જેના કોઇને કોઇ હિસ્સામાં હંમેશાં દિવસ રહેતો હતો- અને સૂર્ય કદી આથમતો ન હતો- એવા બ્રિટિશ સામ્રાજ્યને કારણે ભારત જેવા ઘણા દેશોને વિશ્વયુદ્ધમાં સંડોવાવું પડ્યું. (દિલ્હીમાં રાજપથ પર બનેલો ‘ઇન્ડિયા ગેટ’ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીયોના પ્રદાનને અંજલિ તરીકે અંગ્રેજ સરકારે ૧૯૩૧માં ખુલ્લો મુક્યો હતો.)

પ્રથમ વિશ્વયુદ્ધના અંતે આશરે એક કરોડ લોકો માર્યા ગયા અને બીજા બે કરોડ લોકો ઘાયલ થયા હતા. તેમાંથી કેટલાક આજીવન પંગુ બન્યા. ખુવારીનો આ આંકડો માનવ ઇતિહાસમાં અજાણ્યો અને અભૂતપૂર્વ હતો. પ્રચંડ જાનહાનિ ઉપરાંત પહેલા વિશ્વયુદ્ધનાં બીજાં માઠાં પરિણામની લાંબી યાદી બને એમ છે. તેમાં સૌથી પહેલા ક્રમે કદાચ બીજા વિશ્વયુદ્ધને મૂકવું પડે. પરંતુ પહેલા વિશ્વયુદ્ધનું સૌથી દીર્ઘજીવી અનુસંધાન છે અસ્થિર ઇરાક.

જૂન ૨૮,૨૦૧૪ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ માટે નિમિત્ત બનનાર ઘટનાને સો વર્ષ પૂરાં થયાં. એ બનાવ એટલે ઓસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યના સંભવિત વારસદાર આર્કડ્યુક ફર્ડિનાન્ડની હત્યા. તેની સોમી વરસીની લગભગ સમાંતરે અંતિમવાદી સંગઠન ‘ધ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયા’ના નેતાઓએ તેમના તાબામાં રહેલા ઇરાક અને સિરિયાના પ્રદેશોમાં ‘ખિલાફત’ની- એટલે કે ઇસ્લામી શાસનની- ઘોષણા કરી.

ઇતિહાસની વક્રતા એ છે કે આ બન્ને દેશો પહેલા વિશ્વયુદ્ધ પછી ઓટ્ટોમન સામ્રાજ્યમાંથી નવી સરહદો આંકીને કોરી કઢાયા હતા. તેમના સર્જન પાછળ વિજેતા બ્રિટનની બોલીને ફરી જવાની કાયમી દગલબાજી અને કોઇના પણ ભોગે પોતાનો સ્વાર્થ સાધી લેવાની પદ્ધતિ જવાબદાર હતાં. ભારતમાં બ્રિટને જે રીતે પહેલાં લાલચ અને પછી સૈન્યબળથી એક પછી એક પ્રદેશો હડપ કર્યા, કંઇક એવી જ ‘નીતિ’ વિશ્વયુદ્ધ વખતે તેણે ઓટ્ટોમન સામ્રાજ્યના વિસ્તારો માટે અપનાવી.

ઇસ્લામી શાસન ધરાવતા ઓટ્ટોમન સામ્રાજ્યમાં બ્રિટનનું આક્રમણ ‘ખ્રિસ્તી વિરુદ્ધ મુસ્લિમ’ની ‘ક્રુસેડ’ (ધર્મયુદ્ધ) નથી, એવું દેખાડવું બ્રિટનને જરૂરી લાગતું હતું. ઉપરાંત ઓટ્ટામન સામ્રાજ્યને અંદરથી નબળું પાડવા માટે, આરબોને શાસન વિરુદ્ધ ભડકાવવામાં આવ્યા. અંગ્રેજોની ‘પ્રેરણા’થી સો વર્ષ પહેલાં ‘આરબ સ્પ્રિંગ’ (વિદ્રોહની વસંત)નાં મંડાણ થયાં. આરબ વિદ્રોહનો વાવટો ફરકતો રાખવા માટે અંગ્રેજોએ અરબ પ્રદેશોના અભ્યાસી અને ઇતિહાસની ડિગ્રી-પુરાતત્ત્વમાં રસ ધરાવનાર ટી.ઇ.લૉરેન્સ/ T.E.Lawrenceની સેવાઓ લીધી. તેનું કામ આરબોને વિશ્વાસમાં લઇને તેમને ઓટ્ટોમન સામ્રાજ્ય સામે લડાવવાનું હતું. બદલામાં આરબોને વિશ્વયુદ્ધ પછી અલગ અરબસ્તાન- આરબોનો અલગ દેશ- આપવાનો ગોળ તેમની કોણીએ લગાડવામાં આવ્યો હતો.
Lawrence Of Arabia/ (અસલી) લોરેન્સ ઓફ અરેબિયા
આરબોને સમજાવવા-પટાવામાં અને તેમની ટુકડીઓનું નેતૃત્વ લઇને ઓટ્ટોમન સામ્રાજ્યના સૈન્ય પર- તેની ધોરી નસ જેવી લાંબી રેલવે લાઇન પર વીજળીક હુમલા કરવામાં લૉરેન્સ એવો પાવરધો પુરવાર થયો કે બ્રિટન સહિત વિશ્વભરમાં તે ‘લૉરેન્સ ઑફ અરેબિયા’ તરીકે વિખ્યાત બન્યો. અરબી પોશાકમાં સજ્જ લૉરેન્સની તસવીર આરબો માટે આદરનું અને અંગ્રેજ પરાક્રમ-કુશળતા-ક્ષમતાનું પ્રતીક બની રહી. પરંતુ અંગ્રેજોનો ઇરાદો સાફ ન હતો. ખુદ લૉરેન્સને પણ એ વાતનો અંદાજ હતો. તેણે પોતાના પુસ્તક ‘ધ સેવન પિલર્સ ઑફ વિઝડમ’માં નોંઘ્યું હતું કે ‘અમે યુદ્ધ જીતી જઇશું તો આરબોને આપેલાં વચનોનું મહત્ત્વ કાગળીયાંના ટુકડાથી વિશેષ રહેવાનું નથી...પૂર્વના મોરચે યુદ્ધ જીતવામાં આરબોની મદદ અમારા માટે સૌથી મોટું ઓજાર બની હતી...છતાં, અમે સાથે મળીને જે કંઇ કર્યું એનું ગૌરવ લેવાને બદલે, હું સતત અને ભયંકર કટુતાપૂર્વક શરમ અનુભવતો હતો.’ (લૉરેન્સ ઑફ અરેબિયાની વિગતે વાત ફરી ક્યારેક)

અંગ્રેજોને મન તેમનું આર્થિક અને રાજકીય હિત સર્વોપરી હતું. એટલે એક બાજુ તે આરબોને અલગ આરબ રાજ્યના વાયદા આપતા હતા અને બીજી તરફ આરબોના કટ્ટર દુશ્મન એવા યહુદીઓને પેલેસ્ટાઇનમાં યહુદી રાજ્ય ઊભું કરી આપવાનું કહેતા હતા. યુદ્ધનો અંત હાથવેંતમાં દેખાતો ન હતો, એ વખતે ‘સાઇક્સ-પિકો એગ્રીમેન્ટ’/ Sykes-Picot Agreement તરીકે જાણીતા કરાર અંતર્ગત બ્રિટન અને ફ્રાન્સની સરકારોએ ઓટ્ટોમન સામ્રાજ્યના અંદરોઅંદર ભાગ પણ પાડી દીધા. ક્યાં બ્રિટનની સીધી સત્તા રહેશે અને કયા વિસ્તારોમાં તેનો સીધો પ્રભાવ, એવું જ ફ્રાન્સની બાબતમાં પણ નકશા આંકીને નક્કી કરી નાખવામાં આવ્યું. તેમાં ફ્રાન્સના ભાગે હાલનાં સિરીયા અને લેબનોન આવતાં હતાં અને બ્રિટનને હાલનાં ઇરાક, જોર્ડન તથા પેલેસ્ટાઇન મળતાં હતાં. આ વહેંચણ પછી આરબોના ભાગે તેમણે માગેલું નહીં, પણ બ્રિટન-ફ્રાન્સે ઓળવી લીધા પછીનું વઘ્યુંઘટ્યું અરબસ્તાન જ આવતું હતું. (વિગત જોવા માટે નીચેના નકશા પર ક્લિક કરો)

અંગ્રેજોના વાયદા પ્રમાણેનું અરબસ્તાન (ડાબા નકશામાં મોટો વિસ્તાર) અને
વાસ્તવમાં આપેલું વધ્યુઘટ્યું અરબસ્તાન (જમણા નકશામાં નીચેનો વિ્સ્તાર)
યુદ્ધ પૂરું થયા પછી વિજેતા દેશોએ (હાલના સંયુક્ત રાષ્ટ્રસંઘના પૂર્વસૂરિ જેવી) ‘લીગ ઑફ નેશન્સ’ની સ્થાપના કરી. તેનો હેતુ તો દુનિયામાં શાંતિ સ્થપાય અને ફરી યુદ્ધ ન થાય એવો ઠાવકો હતો, પણ તેનો વહીવટ વિજેતા દેશોના હાથમાં હતો. એટલે ‘લીગ ઑફ નેશન્સ’ દ્વારા એવું ઠરાવવામાં આવ્યું કે ઓટ્ટોમન સામ્રાજ્યના વિઘટન પછી બાકી રહેલાં અને નવાં અસ્તિત્ત્વમાં આવેલાં ઇરાક, સિરીયા, જોર્ડન, પેલેસ્ટાઇન જેવા દેશોને સ્વતંત્રતા ન આપવી. પણ તેમને ‘દૂધપાક’ જાહેર કરીને, બીજા દેશોને તેમની ‘જવાબદારી’ સોંપવી. (એ માટે વપરાયલો ટેક્‌નિકલ શબ્દ હતોઃ મેન્ડેટ. આ દેશોને બ્રિટન, ફ્રાન્સ જેવા દેશોનાં ‘મેન્ડેટ’ જાહેર કરાયાં હતાં.) દલીલ એવી કરવામાં આવી કે આ દેશો હજુ સ્વતંત્રતા માટે લાયક નથી. યુરોપીઅન દેશોના માર્ગદર્શનમાં થોડાં વર્ષ રહ્યા પછી તે એ માટે લાયક બનશે. (આવી જ દલીલ ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે અંગ્રેજો દ્વારા થતી હતી.)

મુત્સદ્દીગીરીના નામે ચાલતી ઘૂર્તતાનો સાદો અને વ્યવહારુ અર્થ એટલો થયો કે આરબોના સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વપ્ન અઘૂરું રહ્યું અને તેમના માથે ઓટ્ટોમન સામ્રાજ્યની જગ્યાએ બ્રિટિશ (કે ફ્રેન્ચ) સામ્રાજ્ય આવ્યું. બ્રિટનને નવા રચાયેલા ઇરાકમાં ત્રણેક જગ્યાએથી મળેલા ક્રુડ ઑઇલના ખજાનામાં રસ પડ્યો હતો. હકીકતે ઇરાકની રચના જ બ્રિટને એવી રીતે આંકી હતી કે જેથી તેમાં ત્રણે તેલક્ષેત્રો આવી જાય. ક્રુડ ઑઇલની લ્હાયમાં શિયા, સુન્ની અને કુર્દ પ્રજાનું સ્ફોટક મિશ્રણ ધરાવતો પ્રદેશ એક રાષ્ટ્ર (ઇરાક) તરીકે અસ્તિત્ત્વમાં આવી ગયો અને કાયમી અશાંતિનાં મૂળીયાં નંખાઇ ગયાં, તે સ્વાર્થઅંધ અંગ્રેજોને દેખાતું ન હતું કે તેમને એ જોવામાં રસ ન હતો.

યુરોપીઓનોની દેખીતી અંચઇ અને લુચ્ચાઇથી આરબોમાં ભારે અસંતોષ વ્યાપ્યો. લૉરેન્સ ઑફ અરેબિયાએ પણ એક અખબારના તંત્રીને સપ્ટેમ્બર, ૧૯૧૯માં પત્ર લખીને જણાવ્યું કે ‘આપણે (અંગ્રેજો) સુધરીશું નહીં તો આવતા વર્ષના માર્ચમાં આરબોના વિદ્રોહની તૈયારી રાખવી પડશે.’સમાર્ચ નહીં ને જૂન, ૧૯૨૦માં આરબોનો બળવો ફાટી નીકળ્યો, જેમાં સ્થાનિક અંગ્રેજ તંત્ર ઉંઘતું ઝડપાયું. ખુવારી અને જાનહાનિ વેઠ્યા પછી મોટા પાયે સૈન્યબળ વાપરીને બ્રિટને બળવો કચડી નાખ્યો. કેટલાક અહેવાલ પ્રમાણે એ વખતે આદિવાસી કબીલાઓ સામે બ્રિટને ઝેરી ગેસનો ઉપયોગ પણ કર્યો. છેવટે ૧૯૨૧માં વિન્સ્ટન્ટ ચર્ચિલને બ્રિટિશ સરકારે કોલોનિયલ સેક્રેટરી તરીકે નીમ્યા. તેમણે આરબોને વિશ્વાસમાં લેવા માટે લૉરેન્સ ઑફ અરેબિયાની મદદ લીધી. લોહિયાળ બોધપાઠ પછી આરબોના નેતા અમીર હુસૈનના એક પુત્રને ઇરાકની અને બીજા પુત્રને જોર્ડનની ગાદી પર બેસાડવામાં આવ્યો.

ત્યારથી ઇરાકમાં પ્રમાણમાં ઓછી વસ્તી ધરાવતા સુન્નીઓનું શાસન શરૂ થયું. છેવટે ૧૯૫૮માં બ્રિટન વતી રાજ કરતા કઠપૂતળી શાસકો સામે વિદ્રોહ થતાં ઇરાકમાંથી બ્રિટનના વર્ચસ્વનો અંત આવ્યો. ત્યાર પછીનાં વર્ષોમાં લશ્કરી સત્તાપલટા પછી ૧૯૭૦ના દાયકામાં સદ્દામ હુસૈન અને તેમની ‘બાથ’ પાર્ટી સત્તામાં આવી. તેમણે માનવ અધિકારોને કચડી નાખ્યા અને લોખંડી રીતે શાસન ચલાવ્યું. એટલે શિયા-સુન્નીઓ વચ્ચે લોહિયાળ સંઘર્ષ ટાળી શકાયા. અલબત્ત, કુર્દો સામે ઝેરી ગેસનો ઉપયોગ કરીને તે  જગબત્રીસીએ ચડ્યા. અમેરિકાએ ‘વેપન્સ ઑફ માસ ડિસ્ટ્રક્શન’- સામુહિક સંહારનાં શસ્ત્રો રાખવાના બહાને ૨૦૦૩માં ઇરાક પર હુમલો  કર્યો. ઇરાકના લોકોને સદ્દામના શાસનમાંથી તેમણે મુક્તિ તો અપાવી, પણ ત્યાર પછી તેમને વધારે અંધાઘૂંધીમાં તેમને ધકેલી દીધા અને સરવાળે પોતાનું સૈન્ય પાછું ખેંચી લીઘું. ત્યાં સુધીમાં ધણીધોરી વગરના ઇરાકમાં સ્થાનિક શિયાઓ, કુર્દો અને સિરીયા સહિતના દેશોમાં શસ્ત્રસજ્જ ફરતા લોકો જોરાવર બની રહ્યા હતા. ‘ધ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયા’ જેવા સંગઠનને ફૂલવાફાલવા માટે આનાથી વધારે ફળદ્રુપ સંજોગો કયા હોઇ શકે?

એ સંગઠને ઇરાક અને સિરીયાના પોતાના તાબા હેઠળના વિસ્તારોમાં ઇસ્લામી શાસન જાહેર કરીને બ્રિટને આંકેલી તથા પાછલાં વર્ષોમાં અમેરિકાએ દૃઢ બનાવેલી ઇરાકની સીમારેખાઓને પડકારી છે.  પહેલા વિશ્વયુદ્ધની શતાબ્દિની ઉજવણી વખતે મઘ્ય-પૂર્વનો હજુ દૂઝતો ઘા ભૂલવા જેવો નથી ને અવગણી શકાય એવો પણ નથી.  

2 comments:

  1. Thank you sir. It was an excellent summary in a condensed form to get the sense of such crisis.

    ReplyDelete
  2. Anonymous6:08:00 AM

    Thanks for sharing brief of past of Imperialist strategies to exploit nation, resources which was possible at that time without the pillar of media.

    You have also tried to differentiate the line of action involved in the strategies of Britain and France, i.e. polarization become synonymous in the political dictionary of world over.

    If we compare the recent past of incidents in our State and in our great Country, polarization has become mandatory here too.

    Thanks for wonderful research.

    Jabir

    ReplyDelete