Tuesday, June 24, 2014

બારમા પછી બી.એસસી.માં કેન્દ્રીય પ્રવેશપદ્ધતિનો અમલ : ‘સાયન્સ’ના શિક્ષણનું ‘કોમર્સ’

વર્ષો સુધી વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓના મનમાં એવી હૈયાધારણ રહેતી હતી કે પ્રવેશ માટે પ્રયાસ બધે કરી જોવાના, પણ ક્યાંય પ્રવેશ ન મળે તો બી.એસસી. ક્યાં નાસી જવાનું છે? એકાદ સાયન્સ કૉલેજમાં ગમે ત્યારે પ્રવેશ મેળવી લઇશું. બહુ તો શું થશે? ‘સારી’ ગણાતી સાયન્સ કૉલેજમાં પ્રવેશ નહીં મળે ને ‘બી ગ્રેડ’ની કોલેજથી ચલાવવું પડશે એ જ ને?

કઠણાઇ ત્યારે શરૂ થઇ જ્યારે વિજ્ઞાનપ્રવાહનાં પરિણામ અસાધારણ રીતે ઊંચાં આવવા લાગ્યાં. તેના કારણે બી.એસસી.માં પ્રવેશ મેળવવામાં પણ ડખા શરૂ થયા. આટલું ઓછું હોય તેમ, આ શૈક્ષણિક વર્ષથી બી.એસસી.નાં ઍડમિશન માટે પણ કેન્દ્રીય પ્રવેશપદ્ધતિ અપનાવવાનો હુકમ રાજ્યના શિક્ષણ વિભાગે કાઢ્‌યો છે. સસરકારી દાવો એવો છે કે એન્જિનિયરિંગ જેવા પ્રોફેશનલ કોર્સની જેમ બી. એસસી.માં કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ અપનાવવાથી વિદ્યાર્થીઓ-વાલીઓને ફોર્મ ભરવા માટે કોલેજે-કોલેજે ભટકવું નહીં પડે. એક જ જગ્યાએ ફોર્મ ભરી દીઘું એટલે ઝંઝટ ખતમ. પરંતુ બી.એસસી.માં કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિથી પ્રવેશની ઝંઝટ ઘટશે કે વધશે?

કેન્દ્રીય પ્રવેશ : સુવિધા ને દુવિધા

ગુજરાતના શિક્ષણવિભાગે તા. ૨૭-૫-૧૪ના પરિપત્રથી ઠરાવ્યું કે રાજ્યની તમામ યુનિવર્સિટીઓએ પોતાના સ્તરે બી.એસસી.માં કેન્દ્રીય પ્રવેશ આપવો. ઉદાહરણ તરીકે ગુજરાત યુનિવર્સિટીની વાત કરીએ તો, તેની સાથે સંકળાયેલી તમામ સાયન્સ કૉલેજમાં બી. એસસી.ના ઍડમિશન માટે એક જ ફોર્મ ભરવાનું. આ પ્રક્રિયામાં રાજ્યની સરકારી અને સેલ્ફ ફાયનાન્સ્ડ, એમ તમામ પ્રકારની કોલેજ આવી જાય અને મેરિટ લીસ્ટ બન્યા પછી નક્કી થાય કે વિદ્યાર્થીને યુનિવર્સિટીની કઇ કોલેજમાં પ્રવેશ મળશે.

સભાવના તો સારી લાગે છે. પરંતુ તેના વ્યવહારુ અમલ વિશે વિચારતાં કેટલાક સવાલ જાગે. સૌથી પહેલો મુદ્દો સ્થાનિક વિદ્યાર્થીઓના સ્થાનિક-નજીકની કૉલેજમાં પ્રવેશ અંગેનો છે. ગુજરાત યુનિવર્સિટીનું ઉદાહરણ આગળ વધારીએ તો, ‘ધ ઍડમિશન કમિટી ફૉર પ્રૉફેશનલ કોર્સીસ’ (એસીપીસી)ની વેબસાઇટ પર મુકાયેલી પ્રૉવિઝનલ (કામચલાઉ) યાદી પ્રમાણે, ગુજરાત યુનિવર્સિટીમાં કુલ ૨૪ સાયન્સ કૉલેજ છે. તેમાંથી ૮ કૉલેજ અમદાવાદમાં છે. બાકીની સાયન્સ કૉલેજ ક્યાં આવેલી છે? ભાદરણ, ઠાસરા, ડભોઇ, ગાંધીનગર,  નડિયાદ, માણસા, દાહોદ, કલોલ, લુણાવાડા, કપડવંજ, પેટલાદ, ગોધરા, છોટાઉદેપુર, ખંભાત, ઝાલોદ, બોરસદ.

કેન્દ્રીય પ્રવેશપદ્ધતિમાં જેના વધારે ટકા (કે પર્સન્ટાઇલ) હોય- મૅરિટમાં જેનો નંબર આગળ હોય- તેને પોતાની ગમતી કૉલેજમાં જવાની તક મળે. બાકીના લોકોને જે મળે તે કૉલેજથી સંતોષ માનવો પડે. અત્યાર લગી બારમા સાયન્સમાં ઓછા ટકા ધરાવતા ઘણાખરા વિદ્યાર્થીઓ પોતાને અનુકૂળ એવી નજીકની કે પ્રમાણમાં સહેલાઇથી આવ-જા કરી શકાય એવી કૉલેજમાં પ્રવેશ મેળવીને બી.એસસી. કરી શકતા હતા, પરંતુ કેન્દ્રીય પ્રવેશપદ્ધતિના અમલ પછી તેમની સ્થિતિ બદલાઇ શકે છે.

ધારો કે અમદાવાદના એક વિદ્યાર્થીના ૫૫ ટકા આવ્યા હોય  અને તેને બી.એસસી.માં ઍડમિશન લેવાનું થાય, તો શક્ય છે કે તેને અમદાવાદની એકેય સાયન્સ કૉલેજમાં પ્રવેશ ન મળે. કારણ કે તેનાથી વઘુ ટકા ધરાવતા વિદ્યાર્થીઓથી અમદાવાદની સાયન્સ કૉલેજોની બધી બેઠક ભરાઇ ચૂકી હોય. એવા વિદ્યાર્થીને પછી મેરિટ પ્રમાણે ડભોઇ, દાહોદ, છોટાઉદેપુર, કપડવંજ જેવા વિકલ્પ મળતા હોય તો? ૫૫ ટકા લાવ્યા પછી બી.એસસી. કરવા માટે વિદ્યાર્થીને આટલે દૂર જવું પડે. બી.એસસી.નો અભ્યાસક્રમ ચલાવતી અમદાવાદ બહારની- ખાસ કરીને નાનાં કેન્દ્રોમાં આવેલી- કૉલેજમાં વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલની વ્યવસ્થા પણ હોય કે કેમ એ સવાલ.

આવું જ સરકારી મદદ ધરાવતી અને સેલ્ફ ફાયનાન્સ્ડ કૉલેજો વચ્ચેની પસંદગીમાં પણ બને. સરકારી કૉલેજ ગમે તેવી હોય તો પણ તેની ઓછી (વર્ષે માંડ રૂ.ત્રણેક હજાર) ફીને કારણે, એ વિદ્યાર્થીઓની પહેલી પસંદ બને છે. વઘુ ટકા ધરાવતા વિદ્યાર્થીઓ એવી કૉલેજમાં પ્રવેશ અંકે કરી લે. તો પછી ઓછા ટકા ધરાવતા વિદ્યાર્થી માટે સરકારી કૉલેજ કરતાં અનેક ગણી વધારે ફી ધરાવતી સેલ્ફ ફાયનાન્સ્ડ કૉલેજમાં પ્રવેશ લીધા વિના આરો ન રહે.

ઓછા ટકા લાવનાર વિદ્યાર્થી સામાન્ય સ્થિતિનો હોય તો એ તેને પરવડે એટલા ખર્ચમાં બી.એસસી. પણ ન કરી શકે, એ કેવું કહેવાય?  ‘સામાન્ય સ્થિતિના લોકો મરતા હોય તો મરે. એમાં અમે શું કરીએ? એમણે વધારે ટકા લાવવા જોઇએ અથવા વધારે રૂપિયાવાળા હોવું જોઇએ’ - એવા ‘સામાજિક ડાર્વિનવાદ’માં માનતા લોકોને આખી વાતમાં કદાચ કશું અજૂગતું ન લાગે, પણ આગળ જણાવેલી શક્યતાઓ બિનપાયાદાર નથી. એ વિશે સરકાર તરફથી વઘુ સ્પષ્ટતા જરૂરી છે.

જેમ કે, કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિનો અમલ કરવો જ હોય તો તે યુનિવર્સિટી સ્તરે કરવાને બદલે, હજુ બે ડગલાં આગળ જઇને સ્થાનિક (તાલુકા કે જિલ્લાના) સ્તરે કરી શકાય. એમ કરવાથી વિદ્યાર્થીઓના લાંબા સ્થળાંતરની સંભાવના ટાળી શકાય અને કેન્દ્રીય પ્રવેશપદ્ધતિનો ફાયદો પણ મળે- આજુબાજુમાં આવેલી કૉલેજોમાં વિદ્યાર્થીને પ્રવેશફોર્મ માટે દોડવું ન પડે.

બી.એસસી.નો કોર્સ ઘણા લોકો માટે ‘બૅક અપ’ની ગરજ સારતો હોય છે. ‘તેમાં પણ એક વાર ઍડમિશન લઇ રાખવું જોઇએ’ એવું સારા ટકા ધરાવતા વિદ્યાર્થીઓ વિચારતા હોય છે. એવા વિદ્યાર્થીઓ મેરિટના જોરે પહેલા રાઉન્ડમાં પોતાની નજીકની, ઓછી ફી ધરાવતી કૉલેજમાં પ્રવેશ મેળવી લે. પરિણામે, ઓછા માર્ક ધરાવતા ઘણા વિદ્યાર્થીઓને દૂરની અને ઊંચી ફી ધરાવતી સેલ્ફ ફાયનાન્સ્ડ કૉલેજમાં ઍડમિશન લેવાનો વારો આવે.

‘ધ ઍડમિશન કમિટી ફૉર પ્રૉફેશનલ કોર્સીસ’ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક પ્રમાણે, ૧૪ થી ૧૮ જુલાઇ, ૨૦૧૪ વચ્ચે વિદ્યાર્થીઓએ કૉલેજની પસંદગી અને તેના વિકલ્પો દર્શાવતું ફોર્મ ભરવાનું રહેશે. તેના આધારે ૨૧ જુલાઇના રોજ પ્રવેશની પહેલી યાદી જાહેર કરવામાં આવશે. ૨૧-૨૫ જુલાઇ વચ્ચે વિદ્યાર્થીઓએ ફી ભરીને પોતાનાં અસલ પ્રમાણપત્રો સાથે કૉલેજમાં હાજર થવું પડશે.

આ તબક્કા સુધી એન્જિનિયરિંગ વગેરેનાં ઍડમિશનનો મામલો થાળે ન પડ્યો પડ્યો હોય તો, ‘બૅક અપ’ તરીકે બી.એસસી.નું ફૉર્મ ભરી રાખનારા પણ મોજુદ હોય. એટલે ઓછા ટકા ધરાવતા લોકોને એક વાર તો નજીકને બદલે દૂરની અને સસ્તીને બદલે મોંઘી-સેલ્ફ ફાયનાન્સ્ડ સાયન્સ કૉલેજમાં ફી ભરીને પ્રવેશ મેળવી લેવો પડે.        

સમયપત્રક પ્રમાણે, ૨૭ જુલાઇના રોજ કઇ કૉલેજમાં કેટલી જગ્યા ખાલી છે તે જાહેર કરવામાં આવશે. ૨૮ જુલાઇથી સત્તાવાર રીતે પહેલું સત્ર શરૂ થશે. પણ ‘રીશફલિંગ’ તરીકે ઓળખાતો પ્રવેશનો બીજો રાઉન્ડ બાકી હશે. તેની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે, એવું એસીપીસીની વેબસાઇટ પર જણાવાયું છે.

રીશફલિંગ પહેલાં એન્જિનિયરિંગ બીજાં ઍડમિશનનું કામ આટોપાઇ ગયું હોય અને ‘બૅક અપ’ તરીકે બી.એસસી.માં ઍડમિશન લઇ રાખનારા ખડી પડ્યા હોય, એટલે શક્ય છે કે ઓછા ટકાવાળા ઘણા વિદ્યાર્થીઓનો નજીકની કૉલેજમાં કે સરકારી કૉલેજમાં નંબર લાગી જાય (અને થોડાને દૂર કે મોંઘી કોલેજમાં જ ભણવું પડે.) પરંતુ ત્યાર પહેલાં એક વાર દૂરની કે મોંઘી ફી ધરાવતી કૉલેજમાં પ્રવેશ મેળવી લેવા માટે કરવી પડતી દોડાદોડ કેવી ખર્ચાળ હશે? અને ખાસ કરીને સામાન્ય સ્થિતિ ધરાવતા વાલીઓને ઓછા ટકા લાવનારા સંતાનના બી.એસસી.-પ્રવેશ માટે આવી દોડાદોડ કરવાની થશે ત્યારે કેવી હાલત થશે?

બારમા ધોરણમાં એ-ગ્રુપ (ગણિત) ધરાવતા ૬૯,૭૪૧ વિદ્યાર્થીઓ અને બી- ગ્રુપ (બાયોલૉજી) ધરાવતા ૩૭,૭૩૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે. એ- ગ્રુપવાળા વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના એન્જિનિયરિંગમાં જવાનું વલણ ધરાવે છે. તેમના માટે ચિંતાનું કોઇ કારણ નથી. રાજ્યમાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલી અને ફુલેલીફાલેલી ખાનગી એન્જિનિયરિંગ કૉલેજોના પ્રતાપે, એન્જિનિયરિંગની કુલ ઉપલબ્ધ બેઠકોની સંખ્યા, પાસ થયેલા બધા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં પણ વધારે છે. એટલે ૪૫ ટકાથી ઉપર માર્ક ધરાવતો કોઇ પણ વિદ્યાર્થી ઇચ્છશે તો તે એન્જિનિયર બનીને ગુજરાતનું નામ રોશન કરી શકશે. બી-ગ્રુપના વિદ્યાર્થીઓની મોટી સંખ્યા બી.એસસી.માં ઠલવાશે. તેમને ઝીલવા માટે શિક્ષણસંસ્થાઓ અને શિક્ષણની દુકાનો તૈયાર જ બેઠી છે.

છેલ્લાં આઠ વર્ષમાં બારમા ધોરણના વિજ્ઞાનપ્રવાહના પરિણામમાં અચાનક ઉછાળો આવ્યો છે. ૧૯૯૧થી ૨૦૦૫ સુધી એકાદ અપવાદને બાદ કરતાં પરિણામની સૌથી ઊંચી ટકાવારી હતી : ૬૦.૯૬ ટકા. પરંતુ ત્યાર પછી ગુજરાતના શિક્ષણને એવો વિકાસ થઇ ગયો કે પરિણામો ૭૦-૮૦ ટકાને આંબવા લાગ્યાં : ૮૨.૮૯ ટકા (૨૦૦૬), ૮૩.૫૪ ટકા (૨૦૦૭), ૭૫.૮૫ ટકા (૨૦૦૮), ૭૩.૫૪ ટકા (૨૦૦૯), ૭૫.૭૭ ટકા (૨૦૧૦), ૬૯.૧૬ ટકા (૨૦૧૧), ૬૭.૭૦ ટકા (૨૦૧૨), ૯૨.૫૩ ટકા (૨૦૧૩) અને આ વખતે રેકોર્ડબ્રેક ૯૪.૧૪ ટકા.

પરિણામોનો આ ઉછાળો કોના લાભાર્થે છે? વિદ્યાર્થીઓના કે પછી રાજકીય વર્ગના આશીર્વાદ ધરાવતા શિક્ષણના વેપારીઓના? એ પણ શિક્ષણમાં રસ અને હિત ધરાવતા સૌએ વિચારવાનું છે. 

3 comments:

  1. ઉર્વીશભાઈ, 55 ટકા વાળા ને અમદાવાદની કોલેજમાં દાખલો કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા ને કારણે ન મળે એ દલીલ પાયા વગર ની લાગી (ફકરા ચાર પાંચ અને છ). ભાવનગર નો કોઈ ૬૦ ટકા વાળો આવી ને અમદાવાદ ની સીટ લઇ જાય તો એણે પણ ઘર થી દુર આવી ને જ એ સીટ લેવી પડે ને? બીજું, ભાવનગરી ફોર્મ ભરી જાય તો અમદાવાદીને સીટ તો તોય ન મળે. કેન્દ્રીય પ્રક્રિયા રાખો કે ન રાખો. સારા ટકા વાળાને શહેરે શહેરે ફોર્મ ભરવાની અગવડ સર્જીને એ બળ પર ઓછા ટકા વાળાને ઘરની બાજુની કોલેજમાં દાખલો મળી જાય એ કઈ મને બહુ સરસ ઉપાય ન લાગ્યો.

    બીજું, સારા ટકા વાળો સારી કોલેજ માં પ્રવેશે એ યોગ્ય ન ગણાય? કોલેજો વચ્ચે પણ ગુણવત્તાની હરીફાઈ થાય અને વિદ્યાર્થીઓમાં પણ ઊંચું પરિણામ લાવવાનું બળ વધે. અને હરીફાઈ લોકલ તો છે જ. ગુજરાતની સીટો પર બીજા રાજ્યો ને હક તો નથી જ ને!

    બીજી ઘણી અગવડો તમે નોંધી છે એની સાથે સો ટકા સંમત.

    ReplyDelete
  2. અમિતભાઇ,આ વાતમાં સ્વેચ્છા અને ફરજિયાતપણાનો મુદ્દો અગત્યનો છે. સ્વેચ્છાએ ભાવનગરવાળો કે અમદાવાદવાળો અમેરિકા ભણવા જાય એની શી ચિંતા? પણ અહીં વાત એ છે કે ભાવનગરવાળાને પોતાના શહેરની કોલેજમાં જ ભણવું હોય, દૂર ન જવું હોય (કારણ કે મામલો બી.એસી.નો છે) તો પણ કેન્દ્રીય પ્રવેશને કારણે તેને ફરજિયાતપણે ભાવનગર છોડવું પડે. આમ થવું અનિવાર્ય નથી પણ એમ થવાની શક્યતા ઘણી રહે છે.
    બાકી, કોલેજો વચ્ચે ગુણવત્તાની (સંભવિત) હરીફાઇ વિશે તો શું કહેવું? દિલ કે બહેલાને કો યે ખયાલ અચ્છા હૈ...:-)

    ReplyDelete
  3. Anonymous10:05:00 AM

    Urvishbhai, very interesting observation and timely reporting.Since last couple of years the way education in Gujarat ( I don't know much about other parts) is going is for 100% commercialization.There is no education left in any branch ,starting from arts,commerce,science,PTC and now engineering due to rapid expansion of colleges and admission without merit makes all this degree useless and does not prepare anyone for any real job.As I know apart from St.Xavier,MG science and Bhavans there are hardly good science college in Gujarat University.In my hometown j& J College of science ( Nadiad) use to be good,but my recent visit shows how everything is deteriorated in last decade.As a student who passed HSC in early 80's average results was around 35% in science stream.Again centralization of the process does not look good and increase the visit to amdavad/gandhinagar for small town people like us.

    Rajan.Shah ( Vancouver,Canada)

    ReplyDelete