Tuesday, June 17, 2014

મંદીગ્રસ્ત બ્રાઝિલમાં ફૂટબોલ વર્લ્ડકપના જશ્નનો જોરદાર વિરોધ : સરકાર વિરુદ્ધ નાગરિકોની ‘મેચ’

ભારતમાં ક્રિકેટ માટે છે એવી કે એનાથી પણ વધારે ઘેલછા બ્રાઝિલમાં ફૂટબોલ માટે છે. ત્યાં ૧૯૫૦ પછી પહેલી વાર ફૂટબોલનો વર્લ્ડ કપ યોજાયો હોય ત્યારે દેશ કેવો હિલોળે ચઢે?

ઘરઆંગણે ૬૪ વર્ષ પહેલાંના વર્લ્ડ કપની ફાઇનલમાં બ્રાઝિલની હાર થઇ હતી. તેનો ઘા દેશના ઘણા ફૂટબોલઘેલા હજુ વિસર્યા નથી. યજમાન અને વર્લ્ડ ચેમ્પિયન બનવાની એ તક ૨૦૧૪માં ફરી આવી હોય ત્યારે ત્યારે બ્રાઝિલના વાતાવરણમાં કેવો ‘ચાર્જ’ હોય?

પણ સવાલ એ છે કે ‘બ્રાઝિલ’ એટલે કોણ?

‘બ્રાઝિલ’ એટલે ‘બ્રાઝિલની સરકાર’ એવી સમજણથી જોઇએ તો, છેલ્લા એકાદ વર્ષમાં સરકારી રાહે વર્લ્ડ કપંની તડામાર તૈયારી ચાલી. જૂનાં સ્ટેડિયમોનું નવીનીકરણ, નવાં સ્ટેડિયમનું બાંધકામ, વર્લ્ડ કપના યજમાન દેશે ‘ફીફા’ / FIFA (ફૂટબોલના આંતરરાષ્ટ્રિય સંગઠન)ની શરતો પ્રમાણે ઊભી કરવી પડતી સંખ્યાબંધ ખર્ચાળ સુવિધાઓ, શહેરોની ‘સફાઇઝુંબેશ’... આ બધા ઉપરાંત બે કલાકાર ભાઇઓએ બ્રાઝિલની ફૂટબોલ ટીમને એક શહેરથી બીજા શહેરમાં લઇ જતા વિમાન પર ચિત્રકામ કર્યું છે. કલર સ્પ્રેના ૧,૨૦૦ ડબ્બા વાપરીને કરાયેલાં આ ચિત્રોમાં બ્રાઝિલના પ્રતિનિધિ જેવા સામાન્ય માણસોના ચહેરા ચિતરાયા છે.


પણ વક્રતા એ છે કે આ જ સામાન્ય માણસોમાંથી ઘણાને ફૂટબોલ વર્લ્ડકપ સામે વાંધો છે.

એટલે કે, ‘બ્રાઝિલ’નો અર્થ ‘બ્રાઝિલના લોકો’- એવો કરવામાં આવે, તો સામાન્ય લોકોનો મોટો સમુદાય મહિનાઓથી દેશનાં જુદાં જુદાં શહેરોમાં ફૂટબોલ વર્લ્ડ કપ સામે પોતાનો વાંધો વ્યક્ત કરી રહ્યો છે. વર્લ્ડ કપનું પ્રતીક કોણ બને? બ્રાઝિલની ફૂટબોલ ટીમ માટેના વિમાન પર દેખાતા બ્રાઝિલના ‘આમઆદમી’ના ચહેરા? કે પછી ડીશમાં ભોજનને બદલે ફૂટબોલ ધરાવતા એક ભૂખ્યા બાળકનું ભીંતચિત્ર? બ્રાઝિલના શહેર સાઓ પાઉલોની એક નર્સરી પર દોરાયેલું એ ચિત્ર ઇન્ટરનેટના માઘ્યમથી એટલી હદે બહોળો પ્રચારપ્રસાર પામ્યું છે કે મેચ જોવા માટે સાઓ પાઉલો આવતા પ્રવાસીઓ ચહીને એ ચિત્ર જોવા જાય છે અને તેની આગળ ઊભા રહીને તસવીરો ખેંચાવે છે.


ફૂટબોલના વર્લ્ડ કપ સામે બ્રાઝિલના લોકોનો વિરોધ આવાં અનેક ભીંતચિત્રોમાં આબાદ વ્યક્ત થતો રહ્યો છે. અન્ય એક ચિત્રમાં ભૂખ્યા બાળકના ચિત્ર સાથે ચોખ્ખા શબ્દોમાં લખવામાં આવ્યું છે : ફૂટબોલ નહીં, ફૂડ (ભોજન)ની જરૂર છે.

બ્રાઝિલની સરકાર પાસે ફૂટબોલના વર્લ્ડ કપથી થનારા ફાયદાનું ગુલાબી ચિત્ર તૈયાર છે. સરકારી પ્રચાર પ્રમાણે, મંદીમાં સપડાયેલા દેશના અર્થતંત્રને ફૂટબોલ વર્લ્ડકપથી મોટો ફાયદો થશે. ચાર વર્ષ પહેલાં સરકારે જાહેર કર્યું હતું કે વર્લ્ડ કપ માટેની તૈયારીના કામકાજમાં ૩૬ લાખ લોકો માટે રોજગારી ઊભી થશે. આસમાની આવકની અપેક્ષા રાખતી સરકારે અગાઉ જાહેર કર્યું હતું કે તેના અર્થતંત્રમાં લાંબા ગાળે ૮૧ અબજ ડોલરનો ફાયદો થશે. આ રકમ બ્રાઝિલના છેલ્લા ચાર વર્ષના જીડીપી (દેશના કુલ ઘરેલુ ઉત્પાદન)ના ૦.૨૬ ટકા જેટલી છે.

પરંતુ ફુટબોલનો વર્લ્ડકપ શરૂ થઇ ગયો છે ત્યારે આ બન્ને દાવા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે. ૩૬ લાખ લોકો માટે રોજગારીના ગાજરની સામે ફક્ત ૧.૬૦ લાખ લોકોને રોજગારી મળી છે. રેટિંગ એજન્સી મૂડીઝના અંદાજ પ્રમાણે, ફૂટબોલ વર્લ્ડકપથી દેશના અર્થતંત્ર પર થનારી અસર જીડીપીના ૦.૨૬ ટકા જેટલી નોંધપાત્ર નહીં, પણ ૦.૦૫ ટકા જેટલી મામૂલી હશે. તેની સામે બ્રાઝિલે સરકારી તિજોરીમાંથી કરેલો અધધ ખર્ચ ઘણા લોકોને અકળાવી રહ્યો છે. લોકોને લાગે છે કે ફૂટબોલના વર્લ્ડકપનો અસલી આર્થિક લાભ ખાણીપીણી, પ્રવાસન, કન્સ્ટ્રક્શન અને મિડીયા ક્ષેત્રની મોટી ખાનગી કંપનીઓ તથા ભ્રષ્ટાચારથી ખદબદતી ફૂટબોલ સંસ્થા ‘ફીફા’ ખાટી જશે. અત્યાર લગી ‘ફીફા’ના ધોરણ પ્રમાણેની તૈયારીઓમાં બ્રાઝિલે ૧૫ અબજ ડોલરનો ઘુમાડો કરી નાખ્યો હોવાનો અંદાજ છે. ઉપરાંત, સલામતી અને માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની લ્હાયમાં મોટા શહેરોની આસપાસ ઝુંપડાંમાં રહેતાં આશરે અઢી લાખ લોકો વિસ્થાપિત થશે.

દેશમાં શાળાઓ અને દવાખાનાં જેવી પ્રાથમિક અને આવશ્યક સુવિધાઓનાં ઠેકાણાં ન હોય, કંઇક લોકોના માથે છાપરું ન હોય ત્યારે ફૂટબોલના સ્ટેડિયમ પાછળ લાખો ડોલરનું આંધણ યોગ્ય ગણાય? આવો સવાલ દેશના ગ્રામ્ય વિસ્તારમાં નહીં, પણ રિઓ અને સાઓ પાઉલો જેવા શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને થયો હતો. બહારની દુનિયા ભલે બ્રાઝિલના લોકોને સામ્બા નૃત્ય, આછાં વસ્ત્રોમાં થતી રંગબિરંગી પરેડ અને ફુટબોલની ઘેલછા થકી ઓળખવા માગતી હોય, પણ સ્થાનિક લોકોમાંથી ઘણાની પ્રાથમિક સમજણ ફુટબોલપ્રેમ કરતાં વધારે તીવ્ર નીકળી. ફૂટબોલના ઓચ્છવ પાછળ નાણાં ઉડાડી રહેલી સરકાર પાસેથી દેશના વિવિધ ક્ષેત્રના લોકોએ ‘વર્લ્ડ કપના ધોરણ પ્રમાણેના’ મહેનતાણાની માગણી કરી. (પ્રવેશોત્સવો સહિતના અનેક ઉત્સવો પાછળ ઘુમાડા કરતી ગુજરાત સરકાર પાસેથી મહિને રૂ.૪,૫૦૦ મેળવતા વિદ્યાસહાયકો સન્માનજનક પગારની માગણી કરે એવી રીતે.) શહેરોમાં આવશ્યક સેવાઓ ખોરવી નાખવામાં આવી. રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયા.

વિરોધ કરનારા લોકોમાં વિવિધ વર્ગના નોકરિયાતો અને  સામાન્ય તથા મઘ્યમ વર્ગના માણસોથી માંડીને ‘બ્લેક બ્લોક્સ’ તરીકે ઓળખાતી ચળવળના લોકોનો સમાવેશ થાય છે. ‘બ્લેક બ્લોક્સ’ના લોકો ચહેરા પર કાળા મહોરાં કે કપડાં બાંધીને આશ્ચર્યજનક કાર્યક્રમો દ્વારા વિરોધ કરે છે. શરૂઆતમાં તેમનો વિરોધ અહિંસક હતો, પણ ધીમે ધીમે તેમણે હિંસાનો બાધ તજી દીધો છે. કંઇક અંશે ‘ફ્‌લેશ મોબ’ જેવી પદ્ધતિ ધરાવતા ‘બ્લેક બ્લોક્સ’ના લોકો ભારપૂર્વક કહે છે કે બ્લેક બ્લોક્સ કોઇ જૂથનું નહીં, પણ ચળવળની પદ્ધતિનું નામ છે. પોલીસ અને સૈન્ય સાથેની અથડામણોમાં આ લોકો ક્યારેક જાહેર સંપત્તિને પણ નુકસાન પહોંચાડતાં ખચકાતા નથી. ગયા મહિને દેશના પાટનગરમાં કેટલાંક આદિવાસી જૂથો તીરકામઠાં લઇને સરકાર સામે મેદાને પડ્યાં હતાં. તેમનો વાંધો હતો કે સરકારે ફૂટબોલ વર્લ્ડકપના નામે આદિવાસીઓની કેટલીક જગ્યાઓ પચાવી પાડી છે. પોલીસે તેમની સામે ટીયરગેસનો પ્રયોગ કરતાં, આદિવાસીઓએ સામે તીર ચલાવ્યાં. તેમાં એક પોલીસને તીર વાગ્યું હોવાનું પણ અહેવાલમાં જણાવાયું હતું.


ફૂટબોલને ધર્મ ગણતા દેશમાં ફૂટબોલ વર્લ્ડકપના મુદ્દે આટલી બબાલ ચાલતી હોય ત્યારે બ્રાઝિલના મહાન ફૂટબોલ સ્ટાર પેલે તેમાંથી બાકાત કેવી રીતે રહી શકે છે? વિરોધ પ્રદર્શન કરનારા લોકોની અડફેટે ચડી ગયેલા પેલેને કેટલાક ભીંતચિત્રોમાં ડોલરની નાણાંકોથળી સાથે ચીતરીને એવું સૂચવવામાં આવ્યું છે કે પેલે ખરીદાઇ ગયા છે. શરૂઆતમાં પેલેએ કહ્યું હતું કે બ્રાઝિલના લોકોએ ફૂટબોલ વર્લ્ડ કપનો વિરોધ કરવો જોઇએ નહીં. કારણ કે તેનાથી દેશનું ખરાબ લાગશે. પછી તેમણે એમ પણ કહ્યું કે, ‘રાજકીય દૃષ્ટિએ જોઇએ તો સ્ટેડિયમ બાંધવા માટે અઢળક નાણાં ખર્ચાયાં છે અને કેટલાક કિસ્સામાં તે જરૂર કરતાં પણ વધારે છે... આ રકમ સ્કૂલો અને હોસ્પિટલોમાં વાપરી શકાઇ હોત...બ્રાઝિલમાં તેની જરૂર છે. એ બાબતમાં હું વિરોધકર્તાઓ સાથે સંમત છું. પરંતુ એ લોકો ભાંગફોડ કરે છે અને બાળે છે. આ રકમ તો આપણે જ ફરી ખરચવાની થશે.’ નેવુના દાયકામાં બ્રાઝિલના ફૂટબોલ સ્ટાર તરીકે વિખ્યાત બનેલા રોમારિયોએ ૨૦૧૪ના ફૂટબોલ વર્લ્ડકપને ‘બ્રાઝિલના ઇતિહાસની સૌથી મોટી લૂંટ’ તરીકે ઓળખાવ્યો છે.

બ્રાઝિલ ફૂટબોલ વર્લ્ડકપની ફાઇનલ મેચ જીતી જાય તો કદાચ કામચલાઉ ધોરણે અર્થકારણ પર ફૂટબોલપ્રેમની જીત થાય, પણ બે વર્ષ પછી બ્રાઝિલમાં યોજાનાર ઓલિમ્પિક રમતોત્સવ સામેના પડકાર તો ઊભા જ રહેવાના છે. 

2 comments:

  1. FIFAના ભ્રષ્ટાચારની ફૂટબોલ ઉડાડતી john oliver નામના કમેડિયનની આ ક્લિપ જોવા જેવી છે.

    https://www.youtube.com/watch?v=DlJEt2KU33I

    ReplyDelete
  2. ભારતના શહેરમાં રહેતા લોકોને બસ ક્રિકેટ,ટીવી,બોલીવૂડઅને દક્ષિણની ફિલ્મો અને હવે જેનો ત્રાસ છે તેવા સ્માર્ટફોનના
    વાપરનારાઓને જાણે તેમની દુનિયા આમાં જ છે! મારે કોઈ આકરા વેણ જનતા માટે નથી કે'વા પણ આ બધા ક્રિકેટ,સિનેમા અને ટીવીમાં મોઢું ઘાલીને પડ્યા રહેતા માટે છે. લોકોની નાગરિક જાગૃતિઅને ફરજ જેવું કામ થતું હશે પણ ખૂણે ખાંચરે.
    લોકોને મૂરખ બનાવાની વાત ઘણા લુચ્ચા અને ધૂતારાઓને ખબરજ છે કે ‘લોકોનેકેમ મૂરખ બનાવવા ‘તેમને એ પણ ખબર છે
    કે ‘દરેક્વાર લોકોને કાયમ મૂરખા નથી બનાવી શકાતા’ પણ જ્યારે લોકો મુર્ખ બની જાય છે ત્યારે મોડું થયું હોય છે અને આ બધા ધુતારા પાખંડીઓ પૈસા બનાવીને છૂ થઇ જતા હોય છે.લોકોને ઠંડા પાણીએ નહિ નાખવાનું હોય છે !!
    બહુધા લોકો એમજ માનીજ બેઠા હોય છે કે આવું તો ચાલેજ રાખવાનું.
    આપણે ત્યાં લડતો,ધરણા,ઉપવાસ ભૂખ હડતાલ આ બધું જાણે સામાન્ય બની ગયું છે કોઈજ અસર નથી થતી ત્યારે લોકો
    ત્રાસીને ગુસ્સે થઇ જાય છે ત્યારે બસો,કારો અને જાહેર સરકારી મિલકતોને બાળીને જાણે જીત મેળવી હોય તેવો અનુભવ
    સંતોષ કરાય છે આ બધામાં આવી ભાંગફોડ નુકસાની વાળા કામોમાં મોટાભાગના લોકો બેકાર,ચોરચક્કા,મવાલી-ગુંડા સામેલ હોય છે જે
    લગભગ આવી લડાતોને ‘હાઇજેક' કરીલેતા હોય છે. જોકે આવી હાલત લગભગ દરેક દેશોમાં નજરે પડે છે.
    શાંતિ ભરી લડતને કોઈજ દાદજ નથી આપતું,નેતા,રાજકારણીયો પણ એટલાજ નઘરોળ,રીઢા અને પેધી ગયા છે કે લોકોની કોઈજ ફરિયાદ સાંભળતાજ નથી પછી લોકો ઉશ્કેરાટમાં આવાં ગેરવ્યાજબી પગલાં લઇ લે છે.
    આ વિષે છાપાંઓમાં ઘણું લાકહ્યું છે અને લોકોએ વાંચ્યું પણ છે.એટલે ‘ઘાંચીની ઘાણીનો બળદ’ જેવો ઘાટ છે.
    ઉપર કહ્યું તેમ નાગરિક જાગૃતિનું કામ શાળાઓમાં થવું જોઈએ શિસ્ત,જવાબદારી આ બધું ઘરમાંથીતો જેમતેમ મળી જતું હોય છે
    પણ શાળા,કોલેજોમાં જો આ પર ધ્યાન કેન્દ્રિત થાય તો નવી પેઢીમાં બેશક નાગરિક જાગૃતિ આવે.

    ReplyDelete