Tuesday, June 03, 2014

ગળતેશ્વર : નવ સદીનું ટાઇમટ્રાવેલિંગ



(ગળતેશ્વરની મુલાકાત વિશે બીરેને મુકેલી સચિત્ર પોસ્ટની લિન્ક : ગળતેશ્વ મહાદેવઃ કાળ અને કળાનો સંઘર્ષ )

ગળતેશ્વર ઉર્ફે ગલતેશ્વર/ Galteshwar.નિરીશ્વરવાદીઓ કે રેશનાલિસ્ટોને જલસો પડી જાય એવો સંધિવિગ્રહ છે : ગલત વત્તા ઇશ્વર. (‘અમે તો કહીએ જ છીએ, પણ અમારું માને છે કોણ?’)

મારા ‘ટાઉન-ઇન-લૉ’ ડાકોર/Dakorથી વીસેક કિલોમીટર દૂર આવેતું ગળતેશ્વર યાત્રા-કમ-પ્રવાસધામ તરીકે જાણીતું છે. કદાચ વધારે પડતું જાણીતું - એટલે કે ચવાઇ ગયેલું- છે. એટલે જ ત્યાં ચહીને જવાનું અત્યાર સુધી કદી બન્યું ન હતું. બાળપણમાં એકાદ વાર જવાનું થયું હશે, પણ એની કશી યાદગીરી ન હતી.

ગળતેશ્વરમાં મહીસાગર અને ગળતી નદીનો સંગમ થાય છે. ત્યાં એક જૂનું મહાદેવ- ગળતેશ્વર મહાદેવ- છે. એવી થોડી જાણકારી હતી. મારું મોસાળ સાવલી તાલુકાનું સાંઢાસાલ. મમ્મી પરણીને મહેમદાવાદ આવ્યા તેનાં વર્ષો સુધી, સાંઢાસાલ જતી બસ ગળતેશ્વર થઇને જાય. ત્યારે નદી પર પુલ ન હતો. બસ મોટે ભાગે સુકાયેલા નદીના પટમાં થઇને સામા કાંઠે જાય.  હવે ત્યાં પુલ બની ગયો છે. સેવાલિયાની ક્વોરીઓ નજીક હોવાને કારણે ટ્રકો અને ડમ્પરનો ટ્રાફિક ધમધમતો હોય. ઉપરાંત યાત્રાળુઓ અને પ્રવાસના શોખીનો ભરઉનાળે, બળબળતી ગરમીમાં પણ ગળતેશ્વર આવતા હોય. અમે પણ એવી જ રીતે, ગયા મહિનાની એક ઢળતી બપોરે સપરિવાર ત્યાં પહોંચ્યા. સાંજે ડાકોર જવાનું હતું. ત્યાર પહેલાંનો થોડો સમય ગળતેશ્વર જોવાનો ખ્યાલ હતો.
નદી પરનો પુલ, પટમાં પાર્ક થયેલાં વાહન અને હાટડીઓ, ગળતેશ્વર/Galteshwar
પહોંચ્યા ત્યારે કાળઝાળ ગરમી હતી. છતાં, નદીના પટમાં ઠેકઠેકાણે કોરા ભાગની વચ્ચે વચ્ચે પાણી જોવા મળતું હતું. ત્યાં લોકો નહાતા પણ હતા. પાણીની ઊંડાઇનો ખ્યાલ તો ક્યાંથી આવે? પણ જઇ આવ્યાના થોડા દિવસ પછી, ગઇ કાલના સમાચારમાં વાંચ્યું કે ગળતેશ્વરમાં ચાર જણ નહાતી વખતે ડૂબી ગયા.
મફત પણ મોંઘો નીવડી શકતો કુદરતી વોટરપાર્ક, ગળતેશ્વર
અમારો નહાવાનો કોઇ ખ્યાલ ન હતો. નદીના પટમાં ફરીને જુદા જુદા ખડકો જોયા. દૂરના ખડકો પર સુકાતી રંગીન ચાદરોનું દૃશ્ય સરસ લાગતું હતું. થોડે દૂર, પાણી વગરના ભાગમાં દેશી હાટડીઓ મંડાયેલી હતી. પ્લાસ્ટિકનાં પડીકાં, બાફેલા મકાઇ, શેરડીનો રસ, કપડાની કામચલાઉ આડશોથી ઊભો કરાયેલો કપડાં બદલવાનો તંબુ, છેક નદીના કોરા ભાગ સુધી આવીને પાર્ક થયેલાં વાહનો, પાણી હતું ત્યાં નહાતાં નાની-મોટી ઉંમરનાં સ્ત્રીપુરૂષો-બાળકો...ભયંકર ગરમીમાં નદીનું પાણી ઠંડુ હતું- કમ સે કમ, ગરમ ન હતું. લોકો મસ્તીથી નહાતા હતા. ભયંકર ગરમીમાં આટલા બધા લોકો શું વિચારીને આવ્યા હશે? અને કેવી રીતે મઝા લઇ શકતા હશે? એવા સવાલ પણ થયા. પછી થયું, અમારા વિશે પણ કોઇને આવો જ સવાલ થઇ શકે છે.

મુખ્ય રસ્તાથી નીચે પાર્કિંગ સુધી ઉતરવાનો રસ્તો હિમાલયન  કાર રેલીના રસ્તાની યાદ અપાવે એવો હતો. કાચોપોચો ડ્રાયવર હોય તો એ ગાડી ઉતારી તો દે, પણ ચડાવતાં હાંફી જાય. મોટે ભાગે તો ગાડી પાછી જ પડે. જમીન પણ ઉબડખાબડ. એટલે ગાડીનું તળીયું જમીન સાથે ઘસાય. આટલા જાણીતા અને લોકોની ગીરદી ધરાવતા યાત્રાધામમાં રોજેરોજ અનેકોને અડચણરૂપ થાય એવો રસ્તો કેમ સરખો નહીં કરાતો હોય? આવા સવાલોનો ગુજરાતમાં-ભારતમાં કોઇ જવાબ હોતો નથી.
અહીં એક વારમાં ગાડી ચડાવી આપનારને ઇન્ટરનેશનલ લાયસન્સ આપી દેવું જોઇએ
નદીના પટમાંથી પાછા ઉપર આવ્યા, ત્યારે બપોરનો સમય હોવાથી ખાણીપીણીના સ્ટોલ પર બહુ ગીરદી ન હતી. ચાના એક સ્ટોલ પર એક માજી તલ્લીનતાથી કશું વાંચી રહ્યાં હતાં. પુસ્તકનું કદ અને તેની જીર્ણશીર્ણ અવસ્થા જોતાં એ કોઇ ધાર્મિક પુસ્તક હશે એવું લાગતું હતું. રંગના ભડક વૈવિઘ્યથી ઘ્યાન આકર્ષતાં ભજિયાં આમંત્રણ આપી રહ્યાં હતાં. સામાન્ય સંજોગોમાં એ સ્વીકારવું બહુ ગમ્યું હોત. (કારણ કે હાઇજિનનો બાધ રાખેલો નથી.) પણ આકરા તાપમાં આ ભજિયાં ખાવાની બીક લાગી. એટલે તેમને દૂરથી નમસ્કાર કરીને મંદિરના આંગણમાં પ્રવેશ કર્યો.




કોઇ જજ આવ્યા હોવાથી સામાન્ય રીતે બંધ રહેતા મોટા દરવાજા ખુલી ગયા હતા. અંદર છેક મંદિરના ઓટા પાસે જજસાહેબની લાલ બત્તીવાળી ગાડી પડી હતી. થોડા વખતમાં તેમનો કાફલો સાયરન વગાડતો રવાના થયો. આપણે ત્યાં આવી જગ્યાઓએ શારીરિક રીતે સક્ષમ ન હોય એવા લોકો માટે ભાગ્યે જ કશી વ્યવસ્થા હોય છે, પણ લાલ બત્તીવાળાને શારીરિક રીતે અક્ષમ હોય એટલી હદે ‘સાચવવામાં’ આવે છે.

મંદિર નજીક પહોંચ્યાં ત્યાં મનમાં કચવાટ હતો કે ‘ક્યાં ગળતેશ્વર આવ્યા. અહીં આપણા દાવનું કશું નથી. પણ જેવા મંદિરની નજીક પહોંચ્યા કે આંખો ચાર થઇ ગઇ. મોં લગભગ પહોળું થઇ ગયું અને થયું, ‘ઓહો, અહીં આવું અદ્‌ભૂત મંદિર છે.’


મંદિર પાસે મુકાયેલી મોટી તકતીમાં લખ્યું હતું કે આ મંદિરના સ્થાપત્ય-શિલ્પોમાં જોવા મળતી માળવાશૈલી ગુજરાતમાં દુર્લભ છે. તેમાં ચાલુક્ય શૈલીના અંશ પણ છે. અલબત્ત, તેના સુશોભનની શૈલી - મોલ્ડિંગ્સ એન્ડ ડેકોરેશન્સ- ગુજરાતના શિલ્પ-સ્થાપત્ય શૈલી મુજબનાં છે. મંદિરનું શીખર ખંડિત  છે. તેમાં જોવા મળતી દેવાકૃતિઓમાં શિવ, પાર્વતી, ચામુંડા, કાર્તિકેય, વગેરેનો સમાવેશ થાય છે. શૈલીના હિસાબે તે બારમી સદીનું હોવાનું તેમાં જણાવાયું છે. તેમાં એમ પણ લખ્યું છે કે તેનાં શિલ્પ, વેલબુટા અને ભૌમિતિક આકારો સોમનાથના જૂના મંદિર સાથે સામ્ય ધરાવે છે.


તકતીમાં જે લખ્યું નથી તે એ કે મંદિરની બહારની દિવાલ પરનાં કળાત્મક શિલ્પોમાં મોટી સંખ્યામાં ભોગશિલ્પો પણ છે, જે મુખ્ય અને મોટા કદનાં નહીં, પણ નાની પેનલ કે હરોળમાં જોવા મળે છે. મંદિરના કેટલાક હિસ્સામાં થયેલું સમારકામ આંખ અને સૌંદર્યદૃષ્ટિને ખટકે એવું છે. પરંતુ સૌથી ભયાનક હોય તો મંદિરનું ગર્ભગૃહ. પગથિયાં ઉતરીને અંદર જતાં ચોતરફ લગાડેલી બાથરૂમ ટાઇલ્સની વચ્ચે પુજારી દ્વારા કરાવાતી પુજાનું દૃશ્ય એટલું ભદ્દું લાગે છે કે ૧૨મી સદી કરતાં ૨૦મી સદીમાં ‘સુધરવાનો’ કાંટો અવળી દિશામાં ફર્યો હોવાનો અહેસાસ થાય. ક્યાં બારીક નકશીથી તૈયાર થયેલી લગભગ એકાદ સહસ્ત્રાબ્દિ પહેલાંની મૂર્તિઓ અને આંખને ઠારે એવું માળખું અને ક્યાં તેમાં વચ્ચે વચ્ચે લટકતા વાયરના છેડા...

પરંતુ મંદિર રહ્યું છે એ ગનીમત છે. એ જોવામાં મારે તો બહુ મોડું થયું. રસ ધરાવતા મિત્રોએ એટલું મોડું કરવું જરૂરી નથી.
(all photos : urvish kothari)





5 comments:

  1. ઉત્કંઠા11:31:00 AM

    તમારી ગાડીના ડ્રાઈવર કોણ હતા? :)

    ReplyDelete
  2. યમદૂતને મોકલીને 'ઈશ્વર' જીવનને 'ગળી' જવાનો આદેશ આપે એ પહેલાં ગળતેશ્વર જવું જ પડશે. :)

    ReplyDelete
  3. આપણે ત્યાં આવી જગ્યાઓએ શારીરિક રીતે સક્ષમ ન હોય એવા લોકો માટે ભાગ્યે જ કશી વ્યવસ્થા હોય છે, પણ લાલ બત્તીવાળાને શારીરિક રીતે અક્ષમ હોય એટલી હદે ‘સાચવવામાં’ આવે છે.
    :D :D :D :D :D :D
    મજા પડી....

    ReplyDelete
  4. ગળતેશ્વર નજીકના ગામ ઠાસરામાં બે તબક્કે થઇને પાંચ વર્ષ રહ્યો છું. કિશોરાવસ્થાના દિવસોમાં ગળતેશ્વર સરખી ઉંમરના મિત્રો માટે હરવા-ફરવાનું એવું સ્થળ હતું કે વાયા અંબાવ સાઇકલ લઇને જઈ શકાય. મહી નદીમાં ધુબાકા મારવાનો એકમાત્ર આનંદ લેવા અમે મિત્રો પૂરા દિવસની સાઇકલના ભાડાનો જોગ ના હોય ત્યારે ક્વોરીકામે જતા ટ્રેક્ટરની મફતિયા સવારીનો લાભ લેતા હતા. અસંખ્ય વાર ગળતેશ્વર ગયેલા મેં મંદિરને કે તેના મંડપ ભાગને કળાદ્રષ્ટિ કે ઐતિહાસિક સંદર્ભથી તો કદી નહોતું જ જોયું. એવા દર્શન કરાવવા બદલ રાજી રાજી.
    ઐતિહાસિક સંદર્ભે જ યાદ આવ્યું કે ઠાસરાની ધી જે.એમ. દેસાઈ હાઇસ્કૂલના ધોરણ નવ-દસના મારા ઇતિહાસના શિક્ષક તખ્તસિંહ (ટી.પી.) ચાવડા અંબાવ ગામથી સાઇકલ લઈને અમને ભણાવવા આવતા. સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી હાજરીમાં ગોબા પાડે કે જવાબો આપવામાં ઠોઠ સાબિત થાય તો ચાવડાસાહેબ તેણે ગળતેશ્વરના કેટલા આંટા માર્યા હતા એ ક્લાસ વચ્ચે કહી બતાવતા. આવું તેઓ એટલા માટે કરી શકતા કેમ કે તેમનું ઘર-કમ-ખેતર ગળતેશ્વરના રસ્તે જ આવેલું હતું.

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  5. " આટલા જાણીતા અને લોકોની ગીરદી ધરાવતા યાત્રાધામમાં રોજેરોજ અનેકોને અડચણરૂપ થાય એવો રસ્તો કેમ સરખો નહીં કરાતો હોય? આવા સવાલોનો ગુજરાતમાં-ભારતમાં કોઇ જવાબ હોતો નથી. "

    એકદમ સાચી વાત!

    ReplyDelete