Monday, April 28, 2014

રાજકીય કાર્ટૂનમાં ઓટ (૨) : લુપ્ત થતી પ્રજાતિમાં રાજકીય કાર્ટૂનિસ્ટનો ઉમેરો કરવો પડશે?

વર્તમાન સમયમાં ચૂંટણીને લગતી ઘણીખરી આતશબાજી સોશ્યલ નેટવર્કિંગ અને ટીવી ચેનલો પર થાય છે. કોઇ પણ ઘટના બને, તેના કટાક્ષપૂર્ણ અર્થઘટન માટે બીજા દિવસ સુધી રાહ જોવી પડતી નથી. ફેસબુક-ટિ્‌વટર પર તરત જ તડાફડી શરૂ થઇ જાય છે. છતાં, એ પણ હકીકત છે કે એ ઘટના વિશે ‘ધ હિંદુ’માં સુરેન્દ્ર કે કેશવના અથવા ‘મુંબઇ મિરર’માં હેમંત મોરપરિયાના કાર્ટૂનનો કોઇ વિકલ્પ નથી. કારણ કે કાર્ટૂન - અને પ્રમાણમાં ટૂંકી આવરદા ધરાવતું રાજકીય કાર્ટૂન- એક સંપૂર્ણ કળા છે. તેમાં ચબરાકીભરી ટિપ્પણીની સાથોસાથ કાર્ટૂનિસ્ટની સમજણ અને તેમનું દર્શન ભળે છે. રમુજી કેરિકેચર (ઠઠ્ઠાચિત્ર)ની સાથે આખી પરિસ્થિતિને કોઇ જુદા જ સ્તરે, વિશિષ્ટ પ્રતીકો કે ચિત્રો દ્વારા, ઓછામાં ઓછી રેખાઓની મદદથી રજૂ કરવાની આવડત ઉમેરાય છે. જેમ કે, નરેન્દ્ર મોદીએ અડવાણીને આદર આપવાનો દેખાડો કરીને તેમનું પત્તું કાપ્યું, એ વિશે ઘણી રમૂજો થઇ. પરંતુ ‘ધ હિંદુ’માં સુરેન્દ્રના આ કાર્ટૂનમાં જે બારીકાઇથી છતાં આબાદ રીતે એ જ વાત મૂકવામાં આવી છે, એ જોઇને અડવાણીથી પણ બે ઘડી મરકી જવાય.  

Courtesy : Surendra/The Hindu
આઝાદ ભારતમાં રાજકીય કાર્ટૂનનો મજબૂત પાયો કે. શંકર પિલ્લઇએ નાખ્યો. ‘શંકર’ તરીકે વઘુ જાણીતા આ કાર્ટૂનિસ્ટે નેહરુનાં સંખ્યાબંધ કાર્ટૂન દોર્યાં હોવા છતાં, તે નેહરુના પ્રીતિપાત્ર બની રહ્યા. એ વાતથી શંકરની સાથોસાથ રાજકીય કાર્ટૂનનો મોભો પણ વઘ્યો. સરેરાશ ભારતીયો માટે આર.કે.લક્ષ્મણ ભલે કાર્ટૂનનો પર્યાય બન્યા હોય, પણ ધારદાર રાજકીય કાર્ટૂન માટે લક્ષ્મણની પેઢીના ઓ.વી.વિજયન અને અબુ અબ્રાહમનાં નામ લેવામાં આવે છે.

ઇંદિરા ગાંધીના સમયમાં રાજિન્દર પુરીએ ધારદાર કાર્ટૂન શરૂ કર્યાં. ૧૯૬૯માં ઇંદિરા ગાંધીએ કોંગ્રેસના જૂના નેતાઓ સાથેના ખટરાગ પછી પોતાની નવી કોંગ્રેસ રચી, ત્યારે રાજકીય ગતિવિધિઓ ચરમસીમાએ પહોંચી હતી. રાજકીય કાર્ટૂનિસ્ટો માટે આવો સમય સુવર્ણકાળ ગણાય. રાજિન્દર પુરીનું પુસ્તક ‘ઇન્ડિયા ૧૯૬૯, એ ક્રાઇસિસ ઑફ કોન્શયન્સ’ (૧૯૭૧) જોઇને એ વાતનો બરાબર ખ્યાલ આવે છે. પુરીના લેખ અને કાર્ટૂન ધરાવતા આ પુસ્તકમાં ઇંદિરા ગાંધી અને કોંગ્રેસના વિભાજનને લગતાં કાર્ટૂન ઐતિહાસિક રીતે મહત્ત્વનાં છે.

છેક સાઠના દાયકાથી શરૂઆત કરનાર રાજિન્દર પુરી સક્રિય રાજકારણમાં સંકળાયા, ૧૯૭૭માં જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી બન્યા, થોડો સમય લોકદળ અને ભાજપમાં પણ રહ્યા. ૧૯૮૮માં તેમણે રાજકીય પક્ષો સાથે છેડો ફાડી નાખ્યો, પણ કાર્ટૂન દ્વારા રાજકારણ પર ધારદાર ટીપ્પણીઓ ચાલુ રાખી. અહીં મૂકેલું તેમનું કાર્ટૂન ઇન્દિરાયુગનું છે. તેમાં કાર્ટૂનિસ્ટને ભસતા કૂતરા તરીકે બતાવીને ઇન્દિરા ગાંધીના મોઢે પુરીએ મુકેલો સંવાદ છે, ‘જુઓ, આને કહેવાય તટસ્થ કાર્ટૂન.’
Cartoonist : Rajinder Puri
બોફર્સ કૌભાંડ જાહેર થયા પછી થયેલી ચૂંટણી, વી.પી.સિંઘની મોરચા સરકાર અને કોંગ્રેસના ટેકાથી ચાલેલી ચંદ્રશેખરની સરકારનો સમયગાળો રાજકીય અસ્થિરતાનો હોવાથી કાર્ટૂનિસ્ટો માટે વિષયોનો લીલો દુકાળ હતો. રાજીવ ગાંધી સત્તામાં હતા ત્યારે તેમણે અખબારો પર સકંજો કસવા માટે ‘ડીફેમેશન બિલ’ આણવાનો વિચાર કર્યો હતો. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં રવિશંકર અને રાજિન્દર પુરી જેવા કાર્ટૂનિસ્ટોએ ડીફેમેશન બિલ અને બોફર્સના મુદ્દે ભારે ક્રૂરતાપૂર્વક રાજીવ ગાંધીની ફિલમ ઉતારી હતી. બોફર્સના સોદામાં ૭ ટકા રકમ કમિશન પેટે લેવાઇ હોવાની વાત હતી. એટલે રવિશંકરનાં કાર્ટૂનમાં અવારનવાર કોઇ પણ રીતે ૭ ટકા આવી જતા હતા. જેમ કે, કોંગ્રેસનો ત્રણ નાનાં રાજ્યોમાં વિજય થયો ત્યારે રાજીવના મોઢે રવિશંકરે મૂક્યું હતું, ‘૭ ટકા દેશ તો મારી સાથે છે.’
Cartoonist : Ravi Shankar
એક કાર્ટૂનમાં રાજીવ ગાંધીના ચહેરા પરથી વિગતો ઉડાડી દઇને પુરીએ લખ્યું હતું, ‘ડીટેઇલ્સ સ્વીડિશ સરકારના ઑડિટ રીપોર્ટમાંથી મળશે.’
Cartoonist : Rajinder Puri
રાજીવ ગાંધીએ ચૂંટણીપ્રચાર વખતે ‘માય હાર્ટ બીટ્‌સ ફોર ઇન્ડિયા’ અને વ્યંગચિત્રો ધરાવતી ચૂંટણીઝુંબેશને લીલી ઝંડી આપી, ત્યારે સામા પક્ષે પણ તેના પ્રતિકાર માટે કાર્ટૂનનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. પરંતુ  વી.પી.સિંઘની સરકાર બની ગયા પછી નાયબ વડાપ્રધાન દેવીલાલનો ત્રાસ શરૂ થયો. દબંગ દેવીલાલ અને વી.પી.સિંઘ વચ્ચેનો સંબંધ ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના (એ વખતે યુવા) કાર્ટૂનિસ્ટ સુધીર તેલંગના કાર્ટૂનમાં આબાદ રીતે દર્શાવાયો છે. (દેવીલાલ કહે છે, ‘વી.પી.સિંઘ વડાપ્રધાનપદે ચાલુ રહે એમાં મને વાંધો નથી.’)
Cartoonist : Sudhir Tailang
ગુજરાતી પ્રકાશનોમાં રાજકીય કાર્ટૂનની પરંપરા પાખી રહી છે. બંસીલાલ વર્મા ‘ચકોર’ જેવા કાર્ટૂનિસ્ટ આ ક્ષેત્રે લાંબા સમય સુધી સક્રિય રહ્યા, પરંતુ ઘણાખરા ગુજરાતી કાર્ટૂનિસ્ટોનો ઝોક સામાજિક કાર્ટૂન ભણી વધારે રહ્યો- અને હવે તો રાષ્ટ્રિય સ્તરે રાજકીય કાર્ટૂનિસ્ટોનો દુકાળ થયો છે. તેની શરૂઆત નેવ્ંાુના દાયકાથી થઇ, પણ અબુ અબ્રાહમે ‘પેંગ્વિન બુક ઑફ ઇન્ડિયન કાર્ટૂન્સ’(૧૯૮૮)ની પ્રસ્તાવનામાં આરંભે જ લખ્યું છે કે ‘બ્રિટન અને અમેરિકામાં પોલિટિકલ વિટ- રાજકીય રમૂજમાં આવેલી ઓટ આજકાલ ચર્ચાનો વિષય બની છે.’

એક સમયે સંખ્યાબંધ ઉત્કૃષ્ટ રાજકીય કાર્ટૂનિસ્ટો ધરાવતા દેશમાં આ પ્રજાતિ દુર્લભ અને કંઇક અંશે લુપ્ત થવાના આરે આવી હોય એવું કેમ લાગે છે? તેનો જવાબ છેલ્લાં ત્રીસેક વર્ષથી રાજકીય સહિતના વિવિધ વિષયો પર કાર્ટૂન કરતા હેમંત મોરપરિયાએ આપવા પ્રયાસ કર્યો હતો.

ગયા વર્ષે ‘ઓપન’ સાપ્તાહિકમાં ‘ડેથ ઑફ ધ પોલિટિકલ કાર્ટૂન’ શીર્ષક ધરાવતા લેખમાં તેમણે લખ્યું હતું, ‘વસ્તીના પ્રમાણમાં કાર્ટૂનિસ્ટોની સંખ્યા ગણીએ તો એ બાબતમાં ભારતની હાલત આફ્રિકાના કોઇ તદ્દન ગરીબ દેશ જેવી છે.’ આવું થવા માટે તેમણે જવાબદાર ગણાવેલાં કેટલાંક મુખ્ય કારણ :
૧) રાજકીય કાર્ટૂનિસ્ટને તૈયાર થતાં અને તેની ‘ભાષા’ લોકોને સમજાતાં સમય લાગે છે.
૨) હવે તંત્રીઓ પાસે પહેલાં જેવી સત્તા રહી નથી. નિર્ણયો લેતી કમિટીને એવું પણ લાગે કે કાર્ટૂનિસ્ટો સ્ટાર બની જાય અને છાપા માટે અનિવાર્ય બને એવી સ્થિતિ જ શા માટે પેદા થવા દેવી?
૩) કેટલાક સ્ટાર કાર્ટૂનિસ્ટ (વાંચો : આર.કે.લક્ષ્મણ) ‘લતા સિન્ડ્રોમ’થી પીડાય છે. (આ મોરપરિયાનો પ્રયોગ છે) એ લોકો પોતાનો સુવર્ણકાળ વટાવી ચૂક્યા હોવા છતાં, નવી પ્રતિભાઓને આગળ આવવા દેતા નથી.
૪) રાજકીય કાર્ટૂનિસ્ટને શરૂઆતમાં સારા રૂપિયા મળતા નથી. બીજી તરફ, રાજકીય કાર્ટૂન દોરવા માટે સાબૂત સેન્સ ઑફ હ્યુમર અને ઊંડા અભ્યાસથી માંડીને ભાષા પરની પકડ જેવાં બત્રીસ લક્ષણની જરૂર પડે છે. આવા બત્રીસલક્ષણા પુરૂષ કે સ્ત્રી આર્થિક રીતે અનેક ગણી વધારે ફળદાયી કારકિર્દીમાં ઘ્યાન આપે કે કાર્ટૂન દોરે?

હેમંત મોરપરિયાએ ગણાવેલાં છેલ્લાં બે કારણ જરા જુદાં, પણ વધારે અગત્યનાં છે. તેમના મતે, ઉદારીકરણ પછીની દુનિયામાં જે રીતે રૂપિયા પાછળની દોટ અને મોટાં પેકેજની લ્હાયમાં ‘જિંદગીનું કારકિર્દીકરણ’ (કરિઅરાઇઝેશન ઑફ લાઇફ) થયું છે, તેમાં રાજકીય કાર્ટૂન માટે જરૂરી એવો આદર્શવાદ ખોવાઇ ગયો છે.  આ ઉપરાંત સતત ઘટતી સહિષ્ણુતાનો મુદ્દો પણ તેમણે ઉખેળ્યો છે.

પહેલાં મામલો ફક્ત ધાર્મિક અસહિષ્ણુતા પૂરતો મર્યાદિત હતો. ગાંધીજીનાં યાદગાર કાર્ટૂન બનાવનાર બ્રિટિશ કાર્ટૂનિસ્ટ ડેવિડ લૉએ બનાવેલું પેગંબરસાહેબનું એક કાર્ટૂન લંડનના સાંઘ્ય દૈનિક ‘સ્ટાર’માં છપાયું, ત્યારે કલકત્તામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ થઇ ગઇ હતી. પરંતુ મોટા ભાગના રાજકીય નેતાઓ અને બીજા અગ્રણીઓ કાર્ટૂનને ખેલદિલીથી માણતા હતા- અથવા કમ સે કમ એવો દેખાવ તો રાખતા જ હતા. (જોકે, હિટલર તેમાં અપવાદ હતો. બીજું વિશ્વયુદ્ધ જીત્યા પછી જેમને પાઠ શીખવવાનો છે એવા લોકોની હિટલરની યાદીમાં ડેવિડ લૉનું નામ પણ હતું.)

છેલ્લાં થોડાં વર્ષોમાં ઓળખના રાજકારણની ધાર એટલી બધી અણીદાર બની છે કે મોરપરિયા કહે છે તેમ, ‘દસ વર્ષ પહેલાં સહજતાથી  જેમના વિશે કાર્ટૂન કર્યું હતું, એવાં કેટલાંક પાત્રો વિશે અત્યારે કાર્ટૂન બનાવવાનો વિચાર સુદ્ધાં દિમાગમાં દાખલ થવાની હિંમત કરતો નથી.’ અફસોસની વાત એ છે કે ચોથી જાગીરના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની ચિંતામાં અને સોશ્યલ નેટવર્કિંગની પાંચમી જાગીર પર થતા અભિવ્યક્તિના ધસમસતા પ્રવાહમાં તંદુરસ્ત લોકશાહી માટે આવશ્યક એવાં રાજકીય કાર્ટૂનના વધી રહેલા અભાવની નોંધ સરખી ભાગ્યે જ લેવાય છે. 

1 comment:

  1. Anonymous10:53:00 PM

    Jug Suraiya and Ajit Ninan are additional names, who educate and try to develop political sense of readers of Times of India through art of caricature.

    ReplyDelete