Saturday, April 26, 2014

જુરાસિક પાર્કમાં ચૂંટણી

અવનવાં ડાયનોસોરને એક જગ્યાએ ભેગાં રાખવાની કલ્પના સ્ટીવન સ્પિલબર્ગે તેમની ફિલ્મ ‘જુરાસિક પાર્ક’ પાર્કમાં રજૂ કરી હતી. ધારો કે એવા કાલ્પનિક જુરાસિક પાર્કમાં સામાન્ય ચૂંટણી યોજાય તો, જુદાં જુદાં પ્રકારનાં ડાયનોસોર કેવી રીતે ચૂંટણીપ્રચાર કરે? સ‘ક્યાં લોકસભાની ચૂંટણી ને ક્યાં જુરાસિક પાર્ક’ એવું વિચારનારા લોકોને વિનંતી કે નેતાઓની જાડી ચામડી અને તેમની વૃત્તિઓની હિંસકતા વિશે વિચારી જોશો તો એવું થશે કે ‘ક્યાં પેલાં બિચારાં ડાયનોસોર અને ક્યાં આ નેતાઓ?’
***
ડાયનોસોર ૧

અમારાં ડાયનોસોરનાં નામ હોતાં નથી. અમે અમારાં પરિવારનામથી કે જૂથનામથી ઓળખાઈએ છીએ. મને મારા પરિવારનામનું ગૌરવ છે. લોકો કહે છે કે મારી પાસે જો કંઇ હોય તો એ મારું પરિવારનામ જ છે. લોકો એમ પણ કહે છે કે મારો જન્મ સમસ્ત ડાયનોસોર સમાજની નેતાગીરી લેવા માટે થયો છે. આ સાચું છે કે નહીં, એ હું જાણતો નથી. પણ એ વાત માનવામાં મને વાંધો નથી. આખરે રાજ કરવાની જ વાત છે, તો હું ડાયનોસોર સમાજના છેવાડાના સભ્યોના અને આખા જુરાસિક પાર્ક ઉત્થાન માટે એટલો ભોગ આપવા તૈયાર છું.

અમારું જૂથ શાકાહારી છે કે માંસાહારી કે ઉભયાહારી, એ હજુ નક્કી થઇ શક્યું નથી. મારા જૂથનો ઇતિહાસ કહે છે કે અમે શાકાહારી છીએ. અમારા પૂર્વજોએ ‘શાકાહારી’નું અંગ્રેજી ‘સેક્યુલર’ કર્યું હતું.  કેટલાંક વિરોધી જૂથો અમારા દાવા સાથે સંમત નથી. ‘શાકાહારી’ શબ્દની વ્યાખ્યા અંગે અમારી વચ્ચે ગંભીર મતભેદ છે. અમારા જૂથનાં કેટલાંક ડાયનોસોરોએ ભૂતકાળમાં શાકાહારી ડાયનોસોરનો સામુહિક સંહાર કર્યો હતો. અમે માનીએ છીએ કે જો અમારા જૂથે શાકાહારી ડાયનોસોરનો સંહાર કર્યો હોય તો અમે શાકાહારી ગણાવા જોઇએ. કારણ કે અમે હિંસક હોત તો માંસાહારી ડાયનોસોરનો સંહાર કર્યો ન હોત?

પણ હું જાણું છું કે આ તકરારનો અંત નથી. ખરું પૂછો તો, સમસ્ત જુરાસિક પાર્કના હિતમાં આ પ્રકારની તકરારનો કશો મતલબ પણ નથી. એટલું નક્કી છે કે હું પાર્ક પ્રત્યે ફરજ અદા કરવાની બાબતમાં જરાય પીછેહઠ કરવા માગતો નથી. ઘણા લોકો કહે છે કે અત્યાર સુધી અમારા જૂથેે જુરાસિક પાર્ક પર રાજ કર્યું છે, તો હવે અમારે બીજાને તક આપવી જોઇએ. કેટલાક ઉત્સાહીઓ કહે છે, ‘અબકી બારી, માંસાહારી.’ હું એ ચર્ચામાં પડવા માગતો નથી, પણ એટલું જરૂર કહીશ કે હું અમારા જૂથમાં છું, છતાં નથી. હું બીજું કશું ભલે ન કરી શકું, પણ અમારાં જૂથનાં કેટલાંક ડાયનોસોરને ધમકાવી શકું છું. જુરાસિક પાર્કના ડાયનોસોર સમાજને નવા લોહીનો અનુભવ થાય એટલા માટે જ હું આ ચૂંટણી લડવા તૈયાર થયો છું.

આ પવિત્ર મિશનમાં તમે મને સહકાર આપવા ઇચ્છતા હો, તો તમારો કિમતી અને પવિત્ર મત ડાયનોસોરની પૂંછડીને આપજો. પૂંછડીને મત એટલે આપણા દેશના ઇતિહાસને, તેની સમૃદ્ધ પરંપરાને અને દેશના ઉજ્જવળ ભવિષ્યને મત. મારી પૂંછડી સાથે તમારી પૂંછડી મળશે તો આપણા પાર્કનાં સૌથી છેવાડાનાં ડાયનોસોરની પૂંછડી શક્તિશાળી બનશે.

હર પૂંછ શક્તિશાલી, હર પૂંછ ગૌરવશાલી. જોર સે બોલો...હર પૂંછ શક્તિશાલી...

ડાયનોસોર ૨

વર્ષોથી પેલા દંભી શાકાહારી- સેક્યુલર- સમુદાયે આપણા જુરાસિક પાર્ક પર રાજ કર્યું, એમાં ને એમાં પાર્ક ખાડે ગયો છે. પોતે સેક્યુલર-શાકાહારી છે, એવું દર્શાવવા માટે તેમણે પાર્કનાં વૃક્ષોનાં પાંદડાં સુદ્ધાં લીલા રંગે રંગી નાખ્યાં છે. તુષ્ટિકરણની હદ હોય કે નહીં? પણ હવે એ લોકોથી તમે છેતરાશો નહીં. અમે એમના જેવા નથી. અમે શાકાહારી હોવાનો દાવો કરતા નથી અને ચૂંટણીપ્રચાર ચાલુ કર્યો ત્યારથી માંસાહારી હોવાની વાત પણ બંધ કરી છે.

અમે હવે સુધરી ગયા છીએ, એ વાત બીજું કોઇ માને કે ન માને, પણ અમે ગાઇ વગાડીને કહીએ છીએ. અમારા પરિવારની એ જૂની પરંપરા છે કે કોઇ પણ વાત મોટેથી, ગાઇવગાડીને અને વારંવાર કહેવાથી એ સાચી સાબીત થઇ જાય છે. વિરોધી ડાયનોસોરો એને જૂઠાણું કહે છે, પણ અમે એને વચનસિદ્ધિ માનીએ છીએ. અમારી વાતમાં એટલી તાકાત હોય છે કે એ ખોટી હોય તો પણ આખો જુરાસિક પાર્ક એને સાચી માનવા માંડે અને અમારા વતી એનો પ્રચાર કરવા લાગી પડે.

અમારા વિરોધીઓ અમને માંસાહારી તરીકે બદનામ કરે છે, પણ માંસાહારી કોણ નથી? શાકાહારી ડાયનોસોર લીલોતરી ખાય છે તેમાં સૂક્ષ્મ જીવજંતુઓ નહીં હોય? એ કરે તે શાકાહાર અને અમે કરીએ તે માંસાહાર- એવો દંભ બહુ ચાલ્યો. જુરાસિક પાર્કની જનતા આવો દંભ કરનારાને માફ નહીં કરે. એને બદલે અમે ચોખ્ખું કહેનારા શું ખોટા? જોકે, હવે અમે શું ચોખ્ખું કહીએ છીએ, એ ચોખ્ખું કહી શકાય એમ નથી. કારણ કે અમે જુરાસિક પાર્કની સેવા કરવાની સેવા કરવાની અદમ્ય ઇચ્છા ધરાવીએ છીએ. ઘણા તેને સત્તાની લાલસા કહે છે, પણ પાર્કની સેવા કરવામાં ગમે તેટલી બદનામી વહોરવાનું પણ અમને મંજૂર છે. પાર્કની સેવા કરવી એ ગુનો ગણાતો હોય તો અમે ફાંસીએ ચડી જવા પણ તૈયાર છીએ.

હા, ઘણા ચોખલિયાઓને શાકાહાર-માંસાહારનો મુદ્દો બહુ અગત્યનો લાગે છે, પણ અમે એવા જૂનાપુરાણા મુદ્દા પર ચૂંટણી લડવા માગતા નથી. જુરાસિક પાર્કનો વિકાસ અમારું એકમાત્ર ઘ્યેય છે. અમે પોતે આ જ જુરાસિક પાર્કમાં રહીએ છીએ. એટલે પાર્કના વિકાસ માટે અમારો વિકાસ કરવો પડે, આટલી સીધી વાત કેટલાકને સમજાતી નથી. પણ મને ખાતરી છે કે જુરાસિક પાર્કની ડાયનોસોર જનતા એવા લોકોને માફ નહીં કરે.

અમારું વિરોધી જૂથ કહે છે કે અમારા રાજમાં જુરાસિક પાર્કનાં બીજાં જૂથનાં ડાયનોસોર સલામત નહીં રહે. અમે ખાતરી આપવા માગીએ છીએ કે આ જૂઠાણું છે. કેટકેટલાં ડાયનોસોરનો એટલો વિકાસ થઇ ગયો છે કે એ સમુદ્રના તળિયે રહેવાની ક્ષમતા ધરાવે છે. તેને કારણે એ જમીન પર દેખાતાં નથી. એટલે અમારા હિતશત્રુઓ એવો પ્રચાર કરે છે કે એ ડાયનોસોરનાં એન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યાં છે. સચ્ચાઇ એ છે કે એ ડાયનોસોરનો વિકાસ થયો એ વિકાસના એટલે કે અમારા વિરોધીઓથી ખમાતું નથી.

સમસ્ત જુરાસિક પાર્કની ડાયનોસોર જનતા દરિયાના તળિયે રહી શકાય એવો વિકાસ સાધવા થનગની રહી છે એની અમને ખાતરી છે. એટલે અમારી જીતને કોઇ રોકી શકે એમ નથી.

ડાયનોસોર ૩

અમારો હાથની જગ્યાએ પાંખો જેવું કંઇક ફૂટ્યું હોય એવો, વિચિત્ર દેખાવ જોઇને નવાઇ પામવાની જરૂર નથી. ડાયનોસોરને ખરેખર પાંખો હોઇ શકે છે. આપણા પાર્કના ઘણા મહાન આગેવાનો ભૂતકાળમાં લખી ગયા છે કે ડાયનોસોરને પાંખો હોઇ જ શકે છે- બલ્કે, ધીમે ધીમે તેમને પાંખો ફૂટવી જ જોઇએ. તો જ એમની ઉત્ક્રાંતિ થઇ કહેવાય. આપણા પાર્કમાં શાકાહાર-માંસાહાર અને વિકાસની વાતો થાય છે, પણ આપણી જાડી ચામડીની વાત કોઇ કરતું જ નથી.

જાડી ચામડી મોટા ભાગની સમસ્યાઓનું મૂળ છે. એ સંવેદનશીલ થાય તો ઉત્ક્રાંતિના રસ્તે આપણે આગળ વધી શકીએ ને કદાચ પાંખો પણ ફૂટે. ચામડીને સંવેદનશીલ કરવા માટે આપણે રગદોળાવું પડે, મહેનત કરવી પડે. અમે રગદોળાયા એટલે અમને પાંખો જેવું કંઇક ફૂટ્યું છે. એ વધે છે કે ખરી જાય છે, તે જોઇશું, પણ એ ઉત્ક્રાંતિનું પ્રતીક છે એટલું નક્કી.

પાંખો વિના તમારામાંથી ઘણા બધાંની જિંદગી ચાલે જ છે. છતાં, એક વાર જાડી ચામડીમાંથી પાંખો જેવું કંઇક ફૂટવાનો અનુભવ લેવો હોય તો અમને યાદ કરજો. બાકી, ડાયનોસોર સમાજ જેના માટે કુખ્યાત છે એવી સુસ્તીથી જીવન વીતાવવું હોય તો બીજા ઉમેદવારો તમારા માટે જ છે.  

No comments:

Post a Comment