Sunday, March 02, 2014

એક અનોખું જોડાણ : ગાંધીજી અને બલરાજ સાહની

ફિલ્મ અભિનેતા અને ડાબેરી ચળવળકાર તરીકે પ્રખ્યાત બનેલા બલરાજ સાહની તેમની ભરજુવાનીમાં, પત્ની દમયંતી સાહની સાથે ગાંધીજીના ‘સેવાગ્રામ’માં કેવી રીતે પહોંચ્યા ? અને ત્યાંનો એમનો અનુભવ કેવો રહ્યો?

કેટલીક યુતિઓ સહેલાઇથી કલ્પી શકાય એવી નથી હોતી. જેમ કે, ગાંધીજી અને ફિલ્મ. ગાંધીએ જીવનમાં બે જ ફિલ્મો જોઇ હોવાની નોંધ છે. એક અંગ્રેજી ફિલ્મ ‘મિશન ટુ મોસ્કો’, જે ગાંધીજીને બતાવવા માટે મીરાબહેનને કોઇએ સમજાવી-પટાવી લીધાં અને બીજી ફિલ્મ કનુ દેસાઇનું કળા નિર્દેશન ધરાવતી, ‘પ્રકાશ પિક્ચર્સ’ની હિંદી ફિલ્મ ‘રામરાજ્ય’. બન્ને ફિલ્મો ગાંધીજીને પસંદ પડી ન હતી.

ફિલ્મી હસ્તીઓ માટે ગાંધીજી એક એવી તપમૂર્તિ હતા, જેને દૂરથી મનોમન વંદન થઇ શકે, ફિલ્મની જાહેરખબરોમાં તેમના નામ કે ચિત્રનો ઉપયોગ કરી શકાય, પણ તેમની નજીક જવાનો વિચાર ન આવે. કદાચ હિંમત પણ ન ચાલે. પરંતુ બલરાજ સાહની જુદી માટીના બનેલા હતા. ગાંધીજી સાથેનો તેમનો સંસર્ગ અલબત્ત તેમની ફિલ્મી કારકિર્દી પહેલાં થયો, પરંતુ ફિલ્મોમાં સફળ થયા પછી પણ બલરાજ સાહની કદી ‘ફિલમવાળા’ ન થયા. વિચારશીલ અને નિસબત ધરાવતા નાગરિક તરીકેની તેમની મથામણ ચાલુ રહી.

બલરાજ સાહની (મૂળ નામઃ યુધિષ્ઠિર સાહની, જન્મ : ૧ મે, ૧૯૧૩) ૧૯૩૦ના દાયકામાં અંગ્રેજી સાથે એમ.એ. થયેલા. એ પણ ‘ગવર્ન્મેન્ટ કૉલેજ ઑફ લાહોર’ જેવી પ્રતિષ્ઠિત જગ્યાએથી.ત્યાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાર્થીઓને બાંહેધરી આપવી પડતી કે એ કોઇ રાજકીય ચળવળમાં (એટલે કે આઝાદીના આંદોલનમાં) ભાગ નહીં લે.  આર્યસમાજી સંસ્કાર અને ગાંધી-ભગતસિંઘને બદલે કળા-સાહિત્ય પ્રત્યે ઊંડું ખેંચાણ ધરાવતા બલરાજને આ વાતનો વાંધો પણ ન હતો. ભણી લીધા પછી પિતાના કાપડના ધંધામાં બહુ રસ ન પડતાં, બલરાજ ફિલ્મોમાં કામ મેળવવાના આશયથી કલકત્તા પહોંચ્યા. દરમિયાન એક જૂના મિત્રની બહેન દમયંતી સાથે તેમનું લગ્ન થઇ ચૂક્યું હતું. કલકત્તામાં કંઇ ઠેકાણું ન પડ્યું. એવામાં ‘શાંતિનિકેતન’માં હિંદીના શિક્ષકની જગ્યા ખાલી પડતાં રૂ.૪૦ના માસિક પગારે તે પત્ની સાથે ‘શાંતિનિકેતન’ ઉપડ્યા.

Damyanti & Balraj Sahni / દમયંતી- બલરાજ સાહની
થોડા સમય પછી યોગાનુયોગ એવો બન્યો કલકત્તામાં કોંગ્રેસનું મોટું અધિવેશન હતું અને તેમાં ‘શાંતિનિકેતન’નો સ્ટૉલ સંભાળવા માટે બલરાજને મોકલવામાં આવ્યા હતા. એ અરસામાં ગાંધીજીના આશીર્વાદથી ડૉ.ઝાકીર હુસૈને ‘વર્ધા શિક્ષણ યોજના’ શરૂ કરી હતી. તેના હિંદી સામયિક ‘નઇ તાલીમ’ માટે માણસની જરૂર હતી. બલરાજ સમક્ષ એ પ્રસ્તાવ મુકાતાં તેમણે સ્વીકારી લીધો અને નાટક-સિનેમા-કળા-સાહિત્યમાં ઊંડી રૂચિ ધરાવતું આ દંપતિ ઉપડ્યું સેગાંવ. (તેનું નામ ‘સેવાગ્રામ’ ૧૯૪૦માં પડ્યું. કારણ કે, ગાંધીજીએ કરેલી સ્પષ્ટતા પ્રમાણે મહારાષ્ટ્રમાં જ સેગાંવ નામનું બીજું સ્ટેશન હોવાથી, ટપાલો-તારો પહોંચવામાં ગોટાળા થતા હતા.)

બલરાજ સાહનીએ આત્મકથામાં સેવાગ્રામ વિશે એકાદ ફકરાથી વધારે લખ્યું નથી. મુખ્યત્વે એટલું જ કે ત્યાં સરદાર, નેહરુ, મૌલાના જેવા રાષ્ટ્રીય નેતાઓ વારંવાર જોવા મળી જતા હતા અને એક વાર દમયંતીએ ગાંધીજીને મળવા આવેલા સ્ટેફર્ડ ક્રિપ્સ અને જવાહરલાલ નેહરુને પોતાના હાથેથી ચા બનાવીને પીવડાવી હતી. દંપતિના સેવાગ્રામના દિવસોનું વિસ્તૃત વર્ણન બલરાજના ભાઇ અને ‘તમસ’ સહિત અનેક નામી કૃતિઓના લેખક ભીષ્મ સાહનીએ કર્યું છે. ‘બલરાજ, માય બ્રધર’ નામના પુસ્તકમાં ભીષ્મે પોતે ભાઇ-ભાભીને મળવા સેવાગ્રામ ગયા તેનાં સંભારણાં ચિત્રાત્મક ભાષામાં આલેખ્યાં છે.
Bhisham & Balraj Sahmi / ભીષ્મ અને બલરાજ સાહની
સ્ટેશનેથી ઉતરીને કાચા રોડ પર ચાલતી ઘોડાગાડીમાં બીડી સળગાવતા બલરાજને જોઇને ભીષ્મ સાહનીએ પૂછ્‌યું હતું, ‘બીડી ક્યારથી શરૂ કરી?’ બલરાજનો જવાબ, ‘અહીં બધા બીડી પીએ છે.’

ભીષ્મની બીજી જિજ્ઞાસા : ‘રોજ ગાંધીજી જોવા મળે?’  બલરાજે કહ્યું, ‘ના. ક્યારેક જ. તે આશ્રમમાં રહે છે. આપણે આશ્રમના વિસ્તારની બહાર રહીએ છીએ. તને જોવા મળશે. થોડા દિવસ પહેલાં રાજાજી (રાજગોપાલાચારી) અહીં આવ્યા હતા. તને ખબર છે? ગાંધીજી સમયના એવા પાકા છે કે તેમણે રાજાજીને પણ પાંચ મિનિટથી વધારે સમય ન આપ્યો. ઘડિયાળ બતાવીને મિટિંગ પૂરી થયાનો ઇશારો કરી દીધો.’ બલરાજ સાહની ગાંધીભક્ત ન હતા. પણ સેવાગ્રામમાં ગાંધીજીની વાત કરતી વખતે તેમના અવાજમાં ભળી જતો કંપ અને ક્યારેક ઉમેરાતો આવેશ ભીષ્મ સાહનીએ નોંઘ્યો હતો.
સેવાગ્રામમાં ગાંધીજી, નેહરુ અને બાદશાહખાન
‘નઇ તાલીમ’નું કામ આર્યનાયકમ દંપતિ સંભાળતાં હતાં. ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં તેમના યથાયોગ્ય ઉલ્લેખ આવે છે. (બલરાજ સાહનીનો સ્વાભાવિક રીતે જ ક્યાંય ઉલ્લેખ નથી.) બલરાજને આર્યનાયકમ સાથે, આશ્રમની પાસે રહીને, પણ તેના ચુસ્ત નીતિનિયમોમાં સારી એવી છૂટછાટ સાથે કામ કરવાનું હતું. છતાં માહોલ તો ગાંધીનો ખરો જ. રાત્રે ઘરે પહોંચેલા ભીષ્મના ભાણામાં દમયંતીએ   ભાત પીરસ્યો, દાળ રેડી અને કહ્યું, ‘અહીં કોઇ માંસાહાર કરતું નથી અને યાદ રહે, લોકો ફક્ત એક જ હાથથી- જમણા હાથે- જમે છે. પંજાબીઓની માફક બન્ને હાથે રોટી તોડતા નથી.’ ગાંધીની ભૂમિમાં આવ્યાનો પાકો અહેસાસ આપતાં દમયંતીએ કહ્યું, ‘અત્યારે હું તમારી થાળી ધોઇ નાખું છું, પણ કાલથી એ તમારે ધોવાની રહેશે. અહીંનો નિયમ છે. કોઇ નોકર હોતો નથી. તમારે સંડાસ પણ જાતે જ સાફ કરવાનું રહેશે અને ફ્‌લશ-લેટ્રિન નથી.’

સેવાગ્રામના રાતના સન્નાટામાં ઘડીકમાં હિંદી સાહિત્યની, બલરાજની વાર્તાની, હરિવંશરાય બચ્ચનના કાવ્યસંગ્રહ ‘નિશા નિમંત્રણ’ની, તો ઘડીકમાં ગાંધીજી-કસ્તુરબાની વાતો કરતા સાહની ભાઇઓનું ચિત્ર એકદમ જીવંત અને આત્મીય લાગે એવું છે. બીજી સવારે ગાંધીજી ચાલવા નીકળે ત્યારે તેમની સાથે જોડાવાનું નક્કી થયું હતું. એ વખતે બલરાજે ભાઇને કહ્યું, ‘સવારે ગાંધીજી જોડે શ્યામ રંગના એક આશ્રમવાસી હોય છે. તેમના શરીરમાંથી ભયાનક દુર્ગંધ આવે છે. કોઇ માણસ ગાંધીજી સાથે ચીટકી પડ્યો છે એવું તેમને લાગે એટલે ચૂપચાપ એ ગાંધીજીની નજીક આવીને ચાલવા લાગે છે. એની થોડી સેકંડોમાં પેલો માણસ ગાંધીજીથી દૂર થઇ જાય છે. લોકોની વાતચીત પર અંકુશ મૂકવાની ગાંધીજીની આ અહિંસક પદ્ધતિ છે.’

‘પણ ગાંધીજીનું પોતાનું શું?’ એવી ભીષ્મની પૃચ્છાનો જવાબ આપતાં બલરાજે રજૂ કરેલું નિરીક્ષણ બીજા કેટલાકે પણ નોંઘ્યું છે : ‘ગાંધીજીની ઘ્રાણેન્દ્રિય- સુંઘવાની શક્તિ બહુ નબળી છે.’

કસ્તુરબાને જોઇને બલરાજને પોતાનાં માતાજી યાદ આવતાં હતાં. તેમણે ભીષ્મને કહ્યું હતું,‘એ બરાબર માતાજીની જેમ જ બેસે છે અને પ્રાર્થનામાં વચ્ચે વચ્ચે આંખો ખોલીને જુએ છે.’

બીજી સવારે બલરાજ અને ભીષ્મ ગાંધીજી સાથે જોડાયા. ગાંધીજી ચાલ્યા પછી ટી.બી.ગ્રસ્ત કોંગ્રેસ કાર્યકરને મળવા ગયા. ભીષ્મ સાહનીએ લખ્યું છે, ‘ટી.બી.નો દર્દી ગાંધીજી સાથે આનંદપૂર્વક વાતો કરી રહ્યો હતો. ગાંધીજી શું બોલતા હતા એ મારે સાંભળવું હતું, પણ બન્ને ગુજરાતીમાં વાત કરતા હતા. એટલે મને સમજાયું નહીં.’

બલરાજે ગાંધીજી સમક્ષ નાના ભાઇને રજૂ કર્યો, ‘આ મારો ભાઇ છે. કાલે રાત્રે જ આવ્યો છે.’ એ સમયનું વર્ણન કરતાં ભીષ્મ સાહનીએ લખ્યું છે, ‘ચશ્માની પાછળ રહેલી ગાંધીજીની આંખમાં ભૂરાશ પડતી ઝાંય હતી. તેમણે સ્મિત કરીને મારી સામે જોયું અને (બલરાજને) કહ્યું, ‘તું એને પણ ખેંચી લાવ્યો.’ બલરાજે કહ્યું, ‘ના બાપુ, એ થોડા દિવસ રહેવા આવ્યો છે.’ એટલે ગાંધીજીએ કહ્યું, ‘મને એમ કે તું એને અહીં તારી સાથે કામ કરવા લઇ આવ્યો છે.’

સાહનીબંઘુઓ ગાંધીજીની સાથે ચાલવા લાગ્યા. ભીષ્મે ગાંધીજીની રાવલપિંડીની મુલાકાત યાદ કરી, એટલે તેમણે અઢાર વર્ષ પહેલાંની ઝીણામાં ઝીણી વિગતો અને થોડા લોકોનાં નામ પણ યાદ કર્યાં. પાછળ ચાલતા મહાદેવભાઇએ કહ્યું, ‘હું ધારું છું, એ જ મુલાકાત વખતે કોહાટથી પાછા ફરતી વખતે રસ્તે ચાલતી કારનો દરવાજો ઉડી ગયો હતો અને ગાંધીજી રસ્તા પર ફેંકાઇ ગયા હતા.’

આ વાત ૧૯૩૮-૪૦ની છે. ભીષ્મ સાહનીએ નોંઘ્યું છે  તેમ, પચીસ-સત્યાવીસ વર્ષની ઉંમરે બલરાજ સાહનીને એ સમજાતું હતું કે તેમને રાજકારણમાં જવું નથી. કરવું છે તો સાંસ્કૃતિક પ્રકારનું કામ. લેખક બનવું છે, પણ લેખક બનવા માટે શાંતિનિકેતનમાં રહેવું જરૂરી નથી. લેખકે સંસારની વાસ્તવિકતાઓથી દૂર પોતાના એકદંડિયા મહેલમાં ન રહેવાનું હોય.

‘ગાંધી કે ટાગોર બેમાંથી કોઇ એકની સાથે રહેવાનું હોય તો?’ એવા ભીષ્મના સવાલને પહેલાં તો બલરાજે ટાળી દીધો હતો, પણ ભીષ્મે આગ્રહ કરતાં બલરાજે કહ્યું, ‘ગાંધીજી સાથે જ વળી.’

‘ગાંધીજીની સાદગી ને ખાદી ને એવા બધા તરંગતુક્કા (ફેડ્‌સ)માં શ્રદ્ધા નથી તો પણ?’સબલરાજ સાહનીએ આપેલો તેનો જવાબ સાત દાયકા પછી પણ ટકે એવો અને યાદ રાખવા જેવો છે. તેમણે કહ્યું હતું, ‘ગાંધીજીના તરંગો અગત્યના નથી. તેમને તરંગોની રીતે ન જોવાય...તને ખબર છે? ગોળમેજી પરિષદ વખતે બ્રિટિશ વડાપ્રધાને તેમને દાટી આપવા કહ્યું કે ‘તમારી આખી ચળવળને એક દિવસમાં ખતમ કરી શકાય એટલો દારૂગોળો અમારી પાસે છે.’ ત્યારે ગાંધીજીએ કહ્યું હતું, ‘મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, અમારા લોકો તમારા દારૂગોળાને દિવાળીના ફટાકડા ગણીને તેની સાથે રમશે.’ બલરાજ સાહની માટે આ ગાંધીનું વિરાટ દર્શન હતું. આ માણસે જનસમુદાયમાંથી ભય ખંખેરીને તેમને બેઠા અને ઊભા કર્યા હતા.

ઓલ ઇન્ડિયા રેડિયોના અંગ્રેજ ડાયરેક્ટર લાયોનલ ફિલ્ડનના પ્રસ્તાવથી અને ગાંધીજીની સંમતિથી બલરાજ સાહની બ્રિટન ગયા અને ચાર વર્ષ સુધી બી.બી.સી. પર ઉદ્‌ઘોષક તરીકે સેવાઓ આપી. ૧૯૪૪માં ભારત પાછા આવ્યા પછી તે ‘ઇન્ડિયન પીપલ્સ થિએટર એસોસિએશન’ અને સામ્યવાદી પક્ષ સાથે જોડાયા. નૈસર્ગીક, ભાવવાહી અભિનેતા તરીકે ખ્યાતિ પામ્યા. એ પછી પણ ૧૯૭૨માં (મૃત્યુના આગલા વર્ષે) જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પદવીઅર્પણ સમારંભના પ્રવચનમાં તેમણે ગાંધીજી અને બ્રિટિશ વડાપ્રધાન વચ્ચેનો સંવાદ યાદ કરીને, દેશ ગાંધીના માર્ગેથી કેટલો ફંટાઇ ગયો છે તેની પીડા વ્યક્ત કરી હતી.

No comments:

Post a Comment