Wednesday, August 07, 2013

નવાં રાજ્યો : સમસ્યા કે ઉકેલ?

અલગ તેલંગણા/Telanganaની ચર્ચામાં જતાં પહેલાં થોડું, જરૂરી ફ્‌લેશબેકઃ  આઝાદી પછી ભાષાના આધારે રચાનારો પહેલો પ્રાંત આંધ્ર હતો. એ વખતના મદ્રાસ રાજ્યમાંથી તેલુગુભાષી લોકોએ જુદા રાજ્યની માગણી કરી. કેટલાક ગાંધીવાદીઓ અલગ આંધ્ર માટે ઉપવાસ પર ઉતર્યા. તેમાંથી એક પોટ્ટી સીરામુલુ આમરણ ઉપવાસના ૫૬ દિવસ પછી મૃત્યુ પામતાં મદ્રાસ રાજ્યમાં તોફાન ફાટી નીકળ્યાં. દબાણમાં આવેલી નેહરુ સરકારે ડિસેમ્બર, ૧૯૫૨માં અલગ આંધ્ર આપવાનું કબૂલ્યું. તેમાં જૂના હૈદરાબાદ રાજ્યનો ‘તેલંગણા’ વિસ્તાર (તેલુગુઓના પ્રદેશ) ભેળવીને ૧૯૫૬માં આંધ્ર પ્રદેશનું રાજ્ય બનાવવામાં આવ્યું.

એ ઘટનાક્રમના લગભગ સાત દાયકા પછી, આંધ્ર પ્રદેશમાંથી  અલગ તેલંગણા રાજ્યની માગણી મંજૂર રખાતાં, ઇતિહાસનું આખું ચક્ર પૂરું થયું છે. તેલુગુ ભાષાનો દોર આંધ્ર અને તેલંગણાના પ્રદેશોને એક રાજ્ય તરીકે બાંધી રાખશે, એવી ૧૯૫૬માં સેવાયેલી આશા ઠગારી નીવડી છે. (જેમ પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન માટે કેવળ ઇસ્લામના તાંતણે જોડાઇ રહેવાનું શક્ય બન્યું નહીં અને બંગાળીભાષીઓની બહુમતી ધરાવતું પૂર્વ પાકિસ્તાન ૧૯૭૧માં અલગ રાષ્ટ્ર બન્યું.)

તેલંગણાના સ્વીકારની સરકારી જાહેરાત પછી એક તરફ અખંડ આંધ્ર માટે આંદોલન છેડાયું છે, તો બીજી તરફ ગુરખાલેન્ડ, બોડોલેન્ડ અને વિદર્ભ સહિતનાં બીજાં નાનાં રાજ્યોની માગણીઓ નવેસરથી શરૂ થઇ છે. તેની સામે સરકાર અડીખમ રહે અને અલગ તેલંગણાનો નિર્ણય માંડી ન વાળે, તો ચાર-છ મહિનામાં તેલંગણા ભારતનું ૨૯મું રાજ્ય બનશે.

અલગ તેલંગણા રચાય, તે સારું કહેવાય કે ખરાબ? ફેસબુક-ટ્‌વીટર જેવાં માઘ્યમ પર આ મુદ્દે ચાલતી ધડબડાટી જોઇને ક્યારેક એવું લાગે, જાણે તેલંગણા આંધ્ર પ્રદેશમાંથી અલગ થઇને પાકિસ્તાનમાં જોડાઇ જવાનું હોય. વાસ્તવમાં, તેલંગણાના સર્જનને સદંતર વખાણી કે વખોડી શકાય એમ નથી. કારણ કે બન્ને પ્રકારની દલીલો સાથે ‘જો’ અને ‘તો’ સંકળાયેલાં છે.

રાજકીય ગણતરી

યુપીએ સરકારે જે સંજોગોમાં આ નિર્ણય લીધો, તેમાં સરકારની નિર્ણાયકતા નહીં, પણ તેનો રાજકીય તકવાદ ગંધાય છે. છેલ્લાં તેર વર્ષથી અલગ તેલંગણાની ચળવળમાં નવું બળતણ પૂરનાર કે.ચંદ્રશેખર રાવે તેલંગણા રાષ્ટ્રિય કોંગ્રેસ બનાવી અને આંધ્ર પ્રદેશ કોંગ્રેસમાં ભંગાણ પાડ્યું. વર્ષ ૨૦૦૯માં રાવ તેલંગણાની માગણી સાથે આમરણ ઉપવાસ પર ઉતર્યા ત્યારે કંઇક એવી જ સ્થિતિ સર્જાઇ, જે ૧૯૫૨માં સીરામુલુના મૃત્યુ પછી ઉભી થઇ હતી. આંધ્ર પ્રદેશમાં વ્યાપક તોફાન થયાં. ધંધાવેપાર અને રોજિંદું જીવન ખોરવાઇ જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું. યુપીએ સરકારના તત્કાલીન ગૃહમંત્રી ચિદમ્બરમે તેલંગણાની માગણી સ્વીકારી ત્યારે સ્થિતિ થાળે પડી. એ નિર્ણય પછી ચારેક વર્ષ સુધી લંબી તાણીને સુઇ ગયેલી યુપીએ સરકાર અચાનક જાગી અને ગયા મહિને તેલંગણાની રચના માટેની વિધિ શરૂ કરી.

સરકારનું આ પગલું જૂની સમસ્યાના ઉકેલ માટે નહીં, પણ થોડા મહિનામાં આવનારી લોકસભાની ચૂંટણીના લાભાર્થે હોય એવું જણાય છે. આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસી મુખ્ય મંત્રી રેડ્ડીના અકસ્માતે થયેલા અવસાન પછી, તેમના પુત્ર જગન  (પિતાની ગાદી નહીં મળવાને કારણે) કોંગ્રેસની સામે થયા. લોકસભાની ચૂંટણી વખતે આંધ્ર અખંડ હોય તો કોંગ્રેસને એક બાજુથી જગન અને રેડ્ડી પરિવારનો માર પડે, તો બીજી તરફ તેલંગણા રાષ્ટ્રિય કોંગ્રેસ પણ ઘસારો પહોંચાડે. પરંતુ અલગ તેલંગણા બની જાય તો ગણિત બદલાય. આંધ્ર પ્રદેશ લોકસભાની કુલ ૪૨ બેઠકોમાંથી ૧૭ બેઠકો તેલંગણાના અત્યારે જાહેર થયેલા વિસ્તારમાં પડે છે. એ બેઠકો પર કોંગ્રેસને રાહત મળે. ઉપરથી, ચંદ્રશેખર રાવ તેમના પક્ષ સહિત કોંગ્રેસમાં ભળી જાય, એવી પાકી શક્યતા. રાજ્યના વિભાજન જેવા મહત્ત્વના મુદ્દે રાજકીય લાભની ગણતરી કેન્દ્રસ્થાને હોય, એ નવું ન હોય તો પણ ખેદજનક છે. સાથે, એ પણ જાણી લઇએ કે રાષ્ટ્રિય સ્તરે કોંગ્રેસનો મુખ્ય વિરોધપક્ષ ભાજપ અલગ તેલંગણાની રચનાની તરફેણમાં છે.

મુખ્ય ચિંતાઓ

અલગ તેલંગણાની તરફેણનાં કારણો ઝાઝાં નથી. તેલંગણા અને હવે સીમાંધ્ર તરીકે ઓળખાનારા આંધ્ર પ્રદેશના બાકીના વિસ્તારો ભાષા-સંસ્કૃતિ-રીતરિવાજની દૃષ્ટિએ એકરૂપ છે. છતાં, આંધ્ર પ્રદેશ દ્વારા તેલંગણાને અન્યાય થઇ રહ્યો છે અને વિકાસમાં તેની ઉપેક્ષા થઇ રહી છે, એવું માનનારા અલગ તેલંગણાથી રાજી થઇ શકે છે. તેમણે એવું ધારી લીઘું હશે કે ‘એક વાર તેલંગણા આંધ્રમાંથી છૂટું પડે અને આંધ્રની મોહતાજી જતી રહે પછી જોજો, અમે તેલંગણાના લોકો કેવો અમારા પ્રદેશનો વિકાસ કરીએ છીએ.’

તેલંગણાના વિરોધ માટેનાં કારણ જુદાં જુદાં છે. આંધ્ર પ્રદેશનું પાટનગર હૈદરાબાદ ભૌગોલિક રીતે તેલંગણામાં જાય છે. વર્ષોથી આઇ.ટી.ના મથક તરીકેની વૈશ્વિક ખ્યાતિ ધરાવતું હૈદરાબાદ ગુમાવવાનું આંધ્ર પ્રદેશના લોકોને વસમું લાગે, એ સમજાય એવું છે. તેલંગણા અલગ પડ્યા પછી દસ વર્ષ સુધી હૈદરાબાદ આંધ્ર અને તેલંગણાનું સંયુક્ત પાટનગર રહે એવું ઠરાવાયું છે. પરંતુ સીમાંધ્રના લોકોને એ અપૂરતું લાગે છે.

વિરોધનો બીજો, બોલકો મુદ્દો રાષ્ટ્રિય એકતા-અખંડિતતાને લગતો છે. આ મુદ્દામાં સૈદ્ધાંતિક તથ્ય છે, પણ અલગ તેલંગણાની રચનાથી રાષ્ટ્રની અખંડિતતા નહીં જોખમાય, એવું ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ઝારખંડનો અનુભવ ટાંકીને કહી શકાય. આઝાદી પછી તરતના અરસામાં આ ચિંતા બેશક મોટી હતી. સાથોસાથ, કોંગ્રેસે છેક ૧૯૨૦થી ભાષાવાર પ્રાંતની નીતિ સ્વીકારી હતી. તેમની વચ્ચેનો મેળ બેસાડવા ૧૯૪૮માં જવાહરલાલ નેહરુ, વલ્લભભાઇ પટેલ અને પટ્ટાભિ સીતારામૈયાના બનેલા જેવીપી કમિશને કહ્યું હતું કે ભાષાકીય પ્રાંતો રચવા જતાં વહીવટી ગરબડો કે આંતરિક ઘર્ષણ ન થાય એ જોવું પડે. કારણ કે એવું થાય તો (નવા આઝાદ થયેલા દેશની) રાજકીય અને આર્થિક સલામતી જોખમાય. આ કારણથી તેમણે એ કામને થોડાં વર્ષ પાછું ઠેલ્યું હતું, જેથી રાષ્ટ્રને સ્થિર થવાનો સમય મળે.  

પરંતુ અલગ આંધ્રની માગણી ઝડપથી આવી અને સરકારને તે સ્વીકારવી પડી. એ સંદર્ભે જયપ્રકાશ નારાયણે કહ્યું હતું કે ભાષાવાદ સામે સાવચેતી રાખ્યા છતાં, ભાષાવાર પ્રાંતોથી ભડકવાનું યોગ્ય નથી. તેમણે લખ્યું હતું, ‘ભાષાવાર રાજ્યોની માગણીમાં એવું કશું નથી, જેને રાષ્ટ્રવિરોધી કે રાષ્ટ્રની એકતાને હાનિ પહોંચાડનારું ગણી શકાય. લાંબી ચળવળ પછી આંધ્રની (અલગ ભાષાવાર પ્રાંતની) માગણી મંજૂર રખાઇ, ત્યાર પછી આંધ્રની ભારત પ્રત્યેની વફાદારી અડીખમ રહી છે. (આંધ્ર નિમિત્તે) જે કંઇ તોફાનો થયાં ને કડવાશ ઊભી થઇ એ માટે (હકીકતમાં) આ માગણી સ્વીકારવામાં થયેલો વિલંબ કારણભૂત છે.’

નાના રાજ્યની તરફેણમાં થતી આશાવાદી અને પહેલી નજરે સાચી લાગે એવી દલીલ એ છે કે તેનાથી અમુક વિસ્તારોની ઉપેક્ષિત હોવાની લાગણી દૂર થાય છે અને વહીવટી અસરકારકતા વધે છે. પરંતુ વર્ષ ૨૦૦૦માં અસ્તિત્ત્વમાં આવેલાં નવાં રાજ્યો- ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરાખંડના કિસ્સામાં એવું બન્યું નથી. નક્સલવાદીઓનો ગઢ ગણાતો બસ્તર જિલ્લો અખંડ મઘ્યપ્રદેશમાં ઉપેક્ષિત હતો અને મઘ્ય પ્રદેશથી છૂટા પડેલા છત્તીસગઢમાં પણ તે ઉપેક્ષિત જ રહ્યો છે. વહીવટી અસરકારકતાનો ઘણો આધાર રાજકીય ઇચ્છાશક્તિ પર હોય છે અને આ બાબતમાં એકેય રાજકીય પક્ષનો રેકોર્ડ વખાણવા જેવો નથી. અલગ થયેલું રાજ્ય આર્થિક રીતે સ્વનિર્ભર બને એ જરૂરનું છે. એવું ન થાય તો, મોટા રાજ્યના હિસ્સા તરીકે હતી, એવી જ ગરીબ સ્થિતિ તેની નવા અવતારમાં થાય છે અને તેણે કેન્દ્ર સરકાર પાસે ‘વિશેષ દરજ્જા’ માટે રોદણાં રડવાં પડે છે કે ત્રાગાં કરવાં પડે છે.

કોઇ પણ રાજ્યનો વિસ્તાર બહુ મોટો હોય તો ત્યાંના ઘણા લોકોને ‘સ્વ-રાજ્ય’નો અનુભવ થતો નથી, એવી એક દલીલ નાનાં રાજ્યોની તરફેણમાં થાય છે. સૈદ્ધાંતિક રીતે એ સાચી હોવા છતાં, વર્તમાન રાજકારણમાં એ અપ્રસ્તુત બની ગઇ છે. જયપ્રકાશ નારાયણે નાનાં રાજ્યોની તરફેણમાં લખ્યું હતું કે ‘ફક્ત અધિકારીઓ જ નહીં, મંત્રીઓ પણ આખા રાજ્યના લોકો સાથે સીધો સંપર્ક રાખી શકે અને લોકો માટે પણ તે ઉપલબ્ધ બની શકે, એટલો રાજ્યનો વિસ્તાર હોવો જોઇએ.’ પરંતુ આ બાબતને રાજ્યના વિસ્તાર કરતાં નેતાઓની દાનત સાથે વઘુ સંબંધ છે. રાજ્યો અલગ થાય ત્યારે લોકો વચ્ચે પરસ્પર શત્રુવટ કે સંસાધનો માટેની ઉગ્ર ખેંચતાણ ન થાય, એ પણ મહત્ત્વનું છે.

ભારતનાં ૨૮ રાજ્યોની સરખામણીમાં અમેરિકામાં ૫૦ રાજ્યો છે. પરંતુ એ દરેક રાજ્યોનું રાષ્ટ્રિય સંસદમાં એકસરખું વજન છે. ભારતમાં રાજ્યોની વસ્તીના આધારે લોકસભામાં તેમનું પ્રતિનિધિત્વ નક્કી થાય છે. તેની રાષ્ટ્રિય રાજકારણ પર સીધી અસર પડી શકે છે. સ્થાનિક આકાંક્ષાઓ કે જ્ઞાતિગણિતોના આધારે બહુમતી મેળવીને સત્તામાં આવેલા સ્થાનિક પક્ષો રાષ્ટ્રિય પક્ષોને નચાવી શકે છે અને રાષ્ટ્રિય રાજકારણમાંથી રાષ્ટ્રિયતાનું તત્ત્વ ધીમે ધીમે ઓછું થતું જાય છે.

અલગ તેલંગણાના પગલે આસામમાંથી બોડોલેન્ડ, બંગાળમાંથી ગુરખાલેન્ડ, મહારાષ્ટ્રમાંથી વિદર્ભ, ઉત્તર પ્રદેશના ચાર ભાગની હિલચાલો ફરી તેજ બની છે. શિવસેનાએ અલગ જમ્મુ રાજ્યની માગણી કરી છે. આ તમામને કોઇ સર્વસામાન્ય નિયમ કે રાજકીય સ્વાર્થની એક લાકડીથી હંકાર્યા વિના, પ્રત્યેક માગણીના ફાયદા-નુકસાનનો વિચાર કરીને નિર્ણય લેવો પડે. સરહદી રાજ્યોમાં વિશેષ સાવધાની રાખવાની થાય.

દેશની અખંડિતતાનો અને નાગરિકોના હિતનો આધાર રાજ્યના અખંડ કે વિભાજિત સ્વરૂપ પર નહીં, તેમનો વહીવટ કેવી રીતે થાય છે એની પર હોય છે. રાજકીય નેતાગીરી અત્યારે છે એવી હોય તો, રાજ્ય મોટું રહે કે ટુકડામાં વહેંચાય, આંતરિક સલામતીથી માંડીને આર્થિક પ્રગતિની બાબતમાં સામાન્ય નાગરિકોનો કશો શક્કરવાર વળવાનો નથી. તેની પર રાજકારણના રોટલા શેકાશે, એટલું જ. 

1 comment:

  1. 'સમસ્યા' જ વળી,બીજું શું? -આ અને આવી અગણીત બીજી સમસ્યાઓ રાજકારણીઓ સજૅતા રહે,લોકો કે લોક-લાગણીઓને નામે,એ જ સત્તાનશીન રહેવા તેમને માટે 'ઉકેલ' અને એ જ અંતીમ ઉદેશ!

    ReplyDelete