Tuesday, February 05, 2013

હિઝ માસ્ટર્સ વોઇસ ધમાકેદાર ભૂતકાળ, ધૂંધળું ભવિષ્ય

વીસમી સદીની અત્યંત લોકપ્રિય અને સર્વવ્યાપી ઓળખ ધરાવતી બ્રાન્ડ એટલે એચ.એમ.વી./ HMV અને સંગીતનો પર્યાય બની ગયેલો તેનો 'લોગો'-  ગ્રામોફોનના ભૂંગળામાં મોં નાખીને બેઠેલો કૂતરો નીપર. ભારતીય ફિલ્મી અને બિનફિલ્મી સંગીતના સુવર્ણયુગનું મોટા ભાગનું રેકોર્ડિંગ એચ.એમ.વી.ની 'થાળી'ઓ પર થયું : શરૃઆતમાં બન્ને બાજુ એક-એક ગીત આવે એવી ૭૮ આરપીએમની રેકોર્ડ, પછી બે બાજુ પર બબ્બે ગીત સમાવતી ઇ.પી. (એક્સટેન્ડેડ પ્લે) અને છેલ્લે આશરે ૪૫ મિનીટનો સમય ધરાવતી એલ.પી. (લોંગપ્લે).
Gramophone Saraswati/ 'ગ્રામોફોન સરસ્વતી'
ભારતમાં લાંબા સમય સુધી એકચક્રી અને એકહથ્થુ ધંધો કરનાર એચ.એમ.વી.ની અસલ માતૃકંપની બ્રિટનમાં છે. જાન્યુઆરી, ૨૦૧૩માં તે હતી-ન હતી થવાના આરે આવી ગઇ. એક સદીથી પણ વધુ જૂની એચ.એમ.વી. માટે ડિજિટલ યુગની સાથે મુસીબતોની શરૃઆત  થઇ. ઇન્ટરનેટ થકી ગીત-સંગીતની ઉપલબ્ધિ અને આપ-લે એટલાં સુલભ બન્યાં કે એચ.એમ.વી.ને એકાધિકાર તો ઠીક, અસ્તિત્ત્વ ટકાવવાનાં ફાંફાં પડી ગયાં. બ્રિટનની બે મોટી બેન્કોએ વધુ લોન આપવાની ના પાડી દીધી. એચ.એમ.વી.ની એવી દુર્દશા થઇ કે નાતાલના તહેવાર પહેલાં તેની  શાખાઓએ વેચેલાં ગિફ્ટ વાઉચર વટાવી નહીં શકાય, એવી જાહેરાત કરવી પડી. 
 
આગોતરાં નાણાં લઇને અપાયેલાં વાઉચર રાતોરાત કાગળિયાં બની જતાં, ગ્રાહકોએ હોબાળો મચાવ્યો. કંપનીએ બ્રિટનમાં નાદારી સમકક્ષ ગણાતી વહીવટદારો નીમવાની માગણી કરી. વહીવટદારોએ  હિસાબકિતાબ તપાસ્યા પછી ગિફ્ટ વાઉચર સ્વીકારવા જેટલી કંપનીની ત્રેવડ રહી હોવાનું જાહેર કરતાં લોકોનો રોષ શમ્યો, પરંતુ એચ.એમ.વી.ના ભવિષ્ય સામેનો પ્રશ્ન વધારે ઘેરો બન્યો છે.
મંદીગ્રસ્ત બ્રિટનમાં ઉઠી ગયેલી મોટી કંપનીઓની જેમ એચ.એમ.વી. પણ છેક ધારે ધકેલાઇ. બ્રિટન, આયર્લેન્ડ, સિંગાપુર અને હોંગકોંગમાં એચ.એમ.વી.ના ૨૪૦ સ્ટોર અને તેમાં કામ કરતા ચાર હજારથી પણ વધુ કર્મચારીઓ માટે લટકતી તલવાર છેક ગળા સુધી આવી ગઇ. બ્રિટનના શેરબજારમાંથી એચ.એમ.વી.ના શેરનું ટ્રેડિંગ અટકાવી દેવાયું. કંપનીની વેબસાઇટ ઉપર વેચાણ બંધ કરી દેવામાં આવ્યું.

ફડચામાં ગયેલી કંપનીઓના રીસ્ટ્રક્ચરિંગ માટે જાણીતી 'હિલ્કો'/ Hilco કંપનીને કામચલાઉ ધોરણે એચ.એમ.વી.નું તંત્ર સોંપાયું. તેના પગલે એક શક્યતા એવી પણ ઊભી થઇ કે 'હિલ્કો' એચ.એમ.વી.ને ખરીદી લે અને સોની, વોર્નર મ્યુઝિક, યુનિવર્સિલ મ્યુઝિક જેવી અમેરિકન કંપનીઓ તેને ધંધામાં મદદ કરે. આ લેખ તમારા સુધી પહોંચે ત્યાં સુધી વાટાઘાટો પાર પડી ગઇ હોય અને ભૂંગળામાં મોં નાખીને બેઠેલા કૂતરાના 'લોગો'ની માલિકી બદલાઇ ગઇ હોય એવું પણ શક્ય છે.

એચ.એમ.વી. થકી જગવિખ્યાત બનેલા કૂતરાનું ચિત્ર પહેલી વાર ૧૮૯૯માં ચિત્રકાર ફ્રાન્સિસ બારાડે / Francis Barraud બનાવ્યું ત્યારે તેને અંદાજ પણ નહીં હોય કે તેણે એક સદીથી વધુ ટકી જનારો 'લોગો' સર્જ્યો છે. ફોક્સ ટેરીઅર જાતનો, 'નીપર' નામ ધરાવતો એ કૂતરો ફ્રાન્સિસના ભાઇ માર્કનો હતો. માર્કના મૃત્યુ પછી ફ્રાન્સિસ નીપરને પોતાના ઘરે લઇ આવ્યો. એ વખતે ગ્રામોફોન (થાળીવાજું)ને બદલે ફોનોગ્રાફ (ચૂડીવાજું) પ્રચલિત હતું. તેમાં ગોળ રેકોર્ડની જગ્યાએ નળાકાર (સિલિન્ડર) વાગે. તેમાં અવાજ ક્યાંથી આવે છે, એ વાતનું નીપરને એટલું આશ્ચર્ય થતું કે ફોનોગ્રાફ વાગતું હોય ત્યારે ભૂંગળામાં મોં નાખીને બેસી રહેતો. એ દૃશ્ય ફ્રાન્સિસના મનમાં એવું અંકાઇ ગયું હતું કે નીપરના મૃત્યુના ત્રણ વર્ષ પછી તેમણે એને કેનવાસ પર ઉતાર્યું. ચિત્રનું તેમણે આપેલું નામ હતું: 'ડોગ લુકિંગ એટ એન્ડ લિસનિંગ ટુ એ ફોનોગ્રાફ.' પછીથી તેનું નામ બદલીને 'હિઝ માસ્ટર્સ વોઇસ' પાડવામાં આવ્યું. ફ્રાન્સિસે આ ચિત્રના પેટન્ટ મેળવી લીધા, પણ તેનો કોઇ લેવાલ મળ્યો નહીં. ફોનોગ્રાફ બનાવતી એડિસનની કંપનીએ તો કહી દીધું કે 'કૂતરાં ફોનોગ્રાફ ન સાંભળે.'


ફ્રાન્સિસે ફોનોગ્રાફની જગ્યાએ ગ્રામોફોન સાંભળતા નીપરનું  ચિત્ર દોર્યા પછી ૧૮૯૮માં સ્થપાયેલી 'ધ ગ્રામોફોન કંપની'ને તેમાં રસ પડયો.  કંપનીએ ફક્ત ચિત્રને જ નહીં, તેના નામ 'હિઝ માસ્ટર્સ વોઇસ'ને પણ અપનાવી લીધું. ત્યાર પછી થોડાં વર્ષોમાં 'કુત્તાવાલી' રેકોર્ડનો સિક્કો જામ્યો. લંડનમાં ૧૯૨૧માં તેનો પહેલો સ્ટોર ખુલ્યો. દસ વર્ષ પછી 'ધ ગ્રામોફોન કંપની' તથા 'ધ કોલંબિયા ગ્રામોફોન કંપની'ના જોડાણથી ઇ.એમ.આઇ. (ઇલેક્ટ્રિક એન્ડ મ્યુઝિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) અસ્તિત્ત્વમાં આવી. પાંચેક દાયકા પછી ૧૯૯૮માં ફરી ઇ.એમ.આઇ.માંથી એચ.એમ.વી. અલગ થઇ અને ૨૦૧૩માં એચ.એમ.વી.નું અસ્તિત્ત્વ જોખમમાં આવી ગયું.

'ધ ગ્રામોફોન કંપની' સ્થપાયા પછી બીજા જ વર્ષે, ૧૮૯૯માં બ્રિટનમાં રહેતા કેટલાક ભારતીયોના અવાજમાં રામાયણના શ્લોક, કુરાનની આયતો, ગુરુ નાનકના શબદ અને ગાલિબની શાયરી જેવી સામગ્રી રેકોર્ડ કરવામાં આવ્યાં હતાં. ૧૯૦૧માં કંપનીએ કોલકાતામાં ઓફિસ શરૃ કરી. પરદેશથી તેના નિષ્ણાત ગેઇસબર્ગ  રેકોર્ડિંગ માટે ટીમ લઇને ભારત આવવા લાગ્યા. ગ્રામોફોન કંપનીનાં ભારતીય રેકોર્ડિંગની શરૃઆત ૧૯૦૨માં થઇ. એ અરસાના કંપનીનાં ભારતીય કલાકારોમાં સુપરસ્ટાર હતાં ગૌહરજાન. તેમની લોકપ્રિયતા એટલી હતી કે ૨૦ ભારતીય ભાષાઓમાં તેમનાં ૬૦૦થી પણ વધુ ગીત રેકોર્ડ થયાં. દરેક ગીત પૂરું થયા પછી છેલ્લે એ બોલતાં 'માય નેમ ઇઝ ગૌહરજાન', જેથી રેકોર્ડિંગ જર્મનીમાં આવેલા કારખાને પહોંચે અને તેમાંથી 'થાળી' બનતી હોય ત્યારે કલાકારના લેબલમાં કોઇ ગરબડ ન થાય. રેકોર્ડ થયેલા અવાજનું એડિટિંગ કરવું અત્યારના જેટલું સહેલું ન હોવાથી, શ્રોતાઓને ગીતની સાથે 'માય નેમ ઇઝ ગૌહરજાન' પણ સાંભળવા મળતું હતું, જે તેમને ગીત જેટલું જ રોમાંચકારી લાગતું હતું.

'સોસાયટી ફોર ઇન્ડિયન રેકોર્ડ કલેક્ટર્સ'ના સુરેશ ચાંદવણકરે  નોંધ્યું છે કે એ અરસાના ઘણા ઉસ્તાદો પોતાના ગાયનની રેકોર્ડ ઉતારવા રાજી ન હતા. 'આપણો અવાજ આ થાળીમાંથી વાગતો થઇ જશે, તો  જલસામાં આપણને સાંભળવા કોણ આવશે?' એવું તેમને લાગતું હતું. તેના કારણે વિષ્ણુદિગંબર પળુસ્કર અને અલ્લાદિયાખાન સહિત ઘણાના અવાજ ક્યાંય રેકોર્ડ ન થયા અને તેમની મહાનતાની ફક્ત વાતો રહી ગઇ.

ગ્રામોફોનના ભૂંગળામાંથી માણસનો અવાજ આવતો હોય એ વાત ફક્ત નીપર કૂતરાને જ નહીં, મોટા ભાગના માણસોને પણ નવાઇ પમાડતી હતી. કેતન મહેતાની ફિલ્મ 'મિર્ચ મસાલા'માં ક્રૂર જમાદાર નસીરૃદ્દીન શાહ ગામના લોકો પર પોતાની ધાકના પ્રદર્શન તરીકે સોટીની સાથોસાથ ગ્રામોફોનનો પણ ઉપયોગ કરતો બતાવાયો છે. 'સાહેબ ભૂંગળામાં કોઇ ગાનારીને પૂરી લાવ્યા છે' એવું સમજીને ગામલોકો અહોભાવથી સાહેબ તરફ ને ગ્રામોફોન તરફ જોઇ રહે છે. આવી નવાઇનો લાભ એચ.એમ.વી.એ જાહેરખબરોમાં ભરપૂર પ્રમાણમાં લીધો. સુરેશ ચાંદવણકરે નોંધ્યા પ્રમાણે, ગ્રામોફોન કંપનીની એક જાહેરાતમાં દેવી દુર્ગા અને તેમની આસપાસ કેટલાંક પ્રાણીઓ ગ્રામોફોન પરથી સંગીત સાંભળતા હોય એવું દર્શાવાયું હતું. મુસ્લિમ ગ્રાહકોના લાભાર્થે કંપનીએ જહાંગીરના દરબારનું ચિત્ર બનાવ્યું હતું, જેમાં સૌ દરબારીઓ અને બાદશાહ પોતે ગ્રામોફોન સાંભળતા હતા. એક બંગાળી બાબુ જી.એન.મુખરજી પાસે ગ્રામોફોન કંપનીએ તૈયાર કરાવેલા ચિત્ર 'ગ્રામોફોન-સરસ્વતી'માં કલ્પનાશીલતાની હદ આવી.  તેમાં ગ્રામોફોનને દૈવી વાદ્ય તરીકે રજૂ કરવા માટે, દેવી સરસ્વતી વીણાને બદલે ગ્રામોફોન વગાડતાં દેખાડાયાં હતાં.

(ગ્રામોફોન રેકોર્ડના આરંભકાળની અજાયબ જાહેરખબરો અને તેનાં ચિત્રવિચિત્ર લખાણોની વાત આવતા સપ્તાહે)

2 comments:

  1. ગ્રામોફોનના ભૂંગળામાંથી માણસનો અવાજ આવતો હોય એ વાત ફક્ત નીપર કૂતરાને જ નહીં, મોટા ભાગના માણસોને પણ નવાઇ પમાડતી હતી. ઉર્વીશભાઈ, લાગે છે અવાજ પાછો ભુંગળામાં સમાઈ ગયો અને અવાજના આત્માએ નવું ખોડીયું શોધી લીધું....

    ReplyDelete
  2. તમારાં ઘરે ગ્રામોફોન ઉપર, ડો. શરદ ઠાકર અને રજનીકુમાર પંડ્યા સાથે " ઉસ્તાદ ફતેહ અલીખાનની, તુમ એક ગોરખ ધંધા હો," સાભળ્યુ હતું એ એક યાદગાર પ્રસંગ હતો.

    ReplyDelete