Wednesday, August 08, 2012

ઓલિમ્પિકમાં ભારતઃ નવી દૃષ્ટિએ


દર ચાર વર્ષે એક વાર ભારતમાં કકળાટની સીઝન આવે છે. દુનિયા તેને ઓલિમ્પિક રમતોત્સવના નામથી ઓળખે છે. કકળાટનો મુદ્દો એ નથી કે ભારતમાં ઓલિમ્પિકનું આયોજન કેમ નથી થતું. સુરેશ કલમાડી જેવા જીવો ભારતમાં ઓલિમ્પિક યોજવા માટે ત્રાગું કરી શકે છે- એટલે કે જંતરમંતર પર કે રામલીલા મેદાન પર ઉપવાસ કરી શકે છે. સીઘું ગણિત છેઃ કોમનવેલ્થ ગેમ્સમાં અમુક રકમનાં કૌભાંડ થયાં, તો તેનાથી અનેક ગણી મોટી ઓલિમ્પિકમાં તેના ઘ્યેયમંત્ર પ્રમાણે ‘ફાસ્ટર, હાયર અને સ્ટ્રોંગર’ કૌભાંડ કરવાની તક મળે કે નહીં?

પરંતુ ચતુર્વર્ષી લોહીઉકાળાનો મુખ્ય મુદ્દો છેઃ એક અબજની વસ્તીમાં એક પણ ગોલ્ડમેડલ નહીં? વસ્તીનો આંકડો સામાન્ય રીતે બહુ ન ઉછાળાતો મુદ્દો છે. પહેલાં પાંચ કરોડ, પછી સાડા પાંચ કરોડ અને હવે છ કરોડ ગુજરાતીઓના હિતરક્ષણની દુહાઇઓ આપીને ગુજરાતના મુખ્ય મંત્રીએ સૌને ગુજરાતની વસ્તી મોઢે કરાવી દીધી છે. રાષ્ટ્રની વસ્તીના આંકડા માટે એવું ખાસ બનતું નથી, પરંતુ ઓલિમ્પિક આવે ત્યારે રટણ શરૂ થઇ જાય છેઃ એક અબજની વસ્તીમાં...

ટીકા કરનારા ભૂલી જાય છે કે હમ ઇસ દેશકે વાસી હૈ જહાં, વાલ્મિકી કે તુલસીદાસ થકી નહીં તો રામાનંદ સાગરના પ્રતાપે પણ, રામાયણની કથા સૌ જાણે છે. સીતાજીએ સુવર્ણમૃગ માટે કરેલી જિદ અને તેનાં પરિણામો હજુ લોકો ભૂલ્યા નથી. સામાન્ય રીતે બોધપાઠ લેવામાં ઉદાસીન ભારતીયોએ ત્યારથી સુવર્ણ પાછળ નહીં દોડવાની ગાંઠ વાળી હોય, એવું ઓલિમ્પિકમાં ભારતીયોના ઇતિહાસ પરથી સ્પષ્ટ તારવી શકાય છે. ભારતીયોને સોનું વહાલું છે એની ના નહીં, પણ એના માટે આટલા બધા લોહીઉકાળા કરવાની શી જરૂર?

ચચ્ચાર વર્ષ સુધી દિવસ-રાત પ્રેક્ટિસ કરવી, તનતોડ મહેનત કરવી ને તાલીમ માટે અઢળક ખર્ચા કરવા- એટલી મહેનત ધંધામાં કરીએ કે એટલું રોકાણ શેરબજારમાં કરીએ તો, આપણે બીજાને સુવર્ણચંદ્રકો આપવા જેટલું કમાઇ શકીએ. આ સચ્ચાઇ હર્ષદ મહેતા-કેતન પારેખના દેશના વાસીઓ ન જાણતા હોય? કેટલાક ઉત્સાહીઓ સુવર્ણચંદ્રક સાથે સંકળાયેલા અમરત્વ અને ગૌરવના મુદ્દા આગળ લાવે છે, પણ સાચું કહેજોઃ ઓલિમ્પિકમાં અનેક વાર હોકીમાં સુવર્ણચંદ્રક જીતનાર ટીમના ઘ્યાનચંદનું નામ કેટલાને યાદ છે? (એ સિવાયના સભ્યોની તો વાત જ નથી.) તેમની સરખામણીમાં સોનાની દાણચોરી કરતા હાજી મસ્તાન ટાઇપના દાણચોરોને હજુ લોકો યાદ કરે છે અને આટલાં વર્ષે પણ તેમના જીવન પરથી ફિલ્મો બનાવે છે.

ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ મળતા નથી, એવાં રોદણાં રડનારા ભૂલી જાય છે કે ભારત રેંજીપેંજી, ભીખારી દેશ નથી. તે ભાવિ સુપરપાવર છે. ત્યાં વગર દોડે કે ફેંકે કે કૂદે અબજોના અબજો રૂપિયા આમથી તેમ થઇ જાય છે. એ દેશના નાગરિકો સોનાના ટુકડા ખાતર ઉચ્ચ ભૂમિકા પરથી નીચે ઉતરીને તમે કહો તેમ દોડવા તૈયાર ન થઇ જાય. સોનાનો મોહ છોડવાનું ભલે ભારતીયોના હાથમાં ન હોય, પણ સોનું ખરીદવા જેટલી ક્ષમતા તેમનામાં હજુ બરકરાર છે. વિશ્વભરમાં સોનાની ખરીદી કરવામાં ભારતીયો મોખરે છે અને સુવર્ણચંદ્રક મેળવવામાં એ સૌથી છેલ્લે- આ બન્ને બાબતો એકસાથે મૂકીને જોવાનું અભ્યાસીઓને કેમ સૂઝતું નહીં હોય?

દેખાદેખી માણસની દૃષ્ટિ હણી લે છે. એટલે ઓલિમ્પિક રમતોમાં મેડલોની યાદી બહાર પડે અને તેમાં બીજા દેશોની સરખામણીએ ભારત બહુ પાછળ હોય એટલે હાયવોય શરૂઃ એક અબજની વસ્તીમાં... ઉત્સાહીઓ વળી ચીનના દાખલા આપીને ભારતને શરમાવવાનો પ્રયાસ કરે છે. ભાઇ, ચીન ચીન છે ને ભારત ભારત. ચીનમાં સામુહિક હત્યાકાંડો થાય ત્યારે સરકાર તેને વાજબી ઠરાવતી નથી. એ માહિતી પર ઢાંકપિછોડા કરે છે, જ્યારે ભારતમાં કેન્દ્ર-રાજ્યની સરકારો હત્યાકાંડોને આઘાત-પ્રત્યાઘાતની થિયરી આપીને વાજબી ઠેરવે છે, ખાનગીમાં તેના વિશે ગૌરવ લે છે, તેમાંથી પોતાની છબી બનાવે છે અને લોકપ્રિયતાની સાથે મત પણ મેળવે છે.

તેમ છતાં,  સરખામણીની ધોંસ વધી જાય અને ભારતને ધરાર નીચાજોણું કરવાની કાવતરાબાજી વધી પડે ત્યારે વિવેક છોડીને કહેવું પડે છે કે ભારતમાં છે એવા ચેમ્પિયન જગતમાં ક્યાંય નથી. પરંતુ તેમની કદર કરવી ન પડે, એ માટે ઓલિમ્પિક કમિટીવાળા અમુક ભારતીય રમતો સ્પર્ધામાં રાખતા નથી. વિરોધાભાસો જીવવા અને જીરવવા એ ભારતની નીયતી છે. કોઇ પણ ભોગે અમેરિકા જવાની લાલસા અને આપણી સંસ્કૃતિ શ્રેષ્ઠ હોવાનું ગુમાન એકસાથે રહી શકે છે, એવી જ રીતે સહેલાઇથી ગોલ્ડમેડલ જીતી શકે એવા પ્રતિભાશાળીઓ અને મેડલની યાદીમાં ગોલ્ડમેડલનો અભાવ- આ બન્ને પણ ભારતના મામલે એકસાથે બની શકે છે.

કઇ છે એ રમતો, જે ઓલિમ્પિક કમિટીવાળા અંચઇ કરીને ભારતને ગોલ્ડમેડલથી વંચિત રાખવા માટે યોજતા નથી? કેટલાંક ઉદાહરણ.

સિરીઅલ ફાસ્ટ

ના, ફાસ્ટ દોડવાની વાત નથી, પણ ફાસ્ટ (ઉપવાસ) કરવાની રમતની વાત છે. ઓલિમ્પિક સ્પર્ધાઓ ચાલે એ દરમિયાન કયો ખેલાડી સૌથી વઘુ ઉપવાસ ખેંચી શકે છે, એવી સ્પર્ધા રાખવામાં આવે તો  કોઇની તાકાત છે કે અન્ના હજારેને ગોલ્ડમેડલ મેળવતાં અટકાવી શકે? હવે છેલ્લા ઉપવાસ પછી અરવિંદ કેજરીવાલ પણ સિલ્વર મેડલ લઇ આવે એવા થઇ ગયા છે. બસ, ઓલિમ્પિક કમિટીએ આ સ્પર્ધા પૂર્વે એટલું જાહેર કરવું પડે કે અમે ઓલિમ્પિક રમતોને જનલોકપાલના સત્તાક્ષેત્રથી બહાર રાખવા ઇચ્છીએ છીએ.

સ્પેક્ટ્રમ-વહેંચણી

દુનિયાના ભલભલા પ્રગતિશીલ દેશોને મોબાઇલ સેવાઓના સ્પેક્ટ્રમની વહેંચણીમાં ઘણો સમય લાગી જાય છે. તેમના ખેલાડીઓ હજુ તો વિચારતા હોય ત્યાં ભારત તરફથી મેદાને પડેલા એ.રાજા દોડવીર  બોલ્ટ કે તરવૈયા ફેલ્પ્સને ચકિત કરી દે એટલી ઝડપે સ્પેક્ટ્રમની વહેંચણી કરીને અચૂક ગોલ્ડમેડલ પ્રાપ્ત કરે. શરત એટલી કે સ્પેક્ટ્રમની વહેંચણીમાં લાભાર્થી તરીકે એમની સાથે સાંઠગાંઠ ધરાવતી કંપનીઓ હોવી જોઇએ અથવા એ કંપનીઓ સાથે તેમનું ગોઠવાઇ શકશે, એની તેમને ખાતરી હોવી જોઇએ.

બોલ-ટેનીસ

આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે ભારત સામે કેવું કાવતરું ચાલે છે, તેનો વઘુ એક નમૂનો છે. ટેનીસની રમતનો સાર આખરે શું છે? કોર્ટમાં પહોંચ્યા પછી બોલ સતત સામેના ખેલાડી તરફ મોકલી આપવાનો એ જ ને? આ રમતાં ભારતના નેતાઓને કોઇ પહોંચી વળે એવું લાગે છે? જો બોલીને ટેનીસ રમવાની મેચ રાખવામાં આવે તો ભારતીય નેતાઓ ફક્ત સુવર્ણ જ નહીં, તમામ ચંદ્રકો જીતી જાય. એ સંભાવના ટાળવા માટે ટેનીસમાં રેકેટ અને બોલ જેવાં બાહરી તત્ત્વો દાખલ કરવામાં આવ્યા. જે કામ પરસેવો પાડ્યા વિના, (રીઝર્વ બેન્કનાં અને અન્ય) કાગળીયાંના જોરે થઇ શકતું હતું તે- કોર્ટમાં સામેના પક્ષે બોલ મોકલી આપવાના- કામ સાથે દોડાદોડ અને શારીરિક મજૂરી સાંકળી લેવામાં આવ્યા, જેથી ભારતના નેતાઓ તેમાં ભાગ લેવા ઉતરે જ નહીં.

4 comments:

  1. મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?
    ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

    દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના,
    લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !

    છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
    ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!!

    - કરસનદાસ માણેક

    ReplyDelete
  2. Anonymous3:08:00 AM

    ઓલંપિકમાં આપણાં ધુંરંધરોને મોકલવા જે અધધ ખર્ચ કરવો પડે છે અને પરિણમ -હસ્યસ્પદ.એના કરતા ઘણા થોડા ખર્ચે આપણે થોડા ચંદ્ર્કો બનાવી અશાસ્પદ ખેલાડીઓને માનદ અર્પણ કરી,આ ખોટો ખર્ચ બચાવી લેવો જોઈએ.

    ReplyDelete