Wednesday, April 11, 2012

આઇસક્રીમ-સ્વયંવર


આઇસક્રીમ ખાવો એ સીધીસાદી અને આનંદદાયક ક્રિયા હોઇ શકે છે, પણ તેની ફ્‌લેવરની જેમ તેના ખાનારામાં પણ ભારે વૈવિઘ્ય જોવા મળે છે. અમુક આઇસક્રીમપ્રેમીઓ એવા હોય છે કે તેમને ઉંઘમાંથી ઉઠાડીને પૂછવામાં આવે કે ‘તમારે કયો આઇસક્રીમ?’ તો આંખ -કે મગજ સુદ્ધાં- ખોલ્યા વિના પોતાની પસંદ બોલીને ફરી સુઇ જાય. ‘આપણો તો કેસરપીસ્તા’ એવું બોલતી વખતે તેમના અવાજમાં‘આપણે તો ભારતીય’ બોલવા જેવો સનાતન સત્યનો અને ખાતરીનો રણકાર સાંભળી શકાય.

બીજો પ્રકાર પ્રયોગશીલોનો છે. આઇસક્રીમની દુકાને મળતી તમામ ફ્‌લેવર સાથે તેમને સંબંધ સાચવવાનો હોય એમ, દરેક વખતે તે ‘અત્યાર સુધી કયા ખાધા અને તેમાં કયો સૌથી વધારે ભાવ્યો’ એના વિચારમાં નહીં, પણ ‘હવે કયા બાકી રહ્યા? જોજો, એકેય રહી ન જવો જોઇએ’ એની  ચિંતામાં હોય છે. ‘ગઇ વખતે પેલો આદુ-મરચા-ધાણાનો મિક્સ આઇસક્રીમ ખાધો હતો ને? હવે આ વખતે સૂરણનો આઇસક્રીમ ટ્રાય કરી જોઇએ.’ તેમની સાહસવૃત્તિ અપાર હોય છે. ઘણી વાર તે ઉત્સાહી દુકાનદારને સૂચન પણ કરે છે કે ‘તમે પાણીપુરીના પાણીનો આઇસક્રીમ બનાવતા હો તો?’ અથવા ‘આપણા દેશી રીંગણના ભડથાનો  આઇસક્રીમ બને? વિચારી જોજો.’

ત્રીજા પ્રકારના લોકો પહેલાં તો દુકાને લટકતા પાટિયા કે મેનુ પર લધુશોધનિબંધ લખવાનો હોય એવી રીતે તેના અભ્યાસમાં ડૂબી જાય છે. તેમને યાદ કરાવવું પડે છે કે આપણે પાટિયાના અભ્યાસાર્થે નહીં, પણ આઇસક્રીમ આરોગવા આવ્યા છીએ. કર્તવ્યભાન પુનઃ જાગ્રત થયા પછી એ ફરી એકડે એકથી મેનુ વાંચવાનું શરૂ કરે છે. તેમની સાથે આવેલો જણ તેમની સામે આતુરતાથી તાકી રહે છે, જાણે હમણાં તેમના મોમાંથી પસંદગીની ફ્‌લેવરનું નામ નીકળશે. પરંતુ આ વખતે તે વિવિધ ફ્‌લેવરના તુલનાત્મક અઘ્યયનમાં ડૂબેલા હોય એમ લાગે છે. થોડી ઉતાવળ અને દુકાનદારની કે વેઇટરની ઓર્ડરવાંચ્છુક કડક નજરો પછી આ પ્રકારના માણસ છેવટે એવી ફ્‌લેવરનો ઓર્ડર આપે છે, જે સીઝન નહીં હોવાને કારણે તૈયાર હોતી નથી. માંડ નક્કી થયેલી ફ્‌લેવરની માગણી નિષ્ફળ જાય, એટલે નવેસરથી કસરત ચાલુ. આ રીતે આઇસક્રીમ ખાવા કરતાં સરેરાશ ત્રણેક ગણો વઘુ સમય એ લોકો દુકાનના પાટિયા કે મેનુના અભ્યાસમાં વીતાવે છે. છેવટે આઇસક્રીમ ખાઇને નીકળતી વખતે તેનો સ્વાદ નહીં, પણ મેનુ કે પાટિયું જ યાદ રહી જાય છે.

આઇસક્રીમ ખાનારનો એક પ્રકાર એવો છે, જે માને છે કે દુનિયામાં આખરે વિવેક જેવું કંઇક હોય છે. કોઇ આપણને ‘તમારે કયો આઇસક્રીમ?’ એવું પૂછે અને આપણે ધડ દઇને ‘સ્ટ્રોબેરી’ એવું કહી દઇએ તો સારું લાગે? આ કંઇ ઠરેલ માણસનાં લક્ષણ ન કહેવાય. આઇસક્રીમ ખાતાં પહેલાં - તેની ફ્‌લેવરનું નામ પાડતાં પહેલાં થોડો વિવેક કરવો જોઇએ. જેમ કે, ‘અરે, તમે જે મંગાવો તે આપણને ચાલશે.’ અથવા ‘તમારી પસંદગી એ મારી પસંદગી. આપણને બધા જ ભાવે છે.’

આવા આત્માઓનો પનારો પ્રયોગશીલ યજમાન સાથે પડી જાય અને તે પૂછી કાઢે કે ‘હું તો રીંગણનો મંગાવાનો છું. તમારે એ ચાલશે?’ પરંતુ વિવેકીઓના સદ્‌ભાગ્યે એવું ખાસ બનતું નથી. એટલે થોડી હા-ના પછી વિવેકી જનો કહેશે, ‘સારું ત્યારે, આપણો એક ચોકોબાર.’ એ સાંભળીને ઉત્સાહી યજમાનને જરા અફસોસ થશે. ‘અરર, આઇસક્રીમની દુનિયા ક્યાંની ક્યાં નીકળી ગઇ ને તમે ચોકોબાર પર જ ઊભા છો?’ પરંતુ આ લાગણીને વધારે સલુકાઇભર્યા શબ્દોમાં રજૂ કરીને એ કહેશે, ‘ચોકોબાર તો છે જ.પણ એ સિવાય તમારે બીજો કોઇ પણ મંગાવવો હોય તો- એક નજર તો મારો મેનુ પર. અહીંના આઇસક્રીમ વખણાય છે.’

વિવેકી માણસનો વિવેક ફરી કસોટીએ ચઢે છે. યજમાનનું દિલ ન દુભાય એટલા માટે તે મેનુ પર સરસરી નજર નાખીને કહે છે, ‘સારું. કાજુ-દ્રાક્ષ. બસ?’ ચીલાચાલુ ફ્‌લેવરને બદલે યજમાન સતત બીજા વિકલ્પ આપ્યા કરે, એટલે વિવેકશિરોમણી કહે છે, ‘તમે કયો મંગાવ્યો?’ જાણકાર યજમાન રોઝ-કોકોનટ કે વરિયાળી જેવી કોઇ ફ્‌લેવર બોલે, એટલે તરત વિવેકી માણસ બોલી ઉઠે છે, ‘બસ, આપણો એ જ. કદી ટેસ્ટ નથી કર્યો, તો એ બહાને આજે કરી લઇએ.’

એક સમુદાય ગ્રાહકના હિત-હકની સુરક્ષા માટે જાગ્રત હોય છે. આઇસક્રીમ પાર્લરમાં આવે ત્યારથી તેમની આંખો સ્કેનર બની જાય છે અને મગજ શંકાઓનું કારખાનું. ‘આ લોકો કોપરાના આઇસક્રીમમાં ખરેખર કોપરું નાખતા હશે? કેસરના આઇસક્રીમમાં અસલી કેસર વાપરતા હશે? સીતાફળના આઇસક્રીમ માટેનાં સીતાફળ આ સીઝનમાં ક્યાંથી લાવતા હશે?’ તેમની ધાણીફૂટ પ્રશ્નાવલિ જોઇને એવી બીક લાગે છે કે હમણાં એ લોકો પૂછશે, ‘આ લોકો અમેરિકન ડ્રાયફ્રુટમાં અમેરિકા નાખતા હશે?’

મેનુની ચીરફાડ પૂરી થયા પછી એ આઇસક્રીમની બનાવટ, તેમાં વપરાતી જુદી જુદી રીતો અને તેના ગ્રાહકોને થતા ગેરફાયદા-કંપનીઓને થતા ફાયદા પર આવે છે. આઇસક્રીમમાં વપરાતા દૂધથી માંડીને બદામ-પિસ્તા-કાજુ-કેસર જેવી ચીજવસ્તુઓ કેવી તકલાદી, સસ્તા ભાવની અને હલકી ગુણવત્તાની વાપરે છે તેની સિલસિલાબંધ હકીકતો ‘કેગ’ના અહેવાલની છટાથી રજૂ થાય છે. કાઉન્ટરથી થોડે દૂર ઊભા રહીને ગુસપુસ સ્વરમાં એ કહે છે, ‘તમને ખબર નહીં હોય, પણ આ લોકો આઇસક્રીમમાં હવા (એર) ભેળવે છે. બોલો, હવાના પૈસા. આ ચીટિંગ નહીં તો બીજું શું છે?’ તેમને કોઇ સમજાવે કે હવાના ઉમેરાથી જ આઇસક્રીમ લીસ્સો થાય, તો એ કહેશે, ‘આઇસક્રીમ ખરબચડો હોય તો ચાલશે, પણ હવાના તે પૈસા હોતા હશે? આ તો ઠીક છે તમારી સાથે આવ્યા છીએ એટલે, બાકી હું તો આવું ન ચલાવી લઉં. કન્ઝ્‌યુમર કોર્ટમાં કેસ ઠોકી દઉં.’

કેટલાક લોકોનો આઇસક્રીમ માટેનો પ્રેમ જથ્થાના સ્વરૂપે વ્યક્ત થાય છે. તેમના મનમાં કયો આઇસક્રીમ ખાવો એ નક્કી હોય કે ન હોય, પણ કેટલા આઇસક્રીમ ખાવા એ નક્કી હોય છે. યજમાન ‘તમારે કયો?’  પૂછે એટલે તે કહેશે,‘રોસ્ટેડ આલ્મન્ડથી શરૂ કરીએ.’ ત્યાર પછી જાણે આઇસક્રીમ ખાવા નહીં, પણ અનુષ્ઠાન કરવા આવ્યા હોય તેમ વિધિપૂર્વક એક પછી એક આઇસક્રીમના તે ઓર્ડર કરે છે. ‘હવે એક ફ્રેશ ફ્રુટનો.’ એ પૂરો થાય એટલે ‘હવે ડ્રાય ફ્રુટનો.’ પછી ‘અહીનો સ્પેશ્યલ કયો આવે છે?’ અને એને ન્યાય અપાય એટલે ‘છેલ્લે વેનીલા તો ખાવો જ પડે. આઇસક્રીમની ક્વોલિટીનો અસલી ખ્યાલ વેનીલા ખાઇએ તો જ આવે.’ એમ કહીને તે દાવસમાપ્તિની આડકતરી ઘોષણા કરે છે. તેમની વાત સાંભળીને એવું કહેવાનું મન થાય કે ભલા માણસ, આઇસક્રીમની ગુણવત્તા જ ચકાસવી હતી તો પહેલી જ વારમાં વેનીલા મંગાવી લેતા શું જતું હતું? પરંતુ વેનીલા આરોગી લીધા પછી તે લગભગ વિનંતીના અવાજમાં યજમાનને કહે છે, ‘હવે તમે બિલકુલ આગ્રહ ન કરતા. નહીંતર ફરી એક રોસ્ટેડ આલ્મન્ડ ખાવો પડશે.’

અહીં જણાવેલા પ્રકારો સિવાય કેટલાક ‘આપણને તો કેન્ડી/ કુલ્ફી જ ફાવે’ અથવા ‘આઇસક્રીમ ખાવાથી શરદી થાય’ એ વર્ગમાં આવે છે, તો કેટલાકને ‘પ્યાલા-પ્યાલીઓ’ને બદલે ફેમિલીપેકથી ઓછું કંઇ જ ખપતું નથી. ફેમિલી પેક, પ્યાલા-પ્યાલીઓ અને કેન્ડી-કુલ્ફીની વાતો ફરી ક્યારેક.

1 comment:

  1. Must say, I have met every 'type' you have vividly painted here. What a 'cool' blast this is. :)

    ReplyDelete