Saturday, January 14, 2012

ઉત્તરાયણઃ વીસ વર્ષ પહેલાંના Objects Of Desire

ઉત્તરાયણમાં અત્યારે કેટલીક ચીજો બહુ સામાન્ય બની ગઇ છે, પણ બે દાયકા પહેલાં તેમાંથી ઘણી વસ્તુઓ કમ સે કમ મહેમદાવાદ જેવા ગામમાં અને મધ્યમ આર્થિક સ્થિતિ ધરાવતા ઘણા લોકો માટે દુર્લભ અથવા બહુમૂલ્ય હતી. લગભગ Objects of Desireની કક્ષામાં. એવી કેટલીક ચીજોનું 'સ્નેહસ્મરણ'.

જાતજાતનાં પીપુડાં પહેલાં મોંમાં દબાવીને વગાડવાની દેશી પતાકડીઓ આવતી હતી, જે મોટે ભાગે કાળી નાની પીપુડીમાંથી કાઢીને મોમાં સરકાવવામાં આવતી હતી. હવે ફુગ્ગાથી ફ્લુટ જેવા વિવિધ પ્રકારનાં હવાદાર પીપુડાં છૂટથી મળે છે. બલ્કે, તેના અવાજ વિના પતંગ ન ચડે એવું ઘણા પ્રેમીઓ માનતા હશે. 

મ્યુઝિક સિસ્ટમઃ સાદાં કેસેટ પ્લેયરની વાત નથી, માણસની જેમ ધાબે ચઢીને ઘોંઘાટ મચાવી શકે એવાં મ્યુઝિક પ્લેયર પહેલાં જૂજ હતાં. સ્પીકર, એમ્પ્લીફાયર, પ્લેયરનો દાખડો ધાબે ચઢાવવામાં મુશ્કેલી પડે. એટલું જ નહીં, વડીલો આ ચીજો ઉપર લઇ જવાની પરવાનગી આપે કે કેમ, એ અગત્યનો સવાલ. હવે ધાબાં પર ધમધમતી મ્યુઝિક સિસ્ટમની બિલકુલ નવાઇ રહી નથી. 


ગુંદરપટ્ટીનો રોલ કોડી-દોઢ કોડી પતંગ સાથે મફત લેવાની ચીજ હતો. પછી વધારે પટ્ટી વધારે જોઇતી હોય તો થોડો મોટો રોલ ખરીદવો પડે. તેનો રંગ ખાખી હતો, જે પોલીસની વરદી કરતાં જુદો ખાખી હોવા છતાં એટલો જ સત્તાવાર લાગતો હતો. ઉત્તરાયણમાં પતંગોની સારવારનો સત્તાવાર રંગ હતો ખાખી. હવે ગુંદરપટ્ટીને બદલે આવાં સ્ટીકરની શીટ તૈયાર મળે છે. સ્ટીકર ઉખાડો ને પતંગ પર ચોંટાડી દો.  લાળરસથી ગુંદરપટ્ટી લગાડવાની કે ગુંદરપટ્ટી ચોંટી-ન ચોંટી એની ઝંઝટ નહીં.

ફિરકીનું સ્ટેન્ડઃ થોમસ આલ્વા એડિસન ગુજરાતમાં જન્મ્યો હોત તો તેની એકાદ હજાર પેટન્ટમાંથી એકાદ ચોક્કસ ફિરકીના અસરકારક સ્ટેન્ડની હોત. પિલ્લાંના આધુનિક અવતાર જેવી ફિરકી આવી ત્યારથી તેને પકડવા માટે એક જણની જરૂર પડે એવું પરાવલંબન સંકળાઇ ગયું હતું. દરેક વખતે ફિરકી પકડનાર માણસ ક્યાંથી લાવવા? એટલે જુદી જુદી તરકીબો અજમાવાઇ. ઇંટ નીચે કે પતરાની ધારમાં ફિરકીનો એક દાંડો દબાવીને ફિરકી મૂકવાથી કામ ચાલી જતું હતું. અહીં બતાવ્યું છે એવું સ્ટેન્ડ 'ક્રાંતિકારી શોધ' તરીકે આવ્યું ખરું, પણ કાર્યક્ષમતાની દૃષ્ટિએ તે મોટે ભાગે નકામું નીવડે છે. કોઇ એન.આઇ.ડી.-બહાદુર આવું શોધે તો પણ આપણને વાંધો નથી.

સુરતની દોરીઃસુરતના જમણની સાથોસાથ તેની દોરી પણ એટલી જ વખણાતી હતી, પણ એ લાવવાની ક્યાંથી? દરેક વખતે એવા મનસૂબા ઘડાય કે બધા મિત્રોએ ભેગા થઇને સુરતની દોરી મંગાવવી જોઇએ, પણ મોટે ભાગે એવી મહેચ્છાઓ સહેલાઇથી ફળીભૂત ન થતી. ક્યારેક કોઇ ઉત્સાહી જથ્થાબંધના ઓર્ડર લઇને સુરત મુકામે સંચરે ત્યારે જ એવું શક્ય બનતું.

કેપ-ગોગલ્સઃ ફક્ત કેપ કે ફક્ત ગોગલ્સ ઉત્તરાયણની એકમાત્ર લક્ઝરી ગણાતી હતી, પણ હવે એ બન્નેનું સંયોજન સહેલાઇથી મળી રહે છે. એ પહેરવા માટે પતંગ ચડાવવી ફરજિયાત નથી.

ચકાચક દોરીઃ ત્રીસેક વર્ષ પહેલાં ઘરની પતરાંની અગાસીમાં સરોશ વગેરે નાખેલી ગુલાબી લુગદીમાં દોરી પીવડાવવાની ક્રિયા થઇ હતી, એ હજુ યાદ છે. પણ હવે ગુજરાતના મેદાનમાં બરેલીના ઉસ્તાદો આવી ગયા છે.


બાયનોક્યુલરઃ હિંદી કોમેન્ટરીની ભાષામાં કહીએ તો 'ખચાખચ ભરેલા' ધાબામાં પહેલાં બાયનોક્યુલરમાંથી જેને જોઇ શકાય તેની તલાશ ચાલે અને પછી બાયનોક્યુલરની.

તુક્કલઃ શિયાળાની સાંજ વહેલી ઢળે અને અંધારું ઘેરાય એટલે દિવસે સ્થિર ગણીને જુદા તારવેલા પતંગ નીકળે. મોટે ભાગે મોટા (ભારે) સફેદ પતંગ. તેને થોડા ચડાવીને પછી તેની સાથે ફાનસ બંધાય. મોટા પતંગ માટે વપરાતો 'તુક્કલ' શબ્દ ફાનસ માટે જ વપરાતો હોય. આખા ગામમાં તુક્કલ ચઢાવનારા પતંગબાજ જૂજ હોય. બાકીના ધાબે તુક્કલ જોવા ચડે. પણ હવે તસવીરમાં છે એવા ગુબ્બારા આકાશે ચડતા અને ઊંચે ઊંચે જતા જોવા મળે છે. 

હાથે બાંધેલી પટ્ટીઓ તેની પર લાગેલા ઘસરકા, પટ્ટી પર અને હથેળીઓમાં લાગેલો ગુલાબી રંગ- આ બધું ઉત્તરાયણમાં કરેલી મઝા વિશે કશું કહ્યા વગર ઘણું કહી આપે છે.પહેલાં આંગળીએ પહેરવા માટે કપડાની ખોરી બનતી હતી. તેવી રબરની ખોરી પણ આવતી. ઘણા વખતથી આ પ્રકારની ટેપ ચાલે છે. 

લચ્છી પતંગ પકડતી વખતે તેની સાથે આવતી દોરીની આ રીતે લચ્છી બનાવવામાં આવતી હતી. 'ભાર દોરીમાં' પકડેલી પતંગની જાડી લચ્છી જોઇને શેર લોહી ચડતું હતું. પતંગને લગતા કૌશલ્યમાં અંગુઠા અને ટચલી આંગળીની મદદથી લચ્છી વીંટવાના કૌશલ્યનો સમાવેશ પણ થતો હતો. ઉત્તરાયણ પૂરી થયા પછી બહુરંગી લચ્છીઓના વિલિનીકરણમાંથી પરચૂરણ દોરીનું પિલ્લું બનાવવામાં આવતું હતું, જેનો ઉપયોગ પછીની ઉત્તરાયણના પહેલાંના દિવસોમાં પતંગ ચગાવવા કે પછી કન્ના બાંધવા થતો હતો. હવે લચ્છીઓનો એવો દબદબો રહ્યો નથી. 

પતંગ પકડતો કુદરતી 'ઝંડો' આકાશભરની પતંગો આબાદ ઝડપી લેતા વૃક્ષોને જોઇને ઘણી વાર એવું થતું કે આવો એકાદ 'ઝંડો' હાથવગો હોય તો બધી પતંગ આપણે જ પકડી પાડીએ.

5 comments:

  1. મારા માટે કેટલાક( ઉપર બતાવેલા ઓબ્જેક્ટ માંથી ) દસ વરસ પહેલા Desired objects ની કેટેગરીમાં આવતા હતા. બીજું, ત્યારે એ મેળવવાનો આનંદ અલગ હતો.

    ReplyDelete
  2. ટેપ અને મ્યુઝિક સિસ્ટમવાળી વાત બહુ ગમી... ખાસ તો વડીલોની મંજૂરીવાળી વાત ! આજથી દસ વર્ષ પહેલા નવું નવું ટેપ લાવેલા એ પણ ચાર હજાર રુપિયાનું... અને પાછું ગામડાઓમાં તો વીજળીના થાંભલા ખુલ્લા એટ્લે ગમ્મે ત્યારે દોરો અટકાય અને બે વાયરો એકબીજાને આદિ જાય એટ્લે ભડાકા થાય અથવા તણખા ઝરે... વળી વૉલ્ટેજ વધી જાય એટ્લે ઇલેક્ટ્રીક સાધનો ઊડી/બળી જવાનો ભય... અને મને ચસ્કો ચડતો.. આખું ગામ ટેપ ચડાવે અને આપણે થોડા રહી જવાય ?? એટ્લે પપ્પા સૂતા હોય સવારે 6 વાગ્યે ત્યારે ફટાફટ દીકરા તો સ્પીકર છૂટા પાડીને ટેપ પહોંચાડી દે ઉપર.. પછી બપોર સુધીમાં પપ્પાને ખબર પડે કે ટેપ પણ પતંગ ચગાવવા ગયું છે...અને જો વૉલ્ટેજ વધઘટ થવાથી ટેપ ઊડી જાય તો ઉત્તરાયણ પૂરી થવાની સાથે જ અઠવાડીયું લાંબી રામાયણ ચાલુ થાય ! :D

    મજ્જા પડી... તમને અને પરિવારજનોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ :)

    ReplyDelete
  3. આ લખતાં પહેલાં જ હજૂ અગાશીની મુલાકાત લ ઇ ને આસપાસ ઉડતા પતંગો અને તેને ઉડાનારાંઓનો ઉત્સાહ જોયો, પરંતુ કૉળેજકાળમાં મિત્રોને ઘરે [અમદાવાદની]પોળમાં [સાચૂકલાં] ધાબાં પર પતંગ ઉડાડતાં [મારે ભાગે મારી ચલાવી લેવાય તેવી એક માત્ર આવડત]ફીરકી પકડવાની અને ચવાણું અને તલની ચીકી ખવાની જે 'મજા' માણી છે તેની યાદ કરાવી આપવા બદલ આભાર

    ReplyDelete
  4. Anonymous2:35:00 PM

    વાહ વાહ, મસ્ત મસ્ત

    વાંચવાની મજા આવી ગઇ...

    ઝાકળ

    ReplyDelete