Monday, October 31, 2011

સક્રિય ધારાસભ્ય-સાંસદ, નિષ્પક્ષ-નમૂનેદાર અઘ્યક્ષ, જમીની નેતા: વિઠ્ઠલભાઇ પટેલ

(A rare color photo of Vitthalbhai Patel as a Speaker, appeared in 'Gujarat' magazine edited by Kanaiyalal Munshi in 1930s)

બારડોલી સત્યાગ્રહ અને તેનાથી ‘સરદાર’ તરીકે ઊભરેલા વલ્લભભાઇ ભારતના ઇતિહાસમાં અચળ સ્થાન ધરાવે છે, પરંતુ ૧૯૨૮માં દેશભરમાં ગાજેલો આ સત્યાગ્રહ પહેલી વાર ૧૯૨૧માં શરૂ થયો હતો અને તેના આગેવાન તરીકે ગાંધીજીની સાથે વલ્લભભાઇ નહીં, પણ તેમના મોટા ભાઇ વિઠ્ઠલભાઇ પટેલ હતા.

વલ્લભભાઇના પાસપોર્ટ પર ઇંગ્લેન્ડ જઇને બેરિસ્ટર થઇ આવેલા વિઠ્ઠલભાઇએ ધીકતી વકીલાત છોડીને જાહેર જીવનમાં ઝંપલાવ્યું, ત્યારે બે વર્ષ નાના વલ્લભભાઇ સાથે તેમનો કરાર હતો: હું જાહેર સેવા કરીશ અને તારે કમાઇને આપણાં કુટુંબ નિભાવવાનાં. ગાંધીજીએ ૧૯૨૧માં પૂરા જોશ સાથે અસહકારની ચળવળ ઉપાડી, ત્યારે સત્યાગ્રહનો આરંભ બારડોલીથી કરવાનું નક્કી થયું. ત્યાંના ખેડૂતો લડત માટે તૈયાર છે કે નહીં, તેનો અંદાજ કાઢવા માટે ગાંધીજી વતી વિઠ્ઠલભાઇ બારડોલી જઇને રહ્યા. ઝીણામાં ઝીણી વિગતો જાણી. ત્યાર પછી સત્યાગ્રહના ઠરાવ માટે બોલાવાયેલી બારડોલી તાલુકા પરિષદ અઘ્યક્ષ વિઠ્ઠલભાઇ હતા. તેમણે પાછળથી ‘સરદારશૈલી’ તરીકે જાણીતી બનેલી પટેલશાઇ વાણીમાં કહ્યું, ‘તમે જે કીર્તિ ખાટી ગયા છો- સત્યાગ્રહના આરંભસ્થાન તરીકેની- એ કીર્તિની કિમત તમારી પાસે હિદુસ્તાન માગી શકે છે. જો તમે એ કીર્તિની કિમત આપવા નાલાયક હો તો અત્યારથી તેવું કહી દેજો. એમ સ્પષ્ટ કહી દેશો તો આખા હિદુસ્તાન પર તમારો ઉપકાર થશે. એક વાર રણે ચડ્યા પછી કાયર થઇ પાછી પાની કરવી તે કરતાં પહેલેથી નાલાયકી કબૂલ કરવી એમાં શૂરવીરતા છે.’

વિઠ્ઠલભાઇની ખૂબી એ હતી કે તે મ્યુનિસિપલ કોર્પોરેશન-ધારાસભાના રાજકારણમાં રસ, સક્રિયતા અને વિશ્વાસ ધરાવતા હોવા છતાં, લોકઆંદોલન અને જમીની વાસ્તવિકતાઓ સાથે પણ સીધો નાતો રાખતા હતા. તે એકદંડીયા મહેલ/ આઇવરી ટાવરમાં રહેનારા ને પોતાની દુનિયામાં રાચનારા ન હતા. ૧૯૨૮નો બારડોલી સત્યાગ્રહ ચાલતો હતો ત્યારે વિઠ્ઠલભાઇ કેન્દ્રીય ધારાસભાના અઘ્યક્ષ હોવા છતાં, લડત માટે તેમણે દર મહિને રૂ.એક હજાર જેવી માતબર રકમ આપવાની જાહેરાત કરી હતી. તેમની આ ચેષ્ટાને કારણે, ધારાસભામાં તેમને પ્રમુખપદેથી દૂર કરવા જોઇએ એવો પણ ચણભણાટ થયો હતો. એ વખતે વિઠ્ઠલભાઇએ રાજકીય ક્ષેત્રે તેમનાથી જુદા વિચાર-જુદો માર્ગ ધરાવતા વલ્લભભાઇને લખ્યું હતું, ‘મારે શું કરવું? એસેમ્બલીમાં રહેવાનું મન નથી. મહાત્માજી સાથે તમે વાતચીત કરી નક્કી કરો એટલે તે પ્રમાણે કરવા તૈયાર છું. તમે કહો છો કે તમે પકડાવ તો પણ મારે આ જગ્યા (પ્રમુખપદ) છોડવું નહીં. એવું તો મારાથી કેમ બની શકે? તેનો તમે વિચાર કર્યો?’(૧૨-૭-૨૮, મુંબઇ)

મુંબઇ ધારાસભામાં ચૂંટાયેલા સભ્ય તરીકે વિઠ્ઠલભાઇએ ૧૯૧૨થી જાહેર જીવનનો આરંભ કર્યો. અંગ્રેજી રાજના રિવાજ પ્રમાણે, ધારાસભામાં ચૂંટાતાં પહેલાં તાલુકા બોર્ડ અને ત્યાર પછી જિલ્લા બોર્ડમાં ચૂંટાવું પડે. એ ચૂંટણી લડવા માટે ઉમેદવારના નામે મિલકત જોઇએ. સંપત્તિની બાબતમાં વિઠ્ઠલભાઇ નિસ્પૃહ હતા અને વકીલ તરીકે તેમની મજબૂત શાખ હતી. એટલે ઉમેદવારીની જરૂરિયાત પૂરી કરવા માટે એક મિત્રે બોરસદની પોતાની જમીન અને થોડાં ઘર વિઠ્ઠલભાઇના નામે કર્યાં. ત્યાર પછી મૃત્યુપર્યંત વિઠ્ઠલભાઇનું રાજકારણ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન, મુંબઇ ધારાસભા, કેન્દ્રિય ધારાસભા અને કોંગ્રેસ વચ્ચે વહેંચાયેલું રહ્યું. સપ્ટેમ્બર ૨૭, ૧૮૭૩ના રોજ જન્મેલા વિઠ્ઠલભાઇ વયમાં ગાંધીજી કરતાં ચાર વર્ષે નાના હોવા છતાં, ભારતના જાહેર જીવનમાં તેમની ગણતરી ગાંધીજીની આગલી પેઢીના મોતીલાલ નેહરુ, ચિત્તરંજન દાસ જેવા નેતાઓની સાથે થતી હતી. ધારાસભા કે બીજાં સરકારી માળખાંમાં પ્રવેશીને સરકારને લડત આપવાના વલણને કારણે ગાંધીજી સાથે વિઠ્ઠલભાઇનો પાટો બહુ બેસતો નહીં. લડતના મામલે ગાંધીજીના પૂરેપૂરા અનુયાયી વલ્લભભાઇ પણ, મોટા ભાઇની આમન્યા રાખવા છતાં, પોતાનો રાજકીય વિરોધ સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરતા હતા. વિઠ્ઠલભાઇના ધારાસભાપ્રવેશ અને ‘શત્રુના ગઢમાં દાખલ થઇને તેને સર કરવાની’ નીતિ અંગે ૧૯૨૨માં વલ્લભભાઇએ કહ્યું હતું,‘ધારાસભા પ્રવેશના હિમાયતી નામદાર પટેલસાહેબ જુબાની આપવા વિલાયત ગયા હતા. એટલે ધારાસભાનું બંધારણ ઘડનારા તેમને ઓળખે છે. પટેલસાહેબ જેવા ગૃહસ્થો ધારાસભામાં આવશે જ, તેનો ખ્યાલ રાખીને તેમને પહોંચી વળવાના રસ્તા તેમણે રાખેલા છે. દુશ્મનનો કિલ્લો ધારાસભામાં છે જ નહીં. કિલ્લો તો બહાર સર કરવાનો પડેલો છે. બહાર સર નહીં કરો તો સો વર્ષ પણ ધારાસભા વિના આ સરકારનું તંત્ર ચાલી શકે તેમ છે.’

આ પ્રકારના મતભેદ છતાં ૧૯૨૭માં ગુજરાતમાં ભારે પૂર આવ્યું ત્યારે વિઠ્ઠલભાઇએ પોતાના નામથી રાહતફંડ શરૂ કર્યું અને દિલ્હીમાં કેન્દ્રિય ધારાસભાના પ્રમુખ જેવા મોભાદાર હોદ્દાનો રૂઆબ બાજુ પર મૂકીને રાહત કામગીરી માટે ગુજરાત આવી ગયા. એટલું જ નહીં, ગુજરાતની કોંગ્રેસ સમિતિના પ્રમુખ વલ્લભભાઇના હાથ નીચે પોતે સ્વયંસેવક તરીકે કામ કરશે એવી જાહેરાત પણ કરી. મહેમદાવાદ તાલુકાનું હંતાવા ગામ આખું તારાજ થઇ ગયું હતું. મગનલાલ ગાંધીએ તેને નવેસરથી આદર્શ ઢબે બાંધવાની યોજના કરી અને તેનું ખાતમૂહુર્ત વિઠ્ઠલભાઇના હાથે કરાવવામાં આવ્યું. ત્યારથી એ ગામનું નવું નામ પડ્યું વિઠ્ઠલપુર (કે વિઠ્ઠલપુરા).

જમીની કામગીરીમાં પાછા ન પડનાર વિઠ્ઠલભાઇએ બંધારણીય સંસ્થાઓમાં રહેલી શક્યતાઓનો મહત્તમ કસ કાઢ્‌યો. એ વખતે ચૂંટાયેલા સભ્યો પાસે વાસ્તવિક સત્તાઓ નહીંવત્‌ હતી. એ પ્રશ્ન પૂછી શકે, ઠરાવ-ખરડા રજૂ કરી શકે, સરકારી ખરડામાં સુધારા સૂચવી શકે, પરંતુ બાકીના સરકારપક્ષી સભ્યોની બહુમતીને કારણે ભાગ્યે જ કશું પસાર કરાવી શકે. છતાં, સરકારને જંપ ન વળવો જોઇએ, એવી નીતિમાં માનતા વિઠ્ઠલભાઇ ઝઝૂમવામાં કોઇ કસર છોડતા નહીં. મુંબઇ કોર્પોરેશનની શાળાસમિતિના અઘ્યક્ષ તરીકે તેમણે શાળાઓના નિયમિત ઇન્સ્પેક્શનની પ્રથા શરૂ કરાવી અને એક શિક્ષક દીઠ વિદ્યાર્થીઓના પ્રમાણ પણ સ્થાપિત કર્યું. મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી તેમણે સરકારની નારાજગીની પરવા કર્યા વિના, કોર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે ગાંધીજીને માનપત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો. સાથોસાથ, વાઇસરોય લોર્ડ રીડિગની મુંબઇ મુલાકાત વખતે તેમના કાર્યક્રમોનો બહિષ્કાર કર્યો. આ મુદ્દે સરકારી સભ્યોએ વિઠ્ઠલભાઇ વિરુદ્ધ ઠરાવ કરતાં, તેમણે પ્રમુખપદેથી રાજીનામું આપી દીઘું અને સભ્ય તરીકે ચાલુ રહ્યા. પછીથી સભ્યોને પોતાની ભૂલ સમજાતાં તેમણે ફરી (૧૯૨૫માં) વિઠ્ઠલભાઇને પ્રમુખપદે ચૂંટી કાઢ્‌યા.

(આજની સંસદ જેવી) કેન્દ્રિય ધારાસભામાં પહેલી વાર તે ૧૯૧૮માં ચૂંટાયા ત્યારે ૧૯૧૯માં પૂછાયેલા કુલ ૩૧૪ પ્રશ્નોમાંથી ૬૨ પ્રશ્નો વિઠ્ઠલભાઇના હતા. તેમના પ્રયાસોથી જ સરકારે જાહેર આરોગ્ય માટે એક ફંડની જોગવાઇ કરી. તેની રકમ નાની (પાંચેક લાખ રૂપિયા જેટલી) હતી, પણ તેનું મૂલ્ય મોટું હતું. કેન્દ્રિય ધારાસભાના અઘ્યક્ષ તરીકે તે લાગલગાટ બે વાર- ૧૯૨૫માં અને ૧૯૨૭માં- ચૂંટાયા. આ હોદ્દે ચૂંટાનાર તે પહેલા ભારતીય હતા. તેમનો આગ્રહ હતો કે ભારત ભલે ગુલામ હોય, પણ તેની સંસદ અને સંસદીય પરંપરાઓ બ્રિટનની સમકક્ષ હોવી જોઇએ. સંસદના અઘ્યક્ષનું સ્થાન સર્વોપરિ છે એ વિઠ્ઠલભાઇએ પહેલા હિદી પ્રમુખ તરીકે સ્થાપિત કરી આપ્યું.

સત્રના આરંભે વાઇસરોય બન્ને ગૃહોના સભ્યોને સંબોધે ત્યારે ગૃહોના અઘ્યક્ષો બીજા સભ્યો સાથે બેસે એવો રિવાજ હતો. વિઠ્ઠલભાઇએ સરકાર સામે ઝઝૂમીને, અઘ્યક્ષપદની સર્વોપરિતા ટાંકીને ધરાર પોતાની ખુરશીની બાજુમાં વાઇસરોયની ખુરશી મુકાવી. સંસદનું સચિવાલય પહેલાં સરકારી- કાનૂન મંત્રાલયનો ભાગ હતું. સરકાર સંસદની કામગીરીમાં દખલ ન કરી શકે એ હેતુથી વિઠ્ઠલભાઇએ અઘ્યક્ષ તરીકે સંસદનું સેક્રેટરીએટ અલગ અને સ્વતંત્ર હોય એવું કરાવ્યું. એવી જ રીતે, સંસદના અઘ્યક્ષને જવાબદાર હોય એવા સુરક્ષાદળની રચના પણ તેમણે પોતાના અઘ્યક્ષપદ દરમિયાન કરાવી. આ બન્ને પરંપરાઓ હજુ ચાલે છે. એક વખત વિવાદાસ્પદ અને લોકોની સ્વતંત્રતા પર તરાપ મારનાર ખરડા પર સંસદમાં મતદાનનો પ્રસંગ આવ્યો ત્યારે બન્ને પક્ષે સરખા મત પડ્યા. અઘ્યક્ષ તરીકે વિઠ્ઠલભાઇનો નિર્ણાયક (કાસ્ટિગ) મત કઇ તરફ પડે છે, તેની પર બધો આધાર હતો. એ વખતે તેમણે સરકારી ખરડાની વિરુદ્ધમાં મત આપ્યો અને એ મતલબની રજૂઆત કરી કે કાયદામાં અસાધારણ સુધારો કરવો હોય ત્યારે ગૃહમાંથી બહુમતી મેળવવી જરૂરી છે. એ ન મળે તો અઘ્યક્ષના મતની અપેક્ષા રાખી શકાય નહીં.
દાંડીકૂચ પછી ધારાસભાના અઘ્યક્ષપદેથી તેમણે રાજીનામું આપ્યું. ત્યાર પછી કોંગ્રેસની કારોબારીમાં તેમને સમાવવામાં આવ્યા અને થોડા મહિનામાં બીજા નેતાઓ સાથે તેમની ધરપકડ થઇ ત્યારે તેમણે એ મતલબનું કહ્યું હતું કે બ્રિટનમાં ગૃહનો અઘ્યક્ષ નિવૃત્ત થાય પછી તેને ઉમરાવપદ મળે છે અને ભારતમાં? જેલ!

બે વાર ધરપકડ, બિમારી, સારવાર માટે વિદેશપ્રવાસ, ત્યાં પણ ભારતની પરિસ્થિતિ વિશે સાચી માહિતી આપતાં વ્યાખ્યાનોની હારમાળા, આ બધાને અંતે તેમના છેલ્લા દિવસો જીનીવા નજીક આવેલા ગ્લેન્ડના એક ક્લિનીકમાં વીત્યા. એ વખતે દેશવટો ભોગવી રહેલા સુભાષચંદ્રે બોઝે વિઠ્ઠલભાઇની ઘણી સેવા કરી. ઓક્ટોબર ૨૨, ૧૯૩૩ના રોજ તેમનું અવસાન થયા પછી વિઠ્ઠલભાઇનો દેહ ભારત લવાયો. તેમના અંતીમ સંસ્કાર (લોકમાન્ય ટિળકની જેમ) ચોપાટી પર કરવા અંગે અને તેમના વસિયતનામા અંગે અપ્રિય વિવાદ થયા. મુંબઇ સરકારે ચોપાટી પર અગ્નિદાહની પરવાનગી ન આપી, પણ દરિયાની સામે (ભારતીય વિદ્યાભવનથી થોડે આગળ) વિઠ્ઠલભાઇની પ્રતિમા હજુ ઊભી છે. એ કેમ ઊભી છે એની ત્યાંથી પસાર થતા મોટા ભાગના લોકોને ખબર નથી અને જાણવાની ફુરસદ પણ નથી એ જુદી વાત છે.

2 comments:

  1. Bharat kumar12:51:00 PM

    વિઠ્ઠલભાઈના જીવન વિષે ઘણી અજાણી માહિતી પહેલી વાર જ જાણવા મળી.શાળાજીવન દરમિયાન ઈતિહાસ ભણેલો,એ એકાંગી હતો,એ ખ્યાલ હતો જ,એ આ લેખથી વધુ દ્રઢ થયો.આપણો ઈતિહાસ ગાંધી-નેહરુ ને અમુક અંશે સરદારની આસપાસ જ રમ્યા કરે છે.આ ત્રણેય વિભૂતિઓના પ્રદાન વિષે આખી દુનિયા જાણે છે,પણ એમની જ સમાંતર રહીને દેશસેવા કે સમાજસેવાનું કામ કરનાર જ્યોતિબા ફૂલ,વિઠ્ઠલભાઈ કે ઠક્કરબાપા,રવિશંકર મહારાજ જેવી હસ્તિઓની યોગ્ય નોંધ લેવામાં આપણે ઉણા ઉતર્યા છીએ.સત્યાગ્રહની વાત આવે એટલે નાના બાળકને ય ગાંધી જ યાદ આવે,કારણ કે એની ગવાહી ઇતિહાસના પાનાઓ આપે છે.પણ સત્યાગ્રહીની નાની પણ મજબૂત ભૂમિકા ડો.આંબેડકરે પણ ભજવી જ છે,પછી એ મહાડ તળાવ સત્યાગ્રહ હોય કે કાલારામ મંદિર સત્યાગ્રહ હોય.પણ ઈતિહાસ ય છેવટે તો માણસો જ લખે છે.ને ઇતિહાસકારોના પોતાના પૂર્વગ્રહો,પસંદગી કે આળસથી ઈતિહાસ મુક્ત કઈ રીતે રહી શકે?

    ReplyDelete
  2. Anonymous1:01:00 PM

    Thanks a lot for penning & sharing rich hierarchial experience. Definitely, would lead to emulate others.

    Jabir

    ReplyDelete