Tuesday, August 03, 2010

વિવાદાસ્પદ અસીલોના વકીલો: લક્ષ્મણરેખાનો લોપ?

ભોપાલ દુર્ઘટનાનો ચુકાદો આવ્યા પછી ચોતરફ (સ્મશાનવૈરાગ્ય જેવી) ‘સ્મશાનજાગૃતિ’ ફેલાઇ હતી, ત્યારની આ વાત છે. દેશના જાણીતા ધારાશાસ્ત્રી, કાનૂનવિદ્ ફલી નરીમાને જાહેરમાં કહ્યું કે ‘મેં યુનિયન કાર્બાઇડ કંપનીનો વળતરનો કેસ હાથમાં લીધો, એ મુદ્દે થતી મારી ટીકામાં તથ્ય છે.’ કારણ કે કોર્ટબહાર સમાધાન કરીને કેસનો વીંટો વાળી દેવામાં કંપની માટે ફલી નરીમાન જેવા ટોચના ધારાશાસ્ત્રીની પ્રતિષ્ઠા બહુ ઉપયોગી નીવડી. નરીમાને એટલી હદે કહ્યું કે, ‘જો મારે વકીલ તરીકેની મારી જિંદગી નવેસરથી જીવવાની હોય, ફરી મારી પાસે યુનિયન કાર્બાઇડનો કેસ આવે અને મને ભવિષ્યમાં જે થવાનું છે તેની ખબર હોય, તો હું ચોક્કસ એ કેસ હાથમાં ન લઊં.’

ભાજપી અરૂણ જેટલી અને કોંગ્રેસી અભિષેક સિંઘવી- આ બન્ને ટોચના વકીલો યુનિયન કાર્બાઇડ ખરીદી લેનાર ડાઉ કેમિકલ્સને ‘સલાહ’ આપી ચૂક્યા છે, જે દેખીતી રીતે જ પીડિતોને નહીં, પણ કંપનીને ફાયદો કરાવનારી હોય. પરંતુ તેમની પાસેથી કે તેમના પક્ષ પાસેથી કદી અફસોસનો અણસાર સરખો મળ્યો નથી. ઉલટું, બન્ને પક્ષો પોતપોતાની ભૂમિકા ભૂલી જઇને એકબીજા પર દોષ ઢોળવા બેસી ગયા, જ્યારે ફલી નરીમાન રાજકારણી નથી. તેમને પક્ષની લાઇનો કે પક્ષનાં હિત સાચવવાનાં નથી. એટલે તે મનનો ઉભરો ઠાલવી શક્યા.

ન્યાયપ્રક્રિયા: સુધરેલા હોવાનો પુરાવો
કેસ યુનિયન કાર્બાઇડનો હોય કે અજમલ કસાબનો, જેસિકા લાલની હત્યાનો હોય કે ઈંદિરા ગાંધીની હત્યાનો, એક વાત નક્કી છે. ઘટના જ્યારે બને ત્યારે લોકલાગણીનો પ્રવાહ એટલો ધસમસતો હોય છે કે તેમાં સામા પક્ષને કાનૂની મદદ અપાવવાનું બહુ અઘરૂં અને બહુ જરૂરી બની જાય છે.

લાગણીના આવેગમાં ઘણા લોકો ભૂલી જાય છે કે દેશમાં જંગલરાજ નથી. કાયદો અસ્તિત્ત્વ ધરાવે છે અને જે કંઇ કાર્યવાહી થાય તે કાયદાને આધીન થવી જોઇએ. ઈંદિરા ગાંધીના જ નહીં, મહાત્મા ગાંધીના હત્યારાને પણ પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળવી જોઇએ. ન્યાય તો જ થયો કહેવાય, જો બન્ને પક્ષ અદાલતમાં પોતાની રજૂઆત કરે અને ફરિયાદીને કાનૂની રાહે ગુનેગાર ઠેરવી શકાય.

પરંતુ ચુકાદો આવે એ તો પછીની વાત છે. સૌથી પહેલાં તો, અક્ષમ્ય લાગે એવા ગુનાના આરોપી માટે વકીલ ક્યાંથી શોધવો? એક તરફ પ્રચંડ લોકલાગણી અને સરકારી દબાણ હોય, આરોપીને વહેલામાં વહેલી તકે આકરામાં આકરી સજા ફટકારવાની ઉતાવળ હોય, ત્યારે ન્યાયપ્રક્રિયા ક્યાંક નેવે ન મુકાઇ જાય એ સૌથી મોટી ચિંતા બની રહે છે.

ન્યાયતંત્રની ગતિ, તેની કાર્યક્ષમતા, તેમાં રહેલાં છીંડાં- એ બઘું ચોક્કસ ચિંતા કે ટીકાનો વિષય બની શકે. છતાં, તેની બધી મર્યાદાઓ સાથે એટલું સ્વીકારવું પડે કે ન્યાયપ્રક્રિયા એ સુધરેલા-ઉત્ક્રાંત-સભ્ય સમાજની નિશાની છે. ગુનેગારને કોઇ પણ જાતની કાનૂની પ્રક્રિયા વિના પથ્થરો મારીને કે બંદૂકની ગોળીએ કે ફાંસીના ગાળીયે મારી નાખવો એ પછાતપણું અને જંગાલીયત સુચવે છે.

સામી તરત દલીલ થઇ શકાય કે એક ગુનેગાર માટે વળી આટલી પંચાત શાની? એ ગુનો કરતાં પકડાય એટલે એનો ફેંસલો આણી દેવાનો. તેની પાછળ સમય અને નાણાં વેડફવાની શી જરૂર? ચોક્કસ સંજોગોમાં કે ચોક્કસ વિચારધારા હેઠળ આ દલીલ શીરાની જેમ ગળે ઉતરી જાય એવી છે. પણ હકીકત એ છે કે કાનૂની પ્રક્રિયાની જરૂર ગુનેગારના લાભાર્થે નથી હોતી. એમાં ‘ગુનેગારના માનવઅધિકાર’નો સવાલ નથી. એનાથી પણ મહત્ત્વનો મુદ્દો એક સમાજ તરીકે આપણા સુધરેલા હોવાનો કે નહીં હોવાનો છે. આપણે સમાજને સુધરેલો, પ્રગતિશીલ કે વિકસીત માનતા હોઇએ તો, આપણી એ માન્યતા બીજા કોઇ કરતાં પણ વધારે આપણી નજરમાં સાચી ઠેરવવા માટે, કાનૂની કાર્યવાહી કરવી રહી. તેમાં છીંડાં હોય તો તેનું સમારકામ કરવું રહ્યું. તેની ગતિ ધીમી હોય તો તેને ઝડપી બનાવવી રહી. પરંતુ ન્યાયપ્રક્રિયા એ રમકડું નથી કે તેમાં ક્ષતિ હોય તો રમકડું ફેંકી દેવાનું. પછી સરમુખત્યારીથી, મિલીભગતથી કે ટોળાંશાહીથી જે ન્યાય થાય તે ખરો.

વિવાદી અસીલોનાં મોંઘાંદાટ ઠેકાણાં
ન્યાયનો મૂળભૂત સિદ્ધાંત છે કે કોઇ પણ આરોપી ગુનેગાર પુરવાર ન થાય ત્યાં સુધી તે નિર્દોષ મનાય છે. ‘સો દોષી ભલે નિર્દોષ છૂટી જાય, પણ એક નિર્દોષ દંડાવો ન જોઇએ’ એ સભ્ય સમાજની ન્યાયપ્રક્રિયાનું હાર્દ છે. વિવાદાસ્પદ અથવા કેટલીક વાર ધૃણાસ્પદ કહેવાય એવા આરોપીઓના કેસ લેતા વકીલોનો (સાચો) તર્ક આ જ હોય છે: દરેક આરોપીને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે અને તે અદાલતમાં આરોપી પુરવાર ન થાય ત્યાં સુધી તે નિર્દોષ ગણાય.

આ સિદ્ધાંતનો અમલ ઘણી વાર અઘરો બની જાય છે. ઈંદિરા ગાંધીના હત્યાકેસનું જ ઉદાહરણ લઇએ. ધોળે દિવસે તેમની હત્યા કરનારા અંગરક્ષકોનો કેસ કોણ લડે? પ્રખર, ઉગ્ર અને વિવાદાસ્પદ ધારાશાસ્ત્રી રામ જેઠમલાણી ઈંદિરા ગાંધીના હત્યારાઓ વતી અદાલતમાં પેશ થયા અને તેમનો કેસ લડ્યા. સ્વાભાવિક છે કે જેઠમલાણી ઉપર માછલાં ધોવાય. પરંતુ તેમનો બચાવ હતો કે ગમે તેવા ઘાતકી ગુનેગારને પણ વકીલ મેળવવાનો અને પોતાનો પક્ષ રજૂ કરવાનો હક છે. એટલું જ નહીં, વકીલની એ ફરજ પણ છે.

જોકે, કસાબના કેસમાં કે ત્રાસવાદના બીજા કેસમાં ન્યાયના આ સિદ્ધાંતના અમલીકરણ આડે ઘણા અવરોધ આવ્યા છે. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં તો આતંકવાદના કેસમાં સામા પક્ષે (એટલે કે સાચા અથવા કહેવાતા આતંકવાદીના પક્ષે) કેસ લડનાર વકીલ પર વકીલમંડળ તરફથી પગલાં લેવાય એ જાતની જોગવાઇઓ પણ જાહેર કરવામાં આવી હતી. અગ્રણી ધારાશાસ્ત્રીઓએ તેની ટીકા કરી હોવા છતાં, આ જાતના કેસ લેનાર વકીલ પર સીઘું કે આડકતરૂં દબાણ કામ કરતું હોય છે.

ગુજરાતના તાજા ભૂતપૂર્વ થયેલા ગૃહરાજ્યમંત્રીના પક્ષેથી કાનૂની જંગમાં ઉતરનાર રામ જેઠમલાણી આ જાતના અસીલોના વિશેષજ્ઞ તરીકે નામીચા છે. ભૂતકાળમાં તે બોફર્સ કાંડના આરોપી હિંદુજાબંઘુઓના, શેરબજારના કૌભાંડકાર હર્ષદ મહેતાના, જૈન હવાલા કેસમાં એલ.કે.અડવાણીના, ચારાકૌભાંડમાં લાલુપ્રસાદ યાદવના.. ટૂંકમાં સામાન્ય રીતે જેમનો પક્ષ લેવો અશક્યની હદે અઘરો ગણાતો હોય એવા આરોપીઓના પક્ષે ઉભા રહેલા છે.

જેઠમલાણી જેવા વકીલોની દલીલ એ જ હોય છે કે જેમ ગુંડાની સારવાર કરતા ડોક્ટરની ટીકા ન થઇ શકે, તેમ ગમે તેવા મોટા આરોપી તરફથી અદાલતમાં ઉતરતા વકીલ પ્રત્યે પણ આંગળી ચીંધી ન શકાય. જેઠમલાણી જરા વધારે ઉગ્ર, આક્રમક અને આગળ પડતા છે, પણ તે એકલા નથી. વિવાદાસ્પદ કેસ લડવામાં અરૂણ જેટલી, અભિષેક સિંઘવી, પી.ચિદમ્બરમ્ કે કપિલ સિબ્બલ જેવા વકીલો પણ પાછા પડે તેમ નથી. કાબેલ વકીલ તરીકેની તેમની પ્રતિષ્ઠામાં અને તેમની સદ્ધર આર્થિક સ્થિતિમાં વિવાદાસ્પદ કેસનો ફાળો મોટો હોય છે. ગયા વર્ષે પ્રગટ થયેલા એક અખબારી અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, નામી વકીલોની અદાલતમાં પાંચ મિનીટ હાજર રહેવાની ફી ત્રણથી પાંચ લાખ રૂપિયા જેટલી હોય છે અને એક દિવસમાં તે આઠ-દસ વખત આવી પાંચ-પાંચ મિનીટની હાજરી આપી શકે છે. આ તો થઇ દિલ્હી-મુંબઇની વાત, પણ કેસ બહારનો હોય તો નામી વકીલોની ફી રૂ.૧૦ લાખ થી રૂ.૩૦ લાખ જેટલી હોઇ શકે છે. ઉપરાંત આવવા-જવાનો અને રહેવાનો ખર્ચ અલગ.

માત્ર રજૂઆત કે નૈતિકતા નેવે મૂકીને બચાવ?
વિચારવાનો મુદ્દો એ છે કે મોટા ગણાતા વકીલો વિવાદાસ્પદ કે ગંભીર ગુનાના આરોપી એવા અસીલોના કેસ ફક્ત ન્યાયતંત્રનાં મૂલ્યોની જાળવણી ખાતર લે છે? આવા સીધા સવાલનો જવાબ આપવાનું વકીલોને ભાગ્યે જ બનતું હોય છે, પણ બે વર્ષ પહેલાં જેસિકા લાલના હત્યાકેસમાં રામ જેઠમલાણી આરોપી મનુ શર્માના પક્ષેથી મેદાને ઉતર્યા ત્યારે તેમની આકરી ટીકા થઇ. બે પત્રકારોએ જેઠમલાણીને વ્યક્તિગત મુલાકાતમાં સીધો સવાલ પૂછ્યો કે મનુ શર્મા જેવા અસીલનો કેસ તમે કેવી રીતે હાથમાં લઇ શકો? ત્યારે જેઠમલાણી સીએનએન-આઇબીએનનાં સાગરિકા ઘોષ ઉપર તાડુકી પડ્યા અને ‘તમારા જેવા લોકો પાસેથી મારે કાયદો કે નીતિમત્તા શીખવાની જરૂર નથી. કાયદા પ્રમાણે મને ઠીક લાગશે એ જ હું કરીશ.’ એવું એટલા ઊંચા સાદે અને એવી રીતે કહ્યું કે ઇન્ટરવ્યુ લેનાર ડઘાઇ જાય.

પરંતુ બીજા ઇન્ટરવ્યુ લેનાર કરણ થાપરે ‘ડેવીલ્સ એડવોકેટ’ કાર્યક્રમમાં મનુ શર્માના મુદ્દે જેઠમલાણીને આકરા પ્રશ્નો પૂછ્યા અને જેઠમલાણીની ઘાંટાઘાંટી તથા ઉગ્રતાને પી જઇને પોતાનો મુદ્દો એ હદે પકડી રાખ્યો કે આખા ઇન્ટરવ્યુમાંથી જેઠમલાણીનું અસલી પોત છતું થાય. (ઇન્ટરનેટ પર- યુટ્યુબ પર આ બન્ને ઇન્ટરવ્યુ જોવા મળી શકે છે.)

સવાલ કેવળ જેઠમલાણીનો નથી. એમને વકીલોના એક ચોક્કસ વર્ગના પ્રતિનિધિ ગણી શકાય, જે વિવાદાસ્પદ અસીલોના કેસ હાથમાં લેવા પાછળ ન્યાય, બંધારણ અને કાયદાના ભવ્ય સિદ્ધાંતો ટાંકે છે, પણ અસલિયત તેનાથી કંઇક વધારે હોય છે. કરણ થાપરે જેઠમલાણીને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું હતું કે ‘મનુ શર્માનો પક્ષ રજૂ કરવાના તમારા અધિકાર સામે કોઇને વાંધો કે વિરોધ નથી. પણ તેના બચાવ માટે જે રીતે તમે નૈતિકતા નેવે મૂકી દીધી છે એની સામે વાંધો છે. તમને ખબર છે કે તમે જે કહો છો તે જૂઠાણું છે. છતાં તમે તે ચલાવો છો.’

કસાબને કે મનુ શર્માને વકીલ મળવા જોઇએ, એમાં બેમત નથી. વકીલો તેમની ગરજે નહીં, આપણી ગરજે મળવા જોઇએ. કારણ કે આપણી ન્યાયપ્રક્રિયા સાબૂત છે એવું સિદ્ધ કરવામાં આપણને રસ હોય. પરંતુ ન્યાયખાતર સામો પક્ષ રજૂ કરનારા વકીલો પાસેથી એટલી અપેક્ષા રહે કે તે ‘રજૂઆત’ અને ‘બચાવ’ વચ્ચે લક્ષ્મણરેખા દોરે. ‘અસીલ હંમેશાં સાચો હોય છે’ એ સિદ્ધાંત સ્વીકારવા છતાં, સામા પક્ષની રજૂઆતમાં રહેલાં છીંડાંને મોટાં બનાવીને અને તેની પર પ્રહારો કરીને પોતાના અસીલનો બચાવ કરવામાં નૈતિકતાના અને સામાજિક જવાબદારીના પ્રશ્નો ચોક્કસ ઉભા થવા જોઇએ (જે મોટે ભાગે થતા નથી.)

જેઠમલાણી જેવા વકીલો તાડુકીને કહી શકે છે કે ‘નૈતિકતા અને જવાબદારી અમારે કોઇની પાસેથી શીખવાની જરૂર નથી. અમે કાયદા સિવાય બીજા કોઇને ગાંઠીએ નહીં.’ પરંતુ કાયદો બે રીતે અભિવ્યક્ત થાય છેઃ શબ્દોમાં અને હાર્દથી. કાયદાના અને ન્યાયના હાર્દને તજીને, ફક્ત શબ્દોનાં ખોખાંને વળગી રહેવાથી અને તેમનો અસીલના ગેરવાજબી બચાવમાં ઉપયોગ કરવાથી, શબ્દોમાં કદાચ કાયદાનો ભંગ ન થતો હોય, પણ કાયદાના હાર્દનું પાલન થતું નથી.
સામાન્ય રીતે બોલકા વકીલોને એ વિશે ભાગ્યે જ કંઇ કહેવાનું હોય છે.

2 comments:

  1. we have heard about the 'oath of Hippocrates' for doctors and 'oath of allegiance' for new citizens.

    alas, there is no such thing for these 'devils advocates' !

    it is everybody's knowledge that in the name of 'professional duty' they mint money and at the same time shamelessly boast of practicing high 'professional ethics'

    it is we voters are fools that we make them our representatives, guardians of constitution and democracy.

    aug 4, 2010

    ReplyDelete
  2. Jabir A. Mansuri4:07:00 PM

    Your pen took side of justice and who support just-process.

    Law is desired to be prevalent.

    SC moves to reopen 2002 Riot cases reject nexus-phenomenon in our machinery. Especially strong-jolt to those believe 'law is an ass'.

    ReplyDelete