Wednesday, June 23, 2010

ફેસબુકઃ થોડી ફાંકડી, થોડી ફરેબી, ઝાઝી ફોગટિયા દુનિયા

‘ફેસબુક’/Facebook એટલે શું? એવા સવાલનો ટૂંકો જવાબ આપવાની ચેષ્ટા પણ ‘ફેસબુક’ના પ્રેમીઓને હાસ્યાસ્પદ લાગી શકે છે. ‘સૂર્ય એટલે સૂર્ય, દિવસ એટલે દિવસ અને ફેસબુક એટલે ફેસબુક. આટલી સાદી વાત છે.’ એવું તેના ચાહકોને લાગતું હશે. તેમની લાગણી સાવ અસ્થાને નથી. સોશ્યલ નેટવર્કિંગ કહેતાં ‘ઓનલાઇન ઓટલાપરિષદ’ ની આ વેબસાઇટના નોંધાયેલા સભ્યોની સંખ્યા ૫૦ કરોડથી પણ વધારે છે. (માંડ ચાર મહિના પહેલાં એ સંખ્યા ૪૦ કરોડ હતી.)

ફક્ત છ વર્ષમાં ૫૦ કરોડ સભ્યો અને તેમાંના ઘણાખરા કેવળ સભ્યો જ નહીં- બંધાણીઓ હોય, એવી કંપનીની ઓળખાણ આપવાનું જરા વિચિત્ર લાગે. પરંતુ હવે આ આંકડા જુઓઃ ભારતમાં ઇન્ટરનેટ વાપરતા લોકોમાંથી આશરે ૬૦ ટકા લોકો એક યા બીજી સોશ્યલ નેટવર્કિંગ સાઇટના સભ્ય છે. તેમાંથી ‘ફેસબુક’ના સભ્યોની સંખ્યા છેઃ ૧.૭ કરોડ. બીજી વેબસાઇટોની સરખામણીએ આ સંખ્યા બેશક મોટી જ નહીં, પ્રચંડ કહેવાય. પણ ભારતની એક અબજ ઉપરાંતની વસ્તીને ઘ્યાનમાં રાખીએ તો કહી શકાય કે ભારતની વસ્તીમાંથી ફેસબુકના સભ્ય હોય એવા લોકોનું પ્રમાણ ૧ ટકો થાય.

ચસકાની શરૂઆત
સંતાનો અથવા તેમનાં સંતાનોના પ્રતાપે હવે કમ્પ્યુટર વાપરતા ન હોય એવા લોકો પણ ‘ફેસબુક’ના નામથી પરિચિત છે અને બીજી તેમને એ ખબર છે કે તેમનાં ચિરંજીવી ‘ફેસબુક’ પાછળ ખાસ્સો સમય કાઢે છે. ‘ફેસબુક’ નામ ધરાવતી આ વેબસાઇટનો - અને તેના દ્વારા થતા સોશ્યલ નેટવર્કિંગનો ચસકો જ એવો છે.
‘ફેસબુક’ ન વાપરતા લોકોના લાભાર્થે તેની કામગીરીની ઝલક અને તેના બંધાણનાં કારણઃ

કોઇ પણ વ્યક્તિ ‘ફેસબુક’ની વેબસાઇટ પરનું ફોર્મ ભરીને વિના મૂલ્યે તેની સભ્ય બને એટલે જાણે જોગિંગના મોટા ખુલ્લા મેદાનમાં તેનો પ્રવેશ થાય. ત્યાંથી શરૂ થાય ફ્રેન્ડ બનાવવાનો સિલસિલો. ફ્રેન્ડ બનાવવા માટે વિનંતી મોકલવી પડે. એકની વિનંતી બીજો સ્વીકારે કે બીજાની વિનંતી પહેલો સ્વીકારે એટલે બન્ને મિત્ર થઇ ગયા ગણાય. આ રીતે પોતાની અને સામેવાળાની મરજી મુજબ મિત્રોની સંખ્યા વધારી શકાય.

‘ફેસબુક’નું હાર્દ છેઃ અંગત ધોરણે તેમ જ સામુહિક રીતે મિત્રોના ખબરઅંતર રાખવાં -તેમની સાથે ગપ્પાંગોષ્ઠિ કરવી- મનગમતી વિગતો શેર કરવી અને મનમાં આવે તે લખવું. એક વ્યક્તિ પોતાના ખાતામાં જઇને લખે અથવા ફોટો કે વિડીયો મૂકે એ તેના ફ્રેન્ડ બનેલા બધા જ પોતપોતાના હોમ પેજ પર જોઇ શકે અને તેની પર કમેન્ટ પણ કરી શકે. સામાન્ય ટીપ્પણીને બદલે ચોક્કસ મિત્રને સંદેશો લખવાનો હોય ત્યારે મિત્રના‘વોલ’ કહેવાતા પ્રોફાઇલ પેજ પર જઇને સંદેશો લખી શકાય છે, જે મિત્રને સીધેસીધો વાંચવા મળી જાય છે. સામાન્ય લખાણ હોમપેજ પર બીજા અનેક મિત્રોનાં લખાણની સાથે ટ્રાફિકમાં અટવાઇ શકે, પણ ‘વોલ’ પર મુકાયેલો સંદેશો તરત નજરે ચડે છે. લખવા માટે ‘વોટ્સ ઓન યોર માઇન્ડ?’નો સંદેશો ધરાવતું એક ખાનું હોય છે, જેમાં ૪૨૦ કેરેક્ટરની મર્યાદામાં કંઇ પણ લખી શકાય. એથી વધારે લાંબું લખાણ મૂકવું હોય તો એ ‘નોટ્સ’ સ્વરૂપે મૂકવાની સુવિધા છે.

કેટલાક લોકો ફક્ત પોતે બહારની દુનિયામાં ઓળખતા હોય એવા લોકોના જ ફ્રેન્ડ બને છે અને તેમને પોતાના ફ્રેન્ડ બનાવે છે. પરંતુ મોટા ભાગના લોકોનાં ફ્રેન્ડલિસ્ટ ત્રણ-ચાર આંકડામાં પહોંચે છે. દરેક જણ ખાતામાં જઇને પોતાનો પ્રોફાઇલ ખોલે એટલે તેમાં ફ્રેન્ડલિસ્ટની ઝલક અને કુલ મિત્રોની સંખ્યા દેખાય છે. ફ્રેન્ડલિસ્ટમાં કે કોઇ પણ પોસ્ટ (લખાણ) સાથે રહેલા નામ પર ક્લિક કરવાથી એ ફ્રેન્ડનું ખાતું ખુલી જાય છે અને તેની વિગતો, તેણે મૂકેલી તસવીરો, તેના મિત્રોનું લીસ્ટ વગેરે જોઇ શકાય છે.

ફેસબુક પરનો આખો વ્યવહાર ઓનલાઇન હોવાથી નહીંવત્ ખચકાટ સાથે અજાણ્યા લોકો સાથે પરિચયનો હાથ લંબાવી શકાય છે અને અપરિચિતો સાથે કોઇ પણ ભૂમિકા વિના લટકસલામ થઇ શકે એટલી ઓળખાણ બાંધી શકાય છે. કેમ કે ફેસબુકનો માહોલ જોગર્સ પાર્ક કરતાં પણ વધારે અનૌપચારિક હોય છે. તેના પ્રતાપે ફેસબુક-મિત્રોનું વર્તુળ મિત્રો, મિત્રોના મિત્રો અને મિત્રોના મિત્રોના મિત્રો સુધી વિસ્તરી શકે છે. એ ઉપરાંત કોઇ ચોક્કસ વ્યક્તિનો અતોપતો શોધવા માટે ફક્ત સર્ચબોક્સમાં નામ લખવાથી ફેસબુક પર એ નામની જેટલી વ્યક્તિઓ હોય તેમનું ઠેકાણું અને તેમને સંદેશો કે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને, પરિચયનો કપાયેલો તંતુ ફરી સાંધી શકાય છે.

મળતર ઓછું, ગળતર ઝાઝું
આગળની વિગત વાંચ્યા પછી તો એવું લાગે, જાણે ફેસબુક દ્વારા આખી દુનિયાને એકબીજાની દોસ્ત બનાવવા જેવું વિશ્વશાંતિનું કામ થઇ રહ્યું છે અને ખરેખર તો એને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળવું જોઇએ. પરંતુ ‘ફેસબુક’ની બોલબાલાની સાથોસાથ તેની ટીકાનો કે તેના વિરોધનો સૂર કેમ સંભળાય છે?

‘ફેસબુક’ની ટીકા અથવા વિરોધને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાયઃ ૧) નિરર્થકતા ૨) દુરૂપયોગ અને ૩) અંગત માહિતી પરનું જોખમ. સૌથી પહેલાં વાત અંગત માહિતીની. કેમ કે, પ્રાઇવસી પોલિસીમાં ફેરફારને પગલે છેલ્લા થોડા સમયથી ‘ફેસબુક’ પર મોટા પાયે પસ્તાળ પડી છે. ‘ફેસબુક’ સામે વિરોધનો સૂર એટલો પ્રબળ બન્યો કે અમુક ઉત્સાહીઓએ ૩૧ મે, ૨૦૧૦ને ‘ક્વિટ ફેસબુક ડે’ તરીકે જાહેર કર્યો અને આશરે ૩૬ હજાર જેટલા સભ્યોએ પોતાનું ‘ફેસબુક’નું ખાતું બંધ કરાવી દીઘું અથવા તેનો સંકલ્પ કર્યો.

‘ફેસબુક’ના વિરોધીઓ પણ કબૂલે છે કે ‘ફેસબુક’ છોડવી એ સિગરેટ છોડવા જેવું અઘરૂં છે. છતાં તેમણે એ પડકાર કેમ ઉપાડ્યો? તેનું મુખ્ય કારણ છે: ‘ફેસબુક’ના છોકરડા માલિક માર્ક ઝુકરબર્ગની સતત બદલાતી પ્રાઇવસી પોલિસી એટલે કે સભ્યો દ્વારા અપાયેલી વિગતો ખાનગી રાખવા અંગેના નિયમોમાં વખતોવખત થતા રહેતા ફેરફાર. ‘ફેસબુક’ પર ખાતું ખોલાવતી વખતે જન્મતારીખ અને ઇ-મેઇલ એડ્રેસથી માંડીને સ્કૂલ, કોલેજ, નોકરીનું સ્થળ, કંપનીનું નામ, ગામ તથા ગમા-અણગમા વિશેની ઘણી વિગતો માગવામાં આવે છે. જેમ કે, મનપસંદ સંગીત, મનપસંદ પુસ્તકો, મનપસંદ ફિલ્મો અને ટીવી શો...તેમાંથી મોટા ભાગની વિગતો ફરજિયાત હોતી નથી. પરંતુ ઘણાખરા સભ્યો એ ખાનાંમાં વિગતો ભરે છે, જે મોટે ભાગે સાચી હોય છે.

ડિજિટલ દસ્તાવેજોના યુગમાં ઇ-મેઇલ અને જન્મતારીખ જેવી પ્રમાણમાં ‘સંવેદનશીલ’ કહેવાય એવી વિગતો જાહેર કરવી કે નહીં, એના વિકલ્પો પણ આપવામાં આવે છે. સભ્યો ઇચ્છે તો પોતાની મોટા ભાગની વિગતો બીજા વપરાશકારોથી અને મિત્રોથી પણ ખાનગી રાખી શકે. પરંતુ આ પ્રકારની વેબસાઇટોમાં બહુ મોટો આધાર ‘ડિફોલ્ટ સેટિંગ’ એટલે કે મૂળભૂત ગોઠવણ કેવી છે તેની પર હોય છે. મૂળભૂત ગોઠવણ બધી વિગતો ખાનગી રહે એવી હોય અને વિગતો જાહેર કરવા માટે સભ્યને બે જગ્યાએ ટીક કરવી પડે, તે એક વિકલ્પ છે અને બીજો વિકલ્પ એ છે કે સભ્ય મહેનત કરીને સેટિંગ ન ફેરવે ત્યાં સુધી બધી વિગતો બધા માટે ખુલ્લી રહે.

‘ફેસબુક’ના અભ્યાસી ટીકાકારોના જણાવ્યા પ્રમાણે, ૨૦૦૪માં ફેસબુકનો પ્રારંભ થયો ત્યાર પછી ઘણા સમય સુધી ફેસબુકની પ્રાઇવસી પોલિસી એક જ લીટીની હતી: ‘તમારા ગ્રૂપમાં ન હોય એવા બીજા કોઇ સાથે તમારી માહિતી શેર કરવામાં નહીં આવે.’ ત્યાર પછી તેમાં પરિવર્તન આવતાં ગયાં અને સભ્યોની અંગત માહિતી જાહેરખબર માટે કે બીજી કંપનીઓને અપાતી હોવાની સંભાવના અને આશંકા વધવા લાગી. સભ્યપદ મફત હોય છતાં કંપની વર્ષેદહાડે ૮૦ કરોડ ડોલરનો ધંધો કરતી હોય, ત્યારે આશંકાઓ મજબુત બને એ સ્વાભાવિક ગણાય. એક ટીકાકારે એટલે સુધી લખ્યું કે ‘તમે (સભ્યો) ફેસબુક માટે ગ્રાહકો નથી, ઇન્વેન્ટરી/માલસામાન છો. ફેસબુક તમને કશું વેચતી નથી. એ તમને જ- તમારી અંગત માહિતીને જ- વેચે છે.’

ભારતમાં પોતાની માહિતી જાહેર થવા અંગે લોકો બહુ સભાન હોતા નથી. તેની સાથે સંકળાયેલાં જોખમો પણ વિદેશની સરખામણીમાં ઓછાં છે. છતાં, જેમ જેમ ઓળખનાં વઘુ ને વઘુ પાસાં ડિજિટલ થતાં જશે તેમ માહિતી જાહેર કરતાં પહેલાં વિચારવાનું શીખવું પડશે.

લપટી લક્ષ્મણરેખા
અંગત માહિતીનો ફેસબુક દ્વારા દુરૂપયોગ થતો નથી, એવી બાંહેધરી તેના સ્થાપક માર્ક ઝુકરબર્ગે ‘અમેરિકન સિવિલ લીબર્ટીઝ યુનિઅન’ અને ‘ઇલેક્ટ્રોનિક ફ્રન્ટિયર ફાઉન્ડેશન’ જેવી ફરિયાદી સંસ્થાઓને ગયા અઠવાડિયે આપી છે. છતાં, કંપની સિવાયના લોકો દ્વારા થતા અંગત માહિતી કે તસવીરોના દુરૂપયોગનો મુદ્દો ઉભો રહે છે. સામાન્ય સંજોગોમાં જાણીતા અને એકંદરે સુરક્ષિત વાતાવરણમાં રહેતાં કિશોર-કિશોરીઓ ફેસબુક પર અફાટ ભીડની વચ્ચે આવી ચડે ત્યારે સામેના પાત્રોના ઇરાદા વિશે નિર્ણય બાંધવાનું તેમના માટે મુશ્કેલ હોય છે. ‘ફેસબુક’ જેવાં માઘ્યમો થકી કશા નક્કર આધાર વગર બંધાતા કે એવી જ મુગ્ધતા વચ્ચે પાંગરતા સંબંધો ભારત જેવા દેશમાં તો ઠીક, અમેરિકામાં પણ માતા-પિતા માટે વિશિષ્ટ પ્રશ્નો પેદા કરે છે. સંતાનને ‘ફેસબુક’ વાપરતાં અટકાવી શકાતું નથી અને મર્યાદા જાળવીને, સમય કે સંયમની લક્ષ્મણરેખા ઓળંગ્યા વિના ‘ફેસબુક’ વાપરવાનું શીખવી શકાતું નથી. કેમ કે, મોટા ભાગનાં માતાપિતા એ દુનિયાથી અજાણ હોય છે અથવા પોતે જ તેનાં બંધાણી હોય છે.

‘ફેસબુક’ની સૌથી મોટી મર્યાદા એ લાગે છે કે તેની પર થતી અર્થસભર આપ-લે કે સરસ પરિચયોની સરખામણીમાં સાવ જ ઉપલકીયા અને ‘આવ્યા છીએ તો હાથ ઊંચો કરતા જઇએ’ પ્રકારના પરિચયોનું અને એવા જ વાર્તાલાપોનું પ્રમાણ બહુ મોટું હોય છે. એવા પરિચયોનો વાંધો ન હોઇ શકે, પણ દરેક દ્વારા ઠલવાતી- અને મોટે ભાગે નિરર્થક- સામગ્રીનું પ્રમાણ એટલું મોટું હોય છે કે તેની પર નજર ફેરવવામાં પણ પુષ્કળ સમય બગડે. આગળ જણાવ્યું તેમ, ‘ફેસબુક’ વાપરનારને બંધાણી બનાવે એવી ચીજ છે. કેમ કે, તેમાં દરેક વ્યક્તિ પોતપોતાના વિશિષ્ટ હેતુઓ સાથે કે સાવ અકારણ આવે છે અને પોતે કલ્પના ન કરી હોય એવા પરિચયો-ઓળખાણો અને ટોળટપ્પાંની દુનિયામાં ખેંચાતી જાય છે.

સામે પક્ષે, ‘ફેસબુક’ થકી એવા પણ મિત્રો મળે છે, જેમની સાથે સામાન્ય સંજોગોમાં કદી મિત્રાચારી ન થઇ હોત. કોઇ પણ પ્રકારના પ્રચાર માટે પણ તે ઉત્તમ માઘ્યમ છે. પરંતુ એક જ શહેરમાં કે બહુ સહેલાઇથી એકબીજા સાથે અંગત કે ટેલીફોનિક સંપર્કમાં રહી શકે એવા લોકો, કશી ખાસ વાત ન હોય તો પણ, ફક્ત ફેસબુક પર હોવાને કારણે એકબીજા સાથે નિરર્થક ગોઠડી કર્યા કરે, એમાં સમય, શક્તિ અને સંસાધનનો ભારે બગાડ છે.
કોઇ પણ ટેકનોલોજીની જેમ ‘ફેસબુક’નો પણ ઇષ્ટ કે અનિષ્ટ ઉપયોગ કરવાનું તેના વપરાશકારના હાથમાં છે. પણ એટલું ખરૂં કે ‘ફેસબુક’ની ‘જમીન’ તેના અસંખ્ય વપરાશકારો માટે સામાન્ય વેબસાઇટો કરતાં ઘણી વધારે લપસણી પુરવાર થઇ છે.

4 comments:

  1. Anonymous6:15:00 PM

    ઉર્વીશભાઈ, તમે ફેસબુક પર છો?
    ગુણવંતભાઈ ફેસબુક પર છે?
    ઉર્વીશભાઈ ફેસબુક પર તમારા કેટલા ફ્રેન્ડો છે?
    ગુણવંતભાઈના ફેસબુક પર કેટલા ફ્રેન્ડો છે?
    તમારા અને ગુણવંતભાઈના ફેસબુકના ફ્રેન્ડોને તમારો ગુણવંતભાઈવાળો (59 કોમેન્ટવાળો) લેખ મોકલો તો તમારા ફેસબુકના કેટલા ફ્રેન્ડો વધે અને ગુણવંતભાઈના ફેસબુકના કેટલા ફ્રેન્ડો ઘટે?

    - તમારો ફેસબુક વગરનો ફ્રેન્ડ

    ReplyDelete
  2. Anonymous6:26:00 PM

    http://www.facebook.com/video/video.php?v=157128708260

    ફેસબુક વિષેનો એક વિડીયો ફેસબુક પર જ.

    ReplyDelete
  3. Anonymous11:54:00 AM

    Perhaps communication of two extreme journalists one from RSS side and one from secular-side be witnessed in the process of creating a homogeneous healthy Gujarati and Indian plural society.

    Which pen would prefer to be witnessed the experience before learned judiciary, in case demanded for creating healthy social fabric of plural credential. Definitely would help to harmony.

    ReplyDelete
  4. Anonymous9:19:00 PM

    Haraam barabar jo kain samaj padi hoi to. Gujarati ma lakho ne bhai.

    ReplyDelete