Friday, October 09, 2009

રાષ્ટ્રપતિ(?) અને સરદાર સ્મારક

ભારતનાં રાષ્ટ્રપ્રમુખ શ્રીમતી પ્રતિભા પાટિલ ગુજરાતની મુલાકાતે આવ્યાં, ત્યારે અમદાવાદમાં તેમણે શાહીબાગમાં આવેલા સરદાર સ્મારકની મુલાકાત લીધી અને ત્યાં એક નવા હોલનું ઉદ્ઘાટન કર્યું. (ના, એ નવા હોલને સરદાર સાથે કશી લેવાદેવા નથી. તમારે કાર્યક્રમ કરવો હોય તો તમને પણ એ હોલ મળે.)

ખબર હતી કે વિઝિટર્સ બુકમાં મહાનુભાવો ભાગ્યે જ કશા મોર ચીતરતા હોય છે. છતાં એક કૂતુહલ ખાતર અને બિનીત (મોદી)ના ધક્કાથી ગાંધી આશ્રમની લીટી ભેગો સરદાર સ્મારકનો લસરકો મારતાં ઉપરની બન્ને તસવીરો મળી છે. પ્રતિભા પાટિલ રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર હતાં, ત્યારે તેમણે લખેલો સંદેશો પહેલાં મૂક્યો છે અને તાજી મુલાકાતનો પછી.

મહિલા રાષ્ટ્રપતિ માટે ગુજરાતી અખબારો પ્રેમથી અને ધરાર ‘રાષ્ટ્રપતિ’ શબ્દ જ વાપરે છે. તેનો ખુલાસો એવો હોઇ શકે કે એ હોદ્દાનું નામ છે, પણ તેની સામેની દલીલ એવી થઇ શકે કે એ પુરૂષોએ પાડેલું હોવાથી ‘રાષ્ટ્રપતિ’ પાડ્યું હશે. ‘રાષ્ટ્રપ્રમુખ’ લખવાનો વિકલ્પ છે.

આ સિવાયના કોઇ રાષ્ટ્રપતિના હોદ્દાને છાજે એવા, મહિલા રાષ્ટ્રપતિ માટેના વિકલ્પો સૂઝે છે?
હા? તો લખી મોકલો.

2 comments:

  1. રાષ્ટ્રાધ્યક્ષ?

    ReplyDelete
  2. SALIL DALA (Toronto)9:40:00 AM

    પ્રિય ઉર્વીશ,
    ઉઘરાણી માટે છેલ્લી પોસ્ટમાં લખેલી કોમેન્ટ અસરકારક રહેશે, એવા સાદા હિસાબ સાથે આ કોમેન્ટ મોકલી રહ્યો છું જેનો સંદર્ભ ૨૮ મી સપ્ટેમ્બરની ફાધર વાલેસના સમારંભવાળી પોસ્ટ સાથે છે.
    તેમાં કરેલા વાયદાને દસ દિવસ ઉપરાંત થવા ચાલ્યું. (અહીની ભાષામાં કહીએ તો 'મોર ધેન ટુ વીક્સ'!)
    ફાધર વાલેસ પાર્ટ - ટુ'નું શું થયું, બાપલીયા?

    ReplyDelete