Saturday, September 19, 2009

સ્વાઇન ફ્લુનું એન્કાઉન્ટરઃ એક કાલ્પનિક મિટિંગનો અહેવાલ

ગુજરાતમાં સ્વાઇન ફ્લુની સાથે એન્કાઉન્ટર-ફ્લુએ પણ ઉથલો માર્યો છે. શરદી થઇ હોય એવા બધા લોકો ‘ક્યાંક સ્વાઇન-ફ્લુ તો નહીં હોય ને!’ એવી શક્યતાથી ફફડે, તેમ એન્કાઉન્ટર સાથે કોઇ પણ રીતે સંકળાયેલા પોલીસદળમાં અત્યારે ફડકો પેઠો છે,‘ક્યાંક આપણું નામ પણ એકાદ જૂના એન્કાઉન્ટરમાં નહીં ખુલે ને!’ એક સમયે એન્કાઉન્ટર કરવા તલપાપડ બંકાઓ હવે ‘શિકારી ખુદ યહાં શિકાર હો ગયા’ની માફક, કાયદા-કાનૂનમાં એન્કાઉન્ટર ન થઇ જાય, એની ચિંતા કરે છે.

છતાં, હાઇવે પર થતાં એન્કાઉન્ટરને ગોકુળ-મથુરા-વૃંદાવન સુધી લઇ જનારા ચિંતાજનક ચિંતકોથી માંડીને ગુજરાતના ઘણા સી.એમ.- કોમન મેન-સામાન્ય માણસોને ખાતરી છે કે ક્યારેક એન્કાઉન્ટરનો જૂનો દબદબો પાછો આવશે. અત્યારે ભલે એન્કાઉન્ટર અને તેના કરનારાને ડફણાં પડતાં હોય, પણ ફરી એ લોકોને હીરોનો દરજ્જો પાછો મળશે. નકલી એન્કાઉન્ટરના આરોપસર જેલમાં પુરાયેલા ફરી હીરોની માફક પૂજાશે અને ફરી તેમની મુલાકાતો ભોળા ભાવકો સમક્ષ પીરસાશે.

કોઇ પણ ચીજનો આતંક વધી જાય તો તેનું એન્કાઉન્ટર કરી નાખવું, એ પદ્ધતિ સરકારને એવી માફક આવી ગઇ છે કે સ્વાઇન ફ્લુના પ્રતિકારની મિટિંગમાં પણ તેનો પડઘો પડ્યા વિના રહેતો નથી. એવી એક, ગાંધીનગરમાં નહીં ભરાયેલી, પણ ભરાઇ શકે એવી કાલ્પનિક મિટિંગનો અહેવાલઃ

અધિકારી ૧ મિત્રો, આજે આપણે સૌ કેમ ભેગા થયા છીએ એ તો તમે જાણો જ છો.

અધિકારી ૨ (મનમાં) હવે સાહેબનું જોઇને હાલતા ને ચાલતા બધા ‘મિત્રો...મિત્રો...’ બોલવા મંડી પડ્યા છે.

અધિકારી ૩ હા સાહેબ, એક અખબારે લખ્યું છે કે આપણા રાજ્યમાં સ્વાઇન ફ્લુથી થતો મૃત્યુઆંક સૌથી વધારે છે.

અધિકારી ૧ મિસ્ટર, આટલા વખતથી તમે સરકારમાં કામ કરો છો, પણ તમે કંઇ શીખ્યા નહીં. ‘મૃત્યઆંક સૌથી વધારે છે’ એવું અશુભ આપણે ન બોલીએ. આપણએ તો એમ કહેવાનું હોય કે ‘સ્વાઇન ફ્લુમાં પણ ગુજરાત નંબર વન રાજ્ય!’

અધિકારી ૪ સાહેબ, વચ્ચે એક સવાલ પૂછી લઊં? મેડ કાઉ ડીસીઝ વિશે મેં સાંભળ્યું હતું. હવે આ સ્વાઇન ફ્લુ આવ્યો છે. કાઉ (ગાય) અને સ્વાઇન (સુવ્વર)- સાહેબ, કહો ન કહો, પણ મને તો આખી વાતમાં સેક્યુલરિસ્ટોનું કાવતરૂં લાગે છે.

અધિકારી ૧ વેરી ગુડ. વેલ સેઇડ. (અધિકારી ૩ તરફ ફરીને) જોયું? આને કહેવાય વિચારશીલતા! મૌલિક ચિંતન ! મારે સાહેબને વાત કરવી પડશે.

અધિકારી ૪ (સહેજ દબાતા અવાજે) જરૂર કરજો, પણ મારા નામે કરજો.

અધિકારી ૧ તમે કંઇ કહ્યું?

અધિકારી ૪ ના રે સાહેબ. હું કંઇ બોલ્યો જ નથી. એ તો તમારા અંતરમાંથી અવાજ આવ્યો હશે.

અધિકારી ૨ આપણે વળી અંતરના અવાજ કેવા? સચિવાલયની સિક્યોરીટી એટલી ટાઇટ થઇ ગઇ છે કે અંતરનો અવાજ પણ અંદર લઇ જવા દેતા નથી. બહાર ગેટ પર જમા કરાવીને જવું પડે છે. ઘણી વાર તો વળતાં પાછો લઇ જવાનું પણ ભૂલી જવાય છે.

અધિકારી ૧ (સહેજ કડકાઇથી) આડીઅવળી વાતો બંધ કરીને આપણે મુદ્દાની વાત પર આવીએ. સ્વાઇન ફ્લુનું શું કરીશું?

અધિકારી ૩ આઇડીયા!

અધિકારી ૧ ના ભાઇ ના. આમાં મોબાઇલ કંપનીનું કામ નહીં. આવાં કામ એમને ન ફાવે.

અધિકારી ૩ એમ નથી કહેતો સાહેબ. એક આઇડીયા છે. આપણે રાજ્યભરમાં મોટાં મોટાં હોર્ડંિગ ચીતરાવી દઇએ. તેમાં લખવાનું કે ‘સ્વાઇન ફ્લુ અને તેનો મૃત્યુ આંક ગુજરાતને બદનામ કરવાનું કાવતરૂં છે. જે કોઇ સ્વાઇન ફ્લુથી મૃત્યુ પામશે તેમને રાજ્યદ્રોહી ગણીને તેમની સામે તથા સ્વાઇન ફ્લુના જીવાણુ વિરૂદ્ધ રાજ્યદ્રોહની કલમો અંતર્ગત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સ્વાઇન ફ્લુ, મુર્દાબાદ. આપણું ગુજરાત, ઝિંદાબાદ.’ બાજુમાં સાહેબનો બાવડું બતાવતો ફોટો અને નીચે સ્વાઇન ફ્લુના વિષાણુ તરફડતા હોય એવું કાર્ટૂન. કેવો આઇડીયા છે સાહેબ!

અધિકારી ૧ આઇડીયા ખોટો નથી. સાહેબને કદાચ ગમી જાય. પણ હજુ મને લાગે છે કે આપણે વિચાર કરવો જોઇએ. હજુ ચા-નાસ્તો પણ આવ્યો નથી.

અધિકારી ૪ સાહેબ, હું તો માનું છું કે સ્વાઇન ફ્લુના જંતુઓને આતંકવાદની જેમ ઉગતા જ ડામવા હોય તો...

અધિકારી ૧ તો શું?

અધિકારી ૪ તમે ગુસ્સે તો નહીં થાવ ને?

અધિકારી ૧ તમે આગળ નહીં બોલો તો ગુસ્સે થઇશ.

અધિકારી ૪ મારૂં માનો તો સ્વાઇન ફ્લુના જીવાણુઓનું એન્કાઉન્ટર કરાવવું જોઇએ. મારી જોડે એની આખી સ્ટોરી તૈયાર છે. મહારાષ્ટ્રના પૂના શહેરથી શસ્ત્રસજ્જ થયેલા અને પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતા સ્વાઇન ફ્લુના જંતુઓ દરિયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશ્યા. તેમનો દેખાવ એવો હતો કે તેમની ઘાતકતા વિશે કોઇને શંકા ન પડે. એક વાર ગુજરાતમાં પેઠા પછી સ્થાનિક સહકારથી તે આગળ વઘ્યા અને છેક અમદાવાદ-ગાંધીનગરની સીમ સુધી આવી ગયા. આઇ.બી.નો રીપોર્ટ હતો કે ગુજરાતના વીવીઆઇપી મહાનુભાવોના માથે સુરક્ષાનો મોટો ખતરો તોળાઇ રહ્યો છે. આ એલર્ટથી પોલીસ દળ સાવધાન બની ગયાં હતાં. આવી જ રીતે સરખેજ-ગાંધીનગર હાઇ વે પર રાત્રે રોન લગાવતી એક ટુકડીને શંકાસ્પદ હાલતમાં કેટલાક વિષાણુઓ મળી આવ્યા. શંકાના આધારે પોલીસે પૂછપરછ કરતાં વિષાણુઓ પોલીસ પર સીધો હુમલો કર્યો. સ્વબચાવમાં પોલીસે કરેલા ગોળીબારમાં સ્વાઇન ફ્લુના વિષાણુઓનું સ્થળ પર મૃત્યુ થયું. એ વિષાણુઓનો ચેપ બીજે ન ફેલાય એ માટે પોલીસે કોઇ પણ પ્રકારની લાંબી વિધી કર્યા વિના તેમના મૃત શરીરનો નિકાલ કરી નાખ્યો છે. આમ, ગુજરાતને સ્વાઇન ફ્લુના વિષાણુઓથી મુક્તિ મળી ગઇ છે. કેવી લાગી સ્ટોરી, સાહેબ?

અધિકારી ૧ (દાંત ભીંસીને) સરસ. રામગોપાલ વર્માને આપી આવજો. એની પરથી ફિલ્મ બનાવી નાખશે. પણ એ તો કહો કે વાઇરસનું એન્કાઉન્ટર કેવી રીતે થાય?

અધિકારી ૨ એમાં શી મોટી વાત છે, સાહેબ! આખેઆખા માણસોનું આપણે ચપટીમાં એન્કાઉન્ટર કરી નાખીએ છીએ, તો આ ઝીણા વાઇરસને મસળી નાખતાં કેટલી વાર?

અધિકારી ૧ શ્શ્શ્...ખબરદાર ઝીણાનું નામ લીઘું છે તો...

અધિકારી ૨ સાહેબ, હું તો એમ કહેતો હતો કે આ ટચૂકડા વાઇરસની શી વિસાત? મને તો ખાતરી છે કે જસવંતસિંઘના પુસ્તકની જેમ સ્વાઇન ફ્લુના વાઇરસ પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવે તો વાઇરસ પણ ફફડી જશે ને ગુજરાતનો ડંકો વાગી જશે.

(બરાબર એ જ વખતે ઘડિયાળમાં ડંકા પડે છે, એટલે એ ડંકા ગુજરાતના હોય એમ સૌ હરખાતા છૂટા પડે છે. )

1 comment:

  1. Anonymous12:28:00 AM

    લેખ વાંચીને હસવું આવી ગયું.. અધિકારી ૧, ૨, ૩, ૪ ની જગ્યાએ નામ હોત તો વધુ મઝા આવી જાત..

    ReplyDelete