Saturday, June 06, 2009

ગુજરાત વિશે કલ્પના અને ‘વર્ચ્યુઅલ રીઆલીટી’

ગયા વર્ષે એક સંપાદન માટે મેં લખેલો લેખ, આજે રાવજીભાઈ સાવલીયાની બીજી પુણ્યતિથી નિમિત્તે, તેમની સ્મૃતિમાં

ફિલ્મઉદ્યોગમાં અને રાજકારણમાં જ્યુબિલી ઉર્ફે જયંતિઓનું મહત્ત્વ ઘણું હોય છે. કેમ કે, બન્નેમાં આખરે ધંધાનો સવાલ છે. જયંતિઓ ઉજવવાથી પોતાની ‘બ્રાન્ડ’ ભણી નવેસરથી લોકોનું ધ્યાન ખેંચવાની કે તેમનામાં નવેસરથી ઉત્સાહ જગાડવાની તક મળે છે.

ગુજરાતના વર્તમાન મુખ્ય મંત્રી વર્તમાન રાજકારણમાં એક બ્રાન્ડ છે. ગુજરાત, તેનું હિત, તેની અસ્મિતા, તેનું ગૌરવ, તેનો વિકાસ – આ બધું મુખ્ય મંત્રી માટે સાધ્ય નહીં, પણ સાધન છે- પોતાની બ્રાન્ડ મજબૂત કરવા માટેનું સાધન. છતાં ગુજરાતની પ્રજાને તે એવું સમજાવવામાં સફળ રહ્યા છે કે આગળ જણાવેલી ચીજો તેમનું સાધ્ય છે. આમ કરવામાં જો કે તે પહેલા નથી. નજીકના ભૂતકાળમાં ‘નયા ગુજરાત’ અને નર્મદા યોજના થકી ચીમનભાઇ પટેલે આવી જ સફળતા મેળવી હતી.

વર્તમાન મુખ્ય મંત્રી કમ્યુનિકેશનની કળામાં પારંગત અને પોતાની બ્રાન્ડનું કોઇ પણ ભોગે માર્કેટિંગ કરવામાં બેશરમ છે. ગુજરાતમાં પૂર આવ્યાં ત્યારે તેમણે છપાવેલાં મદદની અપીલ માટેનાં કાર્ડમાં તારાજીગ્રસ્ત વિસ્તારોની હવાઇ તસવીર (એરીયલ વ્યુ) ઉપર પોતે હેલિકોપ્ટરમાંથી નિરીક્ષણ કરતા હોય, એવું કટઆઉટ મુકાવ્યું હતું. આફતને અવસરમાં પલટાવવો તે આનું નામ.

આવા ઉત્સાહી મુખ્ય મંત્રી ગુજરાત રાજ્યની સ્થાપનાને પચાસમું બેસતું હોય, એવા અવસરનો લાભ લેવાનું અને એ નિમિત્તે એકાદ ‘કેચી’ સ્લોગન વહેતું મુકવાનું ચૂકે? તેમણે ગુજરાતની સુવર્ણજયંતિ નિમિત્તે આપેલું ‘કેચ-ફ્રેઝ’ છેઃ સ્વર્ણીમ ગુજરાત. આ સૂત્રને અપનાવવું કે તેની ટીકા કરવી, એ બન્નેમાં સરવાળે એ સરકારી સૂત્રનો મહીમા થાય છે. એટલે ‘સ્વર્ણીમ ગુજરાત’ વિશેની કલ્પના કરવાની કસરત- તેમાં મુખ્ય મંત્રીની બ્રાન્ડના રાજકારણની ટીકા હોય તો પણ- અંતે મુખ્ય મંત્રીની પ્રચારગાડીમાં ચડી જવા બરાબર નીવડી શકે છે.

***
2008માં ગુજરાત વિશેની કલ્પના કેવી હોઇ શકે? ‘નાનો’ કારનો પ્લાન્ટ ગુજરાતમાં આવ્યા પછી, ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ જેવા અખબારના વાચકોને, કર્ણાવતી-રાજપથ ક્લબના સભ્યોને અને તેમના પગલે ઘણા બીજા લોકોને પણ એવું લાગી શકે છે કે ‘કલ્પી શકાય એ બધી સુખસમૃદ્ધિ ગુજરાતમાં આવી ગઇ છે. ગુજરાતને આથી વધુ બીજું શું જોઇએ? માટે, હવે ગુજરાત વિશે સુખદ કલ્પના કરવાની જરૂર જ નથી રહી.’
‘ગુજરાત વિશે કશી કલ્પના કરવાની જરૂર રહી નથી’ એવું જરા જુદી રીતે પણ લાગી શકે છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનાં એકધારાં જૂઠાણાં અને આક્રમક પ્રચારને કારણે ગુજરાતમાં રમ્ય કલ્પનાઓનું એવું વાસ્તવાભાસી વાતાવરણ સર્જાયું છે કે કાયમ કલ્પનાની વચ્ચે જીવવા ટેવાઇ ગયેલાં માણસોને હજુ કેટલી કલ્પના કરવાની? ઘણા સમયથી ગુજરાતના વાતાવરણમાં આભાસી વાસ્તવિકતા (વર્ચ્યુઅલ રીઆલીટી) બનીને પથરાઇ ગયેલી કલ્પનાથી ધરવ થતો નથી? એવો પણ સવાલ થાય.
***

છતાં કલ્પના કરવાની જ હોય, ગુજરાતના વર્તમાન વિશે- તેના ભવિષ્ય વિશે તો, નિરાશાવાદી થયા વિના, પણ એ કલ્પનાઓ સાકાર થવાની નહીંવત્ આશા સાથે, સૂઝતી કેટલીક રમ્ય કલ્પનાઓઃ

  • ગુજરાતમાં કાર્યરત આધ્યાત્મિક ફિરકા, પંથ, સંપ્રદાય, આશ્રમોના દર છ મહિને જાહેર હિસાબો કરવા માટે પ્રજાના પ્રતિનિધિઓ ધરાવતું એક માળખું રચવામાં આવે, જેની પાસે અદાલતની માન્યતા અને કાયદા દ્વારા મળેલી સત્તા હોય. નિયમિતપણે થતા હિસાબોમાં ગોટાળા જણાય, ત્યારે યોગ્ય દંડ અને સજા ફટકારીને આ ક્ષેત્રે પારદર્શકતા સ્થાપવામાં આવે. આવું જ એક માળખું સ્વૈચ્છિક સંસ્થાઓના હિસાબોની તપાસ માટે પણ રચવામાં આવે. તેમને મળેલી નાણાંકીય સહાયમાંથી જે સંસ્થાએ 50 ટકા કરતાં વધુ રકમ વહીવટી ખર્ચમાં વાપરી હોય તેને સ્વૈચ્છિક સંસ્થાને બદલે પબ્લિક લિમિટેડ કંપનીમાં ફેરવી નાખવાની જાહેરાત કરવામાં આવે.
  • સ્વૈચ્છિક સંસ્થાઓ જીપ સિવાય બીજું કોઇ ચાર પૈડાનું વાહન વાપરી શકે નહીં, એવું ઠરાવવામાં આવે. લક્ઝરી કાર, સ્પોર્ટસ યુટીલીટી વેહિકલ જેવી મોંઘીદાટ ગાડીઓ વાપરનારી સંસ્થાઓને પણ આગળ જણાવ્યા પ્રમાણે, પબ્લિક લિમિટેડ કંપનીમાં ફેરવી નાખવામાં આવે.
  • ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં ‘માસ મુવમેન્ટ’નો સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવે. ગુજરાતના જાહેર જીવનમાં છેલ્લા બે-ત્રણ દાયકાથી સક્રિય જાણીતા-અજાણ્યા કાર્યકરો, સંસ્થાસંચાલકો અને બિનરાજકીય નેતાઓના સારા-નરસા અનુભવોનો તેમાં લાભ લેવામાં આવે. આ અભ્યાસક્રમ હેઠળ તૈયાર થયેલા વિદ્યાર્થીઓની પહેલી બેચ સંબંધિત યુનિવર્સિટીઓમાં રાજકીય વફાદારીથી કુલપતિ બની બેઠેલાઓ સામે આંદોલન કરીને, તેમને ઘરભેગા કરે.
  • નરેન્દ્ર મોદી મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જઇને પરેશ રાવલનું સ્થાન જોખમમાં મુકી દેનારા સુપરસ્ટાર ચરિત્ર અભિનેતા બની જાય. તેનાથી ફિલ્મ અને રાજકારણ બન્ને ક્ષેત્રોને ફાયદો થશે.
  • હિંદી ફિલ્મોમાં છવાઇ ગયેલાં ગુજરાતી નામો વર્તમાન હિંદી ફિલ્મોની કક્ષા અને બજેટની ગુજરાતી તથા એવા જ અવનવા વિષયો ધરાવતી ગુજરાતી ફિલ્મો બનાવે. ફક્ત મેઘાણી-મુન્શી-દર્શક કે જોસેફ મેકવાન-રજનીકુમાર પંડ્યા-હરકિસન મહેતા-અશ્વિની ભટ્ટની નવલકથાઓ પરથી જ નહીં, ઇલાબહેન ભટ્ટ કે માર્ટિન મેકવાન જેવાની સંઘર્ષકથાઓ પરથી પણ ઉત્કૃષ્ટ પ્રોડક્શન વેલ્યુ ધરાવતી ગુજરાતી ફિલ્મો બને. અનિલ અંબાણી અને સ્ટીવન સ્પીલબર્ગની સંયુક્ત નિર્માણસંસ્થા તેના માટે નાણાં રોકે.
  • ગુજરાત વિદ્યાપીઠ અને ભો.જે. સંશોધન ભવનથી માંડીને ગુજરાતભરનાં પુસ્તકાલયોમાં રહેલાં પચાસ વર્ષથી જૂનાં તમામ સામયિકો-પુસ્તકોનું ડીજીટાઇઝેશન થાય. ગુજરાતબહાર મુંબઇ-કલકત્તાનાં પુસ્તકાલયોમાં રહેલી સામગ્રીને પણ તેમાં આવરી લેવાય. ગુજરાતી સાહિત્ય પરિષદ અને અકાદમીનું (‘નેશનલાઇઝેશન’ની જેમ) ‘પીપલાઇઝેશન’ કરવામાં આવે.
  • ઝવેરચંદ મેઘાણી, સ્વામી આનંદ, કાકા કાલેલકર, જ્યોતીન્દ્ર દવે, ચં.ચી.મહેતાથી માંડીને પ્રતિભાવાન હયાત સાહિત્યકારો વિશે ‘ડિસ્કવરી’ પર આવતા કાર્યક્રમોની કક્ષાની ડોક્યુમેન્ટરી બને. નીરવ પટેલ, સાહિલ પરમાર જેવા કવિઓની કવિતાઓ નરસિંહ મહેતા-મીરાબાઇની કવિતાઓની જેમ ઘેર ઘેર જાણીતી બને અને લોકોના મનમાં જ્ઞાતિપ્રથા અંગે શરમ તથા સમાનતાનો જુસ્સો પેદા કરે. ચંદુ મહેરિયા હજાર-હજાર પાનાંના છ ભાગમાં પથરાયેલી આત્મકથા લખે, જે દલિત સમસ્યાથી માંડીને ગુજરાતના જાહેર જીવન અને આંદોલનો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને તેના આગેવાનો તથા સાહિત્યજગત વિશેનો મૂલ્યવાન દસ્તાવેજ બની રહે.
  • ગુજરાત વિદ્યાપીઠમાં ખાદી અને કાંતણને ફરજિયાત બનાવતો નિયમ દૂર થાય. ખાદીને બદલે ગાંધીના ચરિત્રનાં માનવીય પાસાં ઉભારતાં પાંચ-દસ પુસ્તકોનો અભ્યાસ, તેના વિશેની મુક્ત ચર્ચાઓ અને આંબેડકરચરિત્ર ફરજિયાત બને.
  • ગુજરાતી ભાષાનાં વિજ્ઞાન-ગણિત-અંગ્રેજી-આઇ.ટી.નાં પાઠ્યપુસ્તકો નગેન્દ્રવિજય પાસે તૈયાર કરાવવામાં આવે. પ્રજાકીય નાણાંના પ્રચંડ બગાડ જેવા સાયન્સ સીટીની સેંકડો ખામીઓ દૂર કરીને, તેને નવેસરથી સજ્જ કરવાનું અને દરેક જિલ્લામાં આવાં સાયન્સ સીટીની નાની આવૃત્તિઓ ઊભી કરવાનું કામ પણ નગેન્દ્રભાઇ અને ‘સફારી’ના સંપાદક હર્ષલ પુષ્કર્ણાને સોંપવામાં આવે.
  • અફસોસ અને ગંભીરતા સાથે યાદ કરવું પડતું એક નામ સ્વ. રવજીભાઇ સાવલીયાનું છે. ભાજપની સરકારો સાથે તેમને નિકટના સંબંધો હોવા છતાં, તેમની પ્રચંડ પ્રતિભાનો લાભ ગુજરાતને મળી શક્યો નહીં એ ગુજરાતનું કમનસીબ છે. વૈકલ્પિક ઊર્જા અને જળસંચયથી માંડીને બ્રહ્માંડનાં રહસ્યો અને વૈજ્ઞાનિક વિચારસરણીની બાબતમાં રવજીભાઇ ગુજરાતને મળેલું – અને ગુજરાતે જેને વેડફી નાખ્યું એવું- દુર્લભ રત્ન હતા. ગુજરાતના હિતમાં મને કોઇ એક માણસ સજીવન કરવાનું કહેવામાં આવે તો અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને હું રવિશંકર મહારાજ કે ઇન્દુલાલ યાજ્ઞિકનું નહીં, પણ રવજીભાઇ સાવલિયાનું નામ આપું. તેમના પરિચયમાં આવેલા લોકો આ વાતમાં અંગત લાગણી કરતાં વધારે પ્રમાણમાં નક્કર વાસ્તવિકતાનું તત્ત્વ જોઇ શકશે.
  • રાજકારણીઓ અને તેમને પેદા કરનારું પ્રજામાનસ એકદમ સુધરી જાય, એવું તો રમ્ય કલ્પનામાં પણ આવતું નથી. હા, ગુજરાતમાં બે ટંક ભોજન વિના કોઇ ન સુએ, દરેક જણ વાંચી-લખી શકે એટલું શિક્ષિત હોય, ફક્ત પારસીઓ જ નહીં, બધા ધર્મોના ગુજરાતીઓ એકબીજા સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયા હોય, ગામેગામ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ હોય...અને લોકો ફક્ત કલ્પનાઓ કરીને બેસી રહેવાને બદલે પોતાનાથી બને એટલું કામ પણ કરતા હૌય...

4 comments:

  1. મગજમાં જ્ઞાનનો ભંડાર લઇને ફરતા અને સંઘરેલું જ્ઞાન સમય આવ્યે તત્કાળ માહિતીરૂપે રજૂ કરી શકતા વિદ્ધાનો ખૂબ ઓછા હોય છે. રવજીભાઇ તે ઓછા લોકોની કેટેગરીમાં આવતા હતા. જે તે વિષયમાં તેમનું અગાધ જ્ઞાન હંમેશા તેમને માટે ‘હેન્ડી’ રહેતું.

    ‘મારી પાસે ટોપલો ભરીને જ્ઞાન નથી, પણ જે છે તે ક્રિસ્ટલ ક્લિઅર છે. આ જ્ઞાનને હું અમલમાં મૂકું છું, એટલે કંઇક રચનાત્મક સર્જન થાય છે.’ રવજીભાઇનું તે વાક્ય હું કદી ભૂલી શકું તેમ નથી.

    વિદ્વતાના શિખરે બિરાજેલા હોવા છતાં રવજીભાઇની નિખાલસતા અને સાદગી ઊડીને આંખે વળગે તેવી હતી. દસેક વર્ષ તેમની સાથે વીતાવ્યાં એ દરમ્યાન ઘણું બધું શીખવા મળ્યું. મારી જિંદગીને સુખદ વળાંકો આપવામાં જે ચંદ લોકોના નામ ગણાવી શકું તેમાં રવજીભાઇનું નામ ગર્વભેર લઇ શકું તેમ છું. ‘ગુરુ’ શબ્દને શોભાવે તેવા ગુરુની અને ઉંમરમાં મારાથી ક્યાંય મોટા હોવા છતાં મારી સાથે મૈત્રીભાવ દેખાડનાર મિત્રની ખોટ મને હંમેશા સાલવાની!

    ReplyDelete
  2. agree. ravjibhai ne j sajivan karava vali fantasy ma...he was real gem.

    ReplyDelete
  3. રવજીભાઈને હ્રદયપૂર્વકની અંજલિ. એક પ્રચંડ પ્રતિભાનો લાભ ગુજરાતે ગુમાવ્યો. બીજી પ્રચંડ પ્રતિભાનો લાંબા ગાળાનો લાભ ગુજરાતને મળે તે માટે ઝનૂનપૂર્વકની ઝુંબેશ ન ચલાવી શકાય? ગુજરાતી ભાષાનાં વિજ્ઞાન-ગણિત-અંગ્રેજી-આઇ.ટી.નાં પાઠ્યપુસ્તકો નગેન્દ્રવિજય પાસે તૈયાર કરાવવામાં આવે તેવી ઝુંબેશ શરૂ કરવાનો હવે "હાઈ ટાઈમ" છે. હું તૈયાર છું, કોણ સાથ આપે છે? નગેન્દ્રવિજય પાઠયપુસ્તકો તૈયાર કરશે તો "ગુજરાતી બચાવો" ઝુંબેશની જરૂર નહી પડે એની મને ખાતરી છે.

    btw આ 'ઝુંબેશ' પરથી યાદ આવ્યું કે "પ્રવેશ ફી મુક્ત કાંકરિયા" ઝુંબેશનું સૂરસુરિયું થયું કે સમજણપૂર્વક આટોપાઈ ગઈ?!! કેનેડા બેઠા ખબર પડતી નથી. કોઈક તો કહો!!

    ReplyDelete
  4. Anonymous12:33:00 AM

    બીજું બધું ઠીક છે પણ.....આ દમ્ય કલ્પના !

    આપણને ગમે અને આપણી માન્યતાઓ સાથે બંધે બેસે તેવા કવિઓની કવિતાઓ નરસિંહ અને મીરાને જેમ ઘરે ઘરે જાણીતી બને એ અદમ્યતા ક્ષમ્ય છે પણ પછી નરસિંહ અને મીરાંની કવિતાઓનું શું થશે? લોકો કેટકેટલું કલુષિત યાદ રાખશે? પ્રફુલ્લિત પ્રભાતિયાને બદલે મારક્ણા મરશિયાઓથી નવયુગની પરોઢ મંડાય એ દમ્ય કલ્પના જરૂર છે !

    પંચમ શુક્લ

    ReplyDelete