Saturday, March 28, 2009

સવારીઃ શેરખાનની અને સંભારણાંની

26 માર્ચના રોજ વિજયગુપ્ત મૌર્યનો 100મો જન્મદિવસ હતો. ગત થયેલા દાદાના જન્મદિવસોનું કેટલા પૌત્રોને મન મહત્ત્વ રહેતું હશે? પણ વિજયગુપ્ત મૌર્ય સામાન્ય દાદા ન હતા અને હર્ષલ (પુષ્કર્ણા) સામાન્ય પૌત્ર નથી.

ગુજરાતી ભાષામાં જ્ઞાનવિજ્ઞાનના લેખનની ઉજ્જવળ અને ટકાઉ પરંપરા ઊભી કરનાર વિજયશંકર વાસુ ઉર્ફે વિજયગુપ્ત મૌર્યને અંજલિ આપવા માટે હર્ષલે એવું ગોઠવ્યું હતું કે તેમના 100મા જન્મદિવસે વિજયગુપ્ત મૌર્ય લિખિત ‘શેરખાન’ની ચોથી આવૃત્તિ તૈયાર થાય.

રાબેતા મુજબની છેલ્લી ઘડીની ધમાચકડી પછી 26મી તારીખે નવી આવૃત્તિ હર્ષલના હાથમાં હતી. સુઘડ- લે-આઉટ, સ્વચ્છ અને વાર્તારસથી સભર ચિત્રો, પહેલી અને બીજી આવૃત્તિમાં વિજયગુપ્ત મૌર્યની લખેલી પ્રસ્તાવનાનું સંકલન કરીને મુકેલી પ્રસ્તાવના, ભાગ્યે જ અંગત ઉલ્લેખ કરતા નગેન્દ્રભાઇનું હૃદયસ્પર્શી કથન- આ ‘શેરખાન’ની નવી આવૃત્તિનાં આકર્ષણ છે.

મારી પાસે ‘શેરખાન’ની બીજી આવૃત્તિ (1983) છે, પણ વાતચીતમાં હર્ષલે ત્રીજી આવૃત્તિ વખતની ઘણી વાતો યાદ કરી. 1995માં એ આવૃત્તિ થઇ ત્યારે હર્ષલને નગેન્દ્રભાઇ સાથે કામમાં જોડાયે ચાર-પાંચ વર્ષ થયાં હતાં. ‘સ્કોપ’ અનિયમિત પણ ચાલુ હતું. ‘સફારી’ પણ ખરૂં. જ્ઞાનવિજ્ઞાનના પ્રસાર માટે નગેન્દ્રભાઇએ પસંદ કરેલો રસ્તો અને એ માટેનો સંઘર્ષ આખો અલગ- અને ગુજરાતી પત્રકારત્વ-સાહિત્યમાં ‘વીસમી સદી’વાળા હાજી મહંમદ કે વિજયરાય વૈદ્યની પરંપરાનો છે- ભલે ક્ષેત્ર અલગ રહ્યાં. હર્ષલે પણ કિશોરાવસ્થા પર પુખ્તતાનું ‘એડપ્ટર’ લગાડ્યું અને કામે લાગી પડ્યો. એવા નિર્ધાર સાથે કે અણમોલ જ્ઞાનના બદલામાં અલ્પ વળતરની શોષણ પરંપરા અટકાવીને જંપીશ.

1995માં ‘યુરેનસ બુક્સ’ નામે પ્રકાશન સંસ્થા શરૂ કરી. તેનું પહેલું પુસ્તક હતુઃ શેરખાન. કઝિનના મેકિન્તોશ પર ગુજરાતી ફોન્ટમાં આખા પુસ્તકનું ટાઇપસેટિંગ, લે-આઉટ અને પ્રૂફરીડિંગ હર્ષલે કર્યાં હતાં. 1995માં મેક પર ગુજરાતી સોફ્ટવેર? હાં, ભઇ, હાં. મને યાદ છેઃ 1995માં હું મુંબઇ ‘અભિયાન’માં જોડાયો ત્યારે નગેન્દ્રભાઇનું ‘શતરંજ’ (રાજકીય કોલમ)નું મેટર પણ એ વખતે ભેદી જણાતી ગોઠવણથી સીધું મોડેમથી ઉતરતું હતું, જેને કમ્પોઝ કરાવવું પડતું ન હતું. (એ વખતે ઇન્ટરનેટ આવ્યું ન હતું. ઇ-મેઇલનો સવાલ ન હતો.)

દાદાના પુસ્તકને હર્ષલે તૈયાર તો કરી નાખ્યું, પણ અનુભવના અભાવે પુસ્તકનું ઉઘડતું પાનું અને તેની પાછળનું કિંમત-પ્રકાશક જેવી વિગતો ધરાવતું પાનું કરવાનું જ રહી ગયું. એ પ્રસંગ યાદ કરીને હર્ષલ કહે છે,’શરૂઆતની કોપી જોવા માટે આવી હતી. તેમાં ધ્યાન પડ્યું એટલે ઊભાઊભ એ પાનું કરાવીને ચોપડીમાં ચોંટાડાવ્યું.’

14 વર્ષ પછી ‘શેરખાન’ની નવી આવૃત્તિ નિમિત્તે આ સંભારણાં સૌ ‘સફારી’પ્રેમીઓ માટે.

5 comments:

  1. Yes SHERKHAN is one of the fantastic combinations of reality and imagination.
    I have read it twice and now going for third time. There ware also one share broking agency named SHARKHAN. When I first read the billboard of Sharekhan broking agency @ Rajkot, I am wondering about the advertisement. I also thought that, this is something new about the book Sharekhan. Later I found out that it’s was a broking agency and nothing related with the book of Jungle Maestro Vijaygujpt Maury!!

    ReplyDelete
  2. લેખકોનું આર્થિક શોષણ કરવું એ પ્રકાશકો પોતાનો અધિકાર માનતા આવ્યા છે. વર્ષોથી ચાલ્યે આવતી તે પરંપરા છે. આજે સ્થિતિ થોડીઘણી સુધરી છે, પણ બેત્રણ દસકા પહેલાંની સ્થિતિ તો ખરેખર દયાજનક હતી. પેન્ટશર્ટનું કાપડ મીટરપટ્ટી વડે માપીને હિસાબ માંડવાનો ધારો આપણે ત્યાં હતો અને છે. અલબત્ત, લગભગ એવું જ ધોરણ ત્યારે પ્રકાશકોએ લેખકો માટે આપનાવ્યું હતું. લેખકનું મેટર છાપા-સામયિકમાં છપાય, એટલે પ્રકાશક (ઊભી) ફૂટપટ્ટી મૂકીને તેનું માપ કાઢે અને પછી સેન્ટિમીટરના પોતે નક્કી કરી રાખેલા દરે લેખકને પુરસ્કાર પકડાવી દે!

    વિજયગુપ્ત મૌર્યએ ઘણાં વર્ષો સુધી પોતાનું સોના જેવું લખાણ પિત્તળના ભાવે પ્રકાશકોને આપ્યું છે. ઊંચા (વાંચોઃ યોગ્ય) વળતરની અપેક્ષા તેમને નહોતી, એટલે જે મળતું તે સ્વીકારી લેતા. ૧૯૯૦ના અરસામાં પણ લેખકો માટે પુરસ્કારના ધારાધોરણો કંગાળ જ હતાઅને તે સ્થિતિ મેં નિકટથી જોઇ ત્યારે નક્કી કરી લીધું ભવિષ્યમાં મારી પોતાની પ્રકાશન સંસ્થા ઊભી કરીશ. અઢાર વર્ષની (કાનૂની રીતે પુખ્ત!) વયે પહોંચ્યો તે જ દિવસે બે મોટાં કામો કર્યાં--
    (૧) ભવિષ્યમાં પોતાની જુદી ઓળખ ઉભી કરવા સારુ કૌટુમ્બિક અટક (કાયદેસર રીતે) બદલી ‘પુષ્કર્ણા’ અટક અપનાવી.
    (૨) બેંકમાં જઇ યુરેનસ બૂક્સ નામનું કરન્ટ એકાઉન્ટ ખોલાવી પ્રોપરાઇટરશીપ કંપનીના શ્રીગણેશ કર્યાં. (બ્રિટિશ ખોગળશાસ્ત્ર વિલિયમ હર્ષલે યુરેનસ યાને કે પ્રજાપતિ ગ્રહની શોધ કરી હતી, એટલે મારી કંપનીનું નામ મેં યુરેનસ બૂક્સ પસંદ કર્યું.)

    જૂની ઘરેડમાં ચાલ્યે આવતી પુસ્તક પ્રકાશનની પ્રણાલિમાંથી ખસીને કંઇક રચનાત્મક કરવાના આશયે મેં કેટલાંક ધારાધોરણો નક્કી કર્યાં. દા.ત. ટાઇટલ પર યુરેનસ બૂક્સનો લોગો ફોઇલ સ્ટેમ્પિંગ (૧ સ્ટેમ્પિંગના ૧૬ પૈસાના દરે) કરાવડાવ્યો, પુસ્તકના ઉઘડતા પાને યુરેનસ બૂક્સ લખેલું (સ્ક્રીન પ્રિન્ટ કરેલું) અસ્તર ચોંટાડાવ્યું, ટાઇટલ માટે જાડો કાગળ અને જાડા પૂંઠા પર તેનું પેસ્ટિંગ કરાવ્યું, પુસ્તકના વેચાણ માટે મોટાં માથાંનાં પ્રકાશકોની ગરજ કર્યા વિના ન્યૂઝસ્ટેન્ડ પર બૂકનું સેલ શરૂ કરવાનો નવો ચીલો પાડ્યો વગેરે.

    ૧૯૯૪-૯૫ની આસપાસ ‘શેરખાન’નું કમ્પોઝિંગથી માંડીને પ્રૂફરીડિંગ મેં ૧૪ ઈંચનું મોનિટર ધરાવતા મેકિન્તોશ કમ્પ્યૂટર પર કર્યું. અગાઉની આવૃત્તિમાં છપાયેલાં ચિત્રોને નવેસરથી રાજેશ બારિયા નામના આર્ટિસ્ટ પાસે ફરીથી દોરાવ્યાં અને એપ્રિલ, ૧૯૯૫માં પુસ્તક પ્રગટ કર્યું ત્યારે મારા કરતાં વિજયગુપ્ત મૌર્યનો (દાદાનો) આનંદ સમાતો નહોતો. મારી મહેનતનો તે સૌથી મોટો રિવોર્ડ હતો.

    આજે યુરેનસ બૂક્સના બેનર હેઠળ કુલ ૧૦ પુસ્તકો પ્રકાશન પામી ચૂક્યાં છે. અગિયારમું પુસ્તક થોડા જ વખતમાં ‘ડેવલપમેન્ટ’ની એરણ પર ચડવાનું છે, જેનું પ્રકાશન પૂરૂં થાય એ પછી વિજયગુપ્ત મૌર્ય લીખિત સાહિત્ય પુસ્તકો સ્વરૂપે પ્રગટ કરીશ. દાદાનું સોના જેવું લખાણ હીરે મઢીને રજૂ ન કરૂં તો ફરજ ચૂક્યો ગણાઉં!

    ReplyDelete
  3. Anonymous9:18:00 AM

    મને યાદ છે એ દિવસો જ્યારે હું ગણિતનાં પુસ્તકની અંદર (૧૧મું ધોરણ?) શેરખાન છુપાવીને વાંચતો હતો! હું અને મારો ભાઇ આ ઘટનાને હજી પણ યાદ કરીએ છીએ!

    ReplyDelete
  4. SALIL DALAL - TORONTO7:32:00 PM

    I remember years back my father used to read Vijaygupta Maurya's column regularly in 'Akhand Aanand'. Not only that, initially he saw to it that we kids read it. Then it was like addiction for all of us children.
    Again, few years back when as a father I started bringing home Safari, both my sons were in love with it from day one.
    The fact that both of them were studying in English medium was never a hurdle.
    In fact today when I showed this post on Urvish's blog to them, Sunny, the younger one and an IT Engineer with a Gamming co. here in Canada, said that along with the scientific information in the magazine he liked to read Gujarati language in the magazine.
    It speaks a lot for the contribution made by the family of which Harshal is a true flag bearer.
    Keep it up, man.
    You deserve all the success in the world.
    Regards and a warm Hi to Nagendrabhai as well.
    -SALIL

    ReplyDelete