Tuesday, November 25, 2008

નળાખ્યાન અને નળદમન

વર્ષો પહેલાંની વાત છે. એક પ્લમ્બરનો એકનો એક પુત્ર અવસાન પામ્યો. વિલાપ કરતો પ્લમ્બર એક મહાત્મા પાસે પહોંચ્યો અને કહ્યું,‘ભગવન્, મારા પુત્રને જીવતો કરી આપો.’ મહાત્માએ મંદ હાસ્ય કરીને કહ્યું,‘હે વત્સ, એ માટે મારે ફક્ત એક ડબલું પાણી જોઇએ. શરત એટલી કે એ ડબલું એવા નળમાંથી ભરેલું હોવું જોઇએ, જે ટપકતો ન હોય.’ આટલું સાંભળતાં પ્લમ્બર ચૂપચાપ પોતાના ઘરે પાછો ફરી ગયો અને પોતાના ઘરના ટપકતા નળ ભણી ફિલસૂફદૃષ્ટિ નાખીને જીવન જીવવામાં લાગી પડ્યો.

આ કથામાં અતિશયોક્તિ છે એમ કહી દેવું, એ અડધા ભરેલા ગ્લાસને અડધો ખાલી કહેવા બરાબર છે. ખરેખર તો આ કથામાં વાસ્તવિકતા છે એ સ્વીકારવું જોઇએ. માણસો જેમ શ્વાસ લે છે તેમ નળ ટપકે છે. બન્ને માટે આ ક્રિયાઓ સહજ અને આવશ્યક છે- પોતાના જીવતા હોવાનો તે અહેસાસ છે. સંસારની માયાનાં બંધનોમાં જકડાયેલા મનુષ્યો નળની ટપકવાની ક્રિયાને નળની ખામી ગણે છે અને ટપકતો નળ તેમને ‘બગડેલો’ લાગે છે.

નળ સાથે નવેનવો પનારો પડ્યો હોય ત્યારે માણસને નળ પાછળ કેટલા રૂપિયા ખર્ચ્યા એ યાદ હોય છે. એટલે તે નળ સાથે જરા વિવેકથી વર્તે છે અને તેને જરા પ્રેમથી ચાલુ-બંધ કરે છે. નળ પણ નવો હોય ત્યાં સુધી પોતાની મર્યાદા ચુકતો નથી અને વાપરનાર બંધ કરે ત્યારે બંધ, ચાલુ કરે ત્યારે ચાલુ થઇ જાય છે. પ્લમ્બરોના સદ્ભાગ્યે નળ અને વાપરનારનું શાંતિપૂર્ણ સહજીવન લાંબું ટકતું નથી.

નર અને નળ વચ્ચે ઘણી બાબતોમાં સામ્ય છેઃ બન્ને સાથે ગમે તેટલું પ્રેમપૂર્ણ કે કડકાઇભર્યું વર્તન કરવામાં આવે, પણ છેવટે તો એ તેમને જે કરવું હોય તે જ કરે છે. ફક્ત પ્રેમ કરવાથી તેમને કાયમી ધોરણે સીધા ચલાવી શકાતા નથી અને કડકાઇથી તેમનાં સ્ખલન અટકાવી શકાતાં નથી. સ્ખલન એ બન્નેની મૂળભૂત પ્રકૃતિ છે. એ મુદ્દે જોરજબરદસ્તી કરવાથી વિપરીત પરિણામ આવે છે અને ન કરવાથી પણ પરિણામમાં ખાસ ફરક પડતો નથી. હવેના જમાનામાં હિંમતભેર કહી શકાય કે બન્ને નવા લાવવાનું સરખું જ માથાકુટીયું છે. કારણ કે નવા નર/નળમાં આ પ્રોબ્લેમ નહીં થાય તેની કોઇ ગેરન્ટી હોતી નથી. બલ્કે, એ થશે જ એની ગળા સુધીની ખાતરી હોય છે. સામે પક્ષે, નર અને નળ પણ પડ્યું ‘પાનું’ નિભાવી લઇને સ્ખલનપ્રવૃત્તિ અસ્ખલિત રીતે ચાલુ રાખે છે. નળ કે નર સોનેમઢેલા હોય, તો પણ તેમનું ‘વાઇસર’ તરીકે ઓળખાતું ‘વોશર’ સાવ સસ્તું હોય છે અને મોટા ભાગના નળ/નરની ‘સ્થિરતા’ બહાર દેખાય છે એટલી નહીં, પણ અંદર રહેલા, ન દેખાતા વોશર જેટલી જ ટકાઉ અને કિમતી હોય છે.

રાજકીય દૃષ્ટિએ જોતાં નળના અનેક પ્રકાર જણાય છે. ધનિકોના બંગલામાં રહેલા ઘણા નળ રાષ્ટ્રપતિ જેવા હોય છે. તે પોતાની ભવ્યતા દ્વારા શોભામાં અભિવૃદ્ધિ કરે છે, પણ મહેમાનોને પ્રભાવિત કરવા સિવાય તેમનો ખરેખરો ઉપયોગ ભાગ્યે જ થાય છે. મઘ્યમ વર્ગીય પરિવારોનાં બાથરૂમ-બેસિનમાં રહેલા નળ બંધારણીય ગૃહોના અઘ્યક્ષ જેવા થઇ જાય છે. બધા એમની પર ત્રાસ ગુજારવા મચી પડે છે, પણ તેમની પાસે ચૂપચાપ ગરીમાપૂર્વક પોતાની ફરજ બજાવ્યા સિવાય છૂટકો હોતો નથી. ગરીબોના ઘરમાં રહેલા મ્યુનિસિપાલિટીના નળ ગાંધીવાદી હોય છે. તેમનાં સ્ખનલ અનિયતકાલીન અને જાણે સ્ખલનનું પ્રાયશ્ચિત કરવાનું હોય એમ દરેક સ્ખલન પછી લાંબા ઉપવાસ! પણ મ્યુનિસિપાલિટીના નળની ગાંધીવાદી પ્રકૃતિને ઓળખી ગયેલા સમજુ લોકો નળના દરેક ઉપવાસને આગામી સ્ખલનની તૈયારી તરીકે જોઇને હિંમત હારતા નથી.

અત્યારે ઇન્ટીરીયર ડીઝાઇનની આઇટેમ ગણાતા નળ જૂના વખતમાં ફક્ત ‘ચકલી’ સ્વરૂપ હતા. ‘બાથરૂમ ફીટીંગ’ તરીકેની ઓળખ તો બાજુ પર રહી, તેમને નળ જેવા માનસૂચક નામે પણ કોઇ સંબોધતું ન હતું. તેમનું વજન એ તેમનો એકમાત્ર ગુણ હતું. અત્યારના ફેશનેબલ, નજાકતપૂર્ણ નળ જોઇને ઘણા વડીલો નિઃસાસો નાખતાં કહે છે,‘આ તે કંઇ નળ કહેવાય? આના કરતાં અસલના જમાનાની ચકલીઓ સારી હતી. આપણા ઘરની પિત્તળની ચકલી કોઇને માથામાં મારી હોય તો એ પાણી ન માગે અને ચકલીને ભંગારમાં વેચીએ તો બે ટંક ટૂંકા થાય.’ તેમની ચકલી-પ્રીતિ વિશે જાણ્યા પછી ઘડીભર લાગે કે તેમણે ભવિષ્યની પેઢી માટે રૂપિયા-દાગીનાને બદલે ચકલીઓ ભેગી કરી નથી એટલું સારૂં છે.

જમાનો જૂનો હોય કે નવો, નળનો ટપકવાનો ગુણધર્મ બદલાતો નથી. સીધો ચાલતો નળ ટપકવા લાગે એટલે પહેલાં તો વડીલો બાળકોને ધમકાવે,‘તને કેટલી વાર કહ્યું? નળ સરખો બંધ કરતાં શીખ. પાણી ભરવામાં કેટલું જોર પડે છે, ખબર છે?’ પણ થોડા વખત પછી તેમને સમજાય છે કે બાળકો જાય તે પહેલાં નળ કાબૂ બહાર જતો રહ્યો છે. એટલે તે નવી સૂચના જારી કરે,‘આપણો બાથરૂમનો નળ ટપકે છે. જે જાય તેણે નળ બરાબર બંધ કરવો.’

આમ ઘરમાં નળદમનનાં મંડાણ થાય છે. ઘરનાં તમામ સભ્યોને નળની સાન ઠેકાણે લાવવાનો એવો ઉત્સાહ ચડે છે કે તે એક વાર નળ ચાલુ કર્યા પછી તેને ચાર વાર બંધ કરે છે. એક વાર નળ બંધ કર્યા પછી તેમને સંતોષ થતો નથી. એટલે તે ફરી નળ થોડો ચાલુ કરીને, પહેલાં કરતાં વધારે જોરથી નળની ચાકી ફેરવે છે. સહેજ જોર લગાડ્યા પછી પણ નળની ટપકામણ ચાલુ રહે એટલે માનહાનિની લાગણી સાથે નળ પર વઘુ જોર કરવામાં આવે છે. હથેળીઓમાં નળની ચાકીઓ વાગે છે. છતાં નળમાંથી ટપકાં અટકવાનું નામ લેતાં નથી. એટલે નળ બંધ કરનાર ‘મૈં હાર માનનેવાલોં મેં સે નહીં’ એવી મુદ્રા સાથે પોતાનું સઘળું જોર નળ પર લગાડે છે. આ દ્વંદ્વ જોનાર કોઇ હોય તો તેને અવશ્ય એવું લાગે કે ‘કાં હું નહીં, કાં એ નહીં’નો આ મુકાબલો છે.

બળને બદલે બુદ્ધિને પ્રાધાન્ય આપનારા નળ બંધ કરવાની અવનવી તરકીબો શોધી કાઢે છે. નળ સાથે દ્વંદ્વમાં ઉતરીને પરાસ્ત થવાના આરે ઊભેલા મહેમાનને સહેજ ઠપકાના સૂરે તે કહે છે,‘ચાલશે. રહેવા દો. તમારાથી એ નહીં થાય. એમાં જોર લગાડવાનું નથી. ઉપરની ચાકી બે વાર અડધી, એક વાર આખી અને ફરી એક વાર અડધી ફેરવશો તો જ એ ટપકતો બંધ થશે.’

આ સાંભળીને મહેમાન સાપેક્ષવાદનું સમીકરણ સાંભળ્યું હોય એવા બાઘાઇમિશ્રિત અહોભાવથી જોઇ રહે છે અને ભલું હોય તો યજમાનને પૂછે છે,‘આવી ફોર્મ્યુલા તમે કેવી રીતે શોધી કાઢી?’

ઘરમાં એક નળ ટપકતો થાય, એટલે ઘરના સભ્યોના મનમાં સંશય જાગ્રત થાય છે. તેમને પોતાના-પરાયા સઘળા નળ શકમંદ લાગે છે. નળ-જાત પરથી તેમની શ્રદ્ધા ઉઠી જાય છે. તેમને લાગે છે કે નળ વંઠે તે પહેલાં આપણે આગોતરી સાવચેતી તરીકે તેમને બરાબર કસીને, ભીંસીને, દબાવીને, મચેડી-મરોડીને, કચકચાવીને, કોઇ પણ રીતે બરાબર બંધ કરવા જોઇએ. બળવાના જરાસરખા અણસારને કડકાઇથી દબાવી દેતા અંગ્રેજ શાસકોની જેમ, ઘરના લોકો નળ સાથે બિનજરૂરી કડકાઇથી વર્તવા લાગે છે. પોતાના તો ઠીક, બીજાના ઘરે જાય ત્યારે પણ એ યજમાનના કાનમાં ફૂંક મારી દે છે,‘આ નળને દાબમાં રાખજો. એમને બહુ સારા-બહુ સારા કહીને ચડાવી મારતા નહીં. પછી કહ્યામાં નહીં રહે ને ટપકતા થઇ જશે. અમે તો નળ ફીટ બંધ કરવા ખાસ પક્કડ લાવ્યાં છીએ. દરેક જણ નળ ખોલ્યા પછી પક્કડથી જ નળ બંધ કરે.’

જોર વગર બંધ થતા નળ બિનજરૂરી બળપ્રયોગથી બગડીને ટપકવા લાગે, એટલે બળ વાપરનારા કહે છે,‘જોયું? મેં નહોતું કહ્યું? આ પણ બગડી જ જવાનો છે! એટલે હું પહેલેથી એને કચકચાવીને જ બંધ કરૂં છું.’ નળ-દમયંતિની વાર્તામાં, દમયંતિસ્વયંવર વખતે બધા દેવો નળનું રૂપ લઇને આવ્યા હોવાથી, કયો નળ સાચો છે એની મૂંઝવણ થઇ હતી. અનેક ડીઝાઇન અને આકારપ્રકારના નળ જોયા પછી, આમાંથી કયો નળ ફીટ કરાવ્યા પછી ટપકશે નહીં એ નક્કી કરવાની કસોટી દમયંતિની પરીક્ષા કરતાં વધારે કઠણ નથી?

No comments:

Post a Comment