Monday, September 22, 2008

કાશ્મીરનું સ્વપ્ન, ભારતનું દુઃસ્વપ્નઃ આઝાદી

કાશ્મીર વિશેના સામાન્ય જ્ઞાનમાં બે-ત્રણ દાયકા પહેલાં આટલી ચીજોનો સમાવેશ થતો હતોઃ સફરજન, સગડી (અંગેઠી), શિકારા, શર્મિલા ટાગોર (‘કાશ્મીર કી કલી’), ગુલમર્ગ-પહેલગામ-દાલ લેક. હવે કાશ્મીર સાથે સંકળાયેલા શબ્દો છેઃ અમરનાથ યાત્રા, લાલચોક, ધૂસણખોરી, સૈન્ય, અત્યાચાર, ત્રાસવાદ, પાકિસ્તાન...
આ યાદી કોઇ કાશ્મીરીને બનાવાનું કહેવાય તો તેમાં કદાચ એક જ શબ્દ હોઇ શકેઃ આઝાદી.
આઝાદીની માગણી કરનાર પર દેશદ્રોહી તથા ભારતની એકતા-અખંડિતતાના વિરોધીનો સિક્કો મારી દેવાનું સહેલું છે. પણ તેનાથી આઝાદીની માગણી નથી બદલાતી કે નથી મોળી પડતી. અમરનાથ યાત્રાના માર્ગમાં આવતી જમીન અમરનાથ યાત્રાધામ બોર્ડને કાયમી ધોરણે આપવા અને તેમની પાસેથી પાછી લઇ લેવાના સરકારી ઊંબાડીયાથી ગયા મહિને જમ્મુ અને કાશ્મીરમાં અભૂતપૂર્વ લોકઆંદોલન થયું. હવે જમીન મુદ્દે સમાધાન થઇ ગયું, પણ કાશ્મીરના લોકોની મૂળ માગણી ઊભી છેઃ આઝાદી.

એક રાષ્ટ્ર તરીકે ખુદ ભારત માટે આઝાદીના આંદોલનનો અનુભવ હજુ બહુ જૂનો થયો નથી. હથિયારધારી સ્વાતંત્ર્યવીરોથી માંડીને અહિંસક નેતાગીરી સુધીનું વૈવિઘ્ય અંગ્રેજ સત્તાથી આઝાદી ઝંખતા ભારતે જોયું છે. એટલે પહેલો સવાલ એ થાય કે ભારતની આઝાદીની લડાઇ અને કાશ્મીરની આઝાદીની લડાઇ વચ્ચે કશું સામ્ય છે? અને પાકિસ્તાનના સર્જન વખતે કાશ્મીર ભારતનું સ્વાભાવિક અને અવિભાજ્ય અંગ હતું?
ભારતના ભાગલા વખતે હિંદુ બહુમતિ-મુસ્લિમ શાસક ધરાવતા જૂનાગઢ, મુસ્લિમ બહુમતિ-હિંદુ શાસક ધરાવતા કાશ્મીર અને મુસ્લિમ શાસક ધરાવતા છતાં ચોતરફ ભારતીય પ્રદેશથી ઘેરાયેલા હૈદ્રાબાદ માટે ભારત-પાકિસ્તાન માટે ખેંચતાણ ચાલતી હતી. જૂનાગઢે પાકિસ્તાન સાથે જોડાવાનું નક્કી કર્યું. જૂનાગઢને પાકિસ્તાન સાથે બાંધી રાખવાનું મુશ્કેલ છે, એ ઝીણા જાણતા હતા. છતાં કાશ્મીરની સોદાબાજી વખતે જૂનાગઢ કામમાં લાગશે એવી તેમની ગણતરી હતી. ભારતીય નેતાઓ લોકમતની પદ્ધતિ માન્ય રાખે તો જૂનાગઢ ભારતમાં જાય, તેમ કાશ્મીર પાકિસ્તાન સાથે જોડાય.

મામલો ગુંચવાયો ન હતો ત્યારે કાશ્મીરના રાજા વેળાસર જાહેરાત કરીને પાકિસ્તાન સાથે જોડાઇ જાય, તેમાં સરદારને કશો વાંધો ન હતો. પરંતુ હિંદુ રાજા હરિસિંહ એ નિર્ણય કરી શક્યા નહીં અને તેમની મુસ્લિમ પ્રજા એ માટે પૂરતું દબાણ કરી શકી નહીં. કેમ કે, કાશ્મીરમાં જૂનાગઢની જેમ સાવ એકતરફી બહુમતિ ન હતી. દરમિયાન, ઝીણા જૂનાગઢના જોડાણનો સત્તાવાર સ્વીકાર કરીને પોતાનો દાવ ખેલી ચૂક્યા હતા. એ દાવ પ્રમાણે તેમને જૂનાગઢ ગુમાવીને કાશ્મીર તો મળવાનું જ હતું. હવે તેમની નજર હૈદ્રાબાદ પર હતી. એટલે, સરદારે ઝીણાની જ બાજી આગળ વધારતાં કહ્યું,‘કાશ્મીરમાં લોકમત લેવાય તો હૈદ્રાબાદમાં પણ લોકમત લેવાવો જોઇએ.’

સરદાર કાશ્મીર ગુમાવીને હૈદ્રાબાદ રાખવા તૈયાર હતા. પરંતુ ઝીણાને એ મંજૂર ન હતું. એટલે તેમણે કાશ્મીરમાં લોકમતનો આગ્રહ પડતો મૂક્યો. અંતે જૂનાગઢ પ્રજાકીય દબાણથી ભારતમાં ભળ્યું. (લોકમત ત્યાર પછી- અને આંતરરાષ્ટ્રીય ઔપચારિકતા ખાતર-લેવાયો). હૈદ્રાબાદ ભારતીય લશ્કરે કબજે કર્યું, એટલે ઝીણાનું હૈદ્રાબાદ લેવાનું સ્વપ્ન અઘૂરૂં રહ્યું.

પ્રજાકીય દબાણથી મુસ્લિમ નવાબે રાજ્ય છોડી દીઘું, પણ કાશ્મીરમાં હિંદુ મહારાજા હરિસિંહ નહીં ભારત સાથે, નહીં પાકિસ્તાન સાથે એવી અવસ્થામાં લટકતા હતા. કહો કે કાશ્મીરીઓના આઝાદીના ખ્વાબની એ શરૂઆત હતી, પણ તેની પહેલી રકમ જ ખોટા સમયે મંડાઇ હતી.

પાકિસ્તાનના સ્વરૂપે મોટો પ્રદેશ ગુમાવનાર ભારત કાશ્મીરને જતું કરવા રાજી ન થાય અને પાકિસ્તાન? એ તો પોતાના સ્પેલિંગના મૂળાક્ષરોમાં કાશ્મીરનો ‘કે’ ઉમેરીને બેઠું હતું. ટૂંકમાં, કાશ્મીરીઓ માટે આઝાદી કેવળ એક સ્વપ્ન બનીને રહેવાની હતી અને તેમાં વાંક ખરૂં જોતાં કાશ્મીરીઓની અવ્યવહારૂ અપેક્ષા સિવાય બીજા કોઇનો ન હતો. કેમ કે, ભારત-પાકિસ્તાનના વિભાજનના એ નાજુક સમયમાં એક રજવાડાને આઝાદી આપવાનો મતલબ હતોઃ બીજાં અનેક કાશ્મીર, જૂનાગઢ કે હૈદ્રાબાદ ઊભાં કરવાં.

છ દાયકા પછી પણ કાશ્મીરીઓની માનસિકતા બદલાઇ નથી. હજુ તેમણે આઝાદી મેળવવાની આશા છોડી નથી. વર્ષોથી તેમના અસંતોષને પાકિસ્તાન બળતણ પૂરૂં પાડે છે, પણ પાકિસ્તાનને આઝાદ કાશ્મીર ખપતું નથી. બીજી તરફ, કાશ્મીરની આઝાદીની માગણી પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો કહે છે કે ‘આઝાદી માગતા કાશ્મીરીઓ પાકિસ્તાનતરફી સૂત્રોચ્ચાર કરતા હોય કે પાકિસ્તાન ભણી ઢળતા દેખાતા હોય, તો એ મુખ્યત્વે ભારતીય સરકારને ચીડવવા માટે. બાકી, ખરેખર કાશ્મીરીઓને પાકિસ્તાન સાથે ભળવું નથી.’

આ સ્થિતિમાં કાશ્મીરીઓની આઝાદી માટે ગમે તેટલી સહાનુભૂતિ હોય તો પણ વાસ્તવિકતા ભણી પીઠ ફેરવીને બેસવાનો તેમનો અભિગમ તંદુરસ્ત નથી. અંગ્રેજો સામે આઝાદીની લડાઇ દરમિયાન ભારતમાં અનેક આંતરિક વિરોધો હતા. દલિતો અને મુસ્લિમોમાંથી એક મોટા વર્ગને કોંગ્રેસની લડાઇ માફક આવતી ન હતી. હિંદુ-મુસ્લિમ અને હિંદુ-દલિત સુમેળના ગંભીર પ્રશ્નો હતા, જેનો ઉપયોગ અંગ્રેજો આઝાદીને ટાળવા માટે વખતોવખત કરતા હતા. તે સમયે ગાંધીજી જેવા નેતાએ એ મતલબનું કહ્યું હતું કે ‘તમે મહેરબાની કરીને ચાલ્યા જાવ. અમે અમારૂં ફોડી લઇશું.’

કંઇક એ જ પ્રકારની, કદાચ એથી પણ વધારે ગુંચવાડાભરી સ્થિતિ કાશ્મીરમાં છે. એક મુલક તરીકે કાશ્મીરની આઝાદી માટે સહાનુભૂતિ હોય તો પણ, એ હકીકતનો ઇન્કાર થઇ શકે તેમ નથી કે કાશ્મીરની આઝાદી અત્યારે મુસ્લિમ અંતિમવાદના રંગે રંગાયેલી છે. ગયા મહિને થયેલા દેખાવ વખતે ‘આઝાદી કા મતલબ ક્યા? લા ઇલાહા ઇલલ્લાહ’ જેવાં સૂત્રો સંભળાયાં હતાં. આઝાદ કાશ્મીરમાં ફક્ત અલ્લાહ અને કુરાનની જ બોલબાલા રહેવાની હોય, તો બાકીના ધર્મોના લોકોનું, રૂઢિચુસ્તો જેમને કાફિર ગણે છે એવા લોકોનું શું થશે? કાશ્મીરમાંથી સ્થળાંતરિત થઇને જમ્મુમાં વસેલા સેંકડો હિંદુ પંડિતોનું આઝાદ કાશ્મીરમાં શું સ્થાન હશે? ધર્મમાં નહીં માનનારનું શું થશે? આવા સવાલો અરંુધતિ રોય જેવાં, કાશ્મીરની આઝાદીનાં સમર્થક લેખિકાએ પણ સ્પષ્ટ શબ્દોમાં ઉઠાવ્યા છે. કાશ્મીર આવે એટલે હિંદુ પંડિતોનું ગોખણીયું અને સગવડીયું રટણ કરતા હિંદુત્વના સિપાહીઓને જેની કલ્પના આવે એમ નથી, એવા ભારતીય લશ્કરના અત્યાચારો વિશે કોઇ કાશ્મીરી (મુસ્લિમ કે હિંદુ) પાસેથી સાંભળવું પડે.

બે વર્ષ પહેલાં ‘કાશ્મીર ટાઇમ્સ’માં ક્રાઇમ અને પોલીસની બીટ સંભાળતા પત્રકાર અરૂણકુમાર ગુપ્તા સાથે આ વિશે ઘણી વાતો થઇ હતી. ‘સેક્યુલર’ કે ‘બૌદ્ધિક’નું લેબલ ન ધરાવતા, સરેરાશ જાગ્રત પત્રકાર તરીકે અરૂણકુમારે ભારતીય લશ્કરના ત્રાસના જે કિસ્સા કહ્યા હતા, તે શરમજનક હતા. છતાં, એ કિસ્સાથી લશ્કર પાછું ખેંચવાની કાશ્મીરીઓની માગણી વાજબી ઠરી શકે છે. આઝાદી દૂરની દૂર જ રહે છે.

અંગ્રેજો ભારતને રેઢું મુકીને જતા રહ્યા, ત્યારે એક દેશ તરીકે ભારત એટલો મોટો હતો કે તેને કોઇ હડપી ન શકે. એ જ કારણથી બધી અંધાઘૂંધી અને અનેક સમસ્યાઓનાં બીજ સાથે તે લોકશાહી તરીકે ટકી રહ્યો. પણ ટચૂકડા કાશ્મીર માટે એ શક્ય નથી. ‘એક વાર ભારત પોતાની માલિકી છોડી દે. પછી અમે અમારૂં ફોડી લઇશું. લધુમતિઓનું ઘ્યાન રાખીશું. પંડિતોને ફરી વસાવીશું.’ એવી વાતો કરવી સહેલી છે, પણ વાસ્તવિકતા ઘણી વધારે ભયંકર છે.

આઝાદીની વાત કરતી વખતે એ પણ યાદ રાખવું જોઇએ કે કાશ્મીરનો મોટો હિસ્સો પાકિસ્તાનના તાબા હેઠળ છે, જેને ‘આઝાદ કાશ્મીર’ તરીકે ઓળખવામાં આવે છે. ખરેખર બન્ને દેશોથી આઝાદી ઇચ્છતા કાશ્મીરીઓએ ભારતની જેમ પાકિસ્તાનના તાબા હેઠળ રહેલા કાશ્મીરમાં પણ આઝાદીનો જંગ છેડવો ન જોઇએ? અને તેમની આઝાદીની વ્યાખ્યા હાલના ‘આઝાદ કાશ્મીર’નો વિસ્તાર વધારવાની - અને પાકિસ્તાનનું એક રાજ્ય બની રહેવાની હોય, તો તેમણે સમજવું જોઇએ કે એ સમય હવે વીતી ચૂક્યો છે. ૬૦ વર્ષ પહેલાં જૂનાગઢના લોકોની જેમ જોર બતાવીને તે પાકિસ્તાન સાથે જોડાઇ શક્યા હોત. તો કદાચ સરદાર પણ વાંધો લઇ શક્યા ન હોત. હવે બહુ મોડું થઇ ગયું છે. કાશ્મીરમાં ભારત-પાકિસ્તાનની સંયુક્ત સંસદ જેવો કંઇક ત્રીજો જ વિકલ્પ ન નીકળે, તો કાશ્મીરના કપાળે આઝાદી નહીં, ફક્ત તેની લડાઇ જ લખાયેલી રહેશે.

No comments:

Post a Comment