Saturday, July 26, 2008

લોકસભા અને વિશ્વાસનો મત, ઇ.સ.૨૦૨૫

‘દલાલ સ્ટ્રીટ’ નામ ધરાવતું પાટિયું સડક પર દેખાય છે, પરંતુ આ દ્રશ્ય મુંબઇનું નથી, નવી દિલ્હીનું છે. વર્ષ ઇ.સ.૨૦૨૫ કે ૨૦૩૫ કે ૨૦૪૫નું છે.
ભારતની લોકશાહીને પારદર્શક અને વાઇબ્રન્ટ સ્વરૂપ આપવા માટે, સંસદભવન જ્યાં આવેલું છે એ રસ્તાનું નામકરણ ‘દલાલસ્ટ્રીટ’ તરીકે કરવામાં આવ્યું છે.

સંસદભવન પર તિરંગો ફરકે છે, પણ તેમાં ત્રણને બદલે છ પટ્ટા છે. મૂળ રંગના ત્રણે પટ્ટા ઉપરના એક-એક પટ્ટામાં લોકસભાને સ્પોન્સર કરનારી કંપનીઓના ‘લોગો’ ખીચોખીચ ગોઠવાયેલા છે.ભારતના રાષ્ટ્રઘ્વજમાં ફક્ત ત્રણ જ પટ્ટા હોવાનો ઘણા લોકોને અફસોસ છે. અમેરિકાના રાષ્ટ્રઘ્વજની જેમ તેમાં ઢગલાબંધ સ્ટાર હોત, તો દરેક સ્ટારની સ્પોન્સરશીપ દીઠ કંપનીઓ પાસેથી રોકડી કરી શકાત. બીજું કંઇ નહીં, પણ એ આવક રાષ્ટ્રના વિકાસમાં- સડકો, એરપોર્ટ, ફ્લાયઓવર, સેઝ બનાવવામાં- કામ લાગત. ‘રાષ્ટ્રઘ્વજમાં ફક્ત ત્રણ રંગ હોવાને કારણે જ ભારત દેશ પાછળ રહી ગયો હશે’ એવું કેટલાક યુવા નાગરિકો માને છે.

સંસદભવનના પ્રાંગણમાં વિશાળ બગીચો છે. તેમાં છોડ કરતાં પણ વધારે સંખ્યામાં પૂતળાં મુકાયેલાં છે. થોડી ખાલી જગ્યામાં ‘પૂતળાં માટે આપવાની છે. રસ ધરાવનારે સચિવનો સંપર્ક કરવો’ એવી નોટિસ જોવા મળે છે. દરેક પૂતળા નીચે એ સભ્ય જે કંપનીના પ્રતિનિધિ હોય તે કંપનીનો લોગો જોવા મળે છે.

યાદ રહે, આ ભવિષ્યની વાત છે. દરેક સાંસદ કોઇ રાજકીય પક્ષનું નહીં, પણ કોઇ કંપની કે ક્લબનું પ્રતિનિધિત્વ કરે છે. તેનો મૂળ આઇડીયા વર્ષો પહેલાં, ઇ.સ.૨૦૦૮માં શરૂ થયેલી ‘૨૦- ટ્વેન્ટી ક્રિકેટ સ્પર્ધા’માંથી આવ્યો હતો. એ સ્પર્ધાને મળેલી વ્યાવસાયિક સફળતા પરથી સાંસદોએ ધડો લીધો. તેમને થયું કે રાજકીય પક્ષના સભ્ય તરીકે પૂરેપૂરી મોકળાશ મળતી નથી. હાથ બંધાઇ જાય છે અને ખિસ્સાં સંતાડીને રાખવાં પડે છે. તેનાથી લોકશાહી તંદુરસ્ત રહેતી નથી. એટલે ‘લોકશાહી પરનો ખતરો અમે કોઇ પણ ભોગે- જરૂર પડ્યે લોકશાહીના ભોગે પણ- ટાળીશું’ એવા નિર્ધાર સાથે જુદા જુદા પક્ષના કેટલાક પ્રતિબદ્ધ સાંસદો ભેગા થયા અને ભારતની લોકશાહીને બચાવવાનો પ્લાન તેમણે ઘડી કાઢ્યો.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે, ડાબેરીઓ અને જમણેરીઓ વચ્ચે, સમાજવાદીઓ અને બહુજનવાદીઓ વચ્ચે વિચારધારાનો ફરક ક્યારનો નાબૂદ થઇ ચૂક્યો હતો. ‘વિચારધારા’ શબ્દ રાજકારણમાં જૂનવાણી અને પ્રાગૈતિહાસિક ગણાતો હતો. તેની જગ્યાએ ‘આચારધારા’ની બોલબાલા હતી. દરેકની આચારધારા એક જ હતીઃ કોઇ પણ રીતે સત્તા હાંસલ કરવી અને મળેલી સત્તા કોઇ પણ રીતે ટકાવી રાખવી. આ સ્થિતિમાં નવા પ્લાન મુજબ, ભારતમાંથી તમામ રાજકીય પક્ષોની માન્યતા રદ કરી દેવામાં આવી. કોઇ રાજકીય પક્ષ જ નહીં. એટલે વિચારધારાના મુદ્દે વિરોધ કે તરફેણનો કોઇ આરોપ પણ નહીં.

બીજા પગથિયા તરીકે, ૨૦- ટ્વેન્ટી ટુર્નામેન્ટની પદ્ધતિ પ્રમાણે આખા દેશને રાજ્યોને બદલે ઝોન (વિભાગ)માં વહેંચી દેવામાં આવ્યો. દરેક વિભાગ માટે રાજકીય નેતાઓની પસંદગી જાહેર હરાજીથી કરવામાં આવી. કોઇ પણ ભારતીય કંપની (જેમાં વિદેશી કંપનીનો હિસ્સો ૪૯ ટકા કરતાં વધારે ન હોય) હરાજીમાં ભાગ લઇ શકે.

અત્યાર સુધી ડર અને લાલચના માર્યા અનેક રાજકીય પક્ષોને ખાનગી રીતે ભંડોળ પૂરૂં પાડનારા ઉદ્યોગપતિઓને ખુલ્લેઆમ નેતાઓ ખરીદવાની તક મળી- અને તે પણ પક્ષની વાડાબંધી વિના. અત્યાર સુધી ઉદ્યોગપતિઓના પૈસે રાજકીય પક્ષોના આગેવાનો સાંસદો કે વિધાનસભ્યોનું ખરીદવેચાણ કરતા હતા. હવે આ કડીમાં વચ્ચેથી રાજકીય પક્ષો ઉડી ગયા અને ખરીદવેચાણનું કામ સીઘું ઉદ્યોગપતિઓના હાથમાં આવી ગયું. કેટલીક મોટી કંપની બધા પ્રાંતોની ટીમ ખરીદવા ઇચ્છતી હતી. તેમની દલીલ એવી હતી કે ‘આ તો અમારી જૂની પરંપરા છે. અમે પહેલેથી બધા પક્ષના સાંસદોને ખિસ્સામાં રાખતા આવ્યા છીએ’ પણ નવા કાયદા હેઠળ, એક જ કંપની બધી ટીમની માલિક થઇ જાય તો રમતમાં રોમાંચનું તત્ત્વ ન રહે. એટલે તેમને એક ટીમની માલિકીથી ચલાવવું પડ્યું.

કંપનીઓને ફાયદો એ થયો કે કોઇ પણ પક્ષના નેતાઓને પોતાની ટીમમાં ખરીદી શકે. એટલે એક જ ટીમમાં એક ગાંધી હોય અને એક અડવાણી, એક ચેટર્જી હોય ને એક યાદવ, એક સિંઘ હોય ને એક રેડ્ડી એ શક્ય બન્યું. નેતાઓને સુખ એ થયું કે પહેલાં તેમને કંપનીઓ સાથે પોતાને કશી નિસ્બત નથી અને પોતે તટસ્થ છે, એવું બતાવવા માટે બહુ મહેનત કરવી પડતી હતી. હવે એ બોજ દૂર થવાથી સૌ નેતાઓ હળવાફૂલ થઇ ગયા.

સંસદમાં ઉપલું ગૃહ અને નીચલું ગૃહ એમ બે ભાગ યથાવત્ રહ્યા. નીચલા ગૃહમાં ખરીદાયેલા સાંસદો પોતપોતાની ટીમ પ્રમાણે બેસતા હતા. ફરક ઉપલા ગૃહમાં પડ્યો. તેમાં ટીમના માલિકો બેસવા લાગ્યા. આ રિવાજ નાના પાયે વીસમી સદીથી શરૂ થઇ ગયો હતો. ફક્ત રૂપિયાના જોરે ધંધાદારીઓ રાજ્યસભા સુધી પહોંચી જતા હતા. એટલે નવા રિવાજમાં લોકોને નવાઇ કે આઘાત જેવું કંઇ લાગ્યું નહીં.

ખરીદવેચાણના નિયમો ૨૦-ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ જેવા જ હતા. માલિક પોતે ખરીદેલા નેતાને ગમે ત્યારે ‘ખરાબ દેખાવ બદલ’ તગેડી શકતો હતો. નેતાના ભાવનો આધાર તેની પ્રતિષ્ઠા અને ક્ષમતા પર હતો. કેટલાક લોકોએ ક્રિકેટટીમની જેમ સંસદમાં પણ વિદેશી નેતાઓેને ખરીદીને ટીમમાં સામેલ કરવાની માગણી મુકી હતી. તેની પર વિચાર ચાલુ હતો.

સંસદભવના પર લબૂકઝબૂક થતી લાલભૂરી લાઇટોમાં લખ્યું હતું ‘બીસીસીઆઇઃ બોર્ડ ઓફ કન્ટ્રોલ એન્ડ કમાન્ડ ઇન ઇન્ડિયા.’ તેનું સ્લોગન હતું ‘સબ બીકતા હૈ’. આકાશમાંથી જતાં-આવતાં વિમાનો જોઇ શકે એવા મોટા અક્ષરે એ સ્લોગન સંસદભવન પર મુકાયેલું હતું. રીઝર્વ બેન્કની ચલણી નોટો પર અને ભારતની રાજમુદ્રા તરીકે જૂના સૂત્ર ‘સત્યમેવ જયતે’ને રદ કરવામાં આવ્યું હતું અને તેના સ્થાને ‘સબ બીકતા હૈ’ આવી ગયું હતું.

(૨૦૨૫ કે ૨૦૩૫કે ૨૦૪૫માં) સંસદમાં બીસીસીઆઇની મેનેજિંગ કમિટીને વિશ્વાસનો મત લેવાની નોબત આવી, ત્યારે વિશ્વાસના મતનું સંચાલન હરાજી ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ક્રિસ્ટીઝ કંપનીને સોંપવામાં આવ્યું. કાર્યવાહી દરમિયાન શોરબકોર વધી પડે ત્યારે ‘ક્રિસ્ટીઝ’નો પ્રતિનિધિ ટેબલ પર હથોડો પછાડીને કહેતો હતો,‘આ સંસદની નહીં, હરાજીની કાર્યવાહી છે. જરા શાંતિ રાખો.’ ઉપલા ગૃૃહમાં બેઠેલા બધા માલિકોને મન પડે એટલા નેતાઓ ખરીદવા કે વેચવાની છૂટ હતી. એ માટે સંસદના ફ્લોર પર બે કલાકનો સમય આપવામાં આવ્યો હતો. ત્યાર પછી સૌએ પોતાનું સંખ્યાબળ રજૂ કર્યું. અંતે હોલમાં શાંતિ પથરાઇ અને ક્રિસ્ટીના પ્રતિનિધિએ કહ્યું,‘ભારતીય સંસદ...એક વાર...ભારતીય સંસદ... બે વાર...અને ભારતીય સંસદ...ત્રણ વાર...’ બાકીનો ભાગ વિજયઘેલા સાંસદો અને તેમના માલિકોના ઉલ્લાસભર્યા ઘોંઘાટમાં ડૂબી ગયો.

1 comment:

  1. o my god....
    2025 pahela videsh bhagi javu padashe....
    :) jordaar... as usual...

    ReplyDelete