Wednesday, April 19, 2017

અશાંતિના 'અપશુકન' કરાવતું મહાસત્તાઓનું ત્રેખડ

જેમ્સ બોન્ડની ફિલ્મોના વિશ્વનું એક સુખ હતુંઃ બીજા વિશ્વયુદ્ધ પછી રશિયા-અમેરિકા વચ્ચેના શીતયુદ્ધનો જમાનો, પરમાણુ હથિયારોથી સજ્જ માથાભારે મહાસત્તા રશિયાની વિલનગીરી અને ત્રીજું વિશ્વયુદ્ધ-દુનિયાની તબાહી અટકાવવા મેદાને પડેલાં બ્રિટન-અમેરિકા. સોવિયેત રશિયાના વિઘટન પછી તેના મહાસત્તા તરીકેના દબદબાનો અંત આવ્યો. દ્વિધ્રુવી વિશ્વમાં ફક્ત એક જ ધ્રુવ રહી ગયોઃ અમેરિકા.  ત્યાર પછીની બોન્ડ ફિલ્મોમાં ઉત્તર કોરિયા જેવા દેશોનો વિલન તરીકે પ્રવેશ થયો, જેના ઘાતકી અને સત્તાલોભી સરમુખત્યારો આધુનિક ટેકનોલોજીની મદદથી વિનાશ વેરવા માગતા હોય.

પરંતુ હવે જેમ્સ બોન્ડ પણ ગુંચવાઈ જાય એવા સંજોગો વાસ્તવિક વિશ્વમાં પેદા થયા છે. બોલ્યા પ્રમાણે કરી બતાવવું એ હંમેશાં સદગુણ નથી હોતો--એવો બોધપાઠ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ઉપરથી મળ્યો છે. ટ્રમ્પનું ચરિત્ર જેમ્સ બોન્ડની ફિલ્મોમાં વિલન તરીકે આબાદ બંધ બેસે એવું છેઃ ફક્ત બેફામ બોલવાની રીતે નહીં, રીઆલીટી ટીવી સ્ટાર અને અબજોપતિ તરીકે સાવ નજીકના ભૂતકાળમાં તેમનાં કારનામાંથી પણ.

જેમ કે, રેસલિંગ (કુસ્તી)ના નામે ચાલતા ફારસમાં દસ વર્ષ પહેલાં ટ્રમ્પ અને બીજા અબજપતિ મેકમોહને શરત મારી કે તેમના પહેલવાનો લડે અને જેનો પહેલવાન જીતે તે અબજપતિએ સામેવાળા અબજપતિનો ટકો કરવાનો. ટ્રમ્પનો પહેલવાન જીતી ગયો. એટલે ટ્રમ્પ અને તેમના પહેલવાને ભેગા મળીને મેકમોહનને ખુરશી પર બાંધીને અસ્ત્રા વડે તેમનો જે રીતે ટકો કર્યો, તે દૃશ્યો જોવાલાયક છે. એમ કરતાં પહેલાં ટ્રમ્પ જે રીતે મેકમોહન પર ધસી જાય છે અને તેમને પછાડીને મુક્કા મારે છે એ દૃશ્ય, જોયા પછી પણ માનવાનું મન ન થાય એવું છે.  કબૂલ કે અમેરિકાના મનોરંજન જગતમાં આવું બધું ચાલતું હોય છે, પણ છીછરી હરકતોમાં આટલી હોંશથી ભાગ લેનાર ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ છે એ ગળે ઉતારવું અઘરું છે. (Youtubeમાં Trump, Macmohan, Shaving આ ત્રણ શબ્દો નાખવાથી એ ધન્ય ક્ષણો જોવા મળશે.)

જેમ્સ બોન્ડની ફિલ્મોમાં વિલનગીરીના મજબૂત દાવેદાર તરીકે ટ્રમ્પ એકલા નથી.  પુતિનના શાસન હેઠળ રશિયા ફરી એક વાર બોન્ડ ફિલ્મોમાં વિલનનો પાઠ મેળવી શકે એવું બન્યું છે. રશિયા અમેરિકા જેટલું સમૃદ્ધ નથી, પણ તેના પ્રમુખ પુતિન દાંડાઈ, મહત્વાકાંક્ષા અને ચબરાકીના કાતિલ સંયોજન ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘ(UN)માં 'વીટો' ધરાવે છે. તે ગમે તેવા દાંડ દેશનું ઉપરાણું લઈને, તેના વિરોધમાં થતા આંતરરાષ્ટ્રીય ઠરાવોનો વીંટો વાળી શકે છે. માથાભારે પુતિને સોવિયેત રશિયાના ભૂતપૂર્વ ઘટક જેવા યુક્રેન અને ક્રિમીયામાં લશ્કરી જોરજબરદસ્તીથી અડિંગા જમાવ્યા છે. ઓબામાના શાસન હેઠળ અમેરિકાએ તેમની સામે પ્રતિબંધો લાદ્યા હતા. ત્યાર પછી પ્રમુખપદની ચૂંટણી વખતે પુતિન (સ્વાભાવિક કારણોસર) ટ્રમ્પના પ્રશંસક હતા. તેમને લાગતું હતું કે ટ્રમ્પ સાથે તેમનું બરાબર ભળશે અને રશિયા-અમેરિકાની વર્ષોજૂની હુંસાતુંસી સમાપ્ત થશે. ટ્રમ્પના પુતિન સાથેના સંબંધ હંમેશાં આરોપોનો વિષય રહ્યા છે. પુતિને અમેરિકાની ચૂંટણીમાં રસ લઈને દૂરથી શક્ય એટલો દોરીસંચાર કર્યો હોવાનો આરોપ છે.  ટ્રમ્પ અને પુતિનની જુગતજોડી શરૂઆતમાં તો જામી હોય એવું લાગ્યું હતું. સિરીયના આંતરિક યુદ્ધે તેમને જાહેર દોસ્તી માટેની તક પૂરી પાડી.

સિરીયામાં 2011થી શરૂ થયેલા આંતરયુદ્ધમાં લાખો લોકો માર્યા ગયા છે,  લાખો જીવ બચાવવા માટે પહેરેલા કપડે સિરીયા છોડીને નિરાશ્રિત તરીકે ભાગ્યા છે. છતાં હજુ યુદ્ધનો અંત આવતો નથી. તેમાં એક તરફ સરમુખત્યાર-પ્રમુખ અસદ છે. તેની સામે વિરોધ કરનાર સ્થાનિક વિદ્રોહીઓ છે અને ત્રીજો પક્ષ છે ત્રાસવાદી સંગઠન ISIS. આ ત્રણે પક્ષો એકબીજા સામે લડે છે અને તેમાં નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાય છે.  આટલો ગુંચવાડો ઓછો હોય તેમ, વિશ્વના દેશોએ સિરીયાને પોતાની ચોપાટનું મેદાન બનાવી દીધું છે. કારણ કે અખાતી દેશો પાસે જે નથી, તે દરિયાકિનારો અને એ રસ્તે યુરોપ સાથે વેપાર કરવાની તક સિરીયા પાસે છે.

ભૂમધ્ય સમુદ્રમાં પોતાનો પગદંડો રાખવા માટે રશિયાને સિરીયામાં રસ છે. તે પહેલેથી અસદની પડખે રહ્યા છે અને સક્રિય લશ્કરી ટેકો પૂરો પાડ્યો છે. ઇરાન-ઇરાક-સિરીયાની શિયા મુસ્લિમ ધરી સાથે રહેલા પુતિન ઇરાનના ગેસભંડારોને યુરોપ સુધી પહોંચાડતી પાઇપલાઇનમાં રસ ધરાવે છે, ગેસના મોટા ભંડાર ધરાવતું રશિયા પણ યુરોપના દેશોને મોટા પ્રમાણમાં ગેસનો પુરવઠો પૂરો પાડે છે.  ઇરાન-ઇરાક-સિરીયાની ધરી તેમની સાથે મળી જાય, તો તેમની તાકાત અનેક ગણી વધી જાય. આ ઉપરાંત ISIS અને ઇસ્લામના નામે ચાલતો આતંકવાદ ઘરઆંગણે ન પહોંચે તેનો પણ ખ્યાલ પુતિનને હોવાનું કહેવાય છે.

અલબત્ત, સિરીયામાં રહેલાં રશિયાનાં દળો ફક્ત ISISની જ નહીં, અસદવિરોધી બળવાખોરોની પણ સામે છે. અસદ પર પોતાના નાગરિકો સામે રાસાયણિક શસ્ત્રો વાપરવાનો આરોપ પહેલી વાર મુકાયો, ત્યારે તત્કાલીન પ્રમુખ ઓબામાએ કહ્યું હતું કે અસદે 'હદ (રેડ લાઇન) ઓળંગી છે.’ ત્યારે રશિયાએ સિરીયાનાં રાસાયણિક શસ્ત્રો મૂકાવીને, વૈશ્વિક મહાસત્તા તરીકે નવેસરથી ઊભી થઈ રહેલી પોતાની ભૂમિકાને ઘાટી કરી આપી હતી. સિરીયાના મુદ્દે ટ્રમ્પ-પુતિન એક થવાની હવા બંધાઈ હતી, પણ ટ્રમ્પે રાસાયણિક શસ્ત્રો વાપરવાના આરોપસર સિરીયા પર મિસાઇલ હુમલો કરાવ્યા પછી, બન્ને વચ્ચેના સંબંધ તળીયે પહોંચ્યા છે--અને બન્ને પક્ષો તરફથી એ મતલબનાં જાહેર નિવેદન બહાર પાડવામાં આવ્યાં છે. આમ, જે સિરીયાના મુદ્દે રશિયા-અમેરિકા ભેગાં થાય તેમ હતાં, એ જ સિરીયાને આગળ કરીને રશિયા-અમેરિકા લડી પડે એવી સંભાવના ઊભી થઈ છે.

અને આ કમઠાણમાં હજુ ઉત્તર કોરિયા-ચીનની વાત તો કરી જ નથી. અમેરિકાને ગાંઠ્યા વિના પરમાણુશસ્ત્રોના માર્ગે આગળ વધી રહેલું ઉત્તર કોરિયા ફક્ત ચીનનું થોડુંઘણું સાંભળતું હોવાની છાપ છે. એટલે, ટ્રમ્પ ઉત્તર કોરિયાને કાબૂમાં રાખવા માટે તે ચીનનો સાથ ઇચ્છે છે. આમ કરીને તેમણે બે મોટા નીતિપલટા માર્યા છેઃ એક તો, ચૂંટણીપ્રચાર વખતે તેમણે ચીન પર અમેરિકાની નોકરીઓ છીનવી લેવાનો આરોપ મૂક્યો હતો અને બીજો વધારે ગંભીર આરોપ અમેરિકાની ચીજવસ્તુઓની નકલનો હતો. તેના માટે તે ચીનને કોર્ટમાં ઢસડી જવાની શેખી મારી ચૂક્યા હતા. બીજું, આંતરરાષ્ટ્રીય શતરંજમાં પણ તે રશિયા સાથે દોસ્તીની અને ચીનને દૂર રાખવાની વાત કરતા હતા. તેને બદલે હવે તે ચીન સાથે દોસ્તી અને રશિયા સાથે દુશ્મની ઊભી કરી રહ્યા છે.

ટ્રમ્પ અને પુતિનની સરખામણીમાં ચીન તેમના જેટલું જ બળુકું, પણ તેમનાથી ઘણું વધારે ખંધું પુરવાર થયું છે. તેની પાસે પરમાણુશસ્ત્રોનો જ નહીં, વિદેશી હુંડિયામણનો અઢળક ભંડાર છે અને તેની વિસ્તારવાદી મહત્ત્વાકાંક્ષાનો પાર નથી. ઉત્તર કોરિયાને કાબૂમાં રાખવા ચીનનો સહકાર ઇચ્છતા ટ્રમ્પે ચીનનાં બીજાં અનેક આંતરરાષ્ટ્રીય દુઃસાહસો સામે આંખ આડા કાન કરવાના થાય. આમ, વિશ્વની ત્રણ મહાસત્તાઓ અત્યારે એકબીજાની સામે ને સાથેના પેંતરા બદલી રહી છે, પણ તેમની રમતમાં વિશ્વનો ખો નીકળે એ નક્કી છે. 

Sunday, April 16, 2017

દાદા ધર્માધિકારીનું લોકશાહી-ચિંતનઃ નાગરિક કોને જવાબદાર?

દાદા ધર્માધિકારીના લોકશાહી વિશેના કેટલાક વિચારોની ગયા સપ્તાહે વાત કરી હતી. બીજા ચિંતકો અને ગાંધીજનોની સરખામણીમાં દાદાનું સુખ એ છે કે તે સરેરાશ ગાંધીવાદીઓની ખાસિયત બની ગયેલા દંભથી દૂર રહ્યા હતા. અહીં જેની વાત કરવાની છે એ વિચાર તેમણે ૧૯૬૧માં આપેલાં પ્રવચનમાં વ્યક્ત કર્યા હતા--અને ત્યારે કોંગ્રેસનો-જવાહરલાલ નેહરુનો સૂરજ ધખતો હતો ત્યારે પણ દાદાને લોકશાહી વિશે ચિંતા-ચિંતન કરવાપણું લાગ્યું હતું. તેમની ખેવના એ હતી કે નેતાઓ અને પક્ષો અગત્યના નથી. મહત્ત્વની છે લોકશાહી અને તેમાં રહેલા લોક.

લોકશાહીનો વિચાર પશ્ચિમમાંથી આવ્યો છે અને એ ભારતીય નથી, તે સ્વીકારવામાં દાદાને નથી ખચકાટ, નથી ગૌરવ. તેમને એ વાતનો આનંદ હતો કે સમાજના નીચલામાં નીચલા સ્તરના લોકોની તમા કરતો લોકશાહી જેવો વિચાર ભારતમાં આવ્યો. લોકશાહીમાં લોક એટલે ખેડૂતો ને મજૂરો--એવી સામ્યવાદ પ્રેરિત સમજણ પણ આ ગાંધીવાદીને બહુ વહાલી લાગતી હતી. તેમને પક્ષનો કે વિચારધારાનો કશો બાધ ન હતો. તેમને લોકની પરવા હતી અને તે લોકશાહીના ચોકઠામાં રુંધાવાને બદલે કેવી રીતે વધારે મજબૂત બને, એ તેમનું મુખ્ય લક્ષ્ય. એટલે જ, લોકશાહી ચૂંટણીકેન્દ્રી કે પક્ષકેન્દ્રી બની જાય તેની સામે એમનો વિરોધ હતો. છેક ૧૯૬૧માં તેમણે કહ્યું હતું, ’અમે ભૂદાનવાળા પણ કંઈ દૂધમાં ધોયેલા નથી. અમે પાંચ કરોડ એકર જમીન મેળવવાનો સંકલ્પ કરેલો. જમીન પ્રાપ્ત થતી ગઈ, પણ દિલ બદલવા તરફ ધ્યાન ન અપાયું. હવે આજે રોઈ રહ્યા છીએ કે જમીન તો ખડકાઈ ગઈ, પણ લોકોના હૃદયનો કણમાત્ર હાથ ન આવ્યો.’ આવું ચૂંટણીમાં ન થાય અને ચૂંટણી જીતવાની-મત એકઠા કરવાની લ્હાયમાં લોકોને કેળવવાનું બાજુ પર ન રહી જાય, તે માટે દાદાએ ચેતવણી આપી હતી.

એક બાબતે દાદા બહુ સ્પષ્ટ હતાઃ મતયાચક- લોકોના મતની ભીખ(કે કૃપા) માગવા નીકળેલો માણસ લોકોનું ઘડતર ન કરી શકે. ચૂંટણી અને લોકશાહીના નામે ચાલતી પક્ષીય વફાદારી પણ ઘણી હદે અનિષ્ટકારી છે. એ સમયે બધા નેતાઓ પોતપોતાના પક્ષને મજબૂત બનાવવાની વાત કરતા હતા. તેનાથી ચોક્કસ સમુદાયો બળવાન થતા હતા. તેનો વિરોધ કરવામાં આવે ત્યારે એવી દલીલ થતી હતી કે 'પક્ષ કે મજબુત થશે, તો લોક આપોાપ મજબૂત થશે.’ પરંતુ વ્યવહારમાં આપણે જાણીએ છીએ કે એવું બનતું નથી. કોંગ્રેસે આટલાં વર્ષ મુસ્લિમો કે દલિતોની ભેર તાણવાના દાવા કર્યા. પણ તેમના માટે એ મહદ્ અંશે ચૂંટણી જીતવાની ફોર્મ્યુલા હતી. એટલે સામાન્ય દલિત કે મુસ્લિમનું સશક્તિકરણ ન થયું. ઉલટું, અોળખોની અણી વધારે નીકળી. ભાજપ એવી જ રીતે હિંદુ હિતની વાત કરે છે. પક્ષ કે જૂથ પ્રત્યેની વફાદારી સરવાળે રાષ્ટ્રની જ વફાદારી છે, એવા ચાલાકીથી ભરમાવા જેવું નથી. દાદાએ કહ્યું હતું,’જૂથવાદ માનવીય મૂલ્યો વિશે અંધ હોય છે. એને પોતાના સિવાય બીજા કશા રંગ દેખાતા નથી...સાધારણ નાગરિક જે નિષ્પક્ષ છે, તે પક્ષાપક્ષીની દુનિયામાં ભૂલો પડ્યો છે. બધા અલગ અલગ જૂથોમાં વહેંચાઈ ગયા છે અને જે બાકી રહ્યા છે તે સામાન્ય નાગરિક છે. ’

દાદાએ કહ્યું કે ધર્મોમાં પણ રાજકીય પક્ષ જેવી જ સ્થિતિ પ્રવર્તે છે. ‘મુસલમાનને પૂછો તો કહેશે કે માનવીય સમાનતાની વાત જેવી ઇસ્લામ ધર્મમાં કહી છે, એવી બીજા કોઈ ધર્મમાં નથી કહેવાઈ. ખ્રિસ્તીઓને પૂછીશું તો કહેશે કે અમારા ધર્મમાં તો ઇશ્વર અમારો પિતા છે ને મનુષ્ય માત્ર અમારા ભાઈ છે. હિંદુ ધર્મ કહેશે કે અમે તો ઘટઘટમાં ઇશ્વર જોઇએ છીએ. પથ્થરથી માંડી મનુષ્ય સુધી બધામાં ભગવાન છે. અમારો તો અધિક સમતાનો ધર્મ છે. પણ જ્યારે આ બધા પોતપોતાના સંગઠન બનાવે છે ત્યારે શું થાય છે?’ સવાલનો જવાબ આપણે બરાબર જાણીએ છીએ અને અનુભવીએ પણ છીએ.

પરંતુ પક્ષનિષ્ઠા, પક્ષ પ્રત્યેની શિસ્તબદ્ધ વફાદારી વિના પક્ષોનું અસ્તિત્વ કેવી રીતે ટકે? અને પક્ષો વિના લોકશાહીનું શી રીતે ચાલે? તેનો દાદા પાસે ચોખ્ખો અને આકરો જવાબ હતો. દાદા નાતજાતના ભેદભાવમાં માનતા ન હતા. એટલે દલિતો સાથે ભોજન કરવા બેઠા ત્યારે તેમના દાદાએ ઠપકો આપ્યો કે આવું ને આવું કરશે તો નાતજાત રહેશે નહીં અને તેના વગર સમાજ પણ શી રીતે ટકશે? ત્યારે દાદા ધર્માધિકારીએ કહ્યું કે બીજા એકેય ધર્મમાં નાતજાત નથી. છતાં સમાજ છે જ. એટલે નાતજાત વિનાનો સમાજ ટકી જ શકે. એવી રીતે, પક્ષ ન હોય તો પણ લોકશાહી ટકી જ શકે. ઉલટું, દાદાએ ભારપૂર્વક કહ્યું, ‘પક્ષનિષ્ઠા, સંપ્રદાયનિષ્ઠા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી લોકનિષ્ઠા ક્ષીણ થતી જશે.’

ફરી ફરીને યાદ કરવું પડે છે કે અહીં આપેલા દાદાના વિચારો દાદાએ ૧૯૬૧માં પ્રવચનસ્વરૂપે કહ્યા હતા, જેને યજ્ઞ પ્રકાશન (વડોદરા) દ્વારા વિશ્લેષણ જેવા સીધાસાદા મથાળા હેઠળ ગ્રંથસ્થ કરવામાં આવ્યા. તેથી બીજાં ઘણાં ઉત્તમ પ્રવચનોની જેમ, આ પ્રવચનો વાહવાહી પછી હવામાં ઉડી જવાને બદલે પાંચ દાયકા પછી પણ વિચારભાથું પૂરું પાડવા માટે ઉપલબ્ધ બન્યાં. એ વખતે દાદાએ કહ્યું હતું, ‘પક્ષીય નેતાઓને મેં અપ્રામાણિક નથી માન્યા, પક્ષનિષ્ઠ માન્યા છે. એમને સૌને મારું નિવેદન છે કે તમે સૌ મળીને વ્યાપક નાગરિકતાનું સંરક્ષણ કરો. આજે એ શક્ય નથી બનતું. કારણ કે આજે સત્તાની સ્પર્ધા ચાલે છે. જે પોતાની તરફેણમાં લોકમત ઊભો કરી દે તે રાજ્યસત્તાનો પ્રતિસ્પર્ધી બની શકે છે.’

લોકશાહીમાં ઉત્તરદાયિત્વનું મહત્ત્વ સમજાવતાં દાદાએ કહ્યું હતું,’લોકશાહીમાં એક વાર ચૂંટાઈ ગયા પછી તે પ્રતિનિધિ આખા ક્ષેત્રનો ગણાય છે. જેણે એને મત ન આપ્યો હોય કે એની વિરુદ્ધ મત આપ્યો હોય તેનોય તે પ્રતિનિધિ ગણાય છે. છતાં તે આજે પોતાના પક્ષને જવાબદાર છે. પ્રતિનિધિ આખા ક્ષેત્રનો અને જવાબદાર પોતાના પક્ષને. આથી સુપ્રીમસી ઓફ વોટર્સ—મતદારોની અંતિમ સત્તા કલુષિત થાય છે, દૂષિત થાય છે.’

પ્રતિનિધિ નાગરિકને જવાબદાર, પણ નાગરિકનું શું? તેનો જવાબ છેઃ નાગરિકોનું ઉત્તરદાયિત્વ એકમેક પ્રત્યે હોય. દરેક નાગરિક પોતાના પાડોશીને જવાબદાર હોય.  એક નાગરિકનો સંરક્ષક બીજો નાગરિક જ બની શકે, પોલીસ કે ફોજનો સિપાહી નહીં. દાદાના મતે નાગરિક સંખ્યા ન બને અને વ્યક્તિ જ રહે, એ જરૂરી છે. ‘સમુદાયને એકમ માનવો એ વ્યક્તિનું અપમાન છે. સામ્યવાદે વર્ગને એકમ માન્યો, કુટુંબવાદીઓએ કુટુંબને એકમ માન્યું, જાતિવાદીઓએ જાતિને એકમ માની. માં વ્યક્તિનું કોઈ સ્થાન ન રહ્યું.’

રાજકીય પક્ષો સામે મીટ માંડવાને બદલે નાગરિકોમાં પરસ્પર જવાબદારીની-ઉત્તરદાયિત્વની લાગણી પેદા કરવી તે 1961માં પણ પડકાર હતો અને 2017માં વધુ મોટો પડકાર છે.

Friday, April 14, 2017

લોકશાહી, લોકરાજ્ય અને લોકસત્તાનો તફાવતઃ દાદા ધર્માધિકારીની નજરે

ગાંધીજીની આસપાસ એકઠા થયેલા લોકોમાં રાજકીય, સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક—એમ અનેક ક્ષેત્રના ધુરંધરોનો સમાવેશ થતો હતો. વિદ્વત્તામાં અથવા કાર્યકુશળતામાં અથવા બન્નેમાં તેમની પ્રતિભા એટલી મોટી કે ગાંધીજી વિના પણ તે જાહેર જીવનમાં ઝળકી ઉઠે. પરંતુ એ સૌએ સ્વેચ્છાએ ગાંધીજીના સાથી થવાનું સ્વીકાર્યું. મહાદેવભાઈ જેવા અપવાદોને બાદ કરતાં ઘણા સાથીદારો એવા કે ગાંધીજી સાથે બધી વાતમાં સંમત ન હોય. પોતાના સ્વતંત્ર વિચાર અને વિચારશક્તિ તેમણે જાળવ્યાં હોય. છતાં ગાંધી પ્રત્યે તેમનો ભાવ અનન્ય હોય. ગાંધીજીના આવા વિશિષ્ટ સાથીદારોમાંના એક એટલે દાદા ધર્માધિકારી. સગવડપૂર્વક તેમની ઓળખાણ ભૂતપૂર્વ ન્યાયાધીશ અને પ્રખર વક્તા ચંદ્રશેખર ધર્માધિકારીના પિતા તરીકે આપી શકાય. તેમની આત્મકથા  'મનીષીની સ્નેહગાથા’ ગાંધીઘરાણાના સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
Dada Dharmadhikari/ દાદા ધર્માધિકારી

દાદા ધર્માધિકારીની વિશિષ્ટતા એટલે તેમનું ધારદાર, મૌલિક અને જમીન સાથે જોડાયેલું ચિંતન.  ગાંધીમૂલ્યોને છોડ્યા વિના, પણ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને ભારતની લોકશાહી કેમ મજબૂત બને, તે દાદાના ચિંતનનો એક મહત્ત્વનો વિષય હતો. ભારતને આઝાદી મળી ગઈ, પણ ત્યાર પછી પ્રજાનું નાગરિકી ઘડતર કરવાનું કામ બાકી રહી ગયું--એવો એકરાર કહો તો એકરાર ને આલોચના કહો તો આલોચના આચાર્ય કૃપાલાણી જેવા ઘણા ગાંધીજનોને કરવાની આવી.  આ સંદર્ભે આઝાદીને માંડ દોઢ દાયકો પણ થયો ન હતો, ત્યારે દાદા ધર્માધિકારીએ કેટલાંક પ્રવચન આપ્યાં હતાં. તેમણે 1961માં આપેલાં આ પ્રવચન વડોદરાનાં યજ્ઞ પ્રકાશને 'વિશ્લેષણ’ એવા સામાન્ય મથાળા સાથે છાપ્યાં. બની તો એ માંડ 130 પાનાંની પુસ્તિકા, પણ તેમાં રહેલું વિચારભાથું  સાડા પાંચ દાયકા પછી એટલું જ તાજું ને પ્રસ્તુત છે. એક રીતે એ કમનસીબી પણ ગણાય. કારણ કે નાગરિકઘડતરનો અધૂરો એજેન્ડા આ પુસ્તિકા બહાર પાડ્યા પછી પણ પૂરો ન થયો. બલ્કે, આઝાદીના આંદોલન અને ગાંધીયુગની હવાના થોડાઘણા સંસ્પર્શ પણ નેસ્તનાબૂદ થયા.

લોકશાહી ચૂંટણીમાં સમાઈ જતી નથી અને સરકાર-વિરોધ પક્ષોની રાજકીય લડાઈમાં લોકોનો કશો શક્કરવાર વળવાનો નથી, એ બાબતની ચિંતા અને ચિંતન દાદાનાં પ્રવચનોમાં ચોટદાર રીતે જોવા મળે છે. સૌથી પહેલાં તો તેમણે લોકશાહી, લોકરાજ્ય અને લોકસત્તા--એ ત્રણ શબ્દોના અર્થ જુદા પાડ્યા--અને એમ કરવામાં કશી શબ્દાળુતા, ચાવળાશ કે ચબરાકી ન હતી. લિંકનને ટાંકીને લોકશાહીની વ્યાખ્યા કરતાં તેમણે કહ્યુંં કે તેમાં તંત્ર સંપૂર્ણપણે લોકોના હાથમાં હોય. લોકરાજ્યને તેમણે આ રીતે સમજાવ્યુંઃ લોકોનું, પોતાના ઉપર, પોતાના દ્વારા ચાલતું રાજ્ય. પરંતુ લોકસત્તાની વ્યાખ્યા આટલી સીધી કે સહેલી નથી. તેમના મતે, લોકસત્તા એ છે, જેમાં લોકોનું અસ્તિત્વ અભિવ્યક્ત થાય છે. ‘રાજ્યપદ્ધતિ એ એક ચીજ છે, તંત્ર એ વળી બીજી ચીજ છે અને લોકોની સત્તા, તેમનું અસ્તિત્વ સર્વ જગ્યાએ પ્રતીત થાય એ બિલકુલ અલગ ચીજ છે.’

ઇતિહાસમાં જઇને દાદા કહે છે, ‘આપણા દેશમાં આજે જે લોકશાહી છે એનો આરંભ અંગ્રેજોના આગમન બાદ થયો, એ વાતનો નમ્રભાવે સ્વીકાર કરવો જોઇએ... જેની પરંપરામાં ક્યાંય આ પ્રકારની લોકસત્તા નહોતી, જેની પરંપરામાં ધર્મનિરપેક્ષ સત્તા કદી હતી જ નહીં, જેની પરંપરાએ બધા માણસને એક સ્તર પર માન્યા જ નહોતા, એવી પ્રજાએ વગર વિરોધ અનાયાસ આ લોકસત્તાનો સ્વીકાર કરી લીધો, એ અદભૂત ઘટના છે. એનું શ્રેય આપણા નેતાઓને છે. ’

આમ, લોકશાહી ભારતની પરંપરામાં નથી એ દર્શાવ્યા પછી પણ, તેની ઇચ્છનીયતા વિશે દાદાના મનમાં જરાય અવઢવ નથી. એવી જ રીતે, સામ્યવાદી ન હોવા છતાં દાદા કહે છે,’સામ્યવાદી પક્ષે સૌ પ્રથમ લોક શબ્દને વ્યાપક બનાવવાનો પ્રયત્ન કર્યો. ‘લોક’ શબ્દ આટલો વ્યાપક માર્કસવાદી વિચાર પહેલાં કદી નહોતો. આ 'લોકો'એટલે કોણ? વિવેકાનંદે દરિદ્રનારાયણ શબ્દનો પ્રયોગ કર્યો. ગાંધીએ પણ કહ્યું કે આ દેશનો આરાધ્યદેવ દરિદ્રનારાયણ છે. લોકમાન્ય તિલકે જનતાત્માને પરમેશ્વર કહ્યો. પરંતુ સૌ પ્રથમ સામ્યવાદીઓએ કહ્યું કે દેશના ખેડૂત અને મજૂર એ 'લોક’ છે. લોકસત્તાનું સિંહાસન ખેડૂત અને મજૂરનું છે. આવું પહેલાં કોઇએ નહોતું કહ્યું.’

લોકની આ સમજ સ્પષ્ટ કર્યા પછી દાદાને છેક 1961માં ભારતની લોકશાહીમાંથી 'લોક'ખોવાયેલા લાગે છે.  માર્મિક શબ્દોમાં દાદા કહે છે, ‘આ કંઇક એવો લગ્નોત્સવ છે, જેમાં જાન તો આવી ગઈ છે, પણ વરરાજાનો જ પત્તો નથી. જાનૈયા ખુશ થઈ રહ્યા છે, આતશબાજી થઈ રહી છે, મહેફિલો ઊડી રહી છે, પણ વરરાજા ખોળ્યો જડતો નથી...આજની લોકશાહીમાં બધાય નજરે ચઢે છે, માત્ર 'લોક'નો પત્તો નથી. ’

લોકશાહી અથવા વધારે સાચી રીતે કહેવું હોય તો લોકસત્તા દૃઢ કરવામાં રાજકીય પક્ષો શો ભાગ ભજવી શકે? દાદાએ કોંગ્રેસ, પ્રજા સમાજવાદી પક્ષ, સામ્યવાદી પક્ષ જેવા પક્ષોનાં સારા તત્ત્વોનો ઉલ્લેખ કર્યો  અને તેની મર્યાદાઓ પણ ચીંધી. પ્રજા સમાજવાદી પક્ષે સમાજવાદ અને લોકશાહીનો સમન્વય સ્વીકાર્યો એટલો જશ આપીને તેમણે લખ્યું કે 'સમાજવાદ અને લોકશાહીનો આવો સમન્વય કરવાની ભૂમિકા સમાજવાદના અગ્રદૂત જવાહરલાલની રહી છે પણ જવાહરલાલના પક્ષની નહીં.’  સાડા પાંચ દાયકા પહેલાંના રાજકીય પક્ષો દાદાને તેમની ભૂમિકામાં ઊણા ઉતરતા લાગતા હોય, તો પછી એ દિશામાં સતત અને ઝડપી આગેકૂચ થઈ છે. પરંતુ લોકસત્તાને બદલે લોકશાહી અને લોકશાહીને પણ ચૂંટણીશાહી બનાવી દેવાની સમસ્યા દાદાએ આગોતરી પારખી અને તેનું ચોટડૂક નિદાન પણ કર્યું, જે તેમનાં પ્રવચનમાં જણાય છે.

દાદા કહે છે,  'આ દેશના બધા પક્ષોએ લોકોને ઘરાક માની લીધા છે. તેઓ એમ માને છે કે અમે રાજ્યકર્તા છીએ, વ્યવસ્થાપક છીએ અને જેમની વ્યવસ્થા કરવાની છે, તેનું નામ લોક છે. પરિણામે સામાન્ય માણસ ઇતિહાસનો એજન્ટ---ઇતિહાસને અસર કરનારને બદલે ઇતિહાસનો ઓબ્જેક્ટ- ઇતિહાસનો (નિષ્ક્રિય) વિષય બની ગયો છે. ઇતિહાસ રચવાનાં સાધન જેના હાથમાં રાજસત્તા છે તેના હાથમાં જતાં રહ્યાં છે. '

તો પછી લોકોને આ નિષ્ક્રિયતામાંથી કેવી રીતે બહાર કાઢવા? રાજકીય પક્ષોની વફાદારી લોકસત્તા માટે કેટલી હાનિકારક છે? અને રાજકીય પક્ષો રાજકારણ માટે અનિવાર્ય છે?  વ્યાવસાયિક નીતિમત્તા ચડે કે વ્યક્તિગત નીતિમત્તા? આવા ઘણા મહત્ત્વના મુદ્દાની દાદા ધર્માધિકારીએ કરેલી ચર્ચા હવે પછી.

Wednesday, April 12, 2017

નવું રાજકારણઃ ભૂતકાળ એ જ ભવિષ્યકાળ?

'ધ વર્લ્ડ ઇઝ ફ્લેટ'—આ નામ હતું 'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના વિખ્યાત કટારલેખક થોમસ ફ્રીડમેનના પુસ્તકનું. 2005માં તે આવ્યું ત્યારે ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇ.ટી.) ક્ષેત્રમાં ભારતનો સિતારો બુલંદીએ પહોંચ્યો હતો. ફેસબુક, ગુગલ, ટ્વિટર જેવી તોતિંગ અને મૌલિક વિચાર ધરાવતી અનેક કંપનીઓ ભારતમાં ન સર્જાઈ, પણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, ઇન્ફોસીસ, વિપ્રો જેવી સોફ્ટવેરનું કામ કરતી ભારતીય કંપનીઓ અમેરિકામાં પહોંચી, ત્યાંથી તગડા કોન્ટ્રાક્ટ મેળવવા લાગી અને આઇ.ટી. ઉદ્યોગમાં ભારતની સફળતાની ગાથાના પ્રતિક જેવી બની.  ઇન્ફર્મેશન ટેકનોલોજીના પ્રતાપે ભૌગોલિક અંતર ગૌણ બની ગયાં, એ સ્થિતિને વર્ણવવા માટે ફ્રીડમેન સાથેની વાતચીતમાં નંદન નીલેકેનીએ 'વર્લ્ડ ઇઝ ફ્લેટ' એવો પ્રયોગ કર્યો હતો. (દુનિયા જાણે ગોળ નહીં, સપાટ થઈ ગઈ અને બધા માટે સરખી તક, લેવલ પ્લેઇંગ ફિલ્ડ, ઊભું થયું.)

એ વાતના એક દાયકા પછી, અમેરિકામાં ટ્રમ્પની જીત સહિતના વૈશ્વિક પ્રવાહો જોતાં લાગે છે કે દુનિયા ફરી ભૌગોલિક વાડાબંધીની દિશામાં આગળ વધી રહી છે--પેલો શબ્દપ્રયોગ ઉલટાવીને કહેવું હોય તો, તે ફરી ગોળ બની રહી છે. અમેરિકાના પ્રમુખ અને તેમના ટેકેદારસમુહમાંથી ઘણાને વૈશ્વિકીકરણ અકારું લાગે છે. કારણ કે (તેમના મતે) ભારતીય સહિતના બીજા લોકો અમેરિકામાં આવે છે અને સ્થાનિક લોકોની નોકરીઓ છીનવે છે. આવું 'ફ્લેટ' વિશ્વ તેમને ખપતું નથી. મેક્સિકો-અમેરિકાની સરહદે કરોડો ડોલરના ખર્ચે ઊંચી દીવાલ બાંધવાનો તઘલઘી તુક્કો આપનાર ટ્રમ્પને તે પ્રમુખપદે ચૂંટી શકે છે. એ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી ત્રાસવાદના પ્રતિકારના નામે અને અમેરિકનોની નોકરીઓ બચાવવાના નામે, દરવાજા ભીડી રહ્યા છે.

કેટલાક ઇતિહાસકારો અને આઇ.ટી.ક્ષેત્રના અભ્યાસીઓ માને છે કે અમેરિકનોની નોકરીઓ છીનવવામાં અને તેમની બેકારી વધારવામાં પરદેશથી આવતા લોકો કરતાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજી અનેક ગણી વધારે ભારે પડવાની છે. આવું માનનારા નિષ્ણાતોમાં ઇઝરાઇલના અભ્યાસી પ્રોફેસર હરારી/ Prof.Harari નો પણ સમાવેશ થાય છે.  'સેપિઅન્સ'/ Sapiens નામના પુસ્તકમાં માનવજાતનો ૭૦ હજાર વર્ષનો ઇતિહાસ થોડા સો પાનાંમાં લખનાર અને ત્યાર પછીના 'હોમો ડેઅસ'/ Homo Deus પુસ્તકમાં આગામી સો વર્ષનો ચિતાર આપનાર પ્રો. હરારી માને છે કે દુનિયાભરમાં રાજકીય નેતાગીરી પાસે ભવિષ્યનું કોઈ મોડેલ નથી. ભવિષ્ય માટે તેમનો એક જ નારો છેઃ ચાલો, ભૂતકાળમાં હતા તેવા બની જઇએ.

ટ્રમ્પનું પ્રચારસૂત્ર હતું, 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન.’ રશિયાના વડા પુતિનના મનમાં રશિયાના સદીઓ જૂના ભૂતકાલીન ગૌરવનું છે-- અને પ્રો. હરારીને એ તો ખબર પણ નથી કે ભારતમાં ગોરક્ષાના રાજકારણની કેવી બોલબાલા છે અને જેના મોડેલ દેશવિદેશમાં ચર્ચા છે, તે ગુજરાતના મુખ્ય મંત્રી મંચ પર વાછરડાને હાર પહેરાવે છે. ગરજે કોને શું કહેવું પડે, તેની કહેવતો બદલવાનો સમય ભારતમાં આવી ગયો છે. ભારતના વડાપ્રધાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરનારા છે. પરંતુ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક માનસિકતા બન્ને જુદી જણસો છે. એટલે જ, સ્ટાર્ટ અપ ને સ્માર્ટ સિટી ને મેક ઇન ઇન્ડિયાના પ્રચારની વચ્ચે ગોરક્ષાના નામે ગુંડાગીરી માથું ઉંચકી રહી છે-શીંગડાં ઉલાળી રરહી છે.

ખેડૂત કે પશુપાલક પોતાની ગાયને કે ગોવંશને કે બધાં દૂધાળાં ઢોરને પ્રેમ કરતો જ હોય છે. તેના માટે એને હિંદુ સંસ્કૃતિનાં ઠેકેદાર બની બેઠેલાં સંગઠનોના પ્રચારની જરૂર પડતી નથી. પરંતુ છેલ્લા થોડા વખતથી ઉભરાઈ રહેલા ગોરક્ષાના ઉત્સાહ અને ગોહત્યાના વિરોધમાં ગોપ્રેમ નહીં, ગાયના નામે ચાલતું રાજકારણ દેખાય છે.  આ રાજકારણના ઘટકો છેઃ મુસ્લિમવિરોધ, (તક મળ્યે) દલિતવિરોધ અને પ્રાચીન ભારતના ગૌરવના નામે સનાતન ધર્મની સ્થાપનાનો મુગ્ધ ઝનૂની ઉત્સાહ. ટૂંકમાં, મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન.

પ્રાચીન કાળમાં અમારી ભૂમિ બહુ મહાન હતી, એવી માન્યતા ફક્ત ભારતીયો જ નહીં, અમેરિકનો સહિત બીજા લોકો પણ ધરાવતા હોય છે.  આ માન્યતા ભ્રમ નથી, એવું સિદ્ધ કરવા માટે તેમની પાસે નક્કર પુરાવા પણ હોય છે. ભારતની વાત કરીએ તો, સુશ્રુત-ચરક કે આર્યભટ્ટ-બ્રહ્મગુપ્ત-ભાસ્કર જેવા અનેક વિદ્વાનોએ પોતપોતાનાં ક્ષેત્રોમાં માતબર પ્રદાન કર્યું હતું. અમેરિકનોને બીજા વિશ્વયુદ્ધ પછી ઉભી થયેલી અમેરિકાની સુપરપાવર તરીકેની છબી અને તાકાતનું ખેંચાણ હોઈ શકે છે.

પરંતુ ભૂતકાળનો મહિમા કરવામાં વાત હંમેશાં આટલી સીધીસાદી હોતી નથી. અમેરિકાને ફરી ગ્રેટ બનાવવાની વાત સાચી, પણ કયા સમયગાળા જેવું ગ્રેટ? સ્થાનિક આદિવાસીઓને ધોળા લોકોના આગમન પહેલાંનું અમેરિકા ગ્રેટ લાગી શકે, ધોળાપણાનું અભિમાન ધરાવનારા લોકોને ચામડીનો રંગ તેમના ચઢિયાતાપણાનું પ્રતીક હતો અને કાળા લોકો સાથે તે મનમાન્યો વ્યવહાર કરી શકતા હતા, એ સમય ગ્રેટ લાગી શકે. કાળા લોકોમાંથી ઘણાને લાગી શકે કે અમેરિકા તેમના માટે તો હજુ પહેલી વાર ગ્રેટ બનવાનું જ બાકી છે. એટલે ફરીથી ગ્રેટ બનાવવાની વાત અપ્રસ્તુત છે.

એટલે પાયાનો સવાલ ઊભો રહે છેઃ ભૂતકાળમાં ક્યાં સુધી પાછા જવું? ભારતમાં ગોરક્ષાના નામે ઉશ્કેરણીનું રાજકારણ આચરતા લોકો ધર્મ ને સંસ્કૃતિના ઓઠા તળે આ બધું કરે છે. પરંતુ ધર્મ અને સંસ્કૃતિની તેમની કટ ઓફ લાઇન કઈ? કયા સમયનો ધર્મ-કયા સમયની સંસ્કૃતિ તેમને શ્રેષ્ઠ લાગે છે? સનાતન ધર્મમાં પાછળ ને પાછળ જતાં બ્રાહ્મણો ગોમાંસભક્ષણ કરતા હોવાના આધારભૂત ઉલ્લેખ મળે છે. ઋગ્વેદમાં ફક્ત ગાયોને જ નહીં, તમામ દૂધાળાં ઢોરને ન મારી શકાય એવું કહેવાયું છે, તો ગાય સહિતનાં દૂધાળાં ઢોર બીજી રીતે નિરૂપયોગી બની જાય, તો તેમને મારવામાં અને તેમના ભક્ષણમાં કશો બાધ નથી, એવા ઉલ્લેખ પણ અભ્યાસીઓએ આધારભૂત રીતે વેદમાં મેળવ્યા છે. સનાતન ધર્મનું પાલન કરનારા માટે વેદ આખરી સત્તા જેવો ધર્મગ્રંથ ગણાય. તો સમયનો કયો ખંડ સાચી ભારતીય સંસ્કૃતિ કહેવાય, એ કોણ નક્કી કરે? અને બધા હિંદુઓ વતી કોઈ એ કેવી રીતે નક્કી કરી શકે? અને આ જ ભૂમિ પર આર્યો પહેલાં થયેલી સિંધુ સંસ્કૃતિની પરંપરાઓ સુધી કોઇને જવું હોય તો, એ દેશદ્રોહી ગણાય?

ધર્મ-રાષ્ટ્રના ભૂતકાળના ગૌરવના નામે પોતાના સ્વાર્થનો વેપલો કરનારા સામે આવા અનેક પાયાના, પ્રાથમિક સવાલ થઈ શકે. પરંતુ સવાલ કરીને કકળાટ વહોરવાને બદલે પોતાની કલ્પના પ્રમાણેના ભૂતકાળમાં છબછબીયાં કરવા-કરાવવાની જુદી મઝા છે.  દેશને-દેશવાસીઓને ગ્રેટ બનાવવા નીકળેલા પક્ષો ને નેતાઓ મંત્રેલા પાણીથી કેન્સર મટાડવાનો દાવો કરનારા લેભાગુઓ જેવા હોય છે.  મેડિકલ સાયન્સ પાસે જેનો ઇલાજ ન હોય એવો રોગ ધરાવનાર દર્દી અને તેનાં સગાંવહાલાં વાક્ચતુર બાબાની જાળમાં હોંશે હોંશે ફસાય અને પોતે ખાટી ગયાનું ગૌરવ લે, એવી આ વાત છે. તેને માનવસહજ નબળાઈ તરીકે સમજી-સ્વીકારી શકાય, પણ તેને વાજબી, આવકાર્ય કે ઇચ્છનીય સુદ્ધાં ગણી ન શકાય  

Thursday, April 06, 2017

સાર્થક પ્રકાશનઃ પાંચમા વર્ષે...

ગુરુજનોની હાજરીમાં, મિત્રો-સ્નેહીઓની સાખે સાર્થક પ્રકાશનનો પ્રારંભ
લોકોને વાંચવાનો ટાઇમ જ નથી...ગુજરાતીઓ વાંચે છે જ ક્યાં...ગુજરાતી ભાષા મરવા પડી છે... સારાં પુસ્તકો કોણ ખરીદે?... પુસ્તકો વેચાઈ વેચાઈને કેટલાં વેચાય?...સાચાજૂઠાનું મિશ્રણ ધરાવતી આવી અનેક વાતો શ્વાસની સાથે અંદર અને ઉચ્છવાસની સાથે બહાર આવતી હોય, ત્યારે ખાતરીપૂર્વક, ન જ કરવા જેવું કામ જો કોઈ હોય તો એ પ્રકાશન શરૂ કરવાનું.

અને એ અમે કર્યું. ચાર વર્ષ પહેલાં. શરૂઆત કરનારા અમે ચાર. દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી, કાર્તિક શાહ અને ઉર્વીશ કોઠારી. ખ્યાલ એવો હતો કે લખનારાનું એક પ્રકાશન હોય. (આ વિચારમાં  અશ્વિનીભાઈની---અશ્વિની ભટ્ટની--સોબતની થોડી અસર પણ હોઈ શકે છે.)  દીપકને, ધૈવતને કે મારે પોતાનાં પુસ્તકો પ્રસિદ્ધ કરવા માટે પ્રકાશકની મુશ્કેલી પડે તેમ ન હતી. પણ ખ્યાલ એવો હતો કે બીજાં પણ થોડાં ગમતાં પુસ્તક પ્રકાશિત કરી શકાય. કેટલાંક પુસ્તક એવાં હોય છે કે વ્યાવસાયિક પ્રકાશકોને તેમાં રસ ન પડે અને આપણને તે કરવાં (ફરજના અર્થમાં) ધર્મરૂપ લાગતાં હોય.  એવું કંઈ હોય તો કોઈને પૂછવાની કે કોઈની મંજૂરી લેવાની ન રહે અને સ્વતંત્રતાથી નિર્ણય લઈ શકાય, એ માટે પ્રકાશન શરૂ કરવાનો વિચાર આવ્યો. (સાર્થક પ્રકાશનનો ઉલ્લેખ ધરાવતો પ્રતિલિપિ પરનો મારા ઇન્ટરવ્યુની લિન્ક )

પ્રકાશન શરૂ કરવાનાં કારણ એક-બે હતાં અને તે કેમ શરૂ ન કરવું જોઇએ, તેનાં કારણ (આરંભે જણાવ્યાં તેમ) ઘણાં હતાં. છતાં, લેખકો-મિત્રો દીપક-ધૈવતના સાથ, મિત્ર અને આર્થિક બાબતોના નિષ્ણાત એમ બન્ને ભૂમિકા એકસરખી ઉત્કટતાથી અદા કરનાર કાર્તિક શાહના ભારે સાથસહયોગ- માર્ગદર્શન તથા પુસ્તકક્ષેત્રની તમામ કળાઓના પારંગત અપૂર્વ આશરના સક્રિય સહકારથી આ સાહસ નામે સાર્થક પ્રકાશન શરૂ થઈ શક્યું.

એ વખતે ફક્ત પુસ્તક પ્રકાશનનો ખ્યાલ હતો, પણ મોટા ભાઈ બીરેન કોઠારી,  પરમ મિત્ર અમિત જોશી અને બીજા પણ થોડા મિત્રોના ઉત્સાહથી એક સામયિકનો વિચાર આવ્યો. તેમાંથી છ માસિક 'સાર્થક જલસો’નો જન્મ થયો અને જોતજોતાંમાં તે સાર્થકનું અત્યંત સંતોષ આપનારું કામ બની રહ્યું. આ મહિનાના અંતભાગમાં તેનો સળંગ આઠમો અંક આવશે. (સાર્થક જલસો વિશે સિડનીના સુરસંવાદ રેડિયોનાં આરાધના ભટ્ટે લીધેલા ઇન્ટરવ્યુની લિન્ક)

‘સાર્થક’નાં ચાર વર્ષ વિશે દીપકે તેમની અનોખી શૈલીમાં ફેસબુક પર લખ્યું છે. તે પ્રમાણે, પુસ્તકોના મામલે અમે કરવું જોઇએ એટલું કામ સંખ્યાની રીતે કરી શક્યા નથી. હજુ થોડાં વધારે પુસ્તક થઈ શકે એમ હતાં. આ વર્ષે અમે એ કસર સરભર કરવા કોશિશ કરી રહ્યા છીએ. એવી જ રીતે 'સાર્થક જલસો’ સારું વાચન ઝંખતા ઘણા મિત્રોને--અને વાચક તરીકે અમને પણ—જલસો પાડે છે.  દરેક 'જલસો' વખતે થતા લેખકો-સાથીદારો-વડીલોના મેળાવડામાં ક્યારેક રમેશ ઓઝા અને નીલેશ રૂપાપરા જેવા વડીલો-મિત્રો  છેક મુંબઈથી ચહીને આવે છે, તો અમદાવાદના ઘણા વડીલ ગુરૂજનો પ્રતિકૂળતાની પરવા કર્યા વિના અચૂક અને નિરાંતે હાજરી આપે છે. લેખન-પત્રકારત્વ-જાહેર જીવન-વિચાર જેવાં કેટલાંક ક્ષેત્રોના ઉત્તમ કહેવાય એવા અને ત્રણ પેઢીના પ્રતિનિધિ એવા મિત્રો-વડીલો એ અનૌપચારિક મિલનને ખરેખરો 'જલસો' બનાવે છે. આ પરમ સંતોષની સાથે એ વાત પણ ખરી કે પુસ્તકો અને 'સાર્થક જલસો’ આ બન્નેના પ્રચારપ્રસારમાં અમે અા ચાર વર્ષમાં પૂરતું ધ્યાન આપી શક્યા નથી.

યુવાન મિત્રો અનીશ દેસાઇ અને શર્મિલી પટેલના પ્રેમભાવથી સાર્થકની વેબસાઈટ શરૂ કરી, જેનું લોન્ચિંગ અમે (ગુજરાતના જાહેર જીવન અને લેખનમાં જેમનું નામ બહુ આદરપૂર્વક લેવાવું જોઇએ અને સાર્થક મિત્રમંડળમાં તેમનું એવું જ સ્થાન છે એવા) ચંદુભાઇ મહેરિયાના હાથે કરાવ્યું હતું.)  તેના કારણે ઓનલાઇન ઓર્ડરની વ્યવસ્થા ઉભી થઈ શકી. પરંતુ સાતત્યપૂર્વકના પ્રચારપ્રસારના અભાવે હજુ એવા ઘણા લોકો સુધી સાર્થકનાં પુસ્તકો અને 'સાર્થક જલસો’ની વાત પહોંચી નથી.  માટે, આવનારા વર્ષમાં અમે આ બન્નેની વાત વધુ લોકો સુધી પહોંચાડવા ઇચ્છીએ છીએ.  તેના માટે તમારા, વધુ ને વધુ મિત્રોના સહકારની અને સૂચનોની માગણી અમે દોસ્તીદાવે કરીએ છીએ.

કેટલાક મિત્રો અમને પણ આનંદ અને આશ્ચર્ય થાય એટલા ઉમળકાથી સાર્થકનાં પુસ્તકો અને જલસોનો પ્રસાર કરી રહ્યા છે. તેમના અમે ફક્ત આભારી જ નથી.  તેમની આ ચેષ્ટા અમને કામ કરવાનું બળ પૂરું પાડે છે. કેમ કે, અમે પણ માણસ જ છીએ. આશા-નિરાશા, થાક-કંટાળો, ધીરજ-ખીજ જેવા અનેક લાગણીઓ ક્યારેક અમને પણ થતી હોય છે. એ વખતે એક તરફ સાર્થક દ્વારા થયેલા કામ પર અને બીજી તરફ આ મિત્રોની લાગણી પર નજર નાખવાથી અમારું તત્કાળ રિચાર્જિંગ થઈ જાય છે.

દીપકે તેમના લેખમાં 'સાર્થક' દ્વારા આ વર્ષે પ્રગટ થનારા એક મહત્ત્વના પુસ્તક તરફ ઇશારો કર્યો છે. તેમણે સસ્પેન્સ રાખ્યું છે, તો મારે પણ રાખવું જ પડે..બસ, જલસો-૮ સુધી રાહ જુઓ. તેમાં એક નહીં, બબ્બે મોટી જાહેરાતો સાર્થક પ્રકાશન દ્વારા થશે. આ બન્નેનો અમારે મન—અને અમને માથા સુધી ખાતરી છે કે ગુજરાતી વાંચનારાને મન—પણ ભારે મહિમા હોવાનો છે..બસ, વધુ ત્રણ અઠવાડિયાંની પ્રતિક્ષા.

'સાર્થક પ્રકાશન’ પહેલેથી વાચકોની રુચિ સંતોષવા ઉપરાંત તેમની રુચિ (અમારી સમજ પ્રમાણે) ઘડવામાં પણ માને છે. એટલે, 'સાર્થક જલસો’માં ઘણા બિનપરંપરાગત અને ગુજરાતી ભાષામાં બીજે ક્યાંય વાંચવા ન મળે એવા અનોખા લેખો આવે છે. 'સાર્થક પ્રકાશન’નાં ઘણાં પુસ્તક પણ એટલા માટે જ વિશિષ્ટ હોય છે--અને એટલે જ તેના પ્રચારપ્રસારમાં તમે સૌ મિત્રો યથાશક્તિ મદદરૂપ થાવ એવી અપીલ અને અપેક્ષા રાખીએ છીએ અને અમે અમારી મર્યાદામાં રહીને તમારા સુધી પહોંચવાના શક્ય એટલા પ્રયાસ કરવાની ખાતરી આપીએ છીએ.

સાર્થકના સૌ વાચકો-શુભેચ્છકો-મદદગારો-મિત્રો અને વડીલો સામે ભાવપૂર્વક માથું ઝુકાવીને આદર વ્યક્ત કરીએ છીએ

સાર્થક પ્રકાશનના આરંભની વાત વાંચવા માટેની લિન્ક
સાર્થક પ્રકાશન ઉત્સવ-1
સાર્થક પ્રકાશ ઉત્સવ-2
સાર્થક પ્રકાશન ઉત્સવ-3
સાર્થક પ્રકાશન ઉત્સવ-4
સાર્થક પ્રકાશન ઉત્સવ-5

Tuesday, April 04, 2017

સેવા અને કટ્ટરતાની કાતિલ જુગલબંદી

દેશભરમાં તેની 173  સ્કૂલ ચાલે છે, જ્યાં આશરે અઢાર હજાર વિદ્યાર્થીઓ ભણે છે. એક રાજ્યમાં તેની ત્રણ હોસ્પિટલ અને 66 એમ્બ્યુલન્સ ચાલે છે. બે હજાર ડોક્ટર ત્યાં માનદ્ સેવા આપવા તૈયાર હોય છે.  હોસ્ટિપલમાં આંખની લેસર સર્જરી મફત થાય છે. તેનાં દવાખાનામાં દાંતની રૂટકેનાલ સર્જરી (બે વર્ષ પહેલાંના અહેવાલ પ્રમાણે) ફક્ત પચાસ રૂપિયામાં થતી હતી. ધરતીકંપ અને પૂર વખતે તેના સ્વયંસેવકોએ રાહતકાર્યોમાં સક્રિય ભાગ લઇને ભારે કામ કર્યું હતું. તેની સેવાપ્રવૃત્તિનો એક હેતુ ખ્રિસ્તી મિશનરી પ્રભાવનો મુકાબલો કરવાનો પણ છે...

ઉપરનું વર્ણન વાંચીને તમારા મનમાં જે સંગઠનનું નામ આવ્યું હોય તે (અને જે આદરભાવ છલકાયો હોય તે), પણ તે વર્ણન પાકિસ્તાની સંગઠન જમાત-ઉદ્-દાવાનું છે. તે નામચીન ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની એક પાંખ છે.
***

કોરી ને નકરી કટ્ટરતા કદાચ ટકાઉ બનતી નથી. તેને લાંબું ટકાવવી હોય અને મુખ્ય ધારામાં મહત્ત્વનું પરિબળ બનાવવી હોય તો તેમાં ધર્મ ભેળવવો પડે. ઘણી વાર કટ્ટરતાનું જન્મસ્થાન જ ધર્મ હોય છે. આ ધર્મ એટલે આદર્શ- સાચો ધર્મ નહીં, પણ વ્યક્તિગત-સંસ્થાગત-પક્ષગત સ્વાર્થ સાધવામાં મદદરૂપ થાય એવો સગવડીયો ધર્મ.  કટ્ટરતા અને સગવડીયા ધર્મનું ઘાતક મિશ્રણ થયા પછી નિર્દોષ માનવીઓથી માંડીને મહાત્માઓની હત્યાને વાજબી ઠેરવી શકાય. વાજબી જ નહીં, 'ધર્મ્ય' ગણાવી શકાય.

સ્વાર્થ માટે ખપમાં લેવાયેલો ધર્મ પરંપરાગત સ્થાપિત ધર્મ જ હોય એવું જરૂરી નથી. રાષ્ટ્રવાદને પણ એ અર્થમાં '(સગવડીયો) ધર્મ' બનાવી શકાય—એવો 'ધર્મ’, જેનું મુખ્ય કામ રાષ્ટ્રના તમામ નાગરિકોને સાથે રાખવાનું-તેમનું હિત ઇચ્છવાનું નહીં,  તેમનામાં વિભાજન પ્રેરીને કટ્ટરતા ફેલાવવાનું હોય.

અંતિમવાદના ધંધામાં રહેલા લોકોને ઘણા કિસ્સામાં કટ્ટરતા અને સગવડીયા ધર્મનું મિશ્રણ પૂરતું લાગતું નથી. એ વખતે તેમાં ઉમેરાતું ત્રીજું પરિબળ છેઃ સેવા. કટ્ટરતાની કે સગવડીયા ધરમની ટીકા થઈ શકે, પણ સેવાની ટીકા કોણ કરી શકે? અને સેવાની કોઈ ટીકા કરે, તો તેમાં કિંમત ટીકાકારની ન થાય? ધારો કે કુદરતી હોનારત વખતે કોઈ સંસ્થા પીડિતોની મદદ કરે, સરકારી તંત્ર કરતાં વધારે કાર્યક્ષમતા-પ્રતિબદ્ધતાથી બચાવકાર્ય કરે, તો તેની ટીકા કેવી રીતે કરી શકાય?

સેવાની ઢાલનો અસરકારક ઉપયોગ કરવાનું અંતિમવાદી સંસ્થાઓને બહુ ફાવે છે ને બહુ અનુકૂળ પણ પડે છે. કારણ કે તેમનાં ઉઘાડેછોગ અંતિમવાદી વલણોની ટીકા થયા કરતી હોય છે.  તેમાં સગવડીયા ધર્મનો ભેગ કર્યા પછી પણ ટીકાથી પૂરેપૂરી મુક્તિ મળતી નથી.  તેનો શો ઉપાય? જવાબ છેઃ સમાજસેવા. હા, એક મ્યાનમાં કટ્ટરતા અને સમાજસેવા, ત્રાસવાદ અને રાહતકાર્ય, અંતિમવાદ અને સેવાકાર્ય રહી શકે છે. સામાન્ય લોકો તે બન્ને વચ્ચેની એકરૂપતા જોઈ શકતા નથી. કટ્ટરવાદની તલવારને છુપાવવા માટે સેવાની મખમલી મ્યાન વાપરવાની વ્યૂહરચના તેમને સમજાતી નથી.  કોઈ સમજાવે ત્યારે પણ તે સ્વીકારવાનું મન થતું નથી.  (સગવડીયા) ધર્મ કે (વિભાજક-ધીક્કારપ્રેરક) રાષ્ટ્રવાદ જેવાં પરિબળોની શરમ નડી જાય છે.

સમાજસેવા અને હિંસક કટ્ટરતા-અંતિમવાદ-આતંકવાદની જુગલબંદી આજકાલની નથી. શ્રીલંકાના તમિલ ટાઇગર્સ (LTTE), પેલેસ્ટાઇનનું 'હમાસ’,  લેબનોનનું હિઝ્બુલ્લા, ઇજિપ્તનું ઇસ્લામિક બ્રધરહુડ, પાકિસ્તાનનું જમાત-ઉદ્-દાવા... આ તો કેટલાંક અત્યંત જાણીતાં નામ છે. આમ તો આ મોડેલ બહુ જૂનું અને જાણીતું છે.  થોડી છૂટછાટ સાથે આપણે તેને 'રોબિનહુડ મોડેલ' કહી શકીએ, જેમાં 'વ્યાપક જનહિતમાં અમુક લોકોનું અહિત' કરવામાં આવે છે અને તેને વાજબી, ન્યાયી, ધર્મ્ય તરીકે ખપાવવામાં આવે છે. રોબિનહુડની અસલ કથા મુઠ્ઠીભર શોષણખોર અમીરોને લૂંટીને ગરીબોને વહેંચતા દિલેર જવાનની હતી. કટ્ટર, અંતિમવાદી જૂથોના 'શત્રુ' મુઠ્ઠીભર નહીં, ઘણા બધા હોય છે.  તેમની સામે શબ્દોથી કે શસ્ત્રોથી કે બન્ને વડે ધીક્કાર–અને વખત આવ્યે હિંસક કાર્યવાહી--આચરવામાં આવે છે.  ઇસ્લામમાં અંદરોઅંદર લડતાં શિયા-સુન્ની જૂથોને બોમ્બધડાકા કરાવીને નિર્દોષોને મારી નાખવામાં કશો ક્ષોભ થતો નથી.  છતાં એવાં અમાનવીય કૃત્યો કરાવનારની કે તેને સમર્થન આપનારની સેવાસંસ્થાઓ ચાલતી હોઈ શકે અથવા અમુક આફતોના સમયે તેમની કેડર સક્રિય થઈ શકે.

સવાલ એ થાય કે આ પ્રકારની સેવાપ્રવૃત્તિને કારણે તેમની કટ્ટરતા, તેમનો અંતિમવાદ, તેમણે ફેલાવેલી વિભાજક વિચારધારા કે ત્રાસવાદ વિસારે પાડી દેવાનાં? એ બધાં કરતૂતો ભણી આંખ આડા કાન કરવાનાં? બે-પાંચ માણસની ઠંડા કલેજે હત્યા કરનાર જણ કીડીયારું પૂરે કે પાણીમાં ડૂબતા મંકોડાને પાંદડા પર ચડાવીને તેનો જીવ બચાવે, તો 'તટસ્થતા'ની આણ આપીને તેની જીવદયાનાં વખાણ કરવાનાં? કે પછી પ્રમાણભાન જેવી કોઈ ચીજનો પણ ઉપયોગ કરવાનો?

પરંતુ પ્રમાણભાનનો ઉપયોગ હંમેશાં સૌથી ઓછો આકર્ષક રહ્યો છે. લાગણીના ને પ્રચારના ધસમસતા વહેણમાં કશી મહેનત કર્યા વિના આગળ વધવાનું સુખ છોડીને, પ્રમાણભાનની પંચાતમાં કોણ પડે? એમાં વળી સરકારોની ઉપેક્ષા કે તેમનો ગેરવહીવટ ઉમેરાય છે. સરકારો જે કરી શકતી નથી, તે બીજી (ભલે અંતિમવાદી, ત્રાસવાદી કે કટ્ટર કે સાંપ્રદાયિક) સંસ્થાઓ કરી બતાવે એટલે પ્રમાણભાન ગૌણ બની જાય છે.  ‘ગમે તે હોય, પણ પેલી આફત વખતે આ જ લોકોએ કેવું જોરદાર કામ કર્યું હતું’ એવી પ્રશંસા અને તેનો પ્રચારપ્રસાર કટ્ટર સંસ્થાઓનાં મૂળીયાં મજબૂત બનાવે છે. ISISકે અલ કાઈદા જેવાં સંગઠનો નકરાં ત્રાસવાદી સંગઠન ગણાયાં છે. તેમની સેવાપાંખ નથી. તે ફક્ત ખૂનખરાબામાં અને ધીક્કાર ફેલાવવામાં માને છે. તેમની સામે અમેરિકા સહિતના દેશો ધડબડાટી બોલાવી શકે છે. અલ કાઇદાનો મુખ્ય ત્રાસવાદી લાદેન છુપાયો હોવા છતાં તેને શોધીને ખતમ કરી શકે છે. પણ લશ્કર-એ-તૈયબા (અને જમાત-ઉદ્-દાવા)નો હાફિઝ સઇદ ખુલ્લેઆમ છૂટો ફરે છે. તેના માથે મોટું ઇનામ છે. છતાં તેને હાથ અડાડી શકાતો નથી.  તેનું એક કારણ પાકિસ્તાનના લશ્કરી કે જાસૂસી કે બન્ને તંત્રો તરફથી તેને મળતો ટેકો તો ખરો જ. ઉપરાંત, સેવાપ્રવૃત્તિની આણ પણ ખરી.

આવી સેવાપ્રવૃત્તિ થોડા નાગરિકોને ટૂંકા ગાળાનો ફાયદો કરતી હશે, પણ લાંબા ગાળે સમાજના-દેશના વાતાવરણમાં ઝેર ઘોળે છે. ધીક્કાર એવી બંદૂક છે, જેની બન્ને બાજુએ રહેલા લોકોમાં બીક, અસલામતી, અવિશ્વાસ અને સરવાળે અશાંતિ જન્મે છે. તે લાંબા ગાળે રાજ્યને કે દેશને નાજુક પરિસ્થિતિમાં લાવીને મૂકી દે છે. કટ્ટરતા સાથે સીધી સાંઠગાંઠ ધરાવતી સેવા ધીમા ઝેરમાં ભેળવેલી ગુણકારી દવા જેવી નીવડે છેઃ ટૂંક સમયમાં ઝેરનો પ્રભાવ દવાની અસરને આંબી જાય છે.  હવે પછી કોઈ કટ્ટરતાવાદી સેવાની ધોંસ જમાવવા જાય ત્યારે આ વિગતો તેમની સામે ધરજો. તેમને દલીલમાં હરાવવાનું જરૂરી નથી. નાગરિક તરીકે આ વાત જાતે સમજવાનું ને સેવારૂપી ઘેટાની ખાલ તળે રહેલા કટ્ટરતાના વાઘને ઓળખવાનું જરૂરી છે. 

Wednesday, March 29, 2017

યોગી, સ્વામી અને મહાત્મા

આઝાદ ભારતમાં મઠાધીશ કે ધર્મગુરુ સાંસદ હોય એની નવાઈ તો ક્યારની જતી રહી હતી. હવે એવા એક સાંસદ ‘યોગી’ આદિત્યનાથ બઢતી મેળવીને મુખ્યમંત્રી બન્યા છે. ભારતીય પરંપરામાં યોગનો એક અર્થ સરવાળો કે સંયોજન થાય છે ને બીજી વ્યાખ્યા પ્રમાણે, કર્મમાં કૌશલ્ય એ જ યોગ ગણાયો છે. પહેલા અર્થમાં આદિત્યનાથ યોગી નથી. કારણ કે અત્યાર લગીનો તેમનો ઇતિહાસ સંયોજનનો નહીં, વિભાજનનો છે. ભગવાધારી આદિત્યનાથના મોઢેથી અત્યાર સુધી નીકળેલાં ઘણાં વિધાન ભગવાંને કે હિંદુ ધર્મને શરમમાં મૂકે એવાં છે. (અહીં હિંદુ ધર્મની વાત થાય છે - સંઘ પરિવારે કોમી ધીક્કારના અને રાજકીય સ્વાર્થના પાયા પર ઉભા કરેલા હિંદુત્વની નહીં.) રહી વાત બીજી વ્યાખ્યાની. તેમાં કર્મની સાથે દુષ્કર્મનો સમાવેશ થાય છે કે નહીં, તે આદિત્યનાથબ્રાન્ડ હિંદુ ધર્મના સમર્થકો વધારે અધિકારથી કહી શકે.

આદિત્યનાથના હિંદુત્વનાં વધામણાં ચાલતાં હોય ત્યારે ગાંધી સ્વચ્છતાની (કચરા) ટોપલી ભેગા જ સારા. છતાં, સરકારે સ્વચ્છતાની જાહેરખબરો માટે તફડાવી લીધેલાં ગાંધીચશ્માં ભૂલેચૂકે પહેરી લઇએ તો શું દેખાય? તેમાં દેખાય કે અમેરિકા-રિટર્ન્ડ સ્વામી સત્યદેવ પરિવ્રાજક ગાંધીજીને મળવા આવ્યા છે. તેમની ધાર્મિકતા નહીં, પણ તેમનો હિંદીપ્રેમ જોઇને ગાંધીજી તેમને હિંદીપ્રચાર માટે મદ્રાસ મોકલે છે. સ્વામી સાબરમતી આશ્રમમાં આવે ત્યારે તેમના ખાવાપીવાનો ખાસ બંદોબસ્ત કરવામાં આવે છે. એક દિવસ સ્વામી આશ્રમવાસી બનવાની વાત કરે છે. ત્યારે ગાંધીજી કહે છે કે ‘આશ્રમમાં દાખલ થવું હોય તો તમારે ભગવાં કપડાં ઉતારવાં પડશે.’

સ્વામી સત્યદેવ આઘાત અને ગુસ્સાથી ધૂંઆપૂંઆ. પણ સામે ગાંધીજી છે. કોઈ પણ સંન્યાસી કરતાં વધારે સમાજલક્ષી દેશસેવક. સ્વામી કારણ પૂછે છે ત્યારે ગાંધીજી કહે છે, ‘હું સંન્યાસ છોડવાનું નથી કહેતો... આપણા દેશમાં ભગવાં કપડાં જોતાં જ લોકો તે ઓઢનારની ભક્તિ અને સેવા કરવા મંડી પડે છે. આપણું કામ સેવા લેવાનું નહીં, સેવા કરવાનું છે. આપણે લોકોની જેવી સેવા કરવા માગીએ છીએ તેવી સેવા તેઓ તમારાં આ ભગવાંને લીધે તમારી પાસે નહીં લે. ઊલટા તમારી સેવા કરવા દોડશે. ત્યારે જે વસ્તુ સેવા કરવાના આપણા સંકલ્પની આડે આવે તે કેમ રાખીએ? સંન્યાસ માનસિક વસ્તુ છે, સંકલ્પની બાબત છે. બાહ્ય પોશાક સાથે તેને શો સંબંધ? ભગવાં છોડવાથી સંન્યાસ ઓછો જ છૂટે છે?’ (‘બાપુની ઝાંખી’, કાકા કાલેલકર)

ખુદ ગાંધીજીના મોઢેથી આ વાત સાંભળ્યા પછી, સ્વામી સત્યદેવ તે સમજ્યા તો ખરા, પણ સ્વીકારી શક્યા નહીં અને આશ્રમમાં ન જોડાયા. ગાંધીજીના નિકટના સાથી અને ઉત્તમ ગુજરાતી લેખક સ્વામી આનંદ રામકૃષ્ણ મતના સંન્યાસી હતા. હિમાલયમાં ફર્યા પછી તેમને દેશની સેવામાં સાર્થકતા લાગી. એટલે તે પહેલાં લોકમાન્ય ટિળકના અને પછી ગાંધીજીની અહિંસક લડાઈના સાથી બન્યા - પણ ભગવાંનો મોહ તજીને.

હા, સંન્યાસના પર્યાય જેવા ભગવાંનો પણ મોહ હોય છે. એટલું જ નહીં, તે લાલ બત્તીવાળી કાર કરતાં વધારે હોઈ શકે છે. આદિત્યનાથના મુખ્યમંત્રીપદમાં ભગવાં કપડાં ને લાલ બત્તી - એમ બબ્બે પાવરનો સરવાળો થયો છે. હિંદુ ધર્મને બદલે સંઘપ્રેરિત હિંદુત્વની બોલબાલા થાય ત્યારે  ભગવાંધારી મુખ્યમંત્રી બને, તેમાં ઘણા લોકોને ઔચિત્યભંગ લાગતો નથી - અને વાત પાછી હિંદુ ધર્મના રક્ષણની થાય છે.
હિંદુ ધર્મની જેમ ગાયના રક્ષણના નામે- ગોવધ અટકાવવાના નામે ચાલતું રાજકારણ પણ દાયકાઓ જૂનું, બલ્કે સદી જૂનું છે અને ઉત્તર પ્રદેશ તેનું મુખ્ય કેન્દ્ર રહેલું છે. આજકાલ આદિત્યનાથની ગાયની સાથેની તસવીરો જોવા મળે છે. ગોવધ અટકાવવા અને કતલખાનાં બંધ કરાવવા માટે તેમણે લીધેલાં પગલાંનાં મથાળાં બંધાઈ રહ્યાં છે, પરંતુ ઇતિહાસકાર બિપન ચંદ્રે નોંધ્યું છે તેમ, અંગ્રેજોના રાજમાં ઇ.સ.1890ના દાયકામાં ઉત્તર પ્રદેશ-બિહારમાં ગોહત્યાવિરોધી પ્રચારઝુંબેશ ઉપાડવામાં આવી. તેનાં મૂળીયાં કોમવાદી મુસ્લિમ રાજકારણની સમાંતરે ઉભા થઈ રહેલા કોમવાદી હિંદુ રાજકારણમાં હતાં. અંગ્રેજ ઇતિહાસકાર જેમ્સ મિલે 19મી સદીના આરંભમાં ભારતીય ઇતિહાસના ધર્મવાર ભાગ પાડ્યા. તેમણે ભારતના પ્રાચીનકાળને ‘હિંદુ કાળ’ અને મધ્યયુગને ‘મુસ્લિમકાળ’ ગણાવ્યો. (બિપન ચંદ્ર લખે છે કે ભારતમાં અંગ્રેજોના શાસનકાળને મિલે ‘ખ્રિસ્તી કાળ’ તરીકે ન ઓળખાવ્યો)

1857ના સંગ્રામમાં હિંદુ-મુસ્લિમ એકતા જોયા પછી અંગ્રેજોએ કોમવાદના રાજકારણને તેમની નીતિ બનાવી દીધું. અંગ્રેજોને વહાલા થવા ઇચ્છતા ને તેમના રાજતંત્રમાં પ્રતિનિધિત્વ મેળવવા ઇચ્છતા કેટલાક મુસ્લિમ નેતાઓ અંગ્રેજોના ખોળે બેઠા. તેમને અંગ્રેજોએ હિંદુ બહુમતીની બીક દેખાડી, તો કેટલાક ઉત્સાહી હિંદુઓએ હિંદુ-મુસ્લિમ સહઅસ્તિત્ત્વને બદલે મુસ્લિમ રાજના અત્યાચારોની કથાઓ હોંશથી ઉપાડી લીધી. મુસ્લિમવિરોધને તેમણે ધર્મ બનાવી દીધો. ગાયનું રાજકારણ પણ તેમાંથી આવ્યું. ઇતિહાસકારોએ નોંધ્યું છે કે ગોવધના મામલે કેટલાક હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ઉગ્રતા અને કડવાશ વ્યાપી, ત્યારે અંગ્રેજ લશ્કરી છાવણીઓમાં બેરોકટોક ગોહત્યા થતી હતી, પરંતુ ગોરક્ષકોને તે વિશે કંઇ કહેવાનું ન હતું. કારણ કે ગોવધ તો બહાનું હતું. અસલી હેતુ મુસ્લિમવિરોધનો અને તેને શક્ય એટલી દરેક રીતે વાજબી ઠરાવવાનો હતો.
ઇતિહાસકારો નોંધે છે કે 1896 સુધીમાં ગોહત્યાનો વિવાદ ઠરી ગયો. પણ ત્યાર પછીનાં આશરે સવાસો વર્ષમાં એ વિવાદ સતત (અને સગવડે) માથું ઉંચકતો રહ્યો છે. તેમાં ક્યારેક મુસ્લિમો નિશાન બને છે તો ક્યારેક (ઉના જેવા ઘણા કિસ્સામાં) દલિતો. પરંતુ ગાયોને રખડતી રાખનારા અને તેમને રસ્તા પરનું અનિષ્ટ બનાવી દેનારા વિશે કદી ગોરક્ષકોનો રોષ જાગી ઉઠતો નથી કે ગાયોનાં ગોચર હડપ કરી જનારા નેતાઓનો ગોરક્ષાના રાજકારણમાં કદી ઉલ્લેખ થતો નથી. ‘ગોપ્રેમીઓને’ બીજાએ શું ન કરવું, તેના દંડુકા પછાડવાનું જ ફાવે છે.

પોતાની જાતને પ્રખર ગોપ્રેમી ગણતા ગાંધીજીએ ગોહત્યા, ગોરક્ષણ અને હિંદુ-મુસલમાન એકતા વિશે ઘણું લખ્યું છે.  સ્વદેશી અને ખિલાફત આંદોલન પુરબહારમાં હતું ત્યારે તેમણે લખ્યું હતું,’(ગાયને બચાવવાની બાબતમાં) આપણે મુસલમાન ભાઈઓ ઉપર જેટલું દબાણ કરવા જઇશું તેટલો વધુ ગોવધ થવાનો. તેમના પોતાના જ ખાનદાની અને ફરજના ખ્યાલ ઉપર આપણે આ બાબત છોડવામાં આપણે હાથે ગાયની ભારેમાં ભારે સેવા રહેલી છે...ગાયને બચાવવાની ખાતર સુદ્ધાં માણસને મારવા તૈયાર થવું એ હિંદુ ધર્મ નથી. હિંદુ ધર્મમાં ક્યાંય એવો વિધિ નથી. હિંદુ ધર્મમાં સ્વધર્મની ખાતર - એટલે કે જ્યાં ગોરક્ષા સ્વધર્મ છે ત્યાં ગાયની રક્ષાને ખાતર - પણ જાતે મરી છૂટવાનો જ વિધિ છે.’

ખેદની વાત એ છે કે ગોરક્ષાનું સદી જૂનું રાજકારણ ‘ન્યૂ ઇન્ડિયા’માં પણ યથાવત્ છે

Monday, March 27, 2017

ડો.પ્રાણજીવન મહેતાઃ ગાંધીજીના એકમાત્ર અને આજીવન અંગત મિત્ર

ગાંધીજીના પાંચેક દાયકા જેટલા લાંબા જાહેર જીવનમાં તેમને અનેક સક્ષમ સાથીદારો, અનુયાયીઓ, મદદકર્તા મળ્યા, પણ જેમની સાથે 'મહાત્મા' બન્યા પહેલાંથી દોસ્તીનો સંબંધ હોય અને તે આજીવન ટક્યો હોય એવા તો એક જઃ પ્રાણજીવન મહેતા./ Pranjivan Mehta અભ્યાસે ડોક્ટર અને વકીલ, વ્યાવસાયિક આવડતથી ઝવેરી, દેશ અને દેશવાસીઓના સક્રિય હિતચિંતક, રંગુન(તે વખતના બર્મા)માં 1906માં 'યુનાઇટેડ બર્મા' નામનું સાપ્તાહિક શરૂ કરનાર, ગાંધીજીમાં રહેલા ગુણ બહુ વહેલા પારખી જનાર અને તેમને આજીવન ગરીમાપૂર્ણ ઉદારતાથી મદદ કરનાર એટલે પ્રાણજીવન મહેતા.
Dr.Pranjivan Mehta / ડો. પ્રાણજીવન મહેતા

ગાંધીજી વિશે કેટલીક વાર કુતૂહલથી કે શંકાથી એવો સવાલ કરવામાં આવે છે કે ભારતમાં એ કમાતા ન હતા, તો તેમનું ઘર અને પ્રવૃત્તિ કેવી રીતે ચાલતાં હતાં? તેમનું મોટું તંત્ર અને દફતર કેવી રીતે નભતું હતું? આ સવાલો પૂછાય અને તેના જવાબ લોકોને ખબર ન હોય, તે સમાજની વિસ્મૃતિ છે ને ડો.પ્રાણજીવન મહેતાની ખાનદાની છે. કેમ કે, 1909માં દક્ષિણ આફ્રિકાથી બ્રિટન ગયેલા ગાંધીજીને ડો.મહેતા મળ્યા ત્યારે બન્ને વચ્ચે નક્કી થયું હતું કે ગાંધીજી 1911માં ભારત પહોંચી જાય. ત્યાર પહેલાં દક્ષિણ આફ્રિકામાં વકીલાતની પ્રેક્ટિસ બંધ કરે અને તેમના બહોળા સંયુક્ત પરિવારની આર્થિક જવાબદારી ડો.મહેતા ઉપાડી લે.

1911માં ગાંધીજીએ ફિનિક્સ આશ્રમના ચાલુ ખર્ચ ઉપરાંત બીજા એક હજાર પાઉન્ડની મદદ ડોક્ટર પાસે માગી. જવાબમાં ડોક્ટરે પંદરસો પાઉન્ડનો ચેક મોકલી આપ્યો. ભારત આવ્યા પછી પણ એ ગોઠવણ યથાવત્ રહી. ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમ માટે ડો.મહેતાએ ફક્ત ઉદારતાથી જ નહીં, આત્મીયતાથી અને ગાંધીજીના-દેશના કામને પોતાનું કામ ગણીને, કીર્તિનો લોભ રાખ્યા વિના અવિરત મદદ કરી. ડો.મહેતાના જીવનકાર્યને પ્રકાશમાં આણતા તેમના જીવનચરિત્ર 'ધ મહાત્મા એન્ડ ધ ડોક્ટર’માં ઇતિહાસકાર શ્રીરામ મહેરોત્રાએ નોંધ્યું છેઃ અમદાવાદમાં આશ્રમ સ્થાપવા માટે જરૂરી તમામ આર્થિક મદદની વ્યવસ્થા કરવાની ડો.મહેતાએ ખાતરી આપી હતી.

વર્ષ 2014માં આ પુસ્તક પ્રકાશિત થયું તે પહેલાં પ્રાણજીવન મહેતાનું નામ ગાંધીજીના સંદર્ભે આદરથી છતાં સાવ અછડતું લેવાતું હતું. શ્રીરામ મહેરોત્રાલિખિત ચરિત્ર થકી ડો.મહેતાનું જીવનકાર્ય અને તેમનું  અસાધારણ પ્રદાન ઉજાગર થયાં. ગાંધીજી કહેતા હતા કે ડો. મહેતા સાબરમતી આશ્રમના 'ફક્ત સ્તંભ જ નથી. તેમના વિના આશ્રમ અસ્તિત્ત્વમાં જ ન આવ્યો હોત.’  1 જુલાઇ, 1917ના રોજ મગનલાલ ગાંધી પરના એક પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું, ‘ડોક્ટરસાહેબ દર વર્ષે આપણને બે હજાર રૂપિયા મોકલશે.’ (રૂપિયાના આંકડા વાંચતી વખતે યાદ કરી લેવું કે સો વર્ષ પહેલાંની વાત ચાલે છે.)

ડો.મહેતાએ ગાંધીજીને લાખો રૂપિયાની મદદ કરી. તેમાંની ઘણીખરી અંગત સંપત્તિમાંથી અને થોડી લોકફાળા સ્વરૂપે હતી. રંગૂનના જાહેર જીવનમાં મોખરાનું સ્થાન ધરાવતા ડો.મહેતા ત્યાંના હિંદીઓ પાસેથી ફાળો ઉઘરાવીને, તેમને પણ ભારતની આઝાદીની લડત સાથે સાંકળતા હતા. દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા પછી ગાંધીજીએ જાહેર કામ શરૂ કર્યું તે પહેલાંના પ્રવાસમાં તે પરમ મિત્ર ડો.મહેતાના મહેમાન બન્યા હતા. રંગુનમાં ડો. મહેતાએ તેમનું શાહી સ્વાગત કર્યું હતું અને તેમના માનમાં ઘણા કાર્યક્રમ યોજ્યા હતા.

દક્ષિણ આફ્રિકામાં કરેલી કામગીરીને લીધે ભારતમાં ગાંધીજીની ખ્યાતિ પ્રસરી.  છતાં તેમણે 'હિંદ સ્વરાજ' (1909) લખ્યું ત્યારે તેમાં વ્યક્ત થયેલા વિચારોને કારણે ગોખલે જેવા કેટલાકની ગાંધીજી વિશેની આશા ડગુમગુ થઈ.  ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં ગાંધી જે કરી શક્યા, તે ભારતમાં પણ થાય એ વિશે તેમને શંકા હતી. એ વખતે (1912માં) ડો.મહેતાએ ગોખલેને ગાંધીની ભલામણ કરતો પત્ર લખ્યો હતો. ગોખલે ત્યારે દક્ષિણ આફ્રિકા જવાના હતા. એટલે ડોક્ટરે તેમને લખ્યું, ‘ટૂંક સમયમાં તમારે એમને (ગાંધીને) મળવાનું અને તેમની સાથે વાત કરવાનું બનશે. તેમના વિશે આપણી વચ્ચે જે કંઇ થોડીઘણી વાત થઈ તેની પરથી મને લાગ્યું કે તમે એમનો બરાબર અભ્યાસ કર્યો નથી. મારા નમ્ર મત પ્રમાણે આવા માણસ ભાગ્યે જ પેદા થાય છે અને થાય તો પણ ભારતમાં જ. મને લાગે છે કે તેમની બરાબરીનો દીર્ઘદૃષ્ટા રાજકીય પેગંબર છેલ્લી પાંચ-છ સદીમાં જન્મ્યો નથી. તે અઢારમી સદીમાં આવ્યા હોત તો ભારતની ભૂમિ અત્યારે છે તેના કરતાં સાવ જુદી હોત અને તેનો ઇતિહાસ પણ સાવ જુદો લખાયો હોત. તેમના વ્યક્તિગત પરિચયમાં આવ્યા પછી તેમની ક્ષમતા વિશેનો તમારો હાલનો અભિપ્રાય ઘણો બદલાયો છે, એવું તમારા મોઢે સાંભળવા હું આતુર રહીશ. તેમને અંગત રીતે જાણ્યા પછી તમને તેમનામાં એવા માણસના ગુણ દેખાશે, જે પોતાની જન્મભૂમિના લોકોને ઉપર લઇ જવા માટે ક્યારેક જ અવતરે છે.’
Signature of Dr.Pranjivan Mehta in a letter / પત્રના અંંતે ડો.મહેતાની સહી

દેશની સેવા કરનારા આવા મિત્ર અને નેતા માટે ડો.મહેતાએ પોતાની નાણાંકોથળી કેવી ખુલ્લી મૂકી દીધી હતી, તેનો ખ્યાલ આપતો ગાંધીજીનો (મગનલાલ ગાંધી પરનો) વધુ એક પત્રઃ ડો.મહેતાએ આપણને આશ્રમ માટે રૂ. દોઢ લાખ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ રૂપિયા બે વર્ષના અરસામાં જરૂર મુજબ ઉપાડી શકાશે. તે બાંધકામ માટેના છે. તેમાંથી રૂ.વીસ હજાર તમે તત્કાળ રેવાશંકરભાઈ (ડો.મહેતાના ભાઈ) પાસેથી ઉપાડી શકો છો...રૂ.દોઢ લાખની આ રકમ આપણા આત્માની પ્રાર્થનાનો જવાબ છે, એ તમારે જાણવું જોઇએ.’

ગાંધીજીના શબ્દો-અભિવ્યક્તિમાં કહી શકાય કે ફક્ત રૂ.દોઢ લાખ નહીં, આખેઆખા પ્રાણજીવન મહેતા અને તેમની દોસ્તી આત્માએ કરેલી પ્રાર્થનાના ફળ જેવા હતાં. આજીવન સમૃદ્ધિ ભોગવનાર ડો.મહેતાના છેલ્લા દિવસો બિમારી અને આર્થિક ખેંચમાં વીત્યા હતા. ત્યારે પણ વસિયતનામું કર્યું તેમાં સાબરમતી આશ્રમ માટે રૂ.6,500ની રકમ એ મૂકીને ગયા હતા. મહાદેવભાઈએ તેમના માટે પ્રયોજેલું વિશેષણ 'પ્રિન્સ ઓફ ફિલાન્થ્રોપિસ્ટ્સ’ (દિલદાર દાનેશ્વરી) ભવ્ય હોવા છતાં, ડો.મહેતાની ગુ્પ્ત મદદનો અને ખાસ તો તેમની દેશભાવનાનો પૂરેપૂરો ખ્યાલ આપનારું નથી. ગાંધીજીની જેમ જ ડો.મહેતા માટે પણ દેશ એટલે દેશના સામાન્ય લોકો. એટલે ગ્રામવિકાસ, ગૃહઉદ્યોગ અને ખેતીના વિકાસ માટે એક સ્વદેશી ફંડ હોવું જોઇએ, એવો તેમનો વિચાર હતો. તેમણે ગાંધીજીને 'ગુજરાત સ્વદેશી શરાફ મંડળ'ની યોજના મોકલી હતી, જે ગરીબોને રાહત દરે નાણાં ધીરે અને બેન્ક જેવું કામ કરે. (એ સમયે ગરીબો પાસે લોહીચૂસ શરાફો સિવાય બીજા કોઈ વિકલ્પ ન હતા.) રૂ.એક લાખનું દાન આપવાની તૈયારી સાથે તેમણે સૂચવેલી આ યોજનામાં ભૂખમરો ટાળવા માટે અનાજ ભરવાનાં ગોડાઉનની પણ વ્યવસ્થા કરવાનું આયોજન હતું. પરંતુ એ યોજના કોઈ કારણસર આગળ વધી શકી નહીં.

ડો.મહેતાએ રંગૂનની જનરલ હોસ્પિટલમાં 3 ઓગસ્ટ, 1932ના રોજ દેહ છોડ્યો. છેલ્લા દિવસો બિમારીમાં વીત્યા. એ વખતે ગાંધીજી યરવડા જેલમાં હતા, પણ તેમને રોજ ટેલીગ્રામથી તેમના એકમાત્ર પરમ મિત્રની તબિયતના સમાચાર મોકલવામાં આવતા હતા. ડોક્ટરના અવસાનના સમાચાર મળતાં ગાંધીજીએ જેલમાંથી તેમના પરિવારજનોને ટેલીગ્રામ કર્યો અને લાંબા પત્ર પણ લખ્યા. પોતાની સંપત્તિનો મોટો હિસ્સો દેશસેવામાં ખર્ચી નાખનાર ડો.પ્રાણજીવન મહેતાનું નામ ગુજરાતની દાનપરંપરામાં કે ગાંધીપરંપરામાં ક્યાંય ઝળહળતું ન જણાય, તો તેમાં નુકસાન સમાજનું છે.

Thursday, March 23, 2017

ગાંધીજીના સૌથી નજીકના છતાં સૌથી ઓછા જાણીતા રહેલા મિત્ર પ્રાણજીવન મહેતા

એક માણસ જીવનમાં કેટકેટલું બની શકે? ડોક્ટર? વકીલ? દેશહિતચિંતક? વિદેશમાં રહીને ત્યાંના જાહેર જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવનાર? કોઇ યુગસર્જકનો અંગત મિત્ર? તેની અંગત તેમ જ જાહેર બાબતોની આર્થિક જવાબદારી ચૂપચાપ ઉપાડી લેનાર દાનેશ્વરી? એક મહાન પુસ્તકનું પાત્ર?

આ યાદીમાંથી એકાદ ભૂમિકા મળે તો સરેરાશ માણસનું જીવન સફળ થઈ જાય. વ્યવસાય સિવાયની ભૂમિકાઓમાંથી કોઈ એક મળે તો જીવન સફળ જ નહીં, ધન્ય થઈ જાય. પરંતુ કોઈ માણસ આ તમામ ભૂમિકાઓ એકસરખી કાબેલિયતથી અદા કરે, છતાં તે મહદ્ અંશે ગુમનામ રહે, તે શક્ય છે?

શક્ય-અશક્યનો સવાલ નથી. આમ જ બન્યું છે અને એવું જેની સાથે બન્યું તેમનું નામ છેઃ પ્રાણજીવન મહેતા. ગુજરાત વિદ્યાપીઠમાં ભણનારા તેમને 'પ્રાણજીવન છાત્રાલય' અને તેમાં એમણે 1920ના દાયકામાં આપેલા રૂ. અઢી લાખના દાનથી કદાચ જાણતા હોય. ગાંધીજીની સૌથી મૌલિક અને પ્રભાવશાળી કૃતિ 'હિંદ સ્વરાજ'ના વાચકો તેમને સવાલ પૂછનાર મિત્ર તરીકે કદાચ ઓળખતા હોય. (મિત્ર સવાલ પૂછે અને અધિપતિ જવાબ આપે એવું સ્વરૂપ ધરાવતા 'હિંદ સ્વરાજ'માં મિત્ર એટલે પ્રાણજીવન મહેતા.) મુંબઇના મણિભવનથી પરિચિત લોકો પ્રાણજીવન મહેતા અને તેમના ભાઈ રેવાશંકર મહેતા (ઝવેરી)ને એ મકાનના માલિક તરીકે જાણતા હોઈ શકે અને શ્રીમદ્ રાજચંદ્રના ભક્તજનોએ તેમનું નામ રાજચંદ્રના કાકાસસરા તરીકે સાંભળ્યું હોય.
Dr. Pranjivan Mehta / ડો. પ્રાણજીવન મહેતા
(courtesy : The Mahatma And The Doctor)

આ બધા હકીકતમાં એક લીટીના પરિચય છે. ઓળખ જેવી ઓળખ નથી. ડો.પ્રાણજીવન મહેતાના પ્રતાપી વ્યક્તિત્વને ન્યાય આપી શકે એવી તો બિલકુલ નહીં. પરંતુ હમણાં સુધી ડો. મહેતા આવી જ રીતે ઓળખાતા રહ્યા. ચીવટપૂર્વકનું દસ્તાવેજીકરણ ધરાવતા ગાંધીસાહિત્ય અને તેના આનુષંગિક અનેક પુસ્તકોમાં પણ ડોક્ટરના ઉલ્લેખ અલપઝલપથી વધારે ન રહ્યા. એટલે પૂરા કદના ચરિત્રનો નાયક બે-પાંચ લીટીઓમાં આવજા કરતો રહ્યો ને થોડા જિજ્ઞાસુઓને વધુની તલપ લગાડતો રહ્યો. આખરે એ મહેણું ભાંગ્યું ઇતિહાસના વિદ્વાન અધ્યાપક શ્રીરામ મહેરોત્રાએ. ત્રણ વર્ષ પહેલાં તેમણે પ્રાણજીવન મહેતાનું બૃહદ ચરિત્ર, દુર્લભ તસવીરો અને તેમનાં લખાણોના અંશ 'ધ મહાત્મા અેન્ડ ધ ડોક્ટર’/ The Mahatma And The Doctor શીર્ષક હેઠળ તૈયાર કર્યા. ગાંધીમાં કે ગુજરાતની અસ્મિતામાં કે ગુજરાતે પેદા કરેલાં મહાન વ્યક્તિત્વોમાં રસ હોય એ સૌ માટે અનિવાર્ય ગણાય એવું આ પુસ્તક ડો.મહેતાની ત્રીજી પેઢીના અરુણભાઈ મહેતાએ તેમના વકીલ્સ પબ્લિકેશન અંતર્ગત પ્રકાશિત કર્યું. ગયા વર્ષે તેની ગુજરાતી આવૃત્તિ થઈ છે. અલબત્ત, જિજ્ઞાસુ વાચકો અનેક દસ્તાવેજો અને ભૂલચૂક વગરનું મૂળ લખાણ ધરાવતી અંગ્રેજી આવૃત્તિ જુએ તે જ ઇચ્છનીય છે.

મોરબીમાં જન્મેલા પ્રાણજીવન મહેતા (1864-1932)ની કારકિર્દી કોઈ પણ ધોરણે અને ભણતરનો આટલો મહિમા ધરાવતા અત્યારના યુગમાં પણ અસાધારણ લાગે એવી હતી. ફક્ત 22 વર્ષની ઉંમરે તે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાંથી તે સમયે મળતી LM&S (લાયસન્સીએટ ઇન મેડિસીન એન્ડ સર્જરી)ની ડિગ્રી સાથે ડોક્ટર બન્યા. તેમાં ગોલ્ડમેડલ પણ મેળવ્યો. પછી મોરબી રાજ્યની સ્કોલરશીપ પર યુરોપ ભણવા ગયા અને બ્રસેલ્સમાંથી બે જ વર્ષમાં એમ.ડી. થયા. એ વર્ષ હતું 1889નું. કમાલની વાત એ છે કે બેલ્જિયમમાં એમ.ડી.નો અભ્યાસ કરતાં કરતાં પ્રાણજીવન મહેતાએ લંડનની મિડલ ટેમ્પલ માં બેરિસ્ટર તરીકે અભ્યાસ શરૂ કર્યો અને જે વર્ષે એમ.ડી. થયા એ જ વર્ષે બેરિસ્ટર (બાર-એટ-લો) પણ થયા.
ગાંધીજી સાથેનો તેમનો પરિચય પણ યુરોપમાં અભ્યાસ દરમિયાન થયો. ગાંધીજીએ તેમની આત્મકથામાં નોંધ્યું છે તેમ, લંડનમાં તેમને મળનાર પહેલા જણ પ્રાણજીવન મહેતા હતા. ઉંમરમાં તે ગાંધીજી કરતાં પાંચ વર્ષ  અને તેજસ્વીતામાં-દુનિયાદારીમાં તો ગાંધીજી કરતાં તે વખતે ઘણા મોટા.  19 વર્ષની કાચી ઉંમરે બેરિસ્ટર બનવા બ્રિટન ગયેલા શરમાળ મોહનદાસ પાસે ચાર-ચાર તો ભલામણચિઠ્ઠી હતી. એક  ડોક્ટર પી.જે. (પ્રાણજીવન) મહેતા પર, એક દલપતરામ શુક્લ પર, એક આગલી પેઢીના દેશનેતા દાદાભાઈ નવરોજી પર અને એક ક્રિકેટર તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા જામનગરના પ્રિન્સ રણજીતસિંહ પર.

લંડન પહોંચીને મોહનદાસ પહેલા દિવસે તો મોંઘીદાટ વિક્ટોરીયા હોટેલમાં ઉતર્યા. સાંજે જ ડો.પ્રાણજીવન મહેતા તેમને મળવા આવી ગયા. ડો.મહેતાએ ટેબલ પર મુકેલી ફરની ટોપી પર કાઠિયાવાડી યુવાન મોહનદાસે હાથ ફેરવ્યો એટલે તેનાં રૂંછાં વેરવિખેર થયાં. ત્યારે ડો. મહેતાએ ગાંધીજીને પહેલી સલાહ તો એ આપી કે 'બીજાની વસ્તુને અડવું નહીં અને ભારતમાં પૂછીએ છીએ એવા અંગત સવાલ પૂછવા નહીં.’ એ સિવાય આપેલી ઘણી શીખામણોમાં હોટેલને બદલે કોઇના ઘરે રહેવાની અને લોકોને સર નહીં કહેવાની શીખામણો ગાંધીજીએ ખાસ નોંધી છે. ડો.મહેતાએ તેમને કહ્યું હતું, 'હિંદમાં નોકરો સાહેબને સર કહે, તેવું કરવાની અહીં જરૂર નથી.’

ભૂગોળના સીમાડા અતિક્રમીને આજીવન ટકનારી વિશિષ્ટ મૈત્રીની આ શરૂઆત હતી. ડો.મહેતા ડોક્ટર-કમ-બેરિસ્ટર થઇને 1889માં મુંબઈ પાછા ફર્યા અને મુંબઇમાં પોતાના ભાઈ રેવાશંકર ઝવેરી સાથે રહેવા લાગ્યા. (ડો. મહેતા ઝવેરાતની પરખમાં પણ અત્યંત કુશળ ગણાતા હતા.)  પરદેશની ભૂમિ પર શરૂ થયેલી ગાંધી-મહેતાની દોસ્તી બે વર્ષ પછી મોહનદાસની ભારતમુલાકાત વખતે કાયમી બની. એ વખતે મોહનદાસ અને તેમના મોટા ભાઈ લક્ષ્મીદાસ પ્રાણજીવન મહેતાના ઘરે રોકાયા. આ જ મુલાકાત દરમિયાન તે શ્રીમદ્ રાજચંદ્રને પહેલી વાર મળ્યા. પચીસ વર્ષના રાજચંદ્ર આમ તો કાકાસસરા રેવાશંકર ઝવેરીની પેઢીના ભાગીદાર હતા, પણ   ગાંધી તેમના ચારિત્ર્ય અને આધ્યાત્મિક જ્ઞાનથી બહુ પ્રભાવિત થયા. આત્મકથામાં તેમણે લખ્યું છે કે 'વિવિધ ધર્મોના જ્ઞાનવેત્તાઓને પણ હું મળ્યો છું. પણ મારે કબૂલ કરવું જોઇએ કે શ્રીમદ્ રાજચંદ્ર જેટલા પ્રભાવશાળી વ્યક્તિઓ મારા જીવનમાં મેં બહુ ઓછા જોયા છે. એમની આધ્યાત્મિક પ્રતિભાની મારા ઉપર જે અસર પડી છે તે અન્ય કોઈ નથી કરી શક્યું...મારા અંતરમાં એક વાત દૃઢ થઇ કે આધ્યાત્મિક મુંઝવણ પ્રસંગે તેઓ મારા આશ્રયદાતા અને માર્ગદર્શક બની રહેશે.’

પરંતુ શ્રીમદ્ રાજચંદ્રનો પરિચય એ તો ડો.મહેતા તરફથી ગાંધીજીને મળેલી સૌથી આડકતરી ભેટ હતી. ગાંધીમાં રહેલું વિત્ત બહુ પહેલાથી પારખી ગયેલા તેમના આદિમિત્ર ડો.મહેતાની બીજી ભેટો ગાંધીજીના યુગકાર્યમાં મોટો ટેકો પૂરો પાડનારી બની રહી. તેની વિગતો આવતા સપ્તાહે.

(સુધારોઃ મૂળ લખાણમાં ભલામણચિઠ્ઠી વિશેના ઉલ્લેખમાં સરતચૂક હત, જે લેખ આવી ગયા પછી અચાનક ધ્યાને આવી હતી. તે હવે સુધારી લીધી છે.)

Wednesday, March 22, 2017

ચૂંટણીનાં પરિણામ અને 'ન્યૂ ઇન્ડિયા'

ઉત્તર પ્રદેશમાં ભવ્ય જીત પછી વડાપ્રધાને તો ઠીક, ઘણા રાજકીય સમીક્ષકોએ પણ જણાવ્યું છે કે આ પરિણામો ‘ન્યૂ ઇન્ડિયા’નો ઉદય સૂચવે છે. ભાજપને મળેલી 312 બેઠકથી ઘણા સમીક્ષકોની વિચારશક્તિ પર વીજળી પડી હોય એવું લાગે છે. વડાપ્રધાન મોદી અને ભાજપ આવો દાવો કરે તેમાં નવાઈ નથી. પરંતુ એ દાવા ગળે ઉતારવા કે નહીં, તે સમીક્ષકોએ અને નાગરિકોએ નક્કી કરવાનું રહે છે.વિરોધ પક્ષોમાં પરિણામનો સાચો અર્થ આપવા જેટલા પણ વેતા હોય એવું જણાતું નથી.

વોટિંગ મશીનનો વાંક કાઢનારા વિપક્ષો અને ‘ન્યૂ ઇન્ડિયા’ના દાવા કરનારા વડાપ્રધાન (તથા તેમના સમર્થકો)ની વચ્ચે, મતની ટકાવારી નાગરિકોને પ્રાથમિક માહિતી પૂરી પાડે છે. આ ટકાવારીથી ભાજપની જીતનો જશ કે તેનો પ્રભાવ રતીભાર ઓછાં થતાં નથી, પણ અતિશયોક્તિભર્યા દાવાની અસલિયત સહેલાઈથી ઉઘાડી પડી જાય છે. ઘણા સમીક્ષકોએ ઉત્તર પ્રદેશનાં પરિણામોને એવી રીતે રજૂ કર્યાંં કે તે વડાપ્રધાનની (નોટબંધી સહિતની) નીતિઓને મળેલું પ્રચંડ જનસમર્થન સૂચવે છે.

પ્રચંડ એટલે કેટલું?

જવાબ છેઃ 403 બેઠકોમાંથી 312 બેઠકો જેટલું, એટલે કે 78 ટકા.

પરંતુ આ અર્થઘટન સાચું નથી. મતની ટકાવારી જોતાં સ્પષ્ટ છે કે કુલ મતદાનમાંથી ભાજપને 39.7 ટકા, બહુુજન સમાજ પક્ષને 22.2 ટકા, સમાજવાદી પક્ષને 21.8 ટકા અને કોંગ્રેસને 6.2 ટકા મત મળ્યા. તેનાથી ભાજપની જીત જરાય ઝાંખી પડતી નથી ને વિપક્ષોની હાર જરાય ઉજળી થતી નથી, તેમ એ પણ સમજાવું જોઈએ કે ઉત્તર પ્રદેશના મતદારોમાંથી 78 ટકા મતદારોએ નહીં, 39.7 ટકાએ ભાજપને મત આપ્યા છે. એ મત વડાપ્રધાનની અને તેમની નોટબંધી સહિતની નીતિની તરફેણમાં હોય, તો 50.2 ટકા લોકોએ તેની વિરુદ્ધમાં (બીજા મોટા પક્ષોને) મત આપ્યા છે.

‘ફર્સ્ટ પાસ્ટ ધ પોલ’ (જેટલા હોય તેમાં સૌથી વધારે)નો નિયમ ધરાવતી ભારતની ચૂંટણીઓમાં પહેલેથી આ ગણિત ચાલ્યું છે. કોંગ્રેસનુું એકચક્રી રાજ હતું ત્યારે તેની તરફેણમાં મત આપનારા કરતાં તેમના વિરોધમાં મત આપનારાનું પ્રમાણ વધારે રહેતું હતું. ત્યારે પણ વેરવિખેર વિપક્ષોને કારણે કોંગ્રેસ ફાવતી રહી. અભ્યાસી મિત્ર સલિલ દલાલે યાદ કર્યું તે પ્રમાણે, જનસંઘના જમાનામાં અડવાણી જેવા વિપક્ષી નેતા જોરશોરથી ચૂંટણીસુધારાની અને ‘ફર્સ્ટ પાસ્ટ ધ પોલ’ની પદ્ધતિને સુધારવાની હિમાયત કરતા હતા.   અત્યારની કોંગ્રેસ ચૂંટણીસુધારાની વાતની તો ઠીક, સાદી બહુમતી મળી હોય એવાં રાજ્યોમાં સત્તા સ્થાપિત કરવાની ત્રેવડ પણ ધરાવતી નથી (જે મણિપુર અને ગોવામાં દેખાઈ ગયું)

અને માયાવતી? એ સમજવા-સ્વીકારવા તૈયાર નથી કે વાંક વોટિંગ મશીનનો નહીં, તેમની વ્યૂહરચનાનો કે પ્રકૃતિનો છે. સમાજવાદી પક્ષ સાથે તેમણે જોડાણ કર્યું હોત તો બિહારની તરાહ પર તે ભાજપને હંફાવી શક્યાં હોત. આ બોધપાઠ તેમને લોકસભાની ચૂંટણી પછી મળી જવો જોઇતો હતો. કેમ કે, ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80માંથી 71 બેઠકો પર ભાજપ જીત્યો ત્યારે 71માંથી 41 બેઠક એવી હતી, જ્યાં સમાજવાદી પક્ષ-બહુજન સમાજ પક્ષ-કોંગ્રેસને મળેલા મતનો સરવાળો ભાજપના મતો કરતાં વધારે થતો હતો. તેમાંથી પણ 29 બેઠકો એવી હતી, જ્યાં ફક્ત સમાજવાદી પક્ષ-બહુજન સમાજ પક્ષ સાથે મળીને ભાજપને હરાવી શક્યાં હોત. પરંતુ વિપક્ષોમાં એકતા અને પોતાના સ્વાર્થની પણ સમજના અભાવને કારણે ઉત્તર પ્રદેશમાં ભાજપની એવી જીત થઈ કે તે સુપર-પાર્ટી લાગવા માંડે (ભલે ત્રણ રાજ્યોમાં તે બેઠકસંખ્યામાં બીજા નંબરે હોય)

પરિણામો પછી વડાપ્રધાને તેમના હોદ્દાને છાજે એવી ભાષામાં નમ્ર બનવાની વાત કરી, તે આવકાર્ય છે. પરંતુ તેમનાં વાણીવર્તનનો વિરોધાભાસ અવગણવો અઘરો છે. એટલે જ તે ઉત્તર પ્રદેશની ચૂંટણી પછી ‘ન્યૂ ઇન્ડિયા’ની વાત કરે અને તેના પગલે સમુહગાન શરૂ થઈ જાય, ત્યારે તે રમુજી એટલું જ કરુણ લાગે છે. દાવો એવો છે કે ઉત્તર પ્રદેશમાં જ્ઞાતિનાં સમીકરણનો અને જ્ઞાતિઆધારિત રાજકારણનો અંત આવ્યો અને બધાએ નાતજાતના ભેદભાવ ભૂલીને મોદીને-ભાજપને જીતાડી દીધા. ટાઢકથી વિચારનાર કોઇને પણ સમજાશે કે જ્ઞાતિનાં સમીકરણનો-જ્ઞાતિવાદના રાજકારણનો અંત આવ્યો નથી. તેનો ચહેરો બદલાયો છે. અત્યાર લગી એ ગણિત પર માયાવતી-મુલાયમની પકડ હતી, પણ મોદી-અમિત શાહ અને તેમના બીજા વ્યૂહકારોએ વિપક્ષોને એ સરવાળાબાદબાકીમાં પછાડી દીધા છે (અને અગાઉ જણાવ્યા પ્રમાણે, વિપક્ષોએ એકજૂથ ન થઈને ભાજપને જ મદદ કરી છે.)

વિપક્ષો એટલે જ્ઞાતિવાદ-ભ્રષ્ટાચાર અને ભાજપ એટલે જ્ઞાતિવાદમુક્ત-ભ્રષ્ટાચારમુક્ત એવું સમીકરણ વડાપ્રધાન અને તેમના સમર્થકો તો રજૂ કરે, પણ બીજા લોકોએ તેનાથી અંજાઈ જવાની કે ભક્તજનોના ઉગ્ર આક્રમણથી બચાવની મુદ્રામાં આવી જવાની જરૂર નથી. મોદીસમર્થકો ઇચ્છે છે કે 312 બેઠકોના ઝળહળાટમાં બીજું કશું જોવામાં ન આવે અને એ જે દાવા કરે તે ચૂપચાપ, નીચી મુંડીએ સ્વીકારી લેવામાં આવે. પણ 312 બેઠકોથી સચ્ચાઈ બદલાતી નથી અને સચ્ચાઈ એ છે કે ભાજપે પણ જ્ઞાતિનાં સમીકરણો માંડ્યાં હતાં ને તેમાં કોમી ધ્રુવીકરણનો પૂરતી માત્રામાં વઘાર કર્યો હતો. હવે જીત્યા પછી તે આ બધું ભૂલાવીને ‘ન્યૂ ઇન્ડિયા’ની વાત કરે તે કેમ ગળે ઉતરે? બીજા લોકો તો ઠીક, જીતના મુખ્ય શિલ્પી મનાતા વડાપ્રધાન મોદી અને પક્ષપ્રમુખ અમિત શાહનાં ચૂંટણીપ્રચારનાં ભાષણની ઝલક સાંભળી જોજો. આ ‘ન્યૂ ઇન્ડિયા’ હોય તો એ ચિંતા ઉપજાવનારું છે--અને હકીકતમાં એ ‘ન્યૂ’ છે જ નહીં. એ કોપીરાઇટર વડાપ્રધાનનું વધુ એક શબ્દાળુ સર્જન છે.

આ એ ‘ન્યૂ ઇન્ડિયા’ છે, જેમાં કોંગ્રેસી સ્ટાઇલમાં રાજ્યપાલોને સાથે રાખીને ગાફેલ વિપક્ષો પાસેથી સત્તા આંચકી લેવામાં આવે છે, જ્યાં વિકાસની ઠાલી વાતો કરીને યોગી આદિત્યનાથ જેવા કટ્ટર અને ગોવધ-લવજેહાદના નામે ધર્મઝનૂન ફેલાવતા માણસને મુખ્ય મંત્રી બનાવવામાં આવે છે, જ્યાં વ્યાપમંથી માંડીને GSPCથી માંડીને ભાજપરાજમાં થતી ગેરરીતિ-ગોટાળા સહેલાઈથી વિસારે પડી જાય છે, જ્યાં ‘સ્ટાર્ટ અપ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ જેવા નારા ખાલી ખખડે છે, સત્તાધારી પક્ષનો છાંયડો ધરાવતાં સંગઠન કોલેજ કેમ્પસથી અદાલતના પ્રાંગણ સુધી સરેઆમ ગુંડાગીરી ચલાવે છે… આ છે ‘ન્યૂ ઇન્ડિયા’?

વડાપ્રધાનના ચાહકો વિશ્લેષણની કોઈ પણ કવાયતને ‘વિજયનો અસ્વીકાર’થી માંડીને ‘ બળતરા’ જેવાં લેબલ લગાડે, એટલે એ કરવાનું છોડી ન દેવાય. તેમની મર્યાદા આપણી મર્યાદા શા માટે બનવી જોઇએ?